ગાંધીના આ રમકડાં
ગાંધીના આ રમકડાં
આંખો બંધ કરીને અહીં સઘળું જોવાય છે,
જોયા પછી ક્યાં કોઈથીયે ચૂપ રહેવાય છે,
ક્ષીર ને નીરના આ બુદ્ધિવિવેકમાં,
ગુણ ને દોષ એક જ ત્રાજવે તોળય છે.
કાન બંધ કરીને અહીં સઘળું સંભળાય છે,
સાંભળ્યા પછી એને વિસ્તારવાનું મન થાય છે,
સાંભળેલું કહેવામાં ને કહેલું સાંભળવામાં,
અર્થનો અનર્થ થઈ લાગણી દુભાય છે.
મોં બંધ રાખીને અહીં સઘળું બોલાય છે,
મૌનના શસ્ત્ર વડે નિશાન અહીં સધાય છે,
લાગણીના વૃક્ષ પર શબ્દના ઘા ઝીંકાય છે,
સ્નેહનો સેતુ પળમાં જ જમીનદોસ્ત થાય છે.
ગાંધીના આ રમકડાં આજે હાટમાં વેચાય છે,
છોડી હદય એ દીવાનખંડમાં સોહાય છે,
બાપુ હયાત હોત તો એ પણ વિચારતા,
મારાં રમકડાંની આવી પણ દશા થાય છે.