દીપ પ્રગટે
દીપ પ્રગટે
1 min
283
દીપ પ્રગટે જાદુનો, નીકળે સુંદર પરી,
ભાવ વરસે ભીતરે, પીરસે દૈવત ધરી,
સાંપડે ઈચ્છા સકલ, મોહવશ થઈને જગે,
ઝંખનાઓ વાવરે, લાગતી ભીની ખરી,
સ્વપ્ન હો સાચુકલાં, ત્રોફતાં કામણ બધાં,
પોયણી શી એ કલી, પાંગરે મોહક જરી,
આંખમાં આંજ્યાં ઝરણ, એ હૃદય લોભાવતી,
એ નયન નાજુક બની, લાગણી મીઠી ઠરી,
વેલડી સંસારની, દિલ સહારે ચાલતી,
સાંકડી છો હો ગલી, પ્રેમ ઘેલી આદરી,
આ સફર ચાલ્યાં કરે, જિંદગી મોજે અનંત,
શ્વાસના સંવાદમાં, સાદ પાડે એ ફરી,
જાદુઈ ચિરાગ એ, જ્યોત ઝળહળ રાત-દિન,
એ પ્રકાશે આખરે, ઉજ્જવળ જીવન વરી.
