દીકરાનો ઇન્તજાર...
દીકરાનો ઇન્તજાર...
સીમાબેન અને રસિકલાલ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. એક બપોરે રસિકલાલ ઊંઘમાં જ બોલવા લાગ્યા. આવી ગયો મારો દીકરો. અમે તારો જ ઇન્તજાર કરતા હતા દીકરા. સીમાબેન બાજુમાંજ હતા એમણે રસિકલાલને ઢંઢોળીને ઉઠાડ્યા.પાણી આપ્યુંને કહ્યું, 'દીકરો યાદ આવી ગયો ? એકવાર દીકરાને પત્ર લખી જુઓ. મને આશા છે, જરૂર આવશે.
(રસિકલાલ દીકરાને પત્ર લખવા બેઠા, જે દીકરો આજથી ત્રણ વરસ પહેલાં પોતાના માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. આજે ત્રણ વરસ થવા આવ્યા છે દીકરા તારી ખૂબ યાદ આવે છે. ક્યારે આવશે તું ?)
થાકેલી ને ઝાંખી આંખો તને જોવા તરસે છે,
ક્યારે આવશે તું ?
નાનો હતો ત્યારે તારી મા ને પૂછતો,
મા પપ્પા ક્યારે આવશે ?
આજે હું તને પૂછું છું દીકરા
ક્યારે આવશે તું ?
મારી આંગળી પકડી પા..પા.. પગલી ચાલતો,
આજે મારા પગ ડગમગે છે..દીકરા,
ક્યારે આવશે તું ?
મારી આંગળી પકડી સ્કૂલે જતો તું,
આજે દેવમંદિર લઈ જવા..દીકરા,
ક્યારે આવશે તું ?
દોસ્તોની મહેફિલમાં સુટબુટ પહેરી જતો તું,
આજે મારી ચંપલની પટ્ટી સંધાવવાની છે દીકરા,
ક્યારે આવશે તું ?
આત્મદીપ બુઝાય ને દેહ ઢળી પડે એ પહેલાં,
એકવાર તને જોવો છે દીકરા,
ક્યારે આવશે તું ? ક્યારે આવશે તું ?
