છોડી જંજાળ હવે જીવવાનું રાખું
છોડી જંજાળ હવે જીવવાનું રાખું


સંસારી મોહ બધો ત્યાગીને જાત મારી હરિ તારા શરણે હું રાખું.
છોડી જંજાળ હવે જીવવાનું રાખું.
રોપી દઉં શબરી જ્યમ શ્રધ્ધાને બોર રોજ ચાખું,
ધરી હાથ નેજવેને જોતી, દેખાય ભલે ઝાંખું.
જનમો જનમની પ્યાસ લઇને હું તો બેઠી મુખડું રામજી તણું દાખું.
છોડી જંજાળ હવે જીવવાનું રાખું.
આકાશે ધ્રુવ તારો જોઈને ભાવ ભક્તિનો જાગે,
મનમાંથી રહી સહી ભ્રમણાઓ જો કેવી ભાગે.
મારી આ બધી વાસનાઓને સમેટીને પછી આગમાં હું નાખું.
છોડી જંજાળ હવે જીવવાનું રાખું,
નરસૈયો મીરાં કે કબીર ના બની શક્યું કો' પાછું.
ઝાંખી થોડી તારી થઈ જાય એવું હું વાંછું,
પછી ભલે મળે હળાહળ એનેય શ્રધ્ધાને પ્રેમપૂર્વક હું તો ચાખું.
છોડી જંજાળ હવે જીવવાનું રાખું.