છેલ્લો શ્વાસ
છેલ્લો શ્વાસ

સાવ છેલ્લો શ્વાસ ભરીને ચાલી નીકળ્યો માણસ,
બુઝાવીને આંખોમાંનું ઝળહળ ઝગમગતું ફાનસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને...
પહેલા તો પોતાની અંદર સ્વપ્ન હજારો વાવ્યા,
પાછળથી બીજાની સાથે સ્વપ્નોને સરખાવ્યા,
સાવ અધૂરા શમણા છોડી હાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને ચાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને...
દુનિયાદારીના રસ્તે તે એકલપંડે ચાલ્યો,
અણીયાળી ગલીઓમાં પણ તે થોડું થોડું મ્હાલ્યો,
તોય થોડા ઘાવ મનમાં ઘાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને ચાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને...
કુદરતના ખોળામાં કેવું હસતો, રમતો, ફરતો’તો,
મોઢે થોડો પ્યાર, થોડી જીદ કેવી એ કરતો’તો !
ભર્યો-ભર્યો લાગે છતાંય ખાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને ચાલી નીકળ્યો માણસ,
સાવ છેલ્લો શ્વાસ ભરીને....