છાશ
છાશ


સોરઠમાં છાશ જીવનનું છે એક અંગ અભિન્ન
કહેવતે ને દહીં વલોવ્યે બનતી છાશ વિભિન્ન
દહીં વલોવી તૈયાર થઇ છાશ ને કર્યું ઘોલ
લેવા જવી છાશ ને દોણી સંતાડવાની પોલ
મથિત બન્યુ દહીંમાંથી કાઢી મલાઈનો થર
દૂધનો દાઝેલો છાશ ફૂંકી પીવે ધ્રૂજે થરથર
ઉમેર્યું શેર દહીંમાં પાશેર પાણી ને બન્યું તક્ર
છોરા રહે છાશ વિના પરિશ્રમ જ ચલાવે ચક્ર
દહીં નીર સપ્રમાણ વલોવ્યે બનશે ઉદશ્ચિત
રજાકજાએ રિવાજ છાશ પીવી જાણો નિશ્ચિત
છચ્છિકા નીપજે જલ અતિ તારવ્યું નવનીત
છાશમાં ગયે બૈરું ફૂવડ કહેવાય અપમાનિત
છાશમાં મિશ્રિત નિમક ને જીરું બન્યું ઘોળવું
ખાટી છાશ પાવી પાડીને ક્યાં ઉકરડે ઢોળવું
ભેંસ ભાગોળે છાશ છાગોળે ને ઘરે ધમાધમ
એકએક ખાણે કાઠિયાવાડમાં છાશ ભમાભમ
દુકાળ ને વળી ઉપરથી આવ્યો અધિક માસ
ભૂખ્યો અને વળી બિચારાને મળી ટાઢી છાશ
શ્રવણની કાકડી ભાદરવાની છાશ ના પ્રમાણ
તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ પ્રાણ
તાવ કહે હું તુરિયામાં વસુ ગલકા દેખીને હસું
ખાય દહીં મૂળો ને છાશ તેને ઘેર હું આવી વસુ
સોરઠમાં છાશ જીવનનું છે એક અંગ અભિન્ન
પરબ બંધાવ્યા ઉનાળે છાશના ભિન્ન વિભિન્ન.