ચાલને ફરી જીવી લઈએ
ચાલને ફરી જીવી લઈએ
યાદ આવ્યું છે બાળપણ, ચાલને ફરી જીવી લઈએ,
રમી સંતાકૂકડી ને દોડ પકડ, ચાલ ને હારી જીતી લઈએ,
કિટ્ટા બુચ્ચા ફરી કરીને, ચાલ ને ગળે મળી લઈએ,
લખોટી ને ગિલ્લી દંડાથી, ચાલને ફરી મોજ કરીએ,
ભમરડા કાચુકાની રમતો, ભૂલી ગયાં તે યાદ કરીએ,
સાપસીડી કોડીની રમતો, અભરાઈએથી ઉતારીએ,
ગંજી પાનું રમી રમીને, શેરીને જીવંત કરીએ,
સાયકલનું ટાયર લઈને, દોડા દોડી ખૂબ કરીએ,
છાપ કાંટ ને બાકસ પટ્ટીની, જૂની રમતો આજ રમીએ,
છગન મગન છાપરે લગન કહીને, મિત્રોની મજાક કરીએ,
યાર બધાં ભેગાં મળીને, મોજ-મસ્તી ખૂબ કરીએ,
ભૂલી ગયેલાં દિવસોને, ચાલો આજે ફરી જીવીએ.
