બધા ઈશ્વર નથી હોતા
બધા ઈશ્વર નથી હોતા
ભલા જે હોય છે દિલના, બધા સુંદર નથી હોતા,
નમાવે એ ભલે માથું, બધા આદર નથી હોતા,
મરે છે હરઘડી, મજબૂર એ લોકો હશે કેવા ?
નહીં તો રોજ મરવાના, બધા અવસર નથી હોતા,
વિચારો કેટલો બોજ એ વહે છે એમના જ શિરે,
ઘણા દેખાય છે એવા, બધા પગભર નથી હોતા,
ખુશનસીબી છે એ થોડાકની કે એ બને ભગવાન,
નસીબે એટલા બળિયા, બધા પથ્થર નથી હોતા,
ખુદા બનવું છે સઘળા ને જગતના ઝેર પી લઈને,
છતાં જે ઝેર પીવે એ બધા, શંકર નથી હોતા,
દુઆઓ ના કરો ત્યાં હાથ ફેલાવી તમે "સંગત"
અહીં આ તીર્થસ્થાનો માં, બધા ઈશ્વર નથી હોતા.
