બાનું વ્હાલ
બાનું વ્હાલ

અમી ભરેલી આંખડી જેની બોલે 'મારા લાલ',
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.
એના ચહેરે સ્મિત રમે ને જીભે રહેતી ‘ખમ્મા’,
આશિષ એના મનમાં સદા કરતી હોય પરિક્રમા,
એના શબ્દો ગોળ બનીને મારા ચૂમી લેતા ગાલ,
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.
જેના હાથે ભોજન લાગે અન્નપૂર્ણાંનો પ્રસાદ,
એથી પણ મીઠો લાગે એના હાલરડાંનો સાદ,
સાવ સુંવાળા શબ્દો એના કરતા માલામાલ,
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.
ચશ્મા પહેરી મારી સામે આંખો કરે ઝીણી
,
મારા મનમાં રમતા પેલા વિચાર લેતી વીણી,
ઝીણી ઝીણી નજર રાખી કરતી રહેતી સવાલ,
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.
દુઃખ ગમે એ હોય, પણ એ કદીય કોઈને ન કે'તી,
એકલી બેસી ઘરના ખૂણે આંસુ સારી દેતી,
એની આંખોમાં દેખાતા'તા હૈયા કેરા હાલ,
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.
'ક' અને 'ખ' ની પકડા પકડી ગમતી મને રોજ,
પાટીમાં એ પેન ઘૂંટાવે પણ મારે તો મસ્તીની મોજ,
લાખ બુમો પાડે તોય એને ગમતી મારી ધમાલ,
મારી બાને હૈયે ઉછળતું એ દરિયા જેવું વ્હાલ.