બાંધછોડ
બાંધછોડ
ગુલાબનું ફૂલ રંગ બદલવાની બાંધછોડ કરે તો ?
ને સુગંધ હવામાં ન વહેવાની બાંધછોડ કરે તો ?
દરિયો તો પછી એમ જ કોરૂકટ્ટ રણ થઈ જાય,
વહેતી નદીઓ સ્થિર રહેવાની બાંધછોડ કરે તો !
પછી તો અસ્તિત્વમાં ટહુકાની ઘટના જ નાબૂદ થાય,
જિદ્દી પંખી જો પિંજરે પુરાવાની બાંધછોડ કરે તો ?
હું ને મારી એકલતાનો વૈભવ પડી જાય સાવ ફિક્કો,
યાદ તારી કદી જ ન આવવાની બાંધછોડ કરે તો !
ને સામ્રાજ્ય વિરહનું ભલે લૂંટી લ્યે મિલનની ક્ષણો,
આ હૃદય માત્ર તને જ ચાહવાની બાંધછોડ કરે તો !
આ રસમ આ રિવાજ તો મર્યાદિત દાયરો સંસારનો,
આ માંહ્યલો એનીયે ઉપર ઊઠવાની બાંધછોડ કરે તો ?
તારા સિવાય હવે કશું જ ન દેખાય મારી આ આંખને,
આ જાત મારી અર્જુન હોવાની બાંધછોડ કરે તો !
એક 'પરમ' જિદ પલ પલ પુષ્ટ થાય તને પામવાની,
આ હૈયું 'પાગલ' પન ન છોડવાની બાંધછોડ કરે તો ?
