બાળપણની છૂટી ગયેલી દોસ્તી
બાળપણની છૂટી ગયેલી દોસ્તી
એ દોસ્ત,
આપણે કેટલું બધું રમતાં હતાં,
આમલી પીપળી, ગેડી દડો ને ખૂણે ખાચરે સંતાતા હતાં..!
તને સાંભરે ખરું..?
મને કેમ વિસરે..!
હું છૂપુ તો તું કહેતો બહારના નીકળીશ, માટલી ચિરાણી, એકને માથે સાત દાવની બૂમો,
યાદ કરતો હવે તો ગળે બાઝે છે હજી ડૂમો..!
એ કાચી કેરી, ખાટી આમલીનાં કાતરાં, ચણી બોર અને ખાટા ખાટાખટમૂડા ને કમરક,
હજય યાદ આવે એ ખોટી ખોટી મારપીટ ,બૂમાબૂમ,લમણાઝીં ને રકઝક..!
એયને ...
કોડી, પાચીકા અને લખોટીઓની વહેંચણી,
ચોકલેટનાં રેપરની ઢીંગલી ને દિવાસળીનાં બાકસની છાપની લેણાદેણી...!
ક્યાં ખોવાયું એ અલ્લડ બાળપણ,
સાવ નવરાં થઈ વગડે રખડવાનું ગાંડપણ..!
યાદ આવે છે એ બાળપણની છૂટેલી દોસ્તી,
ક્યાં ગયો મારો પ્યારો દોસ્તાર ને ક્યાં ગઈ એ અલગારી દોસ્તી..!
