અનુસ્વાર
અનુસ્વાર


અનુસ્વાર છું
અક્ષર ઉપર અસ્વાર છું,
નાનકડું બિંદુ છું
અક્ષરને શિર મીંડું છું,
અંક, અંગ ને આંખમાં ઙ હું
પાંચ, પંજા ને પુંછમાં ઞ છું,
ઊંટ, કંઠ ને અંડમાં ણ હું
કાંત, કાંધ ને કાંડામાં ન છું,
પંપ, રંભા ને અંબામા મ હું
કંપમાં તીવ્ર ને કાંપમાં કોમળ,
ઙ, ઞ, ણ, ન ને મ અનુનાસિકો
કરો ખુલ્લા નાકે ઉચ્ચારણ,
કંઠ્ય હરોળમાં ઙ અનુનાસિક
તાલવ્યમાં ઞ, મૂર્ધન્યમાં ણ,
દંતયમાં ન અનુનાસિક
ઔષ્ઠ્ય હરોળમાં મ બિચારો,
સર્વનામમાં હું ને તું અર્ધાક્ષર છું
ક્રિયાપદમાં બોલું, લખું છું,
છગનભાઇ ચોરે ગયા
પણ ઝમકુબેન મંદિરે ગયાં,
નર એક કે અનેક નહીં બિંદી
નારી એક હોય તો ય બિંદી,
ભાઈ કે ભાઈઓ આવ્યા
ભાઈ ને ભાભી આવ્યાં,
નાનો પણ નિયમબદ્ધ છું
નાન્યતર જાતિમાં વ્યાપક છું,
કૂતરો કેવો છોકરો કેવો
કૂતરું કેવું ને કૂતરાં કેવાં,
અનુસ્વાર છું
નાકનો નાદ છું.