અક્ષર
અક્ષર
કુંવારી કલ્પનાનાં ઉંબરે આહટ સંભળાય અક્ષરની,
ને પછી ભાવ બની શબ્દોમાં જિંદગી પડઘાય અક્ષરની !
કોરા કાગળ ઉપર દુનિયા અનુભવની એક ઉતરે,
પછી શબ્દના ગર્ભિત અર્થમાં આત્મા સચવાય અક્ષરની !
કવિતાઓમાં નિષ્ફળ પ્રતિક્ષાઓ પ્રેમની ભલેને પ્રગટે,
ને તોય એમાં ગૌરવભેર ગરિમા જળવાય અક્ષરની !
જો કદી વળી ઉભરે સૌંદર્ય પ્રિયતમનું શબ્દ દેહ બની,
તો કાગળનો ઘૂંઘટ ઓઢી જિંદગી શરમાય અક્ષરની !
ને ઝૂમે જો મસ્તીથી આ જમાનો વાંચી કવિતાઓ મારી પણ,
મારા અધરોના સ્મિત વચ્ચે આત્મા હરખાય અક્ષરની !
કેટલા ભાંગેલા સપનાઓ સાચવી ડૂસકે ચડે છે શાયરી ?
ત્યારે શબ્દોનાં ગુલશનમાં આત્મા કરમાય અક્ષરની !
મારા સ્વપ્નનાં આંગણે ઘાયલ કવિતાઓનાં અવશેષોમાં,
મૃત અહેસાસોનાં પાળિયા જેવી મૂર્તિ પૂજાય અક્ષરની !
શબ્દ થકી 'પરમ' નિ:શબ્દની દુનિયામાં પ્રવેશ થાય મારો,
ને રોજ એક 'પાગલ'પન સાથે આરાધના થાય અક્ષરની !
