આખરે માણસ છે
આખરે માણસ છે
ક્યારેક ખરાબ હોય છે, તો ક્યારેક સારો હોય છે
માણસને માપી શકાય, એવો ક્યાં કોઇ ધારો હોય છે?
માણસના બદલતા મૂડને સમજવું છે ખુબ જ મુશ્કેલ કામ,
ક્યારેક નદી સમ ચંચલ, ક્યારેક સાગર સમ ઉછાંછરો હોય છે,
પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવું પડતું હોય છે,
માણસ છે – ક્યારેક હિમ તો ક્યારેક અંગારો હોય છે,
દરેકે દરેક ચીજ ક્યાં એના હાથમાં હોય છે?
ક્યારેક કથીર તો ક્યારેક હીરા જેવો સિતારો હોય છે,
ક્યારેક સક્ષમ હોય છે દુનિયાને ટેકો આપવા માણસ,
સમય બદલે તો ક્યારેક લાચાર અને નોંધારો હોય છે,
અપનાવી લેવો જોઈએ માણસને એના ગુણ-દોષ સાથે,
આખરે તો નદી, નાવ અને સંજોગોનો જન્મારો હોય છે.