આદત
આદત
ખબર નથી મને કે ક્યાંથી પડી આવી આદત,
જે હાથમાં જ નથી તે વિશે વિચારવાની આદત,
સુખ આસપાસ હોય છે તેવું જ કહેતા કહેતા,
જે દૂર હોય છે તેમને કાયમ શોધવાની આદત,
સહેલું જીવન હોય છે તે છતાંય જાણું ના કેમ,
પડી છે ગાડીને પાટા પરથી ઉથલાવવાની આદત,
જીવન જીવું છું એવું તો આ જગત સમજે છે,
કારણ ખરું તો એવું કે પડી છે જીવવાની આદત,
સમજણ નામનો શબ્દ મારાં જ શબ્દકોશમાં છે,
કોઈ માનતું નથી કે મને જ છે સમજવાની આદત !
સાગર સમ ઊંડો ભલે ને માનતું જગત મને પરંતું,
મારાં સ્વભાવમાં છે નદીની જેમ વહેવાની આદત,
ક્યારેક સહનશક્તિ પણ મને કહે છે કે બસ કર તું,
તેને માત્ર તેટલું જ કહું છું, મને છે સહેવાની આદત !
કહેવાય છે કે માંગવાથી ઈશ્વર બધું જ આપી દે છે,
પણ કેવી રીતે માંગુ? મને નથી કંઈ માંગવાની આદત !
આખી જિંદગી હસતા મોઢે ઘસી નાખે જાત પોતાની,
કે પુરુષને હોય છે જન્મજાત આવું કરવાની આદત !
અમસ્તા જ નથી કહેવાતી બે કૂળની લાજ દીકરીને,
તમે એક વાર તો પાડો તમારું ઘર છોડવાની આદત !