શણગાર
શણગાર
"શણગાર બ્યુટી પાર્લર.."
..તો પછી ચાલુ કર્યું પણ, શુચિતા એ તો પોતાની ઢીંગલી, નિરવા, જેને પ્રેમથી નીની કહી બોલાવતી હતી. નીનીને શણગારતાં એ પોતાની જાતને શણગારતી. સ્કૂલકાળ દરમિયાન બધા કાર્યક્રમમાં નીનીનો વટ્ટ પડતો. અને નીની નો એ વટ્ટ, શણગાર માટે શુચિને તો જાણે કે રિવૉર્ડ નહિ એવોર્ડ જ હતો ! કોલેજમાં પણ, પેલા જ વર્ષથી નીનીને શિલ્ડ મળ્યો, એ તો કોલેજમાં બ્યુટિકવીન ગણાવા લાગી.
પણ, એક વખત...
નીની ને ચક્કર આવ્યા ને દવાખાને લઇ જતાં, બ્લડકેન્સર નિદાન થયું અને શુચિતાની નીની એ ફિકકાશનો શણગાર સજ્યો. શુચિતાએ કઠણ કાળજું કરી વેદનાને દૂર કરી સ્થિરતાનો શણગાર સજ્યો. નીની, બીમાર પડી પણ, એવી તો વ્હાલી લાગે બધાને કે ન પૂછો વાત ! કુદરતને પણ, નીની પર એવો તે કેવો પ્રેમ ઉભરાઈ ગયો કે એણે પોતાની પાસે બોલાવી લીધી.
શુચિતા પર આભ ફાટી પડ્યું. પણ, કોઈ કઠણ કાળજાનો પુરુષેય સ્થિરતા ન રાખી શકે, એવા આ સંજોગોમાં ન જાણે કઈ શક્તિ શુચિતામાં આવી કે, એણે પોતાની નીની માટે, એની અંતિમ તૈયારી માટે, રડતાં કકળતા હૈયાને એકબાજુ હડસેલી ને મક્કમ મને પોતાના જ હાથેથી સોળે શણગાર કર્યા !
શુચિતાએ જાહેર કર્યું કે, "મને કુદરતે જે ફૂલ આપ્યું હતું, એ મારી પાસેથી લઈ જવાની છે તો, હું પણ, મારા આ ફૂલ ને એવું જ સજાવીને મોકલું કે એને પણ મારી ફૂલ જેવી દીકરીને સ્વીકારતા ગૌરવ થાય !"
કુંવારી નીનીને દુલ્હનની જેમ પોતાના પ્રાણ રેડી ને શુચિતાએ શણગારી
છેલ્લી વખત. કાચની પૂતળી જેવી નીની !
આંસુ નો દરિયો, એવો ઉમટ્યો, હાજર રહેલા લોકોની આંખોમાંથી
કે કાળ ને પણ શરમ આવવા લાગી જ હશે ! પણ, આ તે માનો દીકરી સાથે કેવો અતૂટ નાતો સંબંધોનું આ સમીકરણ ક્યારેય ન તૂટે. એ આત્માથી આત્મા છૂટો પડ્યો. ને શુચિતા એ નીનીના નિર્જીવ દેહનો શણગાર પૂરો કર્યો ! ને એ માં ઢળી પડી !
બોલાવેલા ડોક્ટરે કહ્યું,
"I'm sorry !!"
સંબંધનો આ તે કેવો "શણગાર"