STORYMIRROR

Dina Vachharajani

Others

4  

Dina Vachharajani

Others

જીવન

જીવન

4 mins
309

અરે ! ક્યાં ભોગ લાગ્યા તે અમે આ ઘર ખરીદ્યું ? મારી સહેલી સૌમ્યા નવા-સુંદર ઘરમાં રહેવા ગઈ પણ એનો આ કકળાટ સૌને આશ્ચર્ય પમાડતો. જ્યારે નવું ઘર શોધતા હતા ત્યારે એમની ઘણી શરતો હતી. લીફ્ટ વગરનું બિલ્ડીંગ હોય-તો બીજા માળથી ઉપર ન હોવું જોઈએ. વેસ્ટ ઓપન હોવું જોઈએ જેથી હવા -ઉજાસ ભરપૂર હોય, મુખ્ય રસ્તા પર ન જોઈએ કારણ વાહનોની ચેં. . પેં. . . ન સહન થાય, માર્કેટ પણ બહુ દૂર તો ન હોવી જોઈએ. . . . વ. . . વ. . વ. . . બહુ શોધને અંતે-એક સુંદર ફ્લેટ મળી ગયો જે આ બધી શરતોમાં પાસ થતો હતો. બે-ત્રણ રવિવારે સવારે અને એક દિવસ મોડી સાંજે જઈને ઘર જોઈ આવ્યાં. વેસ્ટમાં તો સાવ ઓપન હતું. સામે ફક્ત બેઠા ઘાટનું એક લાંબુ-પહોળું મકાન અને મોટું હરિયાળું મેદાન. . . ફ્લેટમાં એ તરફથી ફરફરાટ પવન આવે. . . . બસ ઘર ફાયનલ કરી રહેવા પણ આવી ગયા.

શનિવારે શીફ્ટ થયા અને શનિ-રવિ તો એટલી મજા આવી કે બધાને ફોન કરી કરી પોતાને આ ઘર મળવા બદલ નસીબદાર ઠરાવી દીધાં. સોમવારે સવારના નાહી-ધોઈ સૌમ્યા ઠાકોરજીની સેવા કરવા બેઠી. આઠથી નવ રોજ એની પૂજાનો સમય. યમુનાષ્ટકનાં પાઠ અને કીર્તન ગાતાં-ગાતાં લાલાની સેવાનો એનો નિયમ. દીવો પ્રગટાવી એણે ઘંટડી હાથમાં લીધી ' ટીન્. . ટીન્. . . ટીન્ન. . . . ' અને ગાવાની શરુઆત કરી ત્યાં તો બહાર જાણે અચાનક અવાજ વધી ગયો. . . . . . . ઘરર્અઅ. . . . ઘર્ર. . . . . એક પછી એક રીક્ષાઓ નીચે રોડ પર આવવા લાગી. . . . અનેક મોટરોનો અને હોર્નનાં અવાજ. . . . અધૂરામાં પૂરું ચાર-પાંચ મોટી-મોટી બસ આવી ઊભી હોય એવા અવાજ અને સાથે-સાથે ઉભરાતો અનેક અવાજોનો કલબલાટ. એ ઊઠીને બાલ્કનીમાં આવી. ગલી આખી નાનાં-નાનાં છોકરાઓથી ઉભરાતી હતી. એને યાદ આવ્યું કે હા આ બેઠા ઘાટનું મકાન એક સ્કૂલ છે એ તો સાંભળેલું, પેલું ખુલ્લુ મેદાન પણ એનું જ પ્લે ગ્રાઉન્ડ છે એ પણ વાત થયેલી. પણ સ્કૂલના આ તરફ પડતાં ગેટથી જ આવ -જા થાય છે એનો એમને ખ્યાલ નહોતો. સ્કૂલનો સમય થયેલો એટલે છોકરાંઓ અને મૂકવા આવેલા વાલીઓ અને વાહનોની અફડાતફડી હતી.

માંડ-માંડ પૂજા પતાવી. આટલા અવાજમાં એ કીર્તન તો ગાઈ જ ન શકી. 'કાલથી પૂજા કરવા વહેલી ઉઠવાની કોશિષ કરીશ. આ સ્કૂલ શરુ થશે એટલે તો શાંતિ થઈ જવી જોઈએ. 'વિચારી એ કામે લાગી. કામની વચમાં પણ એનું ધ્યાન વારંવાર સ્કૂલ તરફથી ઉઠતા જાતજાતના અવાજ તરફ જતું રહ્યું. ' આ બેલ વાગ્યો. . આ પ્રાર્થના થાય છે. . . . આ છોકરાઓ મેદાનમાં રમતા લાગે છે. . કેટલા જોરજોરથી બોલે છે ? ' એણે અવાજ ઓછો કરવા વેસ્ટ તરફ પડતાં એના બેડરૂમની બાલ્કનીનો દરવાજો બંધ કરી દીધો. . ફરફરાટ આવતો પવન બંધ થયો પણ અવાજ નહીં. બપોરના જમી બેડરૂમમાં સૂવા ગઈ ત્યાં અવાજનો ધોધ જ વહી આવ્યો. . . કદાચ રીસેસ પડી હતી. . . હવે આમાં સૂવાય કેમ ? સાંજના એના પતિ જોબ પરથી ઘરે આવ્યાં. સૌમ્યાએ થાકેલા ચહેરે બધી વાત કરી. એણે સૌમ્યાને એ અવાજો તરફ ધ્યાન ન આપવાની સલાહ આપી. પણ સૌમ્યાનું મન તો એમાં જ અટવાયેલું રહેતું. આ અશાંતિથી કંટાળી એને આ હોંશે-હોંશે ખરીદેલું ઘર પણ અપ્રિય લાગવા માંડ્યું. હવે એનો રોજનો કકળાટ કે બીજે ક્યાંય રહેવા જઈએ. આ છોકરાંઓનો કલબલાટ તો જંપવા જ નથી દે તો. પણ એમ ઘર બદલવું થોડું સહેલું હોય ? આમ જ બે-ત્રણ વર્ષ નીકળી ગયાં.

દુનિયામાં સાવ અણધારી આપત્તિ કોરોના વાયરસ ત્રાટક્યો. માનવજીવન સ્થગિત થઈ ગયું. સ્કૂલ-કોલેજ-ઓફિસ-બજાર બધું જ બંધ. જીવ બચાવવા માણસ જાત ઘરમાં ભરાઈ ગઈ. સૌમ્યાની ગલી પણ હવે સાવ સૂમસામ રહેતી સ્કૂલ જો બંધ હતી ! શરુ-શરુમાં તો એને ખૂબ ગમ્યું. હવે શાંતિ જ શાંતિ હતી. સ્કૂલ તરફ પડતી બાલ્કની ખુલ્લી રહેવા માંડી તે ઘરમાં હવા-ઉજાસ પણ સરસ રહેતાં. આમ ને આમ છ મહીના વીત્યાં. આ પેન્ડેમીક અટકવાનું નામ નહોતો લેતો. આ બિમારી-એનો ભય, મરણનાં આંકડા બધું બેચેન કરી મૂકે એવું હતું. ઘરમાં કોઈની અવરજવર નહીં. કોઈને મળવાનું નહીં. . . . સૌમ્યા હવે ખૂબ અકળાતી. એના પતિ તો ઓનલાઈન કામમાં હોય. ચારે-બાજુ અકળાવનારી શાંતિ પથરાયેલી રહેતી. પહેલાંની જેમ પાછું એનું ધ્યાન સ્કૂલ પર એના પ્લે ગ્રાઉન્ડ પર રહેતું ! પણ જરા જુદી રીતે ! હવે એને બપોરની ઊંઘમાં ભાસ થતો કે જાણે સ્કૂલમાંથી પ્રાર્થના ગાવાનો અવાજ આવ્યો. . કે પછી હીંચકાનો અવાજ આવ્યો અને એ રમતાં છોકરાંઓને જોવા બાલ્કનીમાં દોડી જતી. પણ રમતનું મેદાન-સ્કૂલ-આખી ગલી નિ:શબ્દ જ રહેતી !

એવામાં એક દિવસ એના પતિએ હોંશભેર ખબર આપ્યાં કે એમના દોસ્તની બાજુનું જ ઘર ખાલી થવાનું છે. કાકા-કાકી હવે કાયમ અમેરિકા છોકરાં પાસે રહેવાના છે. ખૂબ સારા ભાવે મળે એમ છે. આ એરીયા. . બિલ્ડીંગ બધું જ પાછું પોશ ગણાય. "આપણે આ ડીલ કરી જ નાંખીએ. પાછો આવો ચાન્સ નહીં મળે. અને તારા જીવને પણ હવે શાંતિ -જ-શાંતિ. ત્યાં તને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. '' કહેતાં એણે સૌમ્યા તરફ જોયું. ધાર્યું હતું કે સૌમ્યા તો હરખથી ઉભરાઈ જ જશે. પણ એતો કંઈ બોલ્યા વગર વેસ્ટમાં પડતી બાલ્કની તરફ તાકતા કંઈ વિચારવા માંડી અને પછી હળવેથી બોલી " ના મારે અહીંથી ક્યાંય નથી જવું. આ પેન્ડેમીકની નિરવતાએ મને કલરવની. . . . એકલતા એ ઉભરાતા ટોળાની અને મૃત્યુએ જીવનથી થનગનતી જિંદગીની કિંમત સમજાવી છે. . . . હવે તો હું રાહ જોઉં છું કે ક્યારે આ સ્કૂલ, આ પ્લે ગ્રાઉન્ડ અને આ ગલી પાછી જીવનથી થનગનતા બાળકોના કલશોરથી ઉભરાતી જીવંત બને ! "


Rate this content
Log in