રાસ રમવા આવોને
રાસ રમવા આવોને
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ,
આવોને મા રમવા રૂડાં રાસ માંડવી ચોકમાં રે લોલ..!
આદ્યશક્તિ મા જગદંબા આવો રમવા રાસ રે,
સાથે ચોસઠ જોગણી રાસ રમવા રંગે લાવજો..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
રંગબેરંગી ચૂંદડી ઓઢી સખીઓ રાસે રમવા આવે રે,
દાંડિયાની રમઝટ રંગ લાવે, મા રાસ રમવા આવો રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
નવદુર્ગા માત સોળે શણગાર સજી રાસ રમવા આવે રે,
દીવડાની હારમાળા ઝગમગ ઝગમગ રૂડી રાસે થાય જે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
પ્રથમ નોરતે શૈલપુત્રી માત ધનધાન વૈભવ સાથ આવે જો,
બીજે નોરતે બ્રહ્મચારિણી માત તપત્યાગ વૈરાગ્ય રાગે આવે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
ત્રીજે નોરતે ચંદ્રઘંટા માત જ્ઞાન તેજ રથમાં આવે રે,
ચોથે નોરતે કુષ્માન્ડા માત યશ આરોગ્ય સાથ પધારે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
પાંચમે નોરતે સ્કંદ માત પ્રેમે સંતાન સુખ લઈ આવે રે,
છઠ્ઠા નોરતે કાત્યાયની માત ધર્મ, મોક્ષ સંગ આવે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
સાતમે નોરતે કાલરાત્રી માત રિદ્ધિ સિદ્ધિ સંગ લાવે રે,
આઠમા નોરતે મહાગૌરી માત શુભ મનોકામના લાવે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
નવમે નોરતે સિદ્ધદાત્રી માત અષ્ટ સિદ્ધિ સાથ આવે રે,
જગજનની જગદંબા મા દુઃખ સૌ દૂર કરી કૃપા દેતી આવે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!
નવ નવ નોરતે મા નવદુર્ગા રાસ રમવા આવે જો,
સૌ જીવને ઝળહળ શાંતિ, સુખ સુધા ભરતાં આવે રે..
આવ્યાં આવ્યાં નવલાં માનાં રૂડાં નોરતાં રે લોલ..!