Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dina Vachharajani

Others


4.0  

Dina Vachharajani

Others


યાત્રા

યાત્રા

4 mins 146 4 mins 146

કહે છે એક સ્કૂલમાં જેટલું ન શીખવા મળે એટલું અને એવું જીવનમાં કરેલી મુસાફરીઓ તમને શીખવે છે. આમ પણ જીવનનાં અંતે તમારી સંપત્તિ નહીં પણ તમારી પાસે રહેલાં મીઠાં સંભારણા જ તમારા ચહેરા પર સ્મિત લાવી શકે ! અને જીવનમાં મળેલા જુદા-જુદા લોકો, જોયેલાં સ્થળો અને અનુભવેલાં સ્પંદનો જ તમારી સ્મૃતિ -સંભારણા ને સમૃધ્ધ બનાવે છે. એમાંયે કહે છે ઘણી વાર તો કોઈ સ્થાન કરતાં ત્યાં પહોંચવા કરેલી યાત્રા વધારે સુંદર હોય છે ! એ યાત્રાનાં સંભારણા તો એથીય સુખદ !

છોકરાંઓ કૂંજો બરાબર ભરીને મૂક્યો છે ને ? અને હા ! ટ્રેઈનમાં સમય પસાર કરવા પત્ત્તાની કેટ લીધી ? ને મોટી તે તારી વાર્તાની ચોપડી લીધી કે નહીં ? પાછી કહીશ કે મને પત્તા નથી રમવા પણ હવે શું કરું ? મમ્મીની સૂચનાઓ વચ્ચે અમે પણ ઉત્સાહ ભેર દોડાદોડી કરતાં અને છેલ્લી ઘડી સુધી નાની-મોટી વસ્તુઓ બેગ કે પછી બગલથેલામાં ઠોસાતી જતી. હા ! ખાવા-પીવાની વસ્તુઓ નેતરની મોટી બાસ્કેટમાં મૂકાતી. અમારા ઘરમાં મને યાદ છે ત્યાં સુધી એ બાસ્કેટ આબુથી ખરીદવામાં આવેલી. પણ એતો નાસ્તા-અથાણાં-ફુટ્સ-ખાટી-મીઠ્ઠી પીપર જેવી વસ્તુઓ મૂકવા. મુખ્ય જમવાના માટે તો મોટું ચાર ખાનાનું ટિફિન ભરવામાં આવતું. પપ્પા ઘોડાગાડી બોલાવીને લાવે એટલે અમે ચાર ભાઈ-બહેનો ને મમ્મી-પપ્પા એમાં ગોઠવાઈએ. આગળ ગાડીવાળા પાસે અને અમારા પગ પાસે સામાન ગોઠવાય. કોઈ સીટ પાસે તો સામાનનો ઢગલો જ કરવો પડે તે ત્યાં બેઠેલાને તો પગ જ ઉપર કરી બેસવું પડે. અને એમ બેસવામાં કોઈ અગવડ પડે છે એવો વિચાર સુધ્ધાં કોઈને ન આવતો. પછી ઘોડાગાડી ઉપડે પડોશીનું કુટુંબ કે બે-ચાર મિત્રોનું કોરસમાં "આવજો - આવજો " શરૂ થાય. ને અમને પણ મનમાં' અરેરે ! હવે તો એક મહીનો આ દોસ્તો સાથે રમવાનું ગુમાવશું. એ લોકો અમારા વગર મજા કરશે તો ? ' એવા એવા વિચારથી જરા-તરા દુઃખ લાગતું પણ એતો મિત્રો દેખાય ત્યાં સુધી જ. બીજી જ મિનિટે જ્યાં વેકેશન ગાળવા જવાનાં હોઈએ ત્યાં મન પહોંચી જતું. મોટે ભાગે તો એ સૌરાષ્ટ્રમાં આવેલું મામાનું ઘર હોય જ્યાં લગભગ દોઢ દિવસની મુસાફરી કરી પહોંચતા. કોઈક વાર વળી એ આબુ જેવું હીલસ્ટેશન કે પછી હરિદ્વાર -બનારસ-દ્વારકા જેવું જાત્રાનું સ્થળ હોય ! હા, ત્યાં જતાં પાસે આવેલા મોટા શહેરો જેવા કે દિલ્હી કે કલકત્તા પણ વળી ફરી લેતાં. અત્યારના પ્રચલિત હીલસ્ટેશનમાંથી પહેલ-વહેલો અનુભવ મહાબળેશ્વર અને માથેરાનનો. એ પણ થોડા મોટા થયા પછી સ્કૂલ ટ્રીપમાં. તો આ રહેતી આજથી પચાસ-પંચાવન વર્ષ પહેલાંની અમારા વેકેશન ટ્રીપની શરૂઆત.

ત્યારે ગુજરાત તરફ જતી ટ્રેઈનસ્ બોરીવલી સ્ટેશન કદાચ નહીં ઊભી રહેતી હોય કે કેમ પણ અમે બોમ્બે સેન્ટ્રલથી બેસતાં. જેવી એન્જીન -ગાડી શરૂ થાય ' ભક્-છૂક. . ભક્-છૂક. . . અમે પણ બારીઓ પર બહારના દ્શ્યો જોવા ટીંગાય રહીએ. ખુલ્લીહવા, હરીયાળાં દ્શ્યો સાથે કોલસા -એંજીનની કોલસાની ભૂકી પણ આંખમાં સમાતી જાય. . . . . હાથમાં એક આના જેવા થોડા છૂટા પૈસા હોય. . બાંદરાની ખાડી અને પછી વસઈની ખાડીમાં પધરાવવા. ખાડીમાં પૈસા નાંખવાથી શુકન થાય-એમ મનાતું. વાંદરાની ખાડીમાં તો ઘણી શ્રદ્ધાથી પૈસા નંખાતા પણ એ નંખાતા પૈસા સાથે અમારી ધીરજ પણ ક્યાંય અલોપ થતી અને અમને છોકરાંઓને સખત ભૂખ લાગી જતી. જલ્દીથી સેવ-મમરા, ચેવડો અને ગોળ -પાપડી યાદ આવતાં. ભૂખ-ભૂખ થતું પણ મમ્મીની શરત રહેતી કે અમે જ્યાં રહેતાં એ કાંદીવલી સ્ટેશન પસાર થાય ત્યારે એને આવજો કહીને જ ડબ્બા ખોલવાના ! વાંદરાથી કાંદીવલી સુધીનો વીસ-પચીસ મિનિટનો સમય ત્યારે અમને સંયમના પાઠ ભણાવતો અને એ કઠીન પણ ખૂબ લાગતો ! પછીતો ત્યારના થર્ડક્લાસના ડબ્બામાં, અમારી અંતાક્ષરી -પાનાની ગેમ સાથે થેપલા-સૂકીભાજી-અથાણાં-દહીંની જ્યાફત ઊડતી રહેતી ને અમારું ડેસ્ટીનેશન ક્યારે આવી જતું ખબર પણ ન પડતી. ભર ઉનાળે પણ બહાર પડતી લૂ અમને તકલીફ ન કરતી ! અરે ! અમારું ધ્યાન સુધ્ધાં એ તરફ ન જતું એટલો આનંદ-આનંદ રહેતો.

આજે મોટે ભાગે ફ્લાઈટ કે પછી એરકન્ડીશન્ડ કોચમાં કે પછી એરકન્ડીશન્ડ મોટરગાડીમાં જ પ્રવાસ કરીએ છીએ. રસ્તામાં માંગો એ ખાવાનું પણ મળી રહે છે તો પણ તો યે બાળપણમાં અનુભવેલી એ નિર્દોષ આનંદની ક્ષણો નથી સાંપડતી. સાચું પૂછો તો મજા-આનંદ એ મનની સ્થિતિ છે. ગમે તેટલા પૈસા હોય એ હાટમાં ખરીદી પણ નથી શકાતી. એ તો કોઈ નસીબદારને અણધારી રીતે અણધારી જગ્યાએથી સાંપડે છે ! હા ! એ જગ્યા સુધી પહોંચવા તમારી યાત્રા નિરંતર ચાલવી જોઈએ. એ યાત્રા ભલેને પછી સૂક્ષ્મ રુપે તમારા અંતરમનની કેમ ન હોય ?


Rate this content
Log in