Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Prashant Subhashchandra Salunke

Others

4.8  

Prashant Subhashchandra Salunke

Others

યાદો ૨૧ દિવસની : દિવસ ૨

યાદો ૨૧ દિવસની : દિવસ ૨

3 mins
529


૨૬ માર્ચ ૨૦૨૦

વહાલી ડાયરી,

આજે સવારે સૌથી પહેલું કામ ઘરની તમામ વસ્તુઓને સેનિટેશન કરવાનું કર્યું. ઘરમાં આવેલા રીમોટ, દરવાજાની કુંડી, પાળી, બાળકોના રમકડા, અમારા મોબાઈલ, એવી દરેક વસ્તુઓ કે જેને વારંવાર હાથ લગાવવાની જરૂર પડે છે તેને સહુ પહેલા સેનિટેશન કર્યું. ત્યારબાદ ઘરને સ્વચ્છ ધોઈ નાખ્યું. આ સઘળી પ્રક્રિયા પતાવ્યા બાદ નિત્યક્રિયાઓ પતાવી ભગવાન સામે ધૂપ અગરબતી કરી. ત્યારબાદ નાસ્તાને ન્યાય આપી થોડીવાર સુધી ટી.વી પર સમાચાર જોયા.

ઘરમાં બેઠાબેઠા ખૂબ કંટાળો આવતો હતો. મારા પડોશમાં રહેતો મારો મિત્ર નૈનેશ તેની ગેલેરીમાં ઉભો હતો. તેને જોઈ મને તેની સાથે વાતો કરવાની ઈચ્છા થઇ. તરત જ મેં તેને કોલ લગાવ્યો અમે દોસ્તોએ ફોન પર અલકમલકની વાતો કરી. નૈનેશે અમારા બીજા દોસ્તોને પણ કોન્ફરન્સમાં લીધા અને પછી તો વાતોને જે દોર જામ્યો કે ખરેખર મજા આવી ગઈ.

બપોરના ભોજન બાદ મેં મારી એક નવી રચના લખી અને ત્યારબાદ કંટાળો આવતા થોડો આરામ કરવાનું વિચાર્યું. આમ તો બપોરે ઊંઘવાની આદત નથી પરંતુ હવે વીસ દિવસ ઘરે જ કાઢવાના છે ત્યારે આ આદત પાડી લેવી જ પડશે. સાંજે મોટાભાઈ મારી રૂમમાં આવ્યા અને બોલ્યા, “ખૂબ કંટાળો આવી રહ્યો છે.”

મેં કહ્યું, “કોઈક પિક્ચર લગાવી આપું ?”

ભાઈએ કહ્યું, “ના, ટી.વી જોઈજોઈને હવે અકળામણ થઇ રહી છે.”

મેં કંઇક વિચારીને કહ્યું, “શતરંજ રમવી છે ?”

નાનપણમાં અમે બંને ભાઈઓ ખૂબ શતરંજ રમતા. આમ જોવા જઈએ તો મારા ભાઈ શતરંજના ખૂબ સારા ખિલાડી હતા. તેઓએ જ મને શતરંજના વિવિધ દાવ શીખવાડ્યા હતા.

મોટાભાઈએ બગાસું ખાતા કહ્યું, “ના યાર ! તારી જોડે કોણ ચેસ રમે?”

મેં કહ્યું, “કેમ શું થયું?”

મોટાભાઈ બોલ્યા, “તને બરાબર રમતા આવડતું નથી અને પછી કંટાળો આવે છે. સામે ખેલાડી મજબુત હોય તોજ રમતમાં મજા આવે.”

મેં કહ્યું, “ભાઈ, એ નાના હતા ત્યારની વાત છે. આજે મને હરાવી દેખાતો તો માનું.”

મારા ભાઈ જાણતા નહોતા કે હું સમય મળતા કોમ્પ્યુટર પર ચેસ રમું છું. કદાચ આજે હું જે દાવ જાણું છું તે દાવ વિષે મારા મોટાભાઈએ કલ્પનામાં પણ વિચાર્યું નહીં હોય. મારો આત્મવિશ્વાસ જોઈ ભાઈ બોલ્યા, “જા ચેસ લઇ આવ. તારો ઘમંડ તો ઉતારવો જ પડશે.” હું પણ મનમાં એ જ વિચારતો હતો.

અમારી વાતો સાંભળી વેદશ્રી જોશમાં આવી ગઈ. જોકે પિતા કરતા તે કાકાની પક્ષમાં વધુ હોય છે. હમણાં પણ કાકાને જીતતા જોવાનો ઉત્સાહ તેનામાં છલકાતો હતો. વેદશ્રી ચેસ લઇ આવતા મેં તેને હાથ ધોઈ લેવાની સુચના આપી. ત્યારબાદ બોર્ડ અને તેના મોહરાઓને સેનીટેશન કર્યા. અમે બધા ઘરમાં માસ્ક પહેરીને જ રહીએ છીએ. કારણ અમે જાણીએ છીએ કે સુરક્ષા એ જ આ બીમારીનો ઉપાય છે.

માસ્ક પહેરી અમે બંને ભાઈ સલામત અંતર રાખી ચેસ રમવા લાગ્યા. વેદશ્રી દુર બેસી રમત જોવાનો આનંદ લેવા લાગી. લગભગ પાંચેક દાવ અમે રમ્યા બંને રમ્યા હોઈશું. પ્રત્યેક દાવ પછી અમે બંને ભાઈ ૨૦ સેકેંડ માટે હાથ ધોવા ઉભા થતા. ત્યારબાદ સ્વચ્છ કપડા વડે હાથ સાફ કરી અમે પાછા બીજી રમત ગોઠવતા. આમ સમય ક્યારે પસાર થઇ ગયો એ ખબર જ પડી નહીં.

આજે વર્ષો બાદ અમે બંને ભાઈઓએ બચપન જીવ્યું હતું. અંધારું થતા મારી પત્ની દીપા અમને જમવા બોલાવવા આવી. મેં તરત ઉભા થતા કહ્યું, “ચાલો મોટા ભાઈ જમવા જઈએ.”

મારા ભાઈએ કટાક્ષમાં પૂછ્યું, “કેમ હજુ રમવું નથી ?”

મેં હોઠ ભીસીને કહ્યું, “કાલે જોઈ લઇશ.”

મોટા ભાઈએ હસીને દાવ વિખેર્યો.

જોકે રમતમાં હારજીત તો થતીજ રહે છે. સૌથી મહત્વની વાત આનંદનીજ હોય છે. પાંચે પાંચ દાવ જે હાર્યો હોય તે સ્વાભાવિકપણે આવી ડાહી ડાહી વાતો જ કરે. બાળપણમાં “કાલે જોઈ લઈશ”નો જે ભાવ હતો તે વર્ષો બાદ આજે મારામાં ઝળક્યો હતો. આજે અમે બંને ભાઈઓ વર્ષો બાદ સાથે મળીને શતરંજ રમ્યા હતા. ખૂબ મજા આવી હતી. શતરંજની એ પાંચે પાંચ રમત ભલે હું હાર્યો હોઈશ પરંતુ મનમાં એ સંતોષ હતો કે આજે લોકડાઉનનો બીજો દિવસ ડાઉન નહીં ગયો અને અમે બધા ઘરમાં જ ચોવીસ કલાક રહેવામાં સફળ થયા હતા.

જોકે કાલે હું મારા ભાઈને શતરંજમાં હરાવીને જ રહીશ એ નિર્યણ સાથે આજની યાદો પર પૂર્ણવિરામ લગાઉં છું.


Rate this content
Log in