યાદો 21 દિવસની : ૧
યાદો 21 દિવસની : ૧


આજે ગુડી પડવો એટલે હિંદુ નુતન વર્ષ હતું. વળી આજથી કોરોના વાયરસના સંક્રમણની કડીને તોડવા દેશભરમાં 21 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી કશે બહાર જવાનું નહોતું. દર વર્ષે અમારા રાયગઢ મરાઠી સમાજ દ્વારા ગુડી ઉભારવાનો મોટો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ કોરોનાના વૈશ્વિક સમસ્યાને લીધે તે કાર્યક્રમ રદ કરરવામાં આવ્યો હતો. સવારે વહેલા ઉઠી મેં અમારા આંગણમાં ગુડી ઉભારી અને પછી પરિવાર સહ તેનું પૂજન કર્યું. ત્યારબાદ મારા સ્વ. માતાની તસવીરને હાથ જોડ્યા અને પિતાજીના આશીર્વાદ લીધા. બપોરે કેટલીક રચનાઓને સુધારવાનું અને મઠારવાનું કામ કર્યું.
આજે લોક ડાઉનને પગલે કેટલાક જવાબદાર લોકો પોતાના ઘરે બેસી રહ્યા છે પરંતુ એ જોઇને જીવ બળ્યો કે હજુયે કેટલાક લોકો નિયમને પાળી ઘરે બેસી રહેવાને બદલે બહાર અમસ્તા લટાર મારવા હાલી નીકળે છે. ઘરની બારીમાંથી આવા ગામ ગપાટા મારતા લોકો કે અડોશ પડોશના બાળકોને ભેગા કરી ફૂલ રેકેટ કે બીજી કોઈ રમતો રમતા લોકોને જોઈ ખૂબ દુઃખ થયું. મનમાં થયું કે સામાન્ય કામસર કોઈને મળવા નીકળી પડતા આવા લોકોને શું કહેવું? મોઢે માત્ર રૂમાલ બાંધી લીધો એટલે પોતે સુરક્ષિત એમ માનતા આવા લોકોને જોઈ જીવ બળી રહ્યો. વળી દુઃખની વાત એ છે કે ફોન કરી આવા લોકોને સમજાવવા જતા તેઓ પોતાને શેરખા અને નિયમ પાળનારને મૂરખા માને છે! તેમને એ વાતનું ભાન જ નથી કે તેઓ માત્ર પોતાનો નહીં પરંતુ અડોશ પડોશના સહુ કોઈનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સાઉથ કોરિયામાં કોરોના વાઈરસનું સંક્રમણ શરૂ થતાં જ પેશન્ટની સારવાર કરવામાં આવી અને ત્યારબાદ તેમને પોતાના ઘરે સેલ્ફ અઈસોલેશન હેઠળ રહેવાની સૂચના આપવામાં આવી. આમાંથી પેશન્ટ નંબર ૩૧ ડોક્ટર્સએ આપેલી સલાહને અવગણી અને ઠેર ઠેર રખડ્યો પરિણામે તેના લીધે બીજા ૧૧૦૭ વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું જેમની સંખ્યા ૩ માર્ચ સુધીમાં ૪૮૦૦ જેટલી થઇ! 29 લોકોનું મૃત્યુ પણ થયું! કોરિયાના પેશન્ટ નંબર ૩૧ની જેમ જ ઓરવકોન્ફીડન્સમાં ભમતા આ લોકોને લીધે આપણને પણ આવી કોઈ મોટી વિપદાનો સામનો તો કરવો પડે નહીં ને? એ વિચારી મન વિચલિત થયું. એક સડેલી માછલી આખા તળાવને બગાડે છે તેનું જીવંત ઉદાહરણ જોવા ન મળે તો સારું આવી મનોમન ઈશ્વરને આજે પ્રાર્થના કરી.
બીજી બાજુ જે લોકો ઘરે છે તેમાંથી અમુક લોકો પણ સખણા બેસી રહેતા નથી! તેઓ ઘરે બેઠા બેઠા ટાઈમપાસ માટે સોશિયલ મિડિયા પર એલફેલ મેસેજ શેર કરે છે. તેઓને એ વાતનું જરાયે ભાન નથી કે તેમના આવા અટકચાળાનું કેટલું ભયંકર પરિણામ આવી શકે છે. આજે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માન્યું કે હાલના તબક્કે હજી સંક્રમણની ખરાબ અસરો જોવા મળી રહી નથી. પરંતુ, દશા ખરાબ નહીં થાય તેની કોઈ ગેરેંટી? કેટલી? શું આ વૈશ્વિક સમસ્યા કોઈ મજાકનો વિષય છે?