યાદગાર સ્મૃતિઓ
યાદગાર સ્મૃતિઓ
"આ વખતે મામા- મામી તમારે અમારી સાથે પ્રવાસ આવવાનું છે". ભાણેજ દીકરા અને વહુએ કહ્યું, ખૂબ જિદ કરી. કોરોના મહામારીમાં દિવાળી રજાઓમાં થોડી છૂટછાટ હતી, તો બસ અર્ટિકા ગાડી કાઢીને ગિરનાર તેમજ સાસણગીર જોવા લઈ ગયાં. જુવાનીમાં ૨૫ - ૨૬ વર્ષની હતી, ત્યારે તો બે ત્રણ વાર ગિરનાર જવાનું થયું. લગ્ન પછી પણ હું ફરવા ગિરનાર ગઈ હતી.આમ પણ પ્રાકૃતિક જગ્યાએ જવું મને ખૂબ ગમે. મારા પતિનો હાથ પકડી ટેકો લઈને દસહજાર પગથિયાં ચઢી, હવે ફરી ૫૪ માં વર્ષે ટેકો લીધો, જૂની વાતો યાદગાર સ્મૃતિઓ તાજી કરી, આ વર્ષે રોપવે થયો એટલે સારું ફાવ્યું. અંબાજી માતાના દર્શન કર્યા. આગળ પગથિયાં ચઢાય તેમ ન હતું. હવે પગને ઘૂંટણ ના પાડતાં હતાં અને જબરજસ્તી પણ પગ સાથે થાય તેમ ન હતી.દૂર દૂર સુધી ગીરને ફેલાયેલો અને એવો જ અડીખમ ઉભેલો જોઈ આનંદ થયો. સતી રાણકદેવી, રાજા રા'ખેગાર, સિદ્ધરાજ જયસિંહની વાતો ગાઈડ પાસે ફરીથી સાંભળી, અડી કડી વાવ, રાણીનો મહેલ, અને વીર યોદ્ધાઓ વિષે જાણી ઇતિહાસ પર ગર્વ અનુભવ્યો. સ્વામિનારાયણ મંદિરનાં દર્શન આરતીનો લાભ લઈ વિસામો કર્યો.
બીજા દિવસે સાસણગીર બાજુ જવા નીકળ્યાં. અભયારણ્યમાં જુદાં જુદાં, સરસ સુંદર મજાનાં રિસોર્ટમાં કુદરતના ખોળે રહ્યાં. વહેલી સવારે સિંહ દર્શન માટે ગયાં, ત્યાંથી ફાળવેલી ખુલ્લી જીપમાં એકદમ ગાઢ જંગલમાં બિલકુલ અવાજ વિના ગાઈડનાં માર્ગદર્શન અને જાણકારી સાથે જંગલ સફારીનો અદ્ભુત આનંદ માણ્યો .કેટલીય જુદી જુદી ઔષધિય વનસ્પતિ, નાનાં મોટાં પ્રાણીઓ, શાહુડી, મોટા નોળિયા, હરણાંનાં ઝૂંડ, ગીર ગાય તથા સિંહને તેના બચ્ચાં, ખૂબ જ નજીકથી જોવાં મળ્યાં. ટીવી કે ઝૂમાં જોવાં મળતાં પ્રાણી અને ખુલ્લા મેદાનમાં જોવાં મળતાં સિંહ દર્શનનો લહાવો અનેરો હતો. સિંહનો પરિવાર ગાડીની બિલકુલ નજીકથી પસાર થયું ત્યારે તો જીવ જાણે પડીકે બંધાઈ ગયો તેમ લાગ્યું. એક અલગ રોમાંચક લાગણીમાંથી પસાર થયાં.
ત્રીજા દિવસે સોમનાથ મહાદેવના દર્શને ગયાં, ત્યારે ત્યાં ઘુઘવાટા મારતાં દરિયાને જોઈ તેનાં ઠંડા પવનથી મનનો થાક બધો જ ઉતરી ગયો. ત્યાંની યાદગીરી રૂપે ફોટા પાડયાં. સોમનાથનું ભવ્ય મંદિર, તેનો ઇતિહાસને મહંમદ ઘોરીની ૧૭ વખતની ચડાઈને લૂંટનાં કિસ્સા તથા ભવ્ય જ્યોતિર્લિંગનાં ખૂબ જ શાંતિ પૂર્વક દર્શનથી મન આનંદિત થઈ ગયું. સહુ સાથે ઉંમરનો ભેદ ભૂલાવી મસ્તી કરતાં કરતાં યાદગાર સ્મૃતિઓ લઈ પરત ફર્યાં.
