યાદગાર દિવસ
યાદગાર દિવસ
“નીતા તું ઉપર કેમ પાછી આવી, આપણું તો જમાઈ ગયું ને?"
“હેં, એમ? આપણે જમી લીધું?”
“નીતા તને શું થયું છે? કેમ આવી વાતો કરે છે?”
“ભાભી, મને નીચે મૂકી આવો પ્લીઝ..”
“અરે તું પાગલ થઈ છે કે શું? તું પોતે જા. એમાં મૂકવા શું આવાનું?”
આ બધી વાતો આજથી લગભગ વીસ વર્ષ પહેલાંની છે. હું પહેલે માળે રહું અને મારા જેઠાણી બીજે માળે. મારા જેઠનો જન્મદિવસ ધૂળેટીનાં દિવસે. દર ધુળેટીનાં ઘરનાં બધાં અમે એમનાં ઘરે જમીએ.
આજે પણ જમણવાર પત્યો અને મને ખબર નહિ શું થયું. મને લાગતું હતું હતું કે હું હવામાં ઉડતી હતી. મારા પગ જમીન પર નહોતા. હું ક્યારે બીજે માળે પહોંચી જતી હતી અને ક્યારે પહેલે માળે પહોંચી જતી હતી.
મને સંભળાતું હતું કે બધાં અંદર અંદર વાતો કરતાં હતાં કે નીતાને શું થયું છે? ત્યાં બધાંનું ધ્યાન મારા જેઠ પર પડ્યું. એ એક બાજુ ઊભા રહીને હસતા હતા. બધાને એમની પર ગુસ્સો આવ્યો અને એમને પૂછ્યું કે નીતાની આવી હાલત છે ને તમને હસવું શેનું આવે છે?
“યાદ કરો આપણે આજે જમવામાં શું જમ્યાં?”
મારા મોટા નણંદ એમની આ વાત સાંભળીને બોલ્યા, “ભાઈ, હમણાં નીતાને હોશ નથી અને તમને જમણવાર યાદ આવે છે.“
“બેન, જમવામાં આપને ઠંડાઈ રાખી હતી એ સૌથી વધારે નીતાએ પીધી અને એમાં મેં ભાંગ નાખી હતી. એ એનાં મગજ પર હાવી થઈ છે બીજું કઈ નહિ.” “હે પ્રભુ!” બધાના મોઢામાંથી એક જ અવાજ નીકળ્યો. અને પછી બધા હસી પડ્યાં. હવે બધાએ મને ૨૪ કલાક સહન કરવી જ પડશે. એક તરફ મારું બોલવાનું ચાલુ હતું.
“બા, બધાને પાણીપૂરી ખવડાવીને મોકલાવજો હો, જો જો હો બંને બહેનો એમને એમ ન જાય..” દર પાંચ મિનિટે મારી આ વાત સાંભળીને બધાંએ કાનમાં રૂ ભરાવી નાંખ્યા હતા. અને એ લોકો મારી વાત નહોતા સાંભળતા એટલે મને રડવું આવતું હતું. અને એમાં મારા જીવનસાથીને હજી વધારે મને હેરાન કરવાનું અને એમાંથી મજા લેવાની ઈચ્છા થઈ. એટલે એમણે મારા નણંદને કહ્યું, “નીતાને સાકરનો ફાકડો ભરાવી દ્યો એનો નશો ઉતરી જશે.”
મારા નણંદે મને સાકરનાં એકને બદલે બે ફાકડા ભરાવ્યા. અને નશામાં ઘટાડો થવાને બદલે વધારો થયો. અને બધાં મારા ગાંડાવેડાની મજા લેતાં હતાં.
મારું રડવાનું બંધ જ નહોતું થતું હતું. ત્યાં મારી હાલત જોઈને મારા સાસુથી સહન ન થયું અને એ ગુસ્સામાં બોલ્યાં, “નીતાની આ બધી હાલત પ્રકાશનાં લીધે જ થઈ છે, જુઓ તો ખરી કેટલી રડ રડ કરે છે. કાલથી બધા આવવાના છે એની તૈયારીમાં હતી.”
બાની આ વાત સાંભળીને મારું રડવાનું બીજું કારણ તૈયાર થયું. મેં બોલવાનું શરુ કર્યું, “કોઈ ભાઈને કંઈ ન કહેતા હો, એમનો આમાં કંઈ જ વાંક નથી.”
એકની એક વાત પચ્ચાસ વાર બોલી ત્યારે ઘરમાં બધાને એમ થયું કે હવે ડોક્ટર બોલાવા પડશે. આખરે ડોક્ટરને ઘરે બોલાવામાં આવ્યા.
વર્ષોથી અમારે એક જ ડોક્ટર. એ પણ મને જોઈને એક વાર તો હસી પડ્યા. હું એમને પણ એ જ વાતો કરતી હતી. પછી ડોક્ટર થોડા સીરીયસ થયા. મને કહે, “નીતાબહેન સૂઈ જાઓ. મારે તમને એક ઈન્જેક્શન આપવું પડશે.”
હું આજ્ઞાકારી વ્યક્તિની જેમ સૂઈ ગઈ. અને જેમ દરવખતે ડોક્ટર કહે એની પહેલાં જ મેં મારું મોઢું ખોલી નાંખ્યું એમને તપાસવા દેવા માટે.
ડોકટરે કહ્યું, “નીતાબહેન મોઢું બંધ કરો. મારે તમને ઈન્જેક્શન દેવાનું છે.”
મેં મોઢું બંધ કર્યું અને જેવું ડોક્ટર ઈન્જેક્શન લઈને મારી પાસે આવ્યા મેં પાછુ મોઢું ખોલી નાખ્યું. હવે ડોક્ટર પોતાને સંભાળી ન શક્યા અને જોર જોરથી હસવા લાગ્યા. અને બોલ્યા નીતાબહેનનું આવું સ્વરૂપ પણ ક્યારેક જોવા મળશે એવું નહોતું વિચાર્યું. એમણે મારા જેઠાણીને મને પકડવા બોલાવ્યા અને મને નીંદરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું.
બીજે દિવસે સવારે હું ઊઠી ત્યારે સવારનાં અગિયાર વાગ્યા હતા. અને મારી આંખ ખુલી ત્યારે આખું ઘર મારી આજુબાજુ ઊભું હતું. બધાએ મને પૂછ્યું, “નીતા કેમ છે તને?”
મારા જેઠને મારી સામે જોઈને હું સફાળી બેસી ગઈ અને બોલી, “મને શું થયું છે હું બરોબર તો છું.” અને બધા જોરથી હસી પડ્યા.
ત્યાં મેં પૂછ્યું, “તમે બધાએ પાણીપુરી ખાધી?” અને મારા આ સવાલથી પાછું હાસ્યનું જોરથી મોજું ફરી વળ્યું. મને સમજાતું ન હતું કે બધા આટલું હસે છે કેમ? અને હસવાની લપમાં કોઈ કંઈ બોલી પણ નહોતું શકતું કે શું થયું છે?
આખરે પોતા પર કાબૂ રાખીને મારા જેઠાણીએ બધી વાર્તા કહી. અને પછી તો મારું પણ હસવાનું બંધ ન થયું. મેં ધીરે રહીને મારા જેઠને પૂછ્યું, “ભાઈ કાલની ભાંગ છે. આમ તો બહુ મજા આવી હો કાલે. ક્યાં દિવસ પૂરો થઈ ગયો એ મને ખબર જ ન પડી.” બધાં ખૂબ હસ્યાં પણ એ દિવસ યાદગાર બની ગયો.
