વ્યસ્ત
વ્યસ્ત


"શું વાત કરો છો ,દાદા ?" વૉલ્ટર પોતાના દાદાએ આપેલ માહિતીથી ચોંક્યો.
" હા દીકરા. અમારા સમયમાં બધું આજના સમય જેટલું સહેલું ક્યાં હતું ? " દાદાના મિત્ર એ પણ એમને સમર્થન આપ્યું.
" આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે અશક્ય શક્ય થઇ રહ્યું છે. " દાદાના અન્ય મિત્રએ ટાપસી પુરાવી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાજી જોડે ક્રિસ્મસ મનાવવા આવેલ એમના મિત્રો વૉલ્ટરને એમના બાળપણના કિસ્સાઓ, એમના સમયના લોકજીવન અને એ સમયની રહેણીકરણીનું સૂક્ષ્મ ચિત્રણ દર્શાવી રહ્યા હતા. વોલ્ટર એમની વાતોનું દરેક પાસું અત્યંત રસપૂર્વક અને સંપૂર્ણ ધ્યાનથી માણી રહ્યો હતો. વડીલોના સાનિંધ્યમાં વોલ્ટર જાણે એ પુરાણી સદીના સાક્ષાત દર્શન કરી રહ્યો હતો.
અચાનક મોબા
ઈલ રણક્યો.
વૉલ્ટરએ કોલ ઉપાડ્યો.
" શું ...? પણ ....? ગયા વર્ષે પણ ...સાંભળ તો ખરો...."
કોલ કપાયો અને વૉલ્ટરના હાવભાવો પરથી દાદા સમાચાર કળી ગયા.
" સેમ નહીં આવે ? ખરુંને ?"
વૉલ્ટરનું મૌન દાદાના પ્રશ્નોનો ઉત્તર બની રહ્યું.
" ઠીક છે, વ્યસ્ત છે. એનું સંશોધન પણ મહત્વનું છે. " દાદાએ પોતાનું મન વાળી લીધું.
દાદા અને એમના મિત્રોના રસપ્રદ કિસ્સાઓ આગળ વધ્યા અને વૉલ્ટર ફરીથી ઉત્સાહસભર વડીલોની વાણી થકી કશે દૂરની કાળસૃષ્ટિ ઉપર પહોંચી ગયો.
એનો ભાઈ સેમ આ વર્ષે પણ પોતાના દાદા જોડે ક્રિસ્મસ મનાવી શકશે નહીં.
માનવીને ભૂતકાળમાં લઇ જનાર ટાઈમ મશીનના સંશોધન કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે .....!