વ્યોમે ભારે કરી !
વ્યોમે ભારે કરી !
વ્યોમ આજે ખુબ જ ખુશ હતો. 7માં ધોરણમાં તેનો પહેલો નંબર આવ્યો હતો તેના પરિણામ સ્વરૂપ આજે તેના મમ્મી-પપ્પા તેને 5 દિવસ સિંગાપુર ફરવા લઇ જઈ રહ્યા હતા. રંગેચંગે બધી તૈયારીઓ થઇ ગઈ, નિયત સમયે તેઓ મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા. બધી બેગ્સ ખુબ જ વ્યવસ્થિત રીતે લોક કરી દીધી હતી. વ્યોમને તો પ્લેનમાં પણ ખુબ જ મજા આવી રહી હતી કારણ કે એ પહેલી વાર પ્લેનમાં જઈ રહ્યો હતો.
સિંગાપુરમાં તેઓ પોતાની હોટેલ સાન્ટા ગ્રાંડ પહોંચી ગયા, તેઓનો રુમ ખુબ જ સારો હતો,વ્યોમની મમ્મીએ બધાના નવા કપડાં કાઢ્યા જે તેઓ આજે દિવસે ફરવામાં પહેરવાના હતા.ત્યાં તો વ્યોમની મમ્મીનો ઘાટો સંભળાયો.
"વ્યોમ આટલી બધી ચીંગમ તું કેમ લઇ આવ્યો?આશરે 10 ચીંગમ છે."
"હા એ તો મને બહુ ભાવે એટલે દાદાએ પૈસા આપેલા એમાંથી લઇ લીધેલી મેં,લાવ એક ખાઈ લેવ."
વ્યોમ તો ચીંગમ ચગળાવવા લાગ્યો,એટલામાં વ્યોમના પપ્પા આવ્યા.
"અરે શું કરો છો તમે લોકો ? જલ્દી ચાલો નાશ્તાનો સમય થઇ ગયો છે અને અહીં લોકો સમયના ખુબ જ પાબંદ હોય છે."
"હા ચાલો ચાલો."વ્યોમની મમ્મી બોલી.
"હા પણ પહેલા આ રુમ ક્લિનીંગની સ્વીચ દબાવી દે જેથી અપને આવીયે ત્યાં સુધી રુમની સફાઈ થઇ જાય.અહીં આવી સિસ્ટમ હોય છે." વ્યોમના પપ્પાએ તો એ સ્વીચ દબાવી દીધી.
આ તરફ વ્યોમને ખ્યાલ આવ્યો કે પોતે તો ચીંગમ ખાઈ છે અને હવે નાસ્તો કરવા જવાનું છે.તેથી તેને ચીંગમ ફટાફટ રુમમાં રહેલઈ કચરાપેટીમાં ફેંકી દીધી.આખું કુટુંબ નાસ્તો પતાવી ફરવા જતું રહ્યું , ખુબ જ આનંદ કરી જયારે તેઓ હોટેલ પાછા ફર્યા તો હોટેલના સ્ટાફના આન્ટીએ ત્યાં જ એ લોકોને અટકાવ્યા!
"તમારે 500 સિંગાપુર $ દંડ ભરાવો પડશે." તે આંટીએ વ્યોમના મમ્મીને કહ્યું.
"કેમ અમે શું કર્યું છે?"વ્યોમના પપ્પા અકળાયા.
"સર,સિંગાપુરમાં ચીંગમ લાવવા,ખાવા,થુંકવા કે કચરાપેટીમાં નાખવા પર પ્રતિબંધ છે.અને તમારા રુમની કચરાટોપલીમાંથી અમને ચીંગમ મળી છે."
" અમને તો ખબર જ ન હતી પણ."વ્યોમની મમ્મી બોલ્યા.
"પણ મેડમ આ તો અહીંનો કાનૂન છે તમારે દંડ તો ભરવો જ પડશે."
વ્યોમના પપ્પાએ કચવાતા મને 500 સિંગાપુર $ આપ્યા અને વ્યોમને ગુસ્સાથી જોયું.
"ચાલો સર હવે તમારી બેગ જોવી પડશે."
"બેગ એ કેમ વળી ?" વ્યોમના પપ્પા બોલ્યા.
"સર અમે તમને પહેલા જ કહ્યું સિંગાપુરમાં ચીંગમ લાવવા,ખાવા વગેરે પાર પ્રતિબંધ છે. તો તમારી પાસે બાકી બચી જેટલી ચીંગમ હશે એનો દંડ પણ તો ભરાવો પડશે."
"અરે બાપ રે એટલે 5000 સિંગાપુર $ તો આમ જ ગયા. વ્યોમ તે તો ભારે કરી હવે શું ફરવાના?" વ્યોમના પપ્પા તો ખુબ જ અકળાઈ ગયા.
વ્યોમની મમ્મીને તો દંડની રકમ જાણીને જ ચક્કર આવી ગયા. બધા પૈસા તો દંડમાં જ ગયા અને વ્યોમની આ ધમાલને કારણે સિંગાપુર ફર્યા વગર જ,માત્ર હોટેલમાં રોકાઈને જ તેઓએ પાંચ દિવસ બાદ પાછું ફરવું પડયું .