વસવસો
વસવસો


મારા મુંબઈમાં રહેતા મામા સ્વભાવે ખૂબ મિલનસાર અને હસમુખા હતા. મારે તેમની સાથે ખૂબ સારી રીતે બનતું હતું. અમને બંનેને એકબીજા વગર જરાયે ચાલતું નહીં. મારા મામાને મારી પાસેથી દરેક બાબતોની જાણકારી સાંભળવાની ખૂબ ગમતી. તેઓના મિત્રો વચ્ચે તેઓ મારા લેખન કાર્યોની ખૂબ તારીફ કરતા.
તેઓ વડોદરામાં ઉત્તરાયણ કરવા અચૂક આવતા. તેઓ જયારે પણ વડોદરા આવતા ત્યારે હું તેમને વડોદરાના નવનાથના મંદિરોના દર્શન કરાવવા અવશ્ય લઇ જતો. છેલ્લે તેઓ દિવાળી વેકેશનમાં આવ્યા હતા. વેકેશન હોવાથી અમે બંને આખુંય વડોદરા ખુંદી વળ્યા હતા. જયારે તેઓ મુંબઈ જવા રવાના થયા ત્યારે હું તેમને મુકવા વડોદરા રેલ્વે સ્ટેશન ગયો હતો. ટ્રેનમાં બેસતી વખતે મારા મામા બોલ્યા, “આ વખતે નવનાથના દર્શન કરવાના રહી ગયા.”
મેં હસીને કહ્યું, “મામા, વડોદરામાં બીજા સ્થળો જોવામાં ત્યાં જવાનું રહી જ ગયું. જોકે દર વખતે આપણે ત્યાં જઈએ જ છીએ ને. હવે જયારે તમે આવશો ત્યારે હું તમને સહુથી પહેલા ત્યાંજ લઇ જઈશ બસ.” મારી વાત સાંભળીને મામા મુસ્કરાયા પરંતુ તેમના મનમાં રહી ગયેલો વસવસો તેમના ચહેરા પર સ્પષ્ટપણે ડોકાતો હતો.
ત્યારબાદ અલકમલકની વાતોએ અમે વળગ્યા. આખરે ટ્રેન છૂટવાની સીટી વાગતા હું નીચે ઉતર્યો. ગાડી
શરૂ થઇ મારા મામાએ મને બારીમાંથી હાથ હલાવી આવજો કહ્યું. આજે આટલા દિવસ મામા સાથે હરવાફરવામાં અમારા બંને વચ્ચે એવી આત્મીયતા બંધાઈ ગઈ હતી કે તેમને આમ આવજો કહેતા જોઈ મારી આંખમાંથી અનાયાસે અશ્રુ સરી પડ્યા. મારા મામાને રવાના કર્યા બાદ હું મારી ઈતર પ્રવૃતિઓમાં મશગુલ થઇ ગયો.
એ આખા દિવસની દોડધામથી હું એટલો થાકી ગયો હતો કે પથારીમાં પડતાજ મને ઉંઘ આવી ગઈ. લગભગ સવારે પાંચ વાગે મારા મોબાઈલનો મેસેજ ટોન વાગતા મારી આંખ ખુલી ગઈ. મોબાઈલના સ્ક્રીન પર જોયું તો મુંબઈમાં રહેતી મારી બહેનનો મેસેજ હતો. મેં આશ્ચર્યથી મેસેજ ઓપન કરીને જોયું તો તેમાં લખ્યું હતું, “મામા ઇસ નો મોર...”
એક આશ્ચર્યનો ધક્કો એ મેસેજ વાંચી મને લાગ્યો. એક ઝાટકે મારી સઘળી ઉંઘ ઉડી ગઈ. પથારીમાંથી ઉભા થઈને તરતજ મેં તેને ફોન લગાવી પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે મામાને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમનું વહેલી સવારેજ નિધન થયું હતું. તે આગળ બોલ્યે જતી હતી પરંતુ મારું મગજ સુન્ન થઇ ગયું હતું.
કહેવાય છે ને કે વહેમનું કોઈ ઓસડ નથી. જયારે કોઈ ખરાબ ઘટના બનતી હોય છે ત્યારે માણસ અનેક તર્ક વિતર્કો કરતો હોય છે. કદાચ એ જ કારણથી આજેપણ મામાને નવનાથના દર્શન નહીં કરાવ્યાનો મને થાય છે વસવસો.