વસંતની હેલી
વસંતની હેલી


અરીસામાં સફેદ વાળની લટ સામે જોતા હું વિચારી રહી હતી. કોઈકે બૂમ પાડી,"હેલી,ચલ અમે નાસ્તો કરવા જઈએ છીએ. " હું અઢાર વર્ષ પાછળ સરી પડી.
કૉલેજ ની મસ્તી,અભ્યાસ,મિત્રો સાથે હરવું ફરવું. ઘરે મમ્મી પપ્પાના લાડ. ઘર માં નાની એટલે બધી વાત માનવામાં આવતી મોટા ભાઈ અને ભાભી પણ લાડ લડાવતા. ભાઈ ના લગ્ન ને ૬મહિના થયા હતા. ખૂબ સુખમય સમય ચાલી રહ્યો હતો.
કૉલેજ જવાનો હંમેશા ઉમળકો રહેતો,કારણ એનું વસંત હતો. હું સેકન્ડ યર માં અને એ થર્ડ યર માં. બસ નજર ની આપ લે થતી. એનાથી વિશેષ કંઇ નહિ. જ્યારે સમય મળે એકબીજા ને મન ભરી ને જોઈ લેતા.
ઘરમાં થોડાક મતભેદ ચાલુ થયા અને પછી એ મનભેદમાં ફેરવાઈ ગયાં. ભાઈ એ મમ્મી પપ્પા સાથે રહેવાની ના પાડી દીધી. અને એ લોકો અલગ રહેવા જતા રહ્યા. પપ્પા આ વર્ષે જ નિવૃત્ત થયા હતા. ખૂબ જ મોટો આંચકો લાગ્યો મને. નક્કી કર્યું કે ખૂબ સારી નોકરી કરીને હું જ મારા માતા પિતા ને સાચવીશ. પપ્પા નું પેન્શન આવતું. હું પણ અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરતી. આ બધા પ્રૉબ્લેમ માં વસંત બાજુ થી ધ્યાન હટી ગયું. ખબર નહિ એ ક્યાં છે અને શું અભ્યાસ કર્યો. નોકરી મળી કે નહિ? મે જીવનમાં વસંત ને છોડીને પાનખર ને અપનાવવાનું નક્કી કર્યું. બધી જ ઇચ્છાઓ,શોખનું પોટલું વાળી મનના ખૂણામાં ધરબી દીધું. મને રંગ અને પતંગ(પતંગિયું) માટે ખાસ લગાવ હતો. મારા જીવનની દરેક વસ્તુને મેં બેરંગ બનાવી દીધી. મારા માટે મારા માતા પિતા જ મારું પ્રાધાન્ય હતા. હવે મારા મનમાં કોઈજ ઈચ્છા આકાર કઈ શકે એમ ન્હોતી. અભ્યાસ પૂરો કર્યો ,પી. એચ. ડી. કર્યું. અને પ્રોફેસર ની જોબ લીધી. બંને મારા લગ્ન માટે દબાણ કરતા. હું ગમે એ રીતે વાત ટાળી દેતી. મેં કદી એમને ખબર પડવા નથી દીધી કે હું એમના માટે લગ્ન નથી કરી રહી.
વર્તમાન માં પાછી આવી. વિચારોમાં સમય નું ભાન ન રહ્યું. મમ્મી ને કહ્યું, "અમારા એક પ્રોફેસર નિવૃત્ત થાય છે અને એની જગ્યા એ બીજા પ્રોફેસર આવી રહ્યા હતા. "
હું ફટાફટ સાડી પહેરીને તૈયાર થઈ. કૉલેજ જવા નીકળી. ઝાલા સર ની ફેરવેલ પાર્ટી પૂરી થઈ. અમારા ડીન એ જાહેરાત કરી નવા પ્રોફેસર ની. "પ્રોફેસર વસંત મહેતા નું સ્વાગત છે. " મારું ધ્યાન ન્હોતું. પણ નામ સાંભળી હૃદય એક થડકો ચૂકી ગયું. શું આ એજ વસંત છે? નજર ઉઠાવી ને જોયું તો,"હા આ એ જ છે. એજ ચાલ,કપડા ની સ્ટાઇલ પણ પહેલા જેવી જ. ફક્ત વાળ માં સફેદી દેખાય છે. એણે ચાહ્યું હોત તો ડાઈ કરીને સફેદી છુપાવી શકયો હોત, તો તો એ આજે પણ કૉલેજ માં લાગતો એવો જ હોત!
મને એમ હતું કે એ મને નહિ ઓળખે પણ એતો ઓળખી ગયો. મારી નજીક આવી ને કહ્યું,"હાઇ હેલી,કેમ છે. ?" બધી ઔપચારિક વાતો પૂરી થઈ ને હું ઘરે આવવા નીકળી. ખબર નહિ કેમ પણ આજે એકટીવા ચાલુ જ ન્હોતું થતું. બહુ પ્રયત્નો કર્યા,પછી વિચાર્યુ,"જવા દે,રિક્ષા માં જ જતી રહી છું. " એમ વિચારી રિક્ષાની રાહ જોઈ રહી હતી એટલા માં એક કાર આવી ને ઊભી રહી. એ વસંત હતો. એણે કહ્યું,"ચાલ મૂકી જાવ છું. " મેં પહેલા ના પાડી પણ એણે આગ્રહ કર્યો એટલે બેસી ગઈ.
કાર ચલાવતા એણે સીધું જ કહ્યું, "હેલી,કૉલેજમાં આપણે એકબીજાની સામે જોતા. મને ખબર હતી કે તું મને પ્રેમ કરે છે અને તને પણ ખબર હતી કે મને તું ગમે છે. પણ આપણે એકબીજા ને કહ્યું જ નહિ. "
મેં વસંત ને કહ્યું,"હવે આ બધી વાતો નો કોઈ મતલબ નથી. તું તારા લગ્ન જીવનમાં સુખી હોઈશ અને હું પણ સુખી છું. "
વસંતે કહ્યું,"હેલી,હું બધું જ જાણું છુ તારા પરિવાર વિશે. મે પણ લગ્ન નથી કર્યા. લગ્ન કરુ તો તારી સાથે નહિતર આજીવન કુંવારો રહીશ. શું તું લગ્ન કરીશ મારી સાથે? તારા માતા પિતા આપણી સાથે જ રહેશે. એમની જરાય ચિંતા ન કરીશ. એમનો જમાઈ નહિ પણ દિકરો બની ને બતાવીશ. તને થતું હશે કે આટલો સમય શું કર્યું મે? આટલો સમય બગડ્યો તને વાત કરવામાં. પહેલાં હિંમત ન ચાલી,આ એનું પરિણામ છે. મેં આપણા વિશે કઈ કેટલું વિચાર્યું હતું! મને ખબર હતી કે તને પતંગિયા ગમે છે. મેં મારા ઘરમાં એવા ખાસ છોડ રાખ્યા છે જેના કારણે તને હંમેશા રંગબેરંગી પતંગિયા જોવા મળશે!
મેં પણ વિચાર્યું હતું," તારા પર ,તારી આજુબાજુ પતંગ બની ઉડવાનું. બહુ શમણાં રોપ્યા હતા. પણ ઊગ્યા એકપણ નહિ. હવે આ એક છેલ્લું શમણું બાકી રહ્યું છે. જો તું તારા પ્રેમના ફૂલ વરસાવે તો આ પતંગ એનો રસ ચૂસીને જીવતો રહી શકે!"
મેં વસંતને કહ્યું,"મને કાલ સુધીનો સમય આપ વિચારવા માટે". વાતો વાતોમાં ઘર આવી ગયું.
ઘર માં પ્રવેશી તો મને બધું નવું નવું લાગતું હતું. અરીસા માં સફેદ વાળની લટ જોઇને વિચારી રહી કે પાનખર વહી ગઈ અને હવે વસંત આવી છે. જાણે કે મારી રોમે રોમે કૂંપળ ફૂટી છે. બધે જ ફૂલોનો પમરાટ છે. વસંતોત્સવ ખીલી ઉઠ્યો છે. ચારેબાજુ રંગબેરંગી પતંગિયા ઊડાઊડ કરી રહ્યા છે! જાણે કે વસંત ની હેલી થઈ રહી છે !