Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

વર્ગીકરણ

વર્ગીકરણ

2 mins
7.2K


'કિડ્ઝ ઝોન' શહેરની સૌથી જાણીતી રમકડાંની દુકાન. જેટલી ભવ્ય એટલીજ આધુનિક. દુકાનના માલીક સેલ્સમેનની મોટી ટુકડી નિયુકત કરી હોવા છતાં દુકાનના દરેક કાર્ય ભાર પર વ્યક્તિગત ધ્યાન આપતા. એથીજ એમનો બિઝનેસ ખુબજ જામી ચૂક્યો હતો.

એક માળથી શરૂ કરેલ દુકાન આજે ત્રણ માળમાં વિસ્તાર પામી ચુકી હતી. આજે પણ એ રોજની જેમજ દરેક માળની વ્યવસ્થાનું અવલોકન કરવા રાઉન્ડ પર નીકળ્યા.

બધોજ વહીવટ એમના કહ્યા અનુસાર થઈ ચૂક્યો હતો. નવા આવેલા રમકડાંઓ બે વિભાગમાં વર્ગીકરણ પામી પોતપોતાના વિભાગમાં ગોઠવાય ચુક્યા હતા.

એક વિભાગ ગુલાબી રંગના 'થીમ'થી સજ્જ. જ્યાં છોકરીઓ માટે અવનવા રમકડાંઓ હાજર. સુંદર મજાની ઢીંગલીઓ, મેકઅપ કીટ, રસોડાના વાસણો, રમકડાંના માઈક્રોવેવ, ઈસ્ત્રી, બાર્બી ડોલની લાંબી શ્રેણી. તો બીજો વિભાગ 'ભૂરા'રંગ'ના થીમ'થી સજ્જ. જ્યાં છોકરાઓ માટે રમતગમતના સાધનો, કાર, મોટા ટ્રક, બુલડોઝર, બોલ, બંદૂક બધુંજ હાજર.

એમણે આપેલ આદેશ અનુસાર સ્ટાફના સભ્યો એ દરેક માળ પર બંને વિભાગો પાસે સુંદર સાઈનબોર્ડ ગોઠવી દીધા હતા. ગુલાબી વિભાગ પાસે 'ફોર હર' અને ભૂરા વિભાગ પાસે 'ફોર હીમ'.

વ્યવસ્થિત આદેશપાલન નિહાળી એ ખુશ થઈ રહ્યા કે એમની નજર ગુલાબી વિભાગમાં રમકડું શોધતા એક નાના છોકરા ઉપર પડી. એના પાસે પહોંચી એમણે  ખુબજ વહાલ થી કહ્યું:

"બેટા આપનું સેક્શન પેલી તરફ છે." આંગળી ચીંધી એમણે 'ફોર હિમ'નું સાઈનબોર્ડ દેખાડ્યું.

"પણ મારા ગમતા રમકડાં તો આ વિભાગમાં છે." કહેતા એણે બાળસહજતાથી પોતે પસંદ કરી નાખેલ રમકડાંનું સેટ બતાવ્યું. રસોડાના બધાજ વાસણોનો એક ખુબજ મોટો સેટ એના હાથમાં જોતાજ એમણે રમૂજથી પૂછ્યું: "આપ એનાથી શું કરશો?"

પ્રશ્નના ઉત્તરમાં એ નાનકડા એ ઉત્સાહથી એક અન્ય પ્રશ્ન પૂછયો: "આપ ટીવી જુઓ છો ને?"
"હા"
"તો પેલું માસ્ટરશેફ શો નથી જોતા?"
"જોઉં છું ને.."
"હું પણ સંજીવ કપૂર અને વિકાસ ખન્નાની જેમ દેશનો બેસ્ટ શેફ બનીશ." કહેતા એણે પોતાના સેટને વધુ પ્રેમથી જકડ્યું. ત્યાંજ પોતાના ભાઈને શોધતી એક નાની છોકરી ત્યાં પહોંચી: "એન્ડ આઈ વિલ બે એ ટેનિસ સ્ટાર લાઈક સાનિયા મિર્ઝા" કહેતા 'ફોર હિમ' વિભાગમાંથી પસંદ કરેલ પોતાનું રેકેટ ગર્વથી બતાવી રહી. પોતપોતાના રમકડાંઓને પ્રેમથી ગળે લગાવી એકબીજાનો હાથ પકડતા બંને ભાઈબહેન કાઉન્ટર ઉપર રાહ જોતા માતાપિતા પાસે પહોંચ્યા.

એમના જતાંજ એમણે સ્ટાફને નવો આદેશ આપ્યો: 

"દુકાનનાં બધાજ 'ફોર હિમ'ને 'ફોર હર'ના સાઈનબોર્ડ કાઢી નાખો ને એની જગ્યા એ બધેજ એકસમાન સાઈનબોર્ડ ગોઠવો 'ફોર લિટલ એન્જલ્સ'.."

પોતાની આધુનિક દુકાનને આધુનિક વિચારોની ભેટ આપી ગયેલ એ નાનક્ડાઓ ફરિસ્તાઓનો એ મનોમન આભાર માની રહ્યા.


Rate this content
Log in