વલોવાયેલું હૈયું
વલોવાયેલું હૈયું


"પપ્પા, પપ્પા ક્યાં છો પપ્પા ? અચાનક જાગી જવાયું. આસપાસ નજર કરી. હજુ મારી નજર પપ્પાને શોધતી હતી. આમતેમ જોયું તો સમજાયું કે હું તો મારા બેડરુમમાં સૂતી છું. ઘડિયાળ સામે નજર કરી તો રાતનાં અઢી વાગ્યાનો સમય બતાવતું હતું. હજુ બે વાગ્યે તો મેં ઘડિયાળમાં નજર કરી હતી. બસ, હજુ અડધો જ કલાક થયો છે ?"
બેઠી થઈ. તરસથી સૂકાતાં ગળાને પાણીનાં એક ઘૂંટથી ભીનું કર્યું. વધારે પાણી પીવાની ઈચ્છા ન હતી. "આમ પણ આજકાલ મને ક્યાં ખાવા-પીવાનું કે ઊંઘવાનું કશુંય ગમે જ છે." વિચારતી ઓશીકાનાં ટેકે બેઠી.
"પપ્પાને ગયે એક મહિનો થઈ ગયો. કશું અચાનક નહોતું બન્યું. માનસિક રીતે અમે બધાં તૈયાર હતાં. એમને અલવિદા કહેવા માટે. આમ તો કંઈ સરળ નહોતું, મનને તૈયાર કરવું, પણ, પપ્પાની દિવસે-દિવસે લથડતી તબિયતે મનને મજબૂત કરવાંં અમને મજબૂર કર્યાં."
ગઈકાલે અપાવેલું પીગી બેન્ક સોડમાં લઈને સૂતેલાં પૌત્રને માથે હાથ ફેરવ્યો. ફરી અતીતમાં ખોવાઈ. "નાનાં હતાં ત્યારે પપ્પાએ એક પીગી બેન્ક આપેલું. તેમાં રોજ એકાદ સિક્કો સેરવીને હલાવીને જોતાં ને કાલનાં કરતાં આજે વધારે ભારે છે, એમ વિચારીને ખુશ થતાં."
"આજે મારી પાસે એક અલગ પીગી બેન્ક છે. એમાં રોજ નવી યાદગાર પળ ઉમેરાતાં અમે ખુશ થતાં. આજે અમારી પીગી બેન્કમાં જ
ે છે એ જ અમારી મૂડી. તેને ફંફોસતાં તેમાંથી એક પછી એક યાદોનો ખજાનો નીકળ્યો.
"નાની હતી ત્યારે પપ્પાની આંગળી પકડીને મેળામાં જતી. મેળામાંથી જાતજાતનાં રમકડાં લેતી. ચકડોળમાં બેસવું ને મજા કરવી. બસ, એ જ ધ્યેય સાથે મેળામાં જવાનું."
"મેળામાંથી બહાર નીકળતી વખતે નાની-નાની ડબ્બીમાં રંગીન પ્રવાહી જેવું લઈને ઉભેલો માણસ તેમાં સળી બોળીને ફૂંક મારે એટલે નાનાં-નાનાં પરપોટાં થતાં તેની પાછળ અમે ભાગતાં પણ હાથમાં કંઈ ના આવતું. બસ, આજે એ પરપોટા એટલાં માટે યાદ આવ્યાં કે જિંદગી પણ કંઈક આવી જ છે. આપણને એ એટલી ગમે છે કે આપણે એની પાછળ ભાગીએ છીએ. અંતે મળે છે શું ?"
"એમ લાગતું હતું કે સમય મૂઠ્ઠીમાં રહેલી રેતની જેમ કેવો પસાર થઈ ગયો. આજે પપ્પાનાં ગયા પછી અહેસાસ થયો ને અમારા માથે આવેલી જવાબદારીઓએ ભાન કરાવ્યું કે અમે મોટા થઈ ગયાં. બાકી આજ સુધી અમને તો ખબર જ ના પડી. પિતાની છત્રછાયા હતી, ત્યાં સુધી તો "મોજે-મોજ રોજે-રોજ" જેવું જ હતું."
"બસ, સ્મૃતિઓની પીગી બેન્કમાં રહેલી બચતમાંથી રોજ એકાદ વાતને વાગોળવાની અને ફરી પાછી એમાં મૂકી દેવાની. પછી બીજું કશું જ નહિ, વલોવાયેલાં હૈયામાં માત્ર યાદોનો અવિસ્મરણીય વહેતો પ્રવાહ અને એને ઝંખતો ઝાકળ સમો ઝૂરાપો જ બીજા દિવસ માટે રહી જતો."