વિવિધતમ માણસો
વિવિધતમ માણસો
મને સમાચાર મળ્યા કે મારી મિત્રની તબિયત બગડી છે. હું એને ઓળખું છું. પથારીમાં પડ્યા રહેવાનું એને જરાય ન ગમે. રસોઈ નો તો એવો શોખ કે રસોડામાં જ પુરાયેલી રહે આખો દિવસ અને શાકભાજી પર તો અતિશય પ્રેમ. મને થયું કે એને સારું લાગે એ માટે શાકભાજી પર કઈક લખું. અને એને એક વોટ્સએપ મેસેજ કર્યો:
"દુનિયા માં ભાત ભાતના લોકો રહેતા હોય. ઘણીવાર સબ્જી લેવા જાવ ને તો સબ્જી સામે જોવું ને માણસો સામે,બહુ સમાનતા લાગે. માણસોના સ્વભાવ ને દેખાવ એકબીજા ને બહુ મળતા હોય એવું લાગે.
સૌ પ્રથમ વાત કરીએ રીંગણની. રાજા ખાય રીંગણા. શાકભાજી ના રાજા. ઘણા માણસો રીંગણા જેવા હોય, દેખાવથી ન જણાય પણ ગુણોથી ભરપુર. કોઈક ને ક્યારેક કડવા લાગે ને ક્યારેક મીઠા.
અમુક માણસો દૂધી,તુરીયા,ગલકા ને કાકડી જેવા હોય. બહારથી કડક લાગે. પણ હોય અંદરથી પોચા.કંઇક સવાલ કરો તો પાણી પાણી થઇ જાય. પછી આપણને એમ થાય કે આને કંઈ કહેવું કે નહિ!
અમુક લોકો ભીંડા જેવા હોય.દેખાવે તો બહુ સુંદર હોય.બહુ શિસ્ત અને સુંવાળા લાગે.પણ ભીંડા જેવા ચીકણા. ઉખડે જ નહિ. વાતો જ કર્યા કરે,અને એ પણ એક ની એક. બહુ ચીકણા ભાઈ! એમ થાય કે ક્યાં વાતો કરી આમની સાથે.
અમુક લોકો બિચારા કોબી જેવા.જ્યાં સુધી પૂછો નહિ ત્યાં સુધી કહી કહે જ નહીં, મોં એકદમ બંધ અને પછી કઈ વાત કરો ને તો જેમ કોબી ના એક એક પણ છૂટા પડે એમ વાતો ના પડ ખૂલે,
અમુક લોકો ડુંગળી જેવા. અમુક સમયે બહુ મોંઘા થાય,જાણે કે એને બોલાવાય જ નહિ. ને અમુક વખતે સસ્તા થાય. સામે ચાલી ને વાતો કરવા આવે.અને એવી વાતો કરે ને કે આપણને રડાવે પાર કરે ! અમુક લોકો બીટ જેવા હોય.એકદમ ગુણોથી ભરપુર. જેમ બીટ નો રંગ રહી જાય ને હાથ માં. એમ આપણા જીવનમાં એના સદગુણોની છાપ છોડતા જાય. જીવન માટે બહુ ઉપયોગી હોય એવા માણસો.
અમુક લોકો દેખાવે હોય સાવ નાનકડા ને પાતળા, લવિંગિયા મરચાં જેવા. પણ એને અડકો ને તો થાય ભડકો, સહેજ વાત કરીએ તો તરત જ સામેથી તીખી તીખી વાતો આવે.જાણે કે ભેગી કરીને રાખી જ હોય. જોઇને ન લાગે કે આ વ્યક્તિ આવું તીખું હશે! પણ પછી બળતરા કરાવે !
બીજા હોય દેખાવે જાડા મરચાં જેવા જોરાવર,આપણે થાય બાપુ આનું નામ ન લેવાય ! પણ સ્વભાવ એવો ન હોય. સાવ નરમ,ભોળા ને મોળાં !
ઘણા લોકો ટામેટા જેવા હોય. જેના ખાટા મીઠા સ્વભાવ થકી જ જીવન સ્વાદિષ્ટ લાગતું હોય. પણ એનું કામ પતે એટલે જેમ દાળ અને શાકમાંથી સાઇડ માં કાઢીએ એમ એને પણ દૂર રાખવામાં આવે છે.બધું કામ કરાવ્યા પછી એની કદર નહિ કરવાની.
અમુક લોકો બટેટા જેવા હોય. બધા સાથે હળી-મળીને રહે અને બધા સાથે એડજસ્ટ થઈ જાય. જેમ કેમ દરેક શાકમાં ભળે તેમ જીવનમાં ભળી જાય. એના દેખાવ ઉપર ન જવાય એના સ્વભાવ જોવાનો હોય. છતાંય અમુક ને આટલો સારો સ્વભાવ ન પચે ને ગેસ થઈ જાય.
છેલ્લે કોથમીર ની વાત. કોથમીર જેવા લોકો જે સૌથી છેલ્લે આવે અને કહે કે અમારી વગર તો કામ જ ન પૂરું થાય. અમારે કારણે જ તમારું કામ દીપ્યું. કરે કઈ નહિ અને પોતાનું મહત્વ બતાવે."
વાંચીને મારી મિત્ર એટલી ખુશ થઇ કે સાજી જ થઈ ગઈ. માટે જ મિત્રો હસો અને હસાવતા રહો.
