વિધીના લેખ
વિધીના લેખ


અરમાનો ભાંગીને ભૂકો થઈ ગયા. કાળ ભરખી ગયો મારા વ્હાલા પુત્ર અને પુત્રવધુને. ભગવાન તારા દરબારમાં આવો ન્યાય ? જીવી ડોશીના જીવનમાં સુખ જ ક્યા હતુ ? જ્યા સુખનો સૂરજ ઉગે, ત્યા અંધકારના ઓળા ઉતરીજ આવ્યા હોય.
જીવી નાનપણથી દુઃખાણા રવજીને ઉછેરીને મોટો કર્યો. પેટે પાટા બાંધી ભણાવ્યો ગણાવ્યો. સારી નોકરી માટે રવજીને ઉચ્ચ કક્ષાનુ ભણાવી નોકરીએ લગાડ્યો. સારા ઘરની દિકરીનુ માંગુ આવ્યુ, વાજતે ગાજતે લગ્ન લીધા. જીવી તો ખુશ થતી હતી. એક વિધવાની એના માથે મોહર લાગી હતી એટલે દિકરાની જાનમાં પણ ના જોડાઈ. સારા કામમાં એની હાજરી પણ એને ખૂંચતી હતી. માટે..
આજ દિકરો વહુ પરણી ને ઘેર આવવાના હતા. જીવી ડોશી કાગના ડોળે રાહ જોઈ રહયા હતા. કે આવતાની સાથે જ વહુદિકરાનાં પોખણાં કરુ પણ આ શું ! અધધ... મારા બાપલિયાને કોણ ભરખી ગયુ.. સુહાગણની ચુંદડી લોહી લુહાણ થઈ ગઈ.
સપ્તપદીના સાત ફેરા કાચા પડયા. કેર વર્તાઇ ગયો, વિધીના લેખ, વિધીની વક્રતા. કાળની કેડી એ લાગ્યું કાલ ચક્રનુ ગ્રહણ. જે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, કોઈ ફેરપડતોનથી.
આજ ગંજીપત્તાની બાજી ઉલ્ટી પડી ગઈ. કંકાવટીમાંથી કંકુ ઢોળાઈ ગયુ. વરમાળાના ફૂલ ધરતીમાં રોળાઈ ગયા. આજ રવજી મને મળ્યા પહેલાજ રીસાઈ ગયો. મરશિયાનો શંખ ફૂંકાયો અને જીવી ડોશીના આંખના અશ્રુ કયારેય ના સુકાયા.