વેફરનું પેકેટ
વેફરનું પેકેટ


કેશવે પેકેટમાંની વેફરને મોઢામાં મુકતા કહ્યું, “રમેશ, આપણા શહેરમાં બધે કેવા ગંદકીના ઢગલા ખડકાયેલા છે. સરકાર કશું કરતી કેમ નથી ? ચૂંટણી ટાણે તો બધા મોટી મોટી વાતો કરે છે પરંતુ હવે જાહેરજનતાની શી હાલત છે તે જોવાની સુદ્ધાં કોઈને ફુરસદ નથી.”
રમેશ ચુપચાપ પાનને ચાવી રહ્યો. ખાલી થઇ ગયેલા વેફરના પેકેટને લાપરવાહીથી એક તરફ ફેંકતા કેશવે રમેશને પૂછ્યું, “તું શું કહે છે ?”
રમેશે જવાબ આપવા પાનની પિચકારી એક તરફ મારી. નજીકથી પસાર થતી વ્યક્તિ ઉછળીને બોલ્યો, “એ ભાઈ ! જરા જોઇને થુંકને...”
રમેશે તોછડાઈથી કહ્યું, “જોઇને જ થૂંક્યો હતો પણ તું આઘો ખસી ગયો. ચલ.. હાલતો થા... જોયું કેશવ ? જાણે સડક એના બાપની ન હોય એવી ચરબી દેખાડતો હતો. દોસ્ત, આવા લોકો રહેતા હોય તેવા દેશનો ક્યાંથી ઉદ્ધાર થાય ! ચાલ છોડ આ વાતને. તું પણ નાહકની ચિંતા કરી તારો જીવ બાળી રહ્યો છે.”
બન્ને યુવાનો નિરાશાથી આગળ વધી ગયા. હવામાં આમતેમ ઉડી રહ્યું પેલું વેફરનું પેકેટ.