વેલ ઇન ટાઇમ
વેલ ઇન ટાઇમ


પથિક કંઈ સાવ કાઢી નાંખવા જેવો તો નહોતો જ. ડોકટર હતો, આકર્ષક, સીધી લીટીએ ચાલનારો... મહેનતુ. પણ વૈભવી તો પડી હતી, ઊંધેકાંધ,અંધ બનીને... પ્રેમમાં.. નિલયના! ને નિલય પણ!
એટલે જ તો પથિકની વાત આવી તો વૈભવીએ સાફ ના પાડેલી. નિલય સામે કોઈને દેખીતો વાંધો ન હતો. એક જ જ્ઞાતિનો, પરિવાર સારો, સારું કમાતો, સ્ટાઇલિશ હતો. દિલફેંકપણ થોડો ઘણો... નાં નાં... ઘણો જ હતો. એ અદાએ જ વૈભવીને આંજી દીધી હતી. સુમતિબેનનો મોટો અને જબરો વિરોધ હતો.. "જો વિભલી! આ નિલિયો તારા માટે બરાબર નથી. ભલે ગમે તે સારું હોય પણ આ વહેણ તને ડૂબાડશે, જોજે!... છોકરી તું સમજતી કેમ નથી?...
..."માં! તું ય ખરી છે. નિલય મને હથેળીમાં રાખશે .જો જે ને...! આ તો તારી ઉપરવટ જઈને કંઇ કરવું નથી એટલે... બાકી તો! તું ય સમજતી નથી ને..! "અને વરઘોડો તોરણે આવતા પહેલાં જ અટકી જતો.
વેલેન્ટાઇન ડે હતો એ... જ્ઞાતિનાં ગેટ ટૂગેધર.. ડાન્સ એન્ડ ડિનરમાં નિલય અને વૈભવીનાં મન આંખોથી જ મળી ગયાં. પછી તો સંપર્ક વધ્યો, છુપાઈને મળવાના, મિત્રો દ્વારા સંદેશા પહોચાડવાના, એકબીજાનાં ઘરની ગલીમાં કોઈ કોઈ બહાને આંટાફેરા કરવાના, દર પૂનમની રાતે બરાબર નવ વાગે પોતપોતાની બારીમાંથી ચાંદને નિહાળવાના, લાંબા પ્રેમપત્રો લખવાના, એ પ્રેમપત્રોને મીલ્સ એન્ડ બૂન્સની બૂકમાં છુપાવીને હજારો વાર વાંચવાના, વાચીને ચૂમવાના અને મોકો મળ્યે એકબીજાને ય ચૂમવાના નાદાન બાલીશ રેશમી સિલસિલાઓ સતત થવા લાગ્યા.
ગુલાબી વાદળો વચ્ચે તરલ બની બંને વહ્યા કરતાં.. સમાજમાં, મહોલ્લામાં થતી ગુસપુસ અને માં બાપનો ગુસ્સો કશું જ જાણે કાને કે નજરે પડતું નહતું. વૈભવીને ભરોસો હતો કે માંનો પૂર્વગ્રહ એક દિવસ જરૂર દૂર થશે, નિલયને પામી તો લીધો જ છે, હવે સમાજની મહોર બાકી છે, પણ આ રંગીન પરપોટા ક્યારે ફૂટવા માંડ્યા એ સરત જ નાં રહી. ચાર વર્ષનાં સાનિધ્યમાં ઓટ તો નહિ પણ ખોટ આવી હોય એવા એંધાણ વર્તાઈ આવ્યા.
એ ખોટનું નામ હતું... રિધ્ધિ. હમણાં જ ગ્રુપમાં આવી હતી.
કોમન ફ્રેન્ડસ સાથે બહાર જતી વખતે વૈભવીએ નોંધેલું કે નિલય રિધ્ધિને તાક્યા કરતો, વાત કરવાનાં બહાના શોધતો, પણ... "હશે! નિલય તો છે જ મળતાવડો ને..." વૈભવીએ એ નોંધની ખાસ નોંધ લીધી નહીં.
ધીરે ધીરે દિવસમાં બે વાર મળવાનો ગાળો દર બે દિવસે એક વાર, પછી બે અઠવાડીયે એક વાર થવા લાગ્યો. એક બે વાર તો મિત્રો દ્વારા જાણવા ય મળ્યું કે નિલયની ભલામણથી રિધ્ધિને જોબ મળી ગઈ... આજે નિલય- રિધ્ધિને બાઈક પર જોયેલા....રિધ્ધિને ઘેર નિલય પાર્ટીમાં ગયેલો... વૈભવીને કેમ આમંત્રણ નહોતું?!
અને હવે તો અફવાઓ ને પુરાવાઓનોય આધાર મળતો ગયો. પછી તો... સવાલો... ખુલાસા... જૂઠાણાં... અવગણના... ચણભણ... ઝઘડાનો દોર શરુ થયો. નિલયે સ્વીકાર્યું તો નહિ, પણ પુરુષસહજ ગલ્લાંતલ્લાં, આક્ષેપબાજી, સરખામણી અને રિધ્ધિની તરફેણ... એના આ વલણોથી વૈભવીમાં રહેલ સ્ત્રીએ બધો તાગ અને તથ્ય મેળવી લીધાં. રિધ્ધિ નામની દીવાલે નિલય અને વૈભવીને અલગ કરવામાં સિધ્ધિ મેળવી લીધી.
તૂટી ગઈ વૈભવી... હચમચી ગઈ. જેને જિંદગી માન્યો એણે જ જિંદગી રોળી?! માંથી છુપાવીને ઘણું રડતી... આત્મહત્યાનો ય વિચાર આવ્યો, પણ વિશ્વાસઘાતનાં કારમા વારે એ હિંમત પણ છીનવી લીધી હતી. રોજિંદી
ઘટમાળ ચાલતી હતી, પણ એમાં પોતે નહતી, એનું પ્રેત હતું જાણે. સમજુ માવતરે કંઈ પૂછ્યું કે એને ટપારી નહિ; પણ પથિકનો રસ્તો ફરી બતાવ્યો. નિલયમાં તો માંની દહેશત સાચી પડી.. પથિકમાંય માંનો ભરોસો ફળે, કદાચ એમ મન મનાવી, મન વાળીને અંતે થાકીને પથિકનો રાહ લીધો.
થયું ય એવું જ. નિલયે હથેળીમાંથી ફગાવી તો પથિકે ઝીલી લીધી. એ નીવડ્યો ય એવો જ કે વૈભવીએ જે ખોયું હતું એનો વસવસો, વિલાપ અને જખમ ભુલાઈ ગયાં. પ્રેમ એટલે વિશ્વાસ, માવજત અને જતન એ પથિક દ્વારા સમજાયું. વૈભવી ખરેખર વૈભવી બની ગઈ... અઢળક પ્રેમ... અસીમ સુખ અને પરિશી નામની સોહામણી દીકરીની અમીરાત...
પણ આટલાં વર્ષે અચાનક એકસાથે વૈભવીને બધું ઉખળી ઉખળીને યાદ આવવા લાગ્યું... કારણ?
આજે વેલેન્ટાઈન ડે અને... દોસ્ત જેવી દીકરી પરિશી.
કોલેજમાંથી આવી ને પરિશી સીધી જ બારણું પછાડી રૂમમાં ધસી ગઈ. હીબકાંનો અવાજ સાંભળતાં જ વૈભવી દોડીને રૂમમાં ગઈ અને જોયું તો પરિશી પલંગ પર ફસડાઈને રડતી હતી. વૈભવીથી ન રહેવાયું. માથે હાથ ફેરવતાં જરા એને હળવી કરવા પૂછ્યું... "હેઈ પરી, માય બેબી! શું થયું એ તો કહે? મસ્કરા ને આઇલાઇનર કેમ વહાવે છે? છાની થા અને કહે જોઉં?"
હીબકાં વચ્ચે ત્રૂટક અવાજે એ જેવું જેટલું બોલી એને જોડતાં વૈભવી એટલું સમજી કે કેવીન અને પરિશી વચે કૈક ઝગડો થયો છે... આમ તો રોજ થતા... ઘણાં થયેલા... પણ આજે આ વાળો કૈક ગંભીર લાગે છે. કોઈ માન્યા નામની છોકરીને લીધે કેવિને પરીને "ચીટ" કરી અને કૈંક "ડમ્પ" કરી એવું સમજમાં આવ્યું.
વૈભવી ક્ષણાર્ધ માટે સ્તબ્ધ થઈ ગઈ... પણ પછી એક સ્મિત સાથે પરિશીનું મો ઊંચું કરી દુપટ્ટાથી એનાં આંસુ લૂછતાં બોલી, "લે... બસ? આટલી વાતમાં શું સાવ ભાંગી પડવાનું? તું તો રાઈને પહાડ માની બેઠી!! જો... તેં નહિ... એણે તને ગુમાવી છે... હીઝ લોસ...! એ તારા માટે બન્યો જ નહતો.. તો એ છોડીને ગયો એનું દુખ શું કરવાનું? જે જતું હોય એ જવા દે પરી...! તું બાંધી ય નાં રાખ અને બંધાઈ પણ ન જા. પ્રેમનું આ એક રૂપ પણ સ્વીકારી લે. તારા માટે તારું અને સારું સામેથી આવી ને મળી જ રહેશે... જોજે... પછી આ પીડા... અને પીડાનો આપનાર ક્યાય ભુલાઈ જશે. માણસ પર ન રાખી શકે તો કંઈ નહી... પણ સમય અને પ્રેમ પર ભરોસો રાખ. ક'મોન, ચીન અપ, ગર્લ!!"
પરિશી એકદમ છંછેડાઈને બોલી... "તને શું ખબર મમ્મી? પ્રેમ શું હોય છે એ તું શું જાણે? તારા તો પપ્પા સાથે અરેન્જ મેરેજ છે. તને શું ખબર... કેટલું હર્ટ થાય કોઈ ભરોસો તોડે ત્યારે? જેને આપણી લાઈફ માનતા હોઈએ એ જ લાઈફને રોળી નાખે ત્યારે..."
આ સાંભળતા જ વૈભવીની નજર દીકરીનાં ચેહરાની આરપાર ક્યાંક પહોચી ગઈ જ્યાં એ વૈભવી ઊભેલી જેને માટે... એક વખત આવો જ એક આઘાત જીવલેણ, જીવનમરણ થઈ ગયેલો... અત્યારે એ એક નાના ઉઝરડા સિવાય એને માટે કંઈ જ નથી... સમય અને પ્રેમ આ બે અકળ તત્વો એવા છે કે જે ચોટ આપે... રૂઝ પણ...
"પરીને આ કેમ સમજાવવું?... મને પણ ક્યાં સમજાયું હતું? ...હું ય આવી જ પાગલ નાદાન હતી ને... રાઈ ને પહાડ...."
અને પરિશી મમ્મીને અસમંજસમાં જોઈ રહી... "ખરી છે મમ્મી... આટલી મોટી વાત બની ગઈ અને તોય આ સમયે મલકવાનું કઈ રીતે સુઝે છે મમ્મી ને?"