વચન
વચન
ઘરે પહોંચતા જ વીની થાકને કારણે ફસડાઈ પડી. બજારમાંથી લાવેલા શાક-ફળ માંડ બાજુમાં મૂકે ત્યાં સુધીમાં તો બધા રસોડામાં રેલાઈ ગયા. આ જોઈને નાનકડો ચિન્ટુ બાજુમાં આવીને દયામણા ચહેરે ઉભો રહી ગયો. દોડીને ઝટ નેપકીન લાવી માનો પરસેવો લૂછવા માંડ્યો.
"હું મોટો થઈને વિમાન લઈશ એટલે તને તેમાં બેસાડીને શાક લેવા લઈ જઈશ. પછી મોટ્ટું વિમાન લઈને આપણે બધાં ચાંદામામા પર જઈશું." કાગળનું વિમાન બનાવી રમતા ચિન્ટુની વાત સાંભળીને વીનીએ હર્ષથી દિકરાને ગળે વળગાડી દીધો. કોઈને ન સંભળાય એવું નાનું ડૂસકું નીકળીને ખોવાઈ ગયું.
સામાન્ય નાનકડો ધંધો. ધંધાની શરૂઆત એટલે અતિસામાન્ય આવકમાં તેણે અને સુમિતે એક જ બાળક કરીશું એવું નક્કી કરી લીધું હતું. દિકરાનો જન્મ થતાં તેને સારી રીતે ભણાવવામાં અને સારા સંસ્કાર સાથેના ઉછેરમાં મન પરોવ્યું. સુમિતના ઘરડા માતાપિતાની જવાબદારી પણ તેમના માથે જ હતી. પાકીટ તો ઝટ ખાલી થઈ જતું પણ મહિનો પૂરો થતા ઘણી વાર લાગતી. મહિનાના છેલ્લા દિવસો બહુ લંબાતા હોય એવું લાગતું. ઘરકામ અને દિકરાના ઉછેરની બધી જવાબદારી વીનીએ સ્વેચ્છાએ ઉપાડી જેથી સુમિત ધંધામાં બરાબર ધ્યાન આપી શકે. બજાર ઘરથી ત્રણ કિલોમીટર દૂર. ઘરમાં વાહન એક જ, જે સુમિત ધંધાર્થે જ વાપરતો. વીની માટે ચાલતા જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો!
વીની જાત સાથે જ બબડી. "બેટા તારી ઈચ્છા પુરી કરવા અમે તને કંઈ મદદ કરી શકીએ એમ નથી. વિમાન ખરીદવાની લાયકાત તારે જાતે જ કેળવવી પડશે."
દ્રઢ નિશ્ચય સાથે તે એકઝાટકે ઉભી થઈ ગઈ. "હું મારા એક હીરાને બરાબર ચમકાવુ, એનાથી જ હું ઉજળી દેખાઈશ." તેણે નાનું કામ શોધી લીધું.
દિકરાને ભણાવવા માટે જરૂરી પૈસા કમાવવા બંને ભગવાન પર શ્રદ્ધા રાખી સખત મહેનત કરતા રહ્યા. ‘મહેનતનો કોઈ વિકલ્પ નથી’, દિકરાના મગજમાં બરાબર ઠસાવી દીધું.
દિકરાની ઉત્તરોત્તર પ્રગતિ જોઈ, વીનીના નીકળતાં ન રોકી શકાતા આંસુને વહેવા મોકળો માર્ગ મળી રહેતો.
"ઇઝ ધેર એની પ્રોબ્લેમ", આંસુ આજે પણ એમ જ વહ્યે જતાં હતાં, તે જોઈ એર હોસ્ટેસે આવીને વીનીને ટોકી.
અમેરિકાની નામાંકિત કંપનીમાં નોકરી કરતા દિકરાએ હોંશથી મા-બાપને વેકેશન માણવા આપેલા આમંત્રણને સ્વીકારી જઈ રહેલા વીની-સુમિત પોતપોતાની વાતમાં ખોવાયા હતાં. સુમિત પણ એવા જ કોઈ સપના ખોવાયો હશે કારણકે તેની આંખ પણ ભીંજાયેલી હતી. બંનેએ જાતને સાંભળી.
"વીની, આપણો દિકરો વચનનો ખરો પાક્કો હ."
"જુઓ, વિમાનમાં બેસાડીને આપણને ચાંદામામા પાસે લઈ જાય છે."
વીની -સુમિત દિકરા પર ગર્વ લેતા, બારીમાંથી દેખાતા બીજના ચંદ્રનું સૌંદર્ય માણતા દિકરાને મળવા ઉત્સુક બન્યાં.