વાત એક પળની
વાત એક પળની


કહેવા માટે તો તે એક પળ જ હતી. આંખનો પલકારોથાય તેટલા સમયની જ. પણ તે કોઈ સાધારણ પલ ન
હતી. તેમાં આઈ.સી.યુ.ના મોનીટર પર ચકર- વકર ફરતી એક નજર હતી, તેમાં સમગ્ર લાગણી, બુધ્ધિ, તર્ક અને સંબંધની કસોટી હતી. જો તે પળ ને સૂક્ષ્મ દર્શકયંત્ર નીચે મૂકવામાં આવે અને ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો તે ઘણી વિશાળ અને ગંભીર હતી.
તેમાં લોહીના સંબંધથી તરબોળ અને સ્મરણોથી ભીની લાગણીઓને યંત્રના કાચ નીચે મેં ડૂસકાં ભરતી જોઈ. તે એક કાયમી નિર્ણય માટે 'હા' પાડવા તૈયાર ન હતી. પણ નિષ્ઠુર બુદ્ધિ અને "સમય સામે કોઈ નું ચાલતું નથી" તે દર્શાવતો તર્ક - આ બંને કાચ નીચે સ્પષ્ટ અને સ્થિર દેખાતા હતા. અંતે તો 'સમય'નીજ જીત થઇ. અને તે ગમગીન દીકરીએ જીભથી નહિ, પણ લાચાર નજરથી સંમતિ આપી. તે પળેજ વેન્ટિલેટરની સ્વીચ બંધ થઈ.. મોનીટર પર એક સીધી લાઈન દેખાઈ. અને કેટલાય દિવસોથી કોમામાં ગયેલી જનની એક અશ્રુભીની પળમાં સમેટાઈ ગઈ, સદાયને માટે...