ઉંદર અને બિલાડી
ઉંદર અને બિલાડી
એક બિલાડી ઘરડી થઇ હોવાને કારણે શિકાર કરવામાં અસમર્થ હતી. પોતાની ભૂખ સંતોષવા તેણે એક પ્રપંચ રચ્યો એક અનાજના ગોદામમાં એ અનાજના ગુણ જેવી દેખાય એ રીતે ચુપચાપ પડી રહી જેથી કોઈ ઉંદર તેને ગુણ સમજી નજીક આવે અને તે એને પકડી શકે. એક ઉંદર બિલાડીની થોડેક દુર આવીને ઉભો રહ્યો અને અનાજની ગુણની જેમ પડેલી બિલાડીને જોઈ બોલ્યો “અરે અનાજની ગુણ તો ઘણી જોઈ છે પણ આવી પૂંછડીવાળી ગુણ મેં આજે પહેલીવાર જોઈ!”
બિલાડીને પોતાની ભૂલ સમજાઈ. બીજે દિવસે તે પોતાની પૂંછડી કપાવી પાછી ગોદામમાં આવી અને ગુણની કેમ ચુપચાપ પડી રહી.
હવે ઉંદર પાછું આવ્યું અને બોલ્યું, “અરે અનાજની ગુણ તો ઘણી જોઈ છે પણ આવી મૂંછોવાળી મેં આજે પહેલીવાર જોઈ!”
બિલાડીએ તુરંત પોતાની મૂંછો કપાવી દીધી અને પાછી ગોદામમાં આવી ગુણની જેમ સુઈ ગઈ. ફરી એ ઉંદર આવ્યો અને બોલ્યો, “અરે! અનાજની ગુણ તો ઘણી જોઈ છે પણ આવી બિલાડીના માથા જેવી ગુણ પહેલીવાર જોઈ છે!”
આખરે પૂંછ અને મૂંછ ગુમાવ્યા બાદ બિલાડીને અક્કલ આવી કે તે સમજુ ઉંદરોને છેતરી શકવાની નથી !
(ઈસપની વાતોમાંથી)