Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

ઉનાળો

ઉનાળો

2 mins
240


એ ધોમધખતો ઉનાળો હતો. વેકેશનનાં દિવસો હતાં. સૌ પોતપોતાના ઘરોમાં પંખાની હવામાં આડા પડખે થયાં હતાં.

પણ ભારતી ને એની મસ્તીખોર ટોળકી ચંચળ કાકીના વાડામાં સેતુરનાં ઝાડ પર ચઢીને પાકાં પાકાં સેતુર ખાતા હતાં ને ઝાડ પર ધમાલ મસ્તી કરીને અવાજ કરતાં હતાં.

આડા પડખે સૂઈ રહેલાં ચંચળ કાકીએ ઘાંટો પાડ્યો પણ આ ટોળકી એમ ગાંજી જાય એમ નહોતી.

થોડીવાર ચૂપચાપ ઝાડ પર બેસી રહ્યા ને પાછી બૂમાબૂમ ને ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ.

ચંચળ કાકી મોટી લાકડી લઈને આવ્યા એટલે નીચેની ડાળ પર બેઠેલી બધીજ બહેનપણીઓ કૂદકો મારીને ઊતરીને જતી રહી.

ભારતી છેક ઉપર હતી એટલે એ ઉતરી એટલે પકડાઈ ગઈ.

ચંચળ કાકી એ એનો હાથ પકડી ને ઘરમાં લઈ ગયાં ને ખાટલાનાં પાયા સાથે બે હાથ બાંધી દીધા પણ ભારતી નીડરતાથી ઊભી હતી.

ચંચળ કાકીએ દરવાજો બંધ કર્યો ને બીજા ખાટલામાં આડા પડ્યા.

ચંચળ કાકીનાં ઘરને બે બાજુએ દરવાજા હતાં.

તોફાની ટોળકીએ દરવાજો ખખડાવ્યો કે ભારતી ને બહાર મોકલો.

ચંચળ કાકી એ ઘાંટો પાડ્યો પણ કોઈએ પીછેહઠ કરી નહીં ને અંદરોઅંદર મસલત કરીને બે જણી આ દરવાજો ખખડાવે ને બે જણા બીજો દરવાજો જોર જોરથી ખખડાવે ને બીજી બે આવાં આકરાં ઉનાળામાં પણ દિવાલ પર ચઢીને ઉપર પતરાં પર ચડ્યા. ઉનાળો હોવાથી પતરાં ગરમ લ્હાય જેવા હતાં.

એની ઉપર થઈને જ્યાં નળિયા હતાં એ ખસેડાયા ને હેમલતાએ રૂમમાં કૂદકો માર્યો ને ચંચળ કાકી કંઈ સમજે એ પહેલાં તો ભારતીનાં હાથ છોડાવીને દરવાજો ખોલીને બધી ટોળકી પોત પોતાના ઘરમાં જઈને ડાહી ડમરી થઈને આંખો બંધ કરીને સૂઈ જવાનો ડોળ કરી રહી.

થોડીવારમાં ચંચળ કાકી ફરિયાદ કરવા ઘરે ઘરે ફરી રહ્યા ને ટોળકી મોં સંતાડીને હસી રહી.

પણ પછી ભારતીએ જ બધાને ભેગા કર્યા ને ચંચળ કાકીનાં પતરાં પર નળિયા સરખા ગોઠવી આપ્યાં ને બધાં જ લાઈન બંધ ઊભા રહીને હાથ જોડીને ચંચળ કાકીની માફી માંગી ને કહ્યું હવે ફરીથી બપોરે હેરાન નહીં કરીએ.

ચંચળ કાકીએ પણ બધાને માફ કરી દીધાં એટલે ટોળકી ખુશખુશાલ થઈને ચીચીયારીઓ પાડી રહી.

પછી પાછી ચર્ચા કરીને ખેતરોમાં જઈ લીંબુ તોડી લાવીને ઉનાળો હોવાથી બધાંને ઘરે ઘરે લીંબુ વહેંચ્યા ને લીંબુ શરબત પીધું.


Rate this content
Log in