ઠોઠ નિશાળિયો
ઠોઠ નિશાળિયો
છેલ્લા અઢાર વર્ષોથી શિક્ષકના પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલી છું. મારી આ શિક્ષણ યાત્રામાં ગામડાનાં હજારો બાળકો મારા હાથ નીચેથી પસાર થયા હશે. કેટલાક બાળકો શિક્ષકને ભૂલી જતા હોય છે.જ્યારે કેટલાંક બાળકો શિક્ષકના આપેલા બોધપાઠને હંમેશા યાદ રાખતા હોય છે.
ગયા મહિને હું જમ્મુ કાશ્મીરના પ્રવાસે મારા પરિવાર સાથે ગઇ હતી.બહારની ગાડી જોઇને ત્યાંની પોલીસે અમારા ગાડીના કાગળિયાં તપાસવા ગાડી ઉભી રાખી.અમે ગાડીની બહાર ઉતર્યા ત્યાં જ એક આર્મી ઓફિસર અમારી તરફ દોડતાં આવ્યા.મારા આશ્ચર્ય વચ્ચે એઓફિસર મને પગે લાગ્યા !
"અરે બેન તમે ? કેમ બેન મારી ઓળખાણ ના પડી ? હું વિવેક.તમારો વિદ્યાર્થી."
મારી પાસે બાર વર્ષ પહેલાં ભણી ગયેલો અને ભણવામાં ખૂબ જ નબળો એવો વિવેક આજે મોટો આર્મી ઓફિસર બની ગયો હતો !
વિવેક અમને જીદ કરીને એના કેમ્પ પર લઇ ગયો. અમારા માટે તો આ એક લ્હાવો હતો.જયાં અમને આપણા ભારતીય જવાનો કેટલી મહેનત કરે છે તથા અન્ય તાલીમાર્થીઓ કઇ રીતે દોડવાની, વિવિધ પ્રકારની કૂદની, સાયકલીંગની, વજન ઉંચકી પર્વતો પર ચડવાની તથા આ સિવાયની પ્રેકટીસ કરે છે તે જોવા મળ્યું.
મેં વિવેકને તેની આ સફળતા માટે શુભેચ્છાઓ આપી.વિવેકે કહ્યું,
"બેન, પરિસ્થિતિ માણસને વધુ સમજદાર બનાવી દે છે. પ્રાથમિક શાળામાં હતો ત્યાં સુધી ભણવામાં બિલકુલ ધ્યાન ન'હતો આપતો. હું નવમાં ધોરણમાં હતો ત્યારે ખબર પડી કે, પપ્પા કેન્સરના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છે. પપ્પાની સારવાર માટે શહેરમાં મામાને ઘરે આવ્યા. પપ્પાની શારિરીક તથા ઘરની આર્થિક પરિસ્થિતિ રોજ બગડવાં લાગી. ગામનું ધર તથા ખેતર વેચવા પડ્યા. અમારા અથાક પ્રયત્નો છતાં પપ્પાને અમે ના બચાવી શક્યા. ઘરમાં ખાવાની પણ તકલીફ પડવા લાગી. વાંચનમાં કાચો એવો હું મારી માતાના આંસુ ચોક્કસ વાંચી શકતો હતો. મામા પણ કેટલા દિવસ રાખે ? સાચું કહું તો બેન શાળામાં જે પાઠ ન'હતો શીખ્યો એ પાઠ રોજ ઠોકરો ખાઇને શીખી ગયો.તમે જ કહેતા હતા ને કે,' સિધ્ધિ તેને જઇ વળે, જે પરસેવે ન્હાય.'
ભણવાની સાથે મેં સવારે પેપર નાંખવાનું તથા હોટલમાં વેઇટરનું કામ ચાલુ કર્યુ. રજાના દિવસે જે કામ મળે એ મારા પરિવારનો પેટનો ખાડો પૂરવા મારે કરવું પડતું. અભ્યાસ માટે રાત્રે ઉજાગરા કરવા પડતાં પણ હા... હવે, તમારો વિવેક ઠોઠ નિશાળિયો ન'હતો રહ્યો. એક વખત હોટલમાં ભજિયાં માટે કાગળ ફાડતા મને આર્મીમાં ભરતીની જાહેરાત વાંચવા મળી. મેં બીજા જ દિવસથી દોડ, કૂદ તથા અન્ય કસરતો ચાલુ કરી. એ વર્ષે મારી પસંદગી ના થઈ પણ મેં હિંમત હાર્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા અને આજે માતા તથા માતૃભૂમિની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપવા તૈયાર વિવેક તમારી સામે ઉભો છે !"
વિવેકની સફળતાની ગાથા સાંભળી ઉભેલા તમામની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. સૌએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.મને પણ મારા આ ઠોઠ નિશાળિયા વિદ્યાર્થી પર તથા આપણા જવાનો પર ગર્વ થયો.
જમ્મુ કાશ્મીરની સુંદરતા તથા મારા વિદ્યાર્થીની સફળતાનો આનંદ માણતી હું મારા ઘરે પરત ફરી.
