ત્રિકોણ
ત્રિકોણ
મુલચંદભાઈ -- આજથી લગભગ પચાસ વર્ષ પહેલાની વાત છે.
મુલચંદભાઈ બાળપણમાં ભાઈબંધો સાથે અલ્યા મુળિયા ના નામે ઓળખાતા. માઁ -બાપનું ત્રીજું સંતાન, પિતાનું ઠીક ઠીક સુખી કહેવાય એવું ઘર ગામમાં, મુળિયો અઢાર વર્ષનો થયો ને બાપાને’કે, બાપા મારે શહેરમાં જવું છે- નોકરી કરવી છે. એ જમાનામાં પણ ગામડેથી શહેરમાં જવાનું આકર્ષણ હતું. એક મિલની નોકરી મળી જાયને તો બે પાંદડે થઈ જતા વાર ના લાગે. ગામના જુવાનિયાઓને શહેરમાં જઈને નોકરી કરવાનો નાદ લાગ્યો હતો જાણે. બાપાએ હામી ભરી.
મુલચંદભાઈ પહોંચ્યા શહેરમાં. દૂરના સગાને ઘેર બે ચાર દિવસ રહ્યાને, એક મિલમાં નોકરી મળી ગઈ. નોકરીના સ્થળથી નજીક એક ઘર ભાડે લઈ લીધું. એક રૂમ રસોડાનું ઘર ઉપલે મેળે હતું. નોકરીએ લાગ્યા પછી એજ રોજિંદી ઘટમાળ ચાલુ થઈ ગઈ. એકલતા કોરી ખાતી.
છ - બાર મહિના નોકરી કરીને પૈસા ભેગા થતા, દિવાળીએ ગામમાં માબાપને પગે લાગવા ને તહેવાર માણવા ગયા ત્યારે માતા પિતા ને ભાઈ બેન માટે થેલો ભરીને ભેટો લેતા ગયા. નવી નવી ભેટસોગાદો જોઈને સૌ ખુશ ખુશ થઈ ગયા. પિતાને થયું કે મુળિયો, હવે મુલચંદ થઈ ગયો છે અને ક્યાં સુધી એકલો રોટલા હાથે ટીપીને ખાશે ? એટલે હવે એને પરણાવી દઈએ. બાપાએ મુલચંદ સાથે વાત કરીને મુળીયાએ શરમાતા શરમાતા હા પાડી.
બાપાએ પોતાની જ્ઞાતિના જ મગનલાલની દીકરી પુષ્પા સાથે સગાઈ નક્કી કરી લીધી. મગનલાલને પાંચ દીકરી ને પછી એક દીકરો. પુષ્પા એમની પહેલી દીકરી. એ જમાનામાં સંબંધો બાંધતી વખતે પોતાનું ભવિષ્ય પણ સલામત થાય એવી દૂરંદેશી દરેક વડીલોમાં રહેતી. મગનલાલને એમ કે મોટી દીકરીને શહેરમાં નાખું એટલે પછી બીજી એકાદ બે દીકરી પણ ત્યાં ગોઠવાઈ જાય ને ભવિષ્યમાં મારો ગગો એ ઠેકાણે પાડી જાય. પછી આપણે ગંગા નાહ્યા. એમની પત્ની ને મગનલાલે કહ્યું.
વૈશાખ મહિનાની ધોમધખતી ધૂપમાં લગ્ન લેવાયા. લગ્ન એકબીજાની સહમતીથી થયેલા એટલે સારી રીતે ધામધૂમથી પ્રસંગ પત્યો.
પુષ્પા -- નવું ઘર, નવું શહેર અને વળી પોતે અને પોતાનો વર, બીજી કોઈ જાજી લપ્પનછપ્પન નહી, એવા વિચારો સાથે સાસરે, ના- ના, પોતાને ઘેર ગઈ. ગામડામાં ઘડાયેલી એટલે ભાડાના ઘરને પણ સરસ રીતે ગોઠવીને નાનકડું ઘર બનાવી દીધું. સમય વીતતો ગયો ને વડીલો ઊંચાનીચા થવા માંડ્યા. મારા મુલચંદના ઘરે પારણું કેમ નથી બંધાતું ?
કોનામાં ઉણપ હશે અને શહેરમાં ડોક્ટરને બતાવીએ એવી સમજ તો એ જમાનામાં કોઈનામાં ક્યાં હતી ? કોઈ પણ અભાવ હોય તો વાંક માત્ર અને માત્ર સ્ત્રીઓનો જ હોય, એવી જડબેસલાક માન્યતાથી લોકો પીડાતા. અને દીકરી ના માઁ - બાપ અને ખાસ તો માઁ જ એ માન્યતાને સ્વીકૃતિ આપી દેતી. અહીં મુલચંદ અને પુષ્પાને પણ બાળકોની કમી સાલતી પણ અડોશ પાડોશ ના બાળકોને જઈને મન વળી લેતા. હશે, જેવી ઈશ્વરની મરજી કહીને પોતાના જીવનની ગાડી ને સારી રીતે આગળ ધપાવતા હતા.
રમા -- પુષ્પની ચોથા નંબરની બેન
વારે પ્રસંગે પુષ્પા પિયર આવે ત્યારે કાયમ કેટલીયે ભેટ સોગાદો લાવે. અને પુષ્પા યે એના પતિના સાલસ સ્વભાવની વાત ઘરમાં અવારનવાર કરતી હોય. એટલે રમા પોતાના બનેવીથી થોડી ઘણી અંજાયેલી પણ ખરી. મુલચંદભાઈના પિતા અને સસરા મગનલાલે કોઈ ગુફ્તેગુ કરી લીધી હતી. પત્નીઓની સલાહ લેવાનો તો પ્રશ્ન જ ન હતો. રમા ને એકવાર પૂછવા ખાતર પૂછી લીધું ને પુષ્પાને સમજાવી દીધી કે બીજી કોઈ આવશે તો તને વધારે ત્રાસ પડશે. એના કરતા તારી બહેન જ હોય તો સાથે હળીમળીને રહેવાય. પુષ્પાએ વડીલોની સમજણ ને માન આપ્યું ને મુલચંદ અને રમા ના લગ્ન નક્કી થઇ ગયા. પુષ્પાની સહમતીથી જ તો. બંનેની માતાઓ પણ ખુશ હતી કે ચાલો ઘી ના ઠામમાં ઘી પડ્યું. ભગવાનની કૃપા હશે તો વર્ષે દા'ડે આપણે પૌત્ર અને દોહિત્ર નું મોં જોવા પામશું.
એમના સમાજમાં દહેજ આપવાનો રિવાજ નહી પણ બીજા લગ્ન એટલે સાદાઈથી કર્યા. અને મગનલાલને એક દીકરી રંગેચંગે પરણાવવાનો ખર્ચો બચી ગયો ને સારો જમાઈ શોધવાની મહેનત પણ બચી ગઈ. જુના અને જાણીતા જમાઈને જ બીજી દીકરી વળાવી દીધી. એટલે એમને તો બેય હાથમાં લાડુ હતા.
બહુ આકરું હતું -- પુષ્પા માટે, એના પતિનું આ નવું જીવન.
મુલચંદને પણ થોડું અડવું તો લાગતુ જ હતું પણ આ તો બગાસું ખાતા પતાસું મોમાં આવ્યું હતું એટલે થોડો સ્વાર્થી થવામાં વાંધો નહી. વાંક તો પુષ્પનો ય ખરો ને. મારા બધા ભાઈબંધોને ત્યાં ત્રણ ચાર છોકરા રમે છે.
અને રમા -- એક તો હતી બાળકબુદ્ધિ એમાં એને ગમતા બનેવી ને પરણી ને એય બધાની રજામંદીથી, એટલે એને તો કશું ગુમાવવાનું હતું જ નહી.
તો ત્રણે જણ શહેરમાં ગયા અને નવજીવન ચાલુ થયું. એક જ ઓરડામાં હળીમળીને રહેવાનું એ પણ પ્રેમથી, બોલો આવા સંજોગોમાં પ્રેમથી શી રીતે રહેવાય ? પણ પુષ્પાએ નતમસ્તકે પરિસ્તિથી આગળ ભારે હૈયે શરણાગતી સ્વીકારી લીધી.
એક આશા હતી પુષ્પાને --- કે રમાને જો એકાદ વર્ષમાં ઘોડિયું બંધાય અને પુત્ર જન્મે તો હું એને મારો કાનુડો કરીને રાખીશ. કેમ કાનુડાને બે માઁ નહોતી ? હું ય એની જશોદા થઈશ. પછી ભલેને એ બંને સુખેથી રહે. કાનુડાની રાહ તો બધાય જોતા હતા. પણ પુષ્પાની જેમ રમા એ પણ રાહ જોવડાવી. અને ફરીથી બંનેના માં બાપ એક ત્રિભેટે આવીને ઊભાં રહ્યા. મગનલાલને એક દીકરી હજી કુંવારી હતી એટલે એમના મનમાં લોભ જાગ્યો.
પણ સબૂર, .............. આ વખતે પુષ્પા ન હતી. સામે રમા હતી. રમાએ જે ફુલગુલાબી જીવનની કલ્પના કરી હતી એમાં જયારે સચ્ચાઈના રંગો ભરાતાં ગયા એમ એમ એના સ્વપ્નોનો રંગબેરંગી પાણી ભરેલો ફુગ્ગો ફૂટી રહ્યો હતો. એ એની બહેન પુષ્પાની વેદના પણ સમજવા માંડી હતી. અને જીવનની ઘંટી ના બે પડ વચ્ચે બંને બહેનોનો ખાલીપો ફરતો હતો.
રમાએ એના બાપા મગનલાલને એક જ સવાલ પૂછ્યો. કે બાપા તમે મારી નાની બેન ઊમાને મારા વર જોડે પરણાવો અને એને પણ છોકરા ના થાય તો ?
અને, મગનલાલના મન ઉપર જાણે એક ગરમ ગરમ હથોડો વાગ્યો. આ તોત્તેર મણ ના ' તો ' -- એનાથી એમને પોતાના ઉતાવળિયા નિર્ણય પર શરમ આવી ગઈ. મેં પહેલાં કેમ એવો વિચાર ના કર્યો ? મારી જ બે દીકરીઓને ઘડિયાળ ના લોલકની જેમ અહીંથી તહીં ને તહીં થી અહીં અથડાવા મૂકી દીધી. જાણે અજાણે પણ પણ મારી બે દીકરીઓની આ અવસ્થાનો હું ગુનેગાર તો ખરોજ
અને એક દીકરી ફરીથી ઘંટીના પડમા ભીંસાતી રહી ગઈ.
મુલચંદ - પુષ્પા - રમા એક ત્રિકોણના ત્રણ ખૂણાની જેમ એકબીજાને આપસી સમજણથી નિભાવી રહ્યા છે.
બોલો ખરો ગુનેગાર કોણ ?
