Priyakant Bakshi

Others

3  

Priyakant Bakshi

Others

તરભો

તરભો

13 mins
14.1K


પ્રમથેશે ઑફિસથી આવીને રાત્રી ભોજન વિધિ પતાવી બેડરૂમના પલંગ પર લંબાવ્યું. સવારનું છાપું અકબંધ જ હતું. વીણાએ પણ નજર ફેરવી નથી લાગતી. અજય તો વારંવાર કહે છે કે પપ્પા, હવે છાપાના જમાના ગયા. કમ્પ્યૂટર પર વેબ સાઈટ પર જાવ એટલે છાપા એ મળશે અને ચેનલો પર લાઈવ સમાચાર જોવા-સાંભળવા મળશે. એ ન ફાવે તો ટી.વી. ક્યાં નથી?

પ્રમથેશ વિચારતો કે ભલે ભાઈ, આધુનિક જમાનામાં આ સાધનો વાપરો પણ છાપા વાંચવા જેવી મજા એમાં નહિ. વીણા રસોડાનું કામ પતાવીને બે’ડરૂમમાં આવી.

પ્રમથેશે છાપા પરથી નજર ઊઠાવી અને બોલ્યો, 'આજનું છાપું એકદમ અકબંધ છે. શું વાત છે? સવારથી કામમાંથી નવરાશ નથી મળી કે શું?'

વીણા, 'આજે બાજુવાળા સુનંદાબેનને નાસ્તા બનાવવામાં હાથ બઢાવવાનો હતો તેથી ટાઈમ જ ક્યાં રહ્યો? હું તમને એ વિષે વાત કરવાની હતી. મને થયું કે રસોડાનું બધું કામ પતાવીને નિરાંતે વાત કરીશ.'

પ્રમથેશ, ' શું વાત છે? કંઈ પ્રસંગ છે કે?'

વીણા, 'આ સુનંદાબેનના હસબંડ ગિરીશભાઈના બચપણના મિત્ર દાસભાઈ કેટલાય વર્ષો પછી આફ્રિકાથી મુંબઈ આવે છે. સુનંદાબેનને ગિરીશભાઈએ કહી રાખ્યું હતું કે એ દાસભાઈને નાસ્તામાં અમુક-તમુક ભાવે છે અને બચપણમાં બાના હાથનો એ નાસ્તો બહુ પસંદ હતો. જ્યારે આફ્રિકા જવાનું થયું ત્યારે બાને પગે પડવા આવ્યો હતો અને કહે, 'બા, તમારા બનાવેલ મઠિયા અને મકાઈના વડા ખાધા વગર જવાનો નથી. સાથે ડબ્બામાં પણ લઈ જઈશ. કોણ જાણે ફરી ક્યારે ખાવાનો વારો આવશે.' આજે બા તો નથી એટલે ગિરીશભાઈએ ખાસ સૂચન આપ્યું કે આ-આ વસ્તુઓ નાસ્તામાં બનાવજો. એ દાસ્યો આવીને પહેલા કહેશે કે બા નથી તો એ નાસ્તામાંથી એ ગયો.'

પ્રમથેશ, 'ગિરીશભાઈ મને કહેતા હતા કે એમનો બચપણનો દોસ્ત આફ્રિકાથી આવે છે. એને આફ્રિકા ગયે ઘણા વર્ષો થઈ ગયા. અનિયમિત પણ પત્ર વહેવાર જાળવી રાખ્યો હતો.'

પ્રમથેશને આ ઘરમાં આવ્યે આટલા વર્ષો પહેલાના મુંબઈના એ ચાલીના ઘરની બચપણની યાદ આવી ગઈ.  'વીણા, આપણા લગ્ન પછી બે-ચાર વર્ષમાં અહિ આવ્યાં પરંતુ મારું બચપણ ત્યાં વીત્યું હતું. એ વખતના બચપણના સાથીઓ સંસાર સાગરમાં ક્યાંય છૂટાં પડી ગયા. તરભો, રતીયો, કુમાર, જીવલો, મગનો અને હું, મને પમીઓ કહેતા. ખરેખર આજે ઘણી અકળામણ અનુભવું છું. ક્યાંય કરતાં કોઈનો સંપર્ક ન રહ્યો. કોણ ક્યાં છે અને કોણ આ જગતમાં હયાત છે કે નહિ એની જાણ પણ નથી. શરદબાબુ કહેતા કે આ સંસારમાં એકબીજાનો સાથ ઘણો ક્ષણિક છે. નદીના જળ પ્રવાહમાં કોઈ ઝાડની ડાખલીઓ સાથે તણાતી રહે અને ક્યારે છૂટી પડી જાય એ કહેવાય નહિ. પછી મિલન થાય કે ના પણ થાય! બસ એવું જ થયું છે. તરભો અમારા સૌનો લીડર. એને કશાનો ભય નહિ.

એ ચાલીના ચોગાનમાં એટલા બધા વિવિધ પ્રકાર ઝાડ હતા કે આંબાવાડિયું કહેવાય. તરભાને મા-બાપ એટલે એના મામા-મામી. ગામમાં એ બહુ નાનો હતો ત્યારે બાપા ગુજરી ગયા અને એની પાછળ-પાછળ એની બા થોડા સમયમાં દેવલોક પામ્યાં. તરભાને મા-બાપના ચહેરાનો પણ અણસાર નથી. જ્યારથી સમજણો થયો ત્યારથી મામા-મામીની સંગાથે હતો. મામા-મામીને ત્રણ દીકરીઓ.

તરભાથી બધીએ મોટી. મામા-મામીનો સ્વભાવ ઘણો સારો. અનાથ તરભાને જરાએ ઓછું ન આવવા દે. દીકરીઓ તરભાને માડી જાયો ભાઈ જ સમજે. તરભો મામા-મામી કહીને બોલાવે તેથી લાગે કે એ એના જન્મદાતા નથી. તરભાના મામા-મામી એટલે ચાલીના સૌના મામા-મામી.

ચીકુ, જામફળ, દાડમ, નારિયેળ, બદામ, સીતાફળ, આંબલી (કાતરા) કે સરગવાની શિંગ, બધે જ તરભો આગળ. એ બધા ઝાડને ખૂંદી વળતો. પાછો એકલો પંડે ન ખાય. એને સૌને ખવડાવવામાં આનંદ. કેરીની મોસમ આવે કે તરભાની જાત-જાતની તરકીબથી આંબો વેઢાઈ જાય. આજે આપણે એવી નવી તરકીબોને મસ-મોટા નામથી નવાજીએ છીએ કે ઈનૉવેઈટીવ આઈડિઆ!

એની પાસે કોઈને કોઈ તરકીબ હાજર જ હોય! તરભાને મારા પ્રત્યે વિશેષ લગાવ. કોઈ-કોઈવાર કહે પણ ખરો. 'પમીઆ, તું ભણવામાં ખૂબ હોશિયાર છે. યાર, આપણે તો ગાર્ડ માસ્તર. જેમ તેમ કરીને ઉપરનાં ધોરણમાં ચડાવી દે એટલે ભયો-ભયો. મામા-મામીના ફીનાં પૈસા બગડે નહિ એટલે ગંગા નાહ્યા. આપણા બધામાં તું એક એવો છે કે સારું ભણીને આપણી ચાલીનું નામ રોશન કરીશ.’

એ વખતે પાણી માટે નળ ન હતા, એ તો પછી આવ્યા. મોટો કૂવો હતો. અમને બધાને તરતા આવડે. અમે કોઈ-કોઈવાર કૂવામાં નહાવા માટે ઊતરીએ. બધા તેમાંથી પાણી ભરે. ઘણીવાર દોરડા સાથે બાંધેલ બાલદી કૂવામાં પડી જાય. તરભાને ખબર પડે કે કોઈની બાલદી કૂવામાં પડી ગઈ છે કે  એ કૂવામાં ખાબકે! એક ઊંડો શ્વાસ લે અને થોડી ક્ષણમાં બાલદી સાથે પાણી પર આવી જાય! ઘણીવાર મામીને ચિંતા થાય કે તરભાને કંઈક થઈ જશે તો. ઘણીવારે પણ તરભો જેનું નામ, સાંભળ્યું ન સાંભળ્યું કરી દે.

મૂળે સાહસી અને મદદ કરવામાં પહેલો.

અચાનક એક દિવસ સૌની નજર સામે મામા-મામી કુટુંબ સાથે ધર ખાલી કરીને સામાન સાથે ક્યાંક જતા રહ્યાં. અમે તો નાના હતા એટલે વધારે ગતાગમ ના પડે, પણ વડીલ વાત કરતા કે મામાને ધંધામાં ઘણી મોટી ખોટ આવવાથી દેશ(ગામ) ભેગા થવું પડ્યું છે. બસ ત્યાર પછી કોઈ સમાચાર નથી. આપણે જેમ સંસાર વસાવ્યો એમ એનો પણ સંસાર હશે. કોઈ જાતનું પગેરું ન રાખ્યું, એ આજે  તે  ગિરીશભાઈની વાત કરી એટલે થાય છે કે ધન્ય છે એમને, જૂનો સંબંધ જાળવી રાખ્યો છે. મારી બચપણની આ અજાણ ભૂલ માટે ઘણો પસ્તાવો થાય છે.'

થોડા દિવસ પછીની વાત છે. અજય, પ્રમથેશ પાસે છાપું લઈને આવ્યો. અજય બોલ્યો, 'પપ્પા, જુઓ આ કેવી વિચિત્ર જાતની જોબ માટેની જાહેરાત છે.' અજયે એના પપ્પાને છાપું ધર્યું. પ્રમથેશે વાંચ્યું, 'વર્લ્ડ વાઈડ કમ્પ્યૂટર કંપનીમાં કમ્પ્યૂટર એન્જિનિઅરની જગા ખાલી છે. કમ્પ્યૂટર એન્જિનિઅરની ડીગ્રી હોવી આવશ્યક છે, અનુભવ હોય તો ચાલશે પણ આવશ્યક નથી. પરંતુ ઈન્ટરવ્યૂમાં મેદવારની સાથે એના પિતા કે વડીલ હોવા અતિ આવશ્યક છે. ઉમેદવારને જરૂર પડ્યે કંપની તરફ્થી પરદેશ પણ જવું પડે.' વગેરે - વગેરે. પ્રમથેશે માથુ ખંજવાલ્યું. બીજુ બધું તો ઠીક પણ ઈન્ટરવ્યૂમાં ઉમેદવારની સાથે એના પિતા કે વડીલની જરૂર છે, આવી શરતવાલી નોકરીની જાહેરાત પ્રથમ વખત જોવામાં આવી!

પ્રમથેશ, 'અજય, તું અરજી કરી જો ને. બધી રીતે તને બંધ બેસતી ઑફર છે. ચાલો, જો તને બોલાવશે તો તારી સાથે મને પણ ઈન્ટરવ્યૂનો લાભ મળશે. જોવાય મળશે કે આ કઈ જાતની વિચિત્ર ખોપડી છે.' અજય કમ્પ્યૂટર એન્જિનિઅર થયો હતો અને એક કંપનીમાં નોકરી કરતો હતો. રસોડામાંથી વીણા બહાર આવી અને બાપ-બેટાને ચણભણ કરતા જોઈ, બોલી, 'બાપ-દીકરો શું રસોઈ રાંધે છે? હશે, મારી રસોઈની બદબોઈ!'

પ્રમથેશ, 'તને આખો દિવસ રસોઈ સિવાય બીજુ સૂઝે છે? જો, આ નોકરી માટેની કેવી વિચિત્ર જાહેરાત છે.' 

વીણાએ છાપું હાથમાં લીધું અને જાહેરાત વાંચી. તેને પણ નવાઈ લાગી કે આ તે કેવી શરત કહેવાય? વિચિત્ર નહિ તો શું? અરજી કર્યાના થોડા દિવસમાં અજયને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. પ્રમથેશ અને અજય બન્ને વર્લ્ડ વાઈડ કમ્પ્યૂટર કંપનીમાં આપેલ દિવસે ઈન્ટરવ્યૂ માટે ગયા. ઑફિસમાં બીજા બે-ત્રણ ઉમેદવાર પોતાના પિતા કે વડીલ સાથે ઈન્ટરવ્યૂ માટે આવેલ. છેલ્લે અજયને કેબિનમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. અજય કેબિનમાં ગયો. ખાસ્સા અડધા-પોણા કલાકે બહાર આવી ને બોલ્યો, ‘પપ્પા, હવે તમને બોલાવે છે અને મને જણાવ્યું છે કે મારે હમણા કેબિનની બહાર ઑફિસમાં બેસવાનુ છે.’

પ્રમથેશ,’ અજય બેટા, તારો ઈન્ટરવ્યૂ કેવો ગયો?'

અજય, 'ઘણો સરસ ગયો છે. ધે આર વેરી મચ ઇમ્પ્રેસ્ડ વીથ માય આન્સર. આઈ ગેસ ઇત ઇસ ક્વાઈટ સેટીસફેક્ટોરી. યુ મે પ્રોસિડ. (મારા ઉત્તરો ઘણા પ્રશંસનીય હતા. હું માનુ છું કે ઈન્ટરવ્યૂ સંતોષપૂર્ણ ગયો છે. હવે તમે પ્રસ્થાન કરો.)

પ્રમથેશે કેબિનમા પ્રવેશ કર્યો. એક મોટા ટેબલની પાછળની ભવ્ય ખુરશીઓ પર ત્રણ વ્યક્તિઓ વિરાજમાન હતી. તેઓમાંથી વચ્ચેની વ્યક્તિ પ્રમથેશને જોઈને ઊભી થઈ. અને કહ્યું, તમે... તમે મીસ્ટર પ્રમથેશ, અરે.. તું પમીઓ તો નહિ ને?'

પ્રમથેશ, 'લ્યા, તમે… તું તરભો, અહિ ક્યાંથી?'

તરભો, 'માય ફ્રેન્ડ્સ, મુકુંદા એન્ડ શીવનારાયણ, લેટ મી ઈન્ટ્રોડ્યુસ્ડ યુ ધીસ ગાય. (મિત્રો, મુકુંદા અને શિવનારાયના, આમની તમને ઓળખાણ કરાવું.) આ પ્રમથેશ એટલે કે પમીઓ, મારો બચપણનો જીગરી દોસ્ત છે. કેટલાય વર્ષો થયા પછી આજે મળ્યા!'

મુકુંદા, ‘સર, યુ પ્રુવ્ડ ટુ બી ટ્રુ ફોર યોર ઈનોવેટીવ આઈડિઆ તો કોલ અ કેન્ડિડેટ વીથ હિસ ફાધર ઓર ગાર્ડિયન. આઈ એપ્રિશીયેટ યુ. ઈન ધ બીગેનીંગ આઈ વોસ ડાઉટફુલ વેધર ધિસ આઈડિઆ વીલ સક્સીડ ઓર નોટ.

મુકુંદા, ‘સર, ઉમેદવારની સાથે એના પિતા કે વડીલને સાથે બોલાવવાનો તમારો નવીનતર પ્રયોગ સફળ સાબિત થયો. તમે પ્રશંસાને પાત્ર છો. શરૂઆતમાં મને આ પ્રયોગ વિષે શંકા હતી કે પાર પડશે કે નહિ.’

શીવનારાયણ, ‘સર, આઈ અન્ડરસ્ટેન્ડ યોર એનસાઈટી ટુ સર્ચ ફોર એન ઓલ્દ ફ્રેન્ડ વ્હ્યુઝ એડ્રેસ ઓર વ્હેરાબૌટસ નોટ નોન ટુ યુ એન્ડ યુ એન્ડ સડન્લી યુ મીટ હીમ. વેરી ગુડ, વેરી ગુડ.

શિવનારાયના, 'સર, તમારા વર્ષો પહેલાના દોસ્તને કે જેનુ સરનામુ અથવા કોઈ જાતનો અતો-પતો પણ જાણતા ન હોઈએ અને શોધતા- શોધતા અચાનક મળી જાય તેનો રોમાંચ સમજી શકાય છે. ઘણુ મજાનું - ઘણુ મજાનું.’

તરભો, 'મુકુંદા અને શિવનારાયના, આજના બધા ઈન્ટરવ્યૂ પતી ગયા છે. તમે તમારા તુલના પત્રક મુજબ શોર્ટ લીસ્ટ કરજો. હા, અજયનો ઈન્ટરવ્યૂ થયો એને મારી ઓળખનું વેટેજ ન આપતા. બધુ મેરીટ પ્રમાણે થવું જોઈએ. ફાઈનલી મારા ગુણાંક સાથે મેળવીને સફળ ઉમેદવારને અપૉઈન્ટ કરીશું. હું આમની સાથે બહાર જાઉં છું.'

તરભો અને પ્રમથેશ કેબિનની બહાર આવ્યા. અજય પોતાની જગાએથી ઊભો થયો. બોલ્યો, 'પપ્પા, તમારો ઈન્ટરવ્યૂ પતી ગયોને?'

તરભો, 'ના, તારા પપ્પાનો ઈન્ટરવ્યૂ હવે શરૂ થશે. એ પણ અહિ નહિ. આવતીકાલે મારા ઘરે. એમાં તમારે સૌને આવવુ પડશે.'

ત્યારબાદ, પ્રમથેશ તરફ ફરીને બોલ્યા, 'પમીઆ, આ મારુ સરનામુ છે અને બીજી વાતો ગાડીમાં કરીશું. ચાલો, તમે બન્ને મારી સાથે.'

તરભો, 'ડ્રાઈવરકાકા, હોટેલ ડીસન્ટમાં ગાડી લઈ લો.' અજયને હજી શું થઈ રહ્યું છે, તે સમજાતું ન હતું. એમની ગાડી પાર્ક કરેલ હતી. તે ત્યાં જ મૂકીને આમની ગાડીમાં જઈએ છીએ. તે વિચારોમાં હતો અને તરભો કહે, 'જો અજય, નવાઈ લાગે છે ને? ઈન્ટરવ્યૂમાં મેં તને એક પ્રશ્ન કરેલ, 'અમેરિકામાં એક વેબ સાઈટ ડેવલપ કરાઈ છે, જેનાથી ત્યાં વસતી મોટા ભાગની પ્રજાના મૂળ આફ્રિકા અને યુરોપના છે. તે સુધી પહોંચવાનો પ્રયત્ન થાય છે. આમા લોહીનો સંબંધ આવે છે. આપણે એવી વેબ સાઈટ ડેવલપ કરવી છે કે જેમાં વર્ષોથી છુટા પડેલા મિત્રોનો અતો-પતો મળી જાય. એમ કરી શકાય કે? તેના જવાબમાં તેં કહેલ, 'જરૂર કરી શકાય. થોડો સમય લાગે પણ કમ્પ્યૂટર પ્રોગ્રામીંગમાં અશક્ય નથી.' મને તારો પોઝીટીવ અપ્રોચ ગમ્યો.'

મેં કમ્પ્યૂટર વગર એ પ્રોગ્રામ બનાવ્યો અને એમાં સફળ પણ થયો છું. ‘જો, આ તારા પપ્પા, પ્રમથેશ એટલે મારા માટે પમીઓ.’

પ્રમથેશ વચ્ચે ટપકી પડ્યો. ‘આ ત્રિભુવન એટલે તરભો, ખરું કે નહિ?' અને બન્નેએ એકબીજાની પીઠ થબ-થબાવી.

પ્રમથેશ, 'અજય, થોડા દિવસ ઉપર મારે તારી મમ્મી સાથે વાત થઈ હતી કે મારા બચપણના મિત્રોનો સંપર્ક જરાય ન હોવાથી હું વ્યાકુલતા અનુભવતો હતો. ગિરીશકાકાને ત્યાં એમનો મિત્ર ઘણા લાંબા સમય પછી આફ્રિકાથી એમને ત્યાં આવવાનો છે. એમનો એકબીજાનો સંપર્ક હોવાથી આ સહેલાઈથી શક્ય બન્યું. મને ત્યારે આ તરભાની વિશેષ યાદ આવવા લાગી. એની જાહેરાતમાં આપેલ વિચિત્ર શરત વિષે આપણે ઘરે ચર્ચા પણ થયેલ. એ આ તરભો, હવે સૌને માટે ત્રિભુવન. હમેશા નવી-નવી તરકીબો લગાવે. આમા એ આશ્ચર્યજનક રીતે સફળ પણ થયો.'

અજયે ગાડીની સીટ પરથી બેઠા-બેઠા ત્રિભુવનને બે હાથ જોડીને પ્રણામની મુદ્રા કરી. હોટેલ ડીસન્ટમાં ભોજન કરીને એમ નક્કી કરાયું કે બીજે દિવસે, શનિવારે પ્રમથેશના કુટુંબે વાલકેશ્વર ત્રિભુવનના ઘરે સવારથી જવાનુ છે. અને આખો દિવસ ત્યાં પસાર કરવાનો છે.

બીજે દિવસે પ્રમથેશ, વીણા અને અજય વાલકેશ્વ્રર ત્રિભુવનના ઘરે પહોચ્યાં. ન્યુ ગેલેક્ષી, એક બહુમાળી મકાનમાં દશમા માળે એક ફ્લેટ એનો હતો.

ત્રિભુવન, 'જુઓ, મારા કુટુંબનો પરિચય કરાવું. આ મારા પત્ની, વાસંતી અને આ અમારી પુત્રી, સુપ્રિયા. અમારે એક દીકરી કે દીકરો ગણો તે આ સુપ્રિયા છે.'

પ્રમથેશ, 'હું અમારા કુટુંબનો પરિચય કરાવું. આ મારા પત્ની, વીણા અને અજય, અમારું એકનું એક સંતાન છે.'

હવે સૌએ બેઠક કક્ષમાં સોફા પર આસન ગ્રહણ કર્યું. નાસ્તા પાણી સાથે વાતો બચપણમાં પહોચી.

ત્રિભુવન, 'સુપ્રિયા  હાલમાં મેડિકલમાં કાર્ડિઓલોજીસ્ટ થઈ છે. અને જશલોક હૉસ્પિટલમાં જાય છે. આપણે અહિ ગપ-સપ કરીએ. તેથી અજય અને સુપ્રિયા બોર થઈ જશે.  હજી જમવાને પણ વાર છે તો તમે બન્ને બહાર ક્યાંક ફરી આવો, એ સારુ રહેશે.' બધાને આ સુઝાવ ગમ્યો અને અજય તથા સુપ્રિયા બહાર ગયાં.

પ્રમથેશ,' તરભા, મુંબઈથી ગામ ગયો અને શું-શું થયું તે જણાવને.'

ત્રિભુવન, 'ઘણી લાંબી કથની છે. ટૂંકમાં કહું તો મામાના એક મિત્ર,  રમણભાઈ અમદાવાદની નજીકના ગામમાં રહેતા હતા. એમનાં આશરે અમે સૌ ગયાં. એમને મામાને કાપડની દુકાન કરવામાં સારી મદદ કરી. અમારે મન આ કલજુગમાં દેવતા સમાન હતા.

જીવન નિર્વાહ જેમ તેમ કરીને થઈ રહેતો. હું પણ ભણવાની સાથે મામાને દુકાનમાં મદદ કરતો. મોટીબેન, સરિતાની ઉંમર વધતી ચાલી. વચલીબેન, દમુ એટલે દમયંતી પણ ઉંમરલાયક થતી ગઈ. મામામામીને આર્થિક સંકડાશને લીધે મૂંઝવણનો પાર ન હતો. મામાના એ મિત્રના કોઈ સંબંધી કલકત્તામાં રહેતા હતા અને તેઓ યુવાન વયે વિધુર થયા. એમને ત્રણ વર્ષની એક પુત્રી પણ  હતી. મામાની મૂંઝવણ જોઈ રમણભાઈએ મામા-મામીને એક પ્રસ્તાવ રજૂ કર્યો. સરિતાબેનનું એ વિધુર સાથે ગોઠવાઈ જાય તો... ખાધે-પીધે સુખી અને બે પાંદડે છે તો સરિતાને માટે ભવિષ્યમાં જોવાનું ન રહે. મામા-મામીનો જીવ ન હતો ચાલતો.

બીજ વર? સરિતાબેન જ ઉકેલ લાવ્યાં. તેઓ કહે, 'મા, તમે સૌ દુઃખી શું કામ થાવ છો? મારા નસીબમાં એમ લખાયું હશે એમ માનજો. મને વાંધો નથી.’ મામા-મામી જાણતા હતાં કે સરિતા એમને દુઃખી થતા જોઈ ન શકી તેથી લગ્ન માટે હા કહે છે. એમના લગ્ન લેવાયા. સારા નસીબે તેઓ ઘણા સુખી છે. મામાની દુકાન સારી જામતી ગઈ. મારો હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયો.

મામા-મામીનુ કહેવું હતું કે મારે કૉલિજ કરવી. મને એમની આ પરિસ્થિતિમાં બોજ ન હતુ થવું. કેમકે દમુબેન અને નાનીબેન, અનિલાના લગ્નનો ખર્ચો ઊભો હતો. મારી એકેય વાત મામા-મામીએ સ્વીકારી નહીં. દમુબેન અને અનિલાબેને પણ સાથ આપ્યો. તેઓ કહે, ગમે તે થાય પણ તરભા તારે ગ્રેજ્યુએટ થવાનું છે એટલે થવાનું છે . મેં બી.કોમ કર્યું. ઘરમાં સૌનો હરખ સમાતો ન હતો. મારા નસીબમાં ભગવાને એકબાજુથી મા-બાપ છીનવી લીધા તો બીજી બાજુએ એને પોતાની ભૂલ સમજાઈ હશે તેથી આવા મામા-મામી અને બહેનોનો સાથ મળ્યો.' આટલું બોલતા - બોલતામાં તરભાને ડૂમો ભરાઈ ગયો.

'પમીઆ, જો આ છબી જોઈ. એ મામા-મામીની છે. બધા સૌ પ્રથમ ઘરમાં આવતા ભગવાનના દર્શન થાય તેમ ભગવાનની છબી રાખે છે પણ મારા ભગવાન તો આ જ છે, એટલે એમની છબી અહીં છે. દિલ્હીના એક વેપારી જે અમારી જ્ઞાતિના છે અને એમનો પણ કાપડનો ધંધો છે. મામા કે ક્યારેક હું કાપડની મીલમાં મુલાકાત લેતા, ત્યારે તેઓ પણ ઘણીવાર ત્યાં મળતા. તેમાંથી પરિચય વધ્યો અને સારું કુટુંબ જાણી એમના પુત્ર સાથે દમુબેનનુ લગ્ન ગોઠવાઈ ગયું.  દમુબેન દિલ્હી છે અને તેઓ પણ સુખી છે.

રમણભાઈના સંબંધીનો દીકરો, જીજ્ઞેશ કમ્પ્યૂટર એન્જિનિઅરીંગ ભણવા અમેરિકા ગયો હતો અને ભણી લીધા પછી તેને ત્યાં એના લગતા ફીલ્ડની નોકરી કેલિફોર્નિયામાં સિલિકન વૅલિમાં મળી ગઈ. એ રજાઓમાં અહિ આવ્યો હતો. ખાસ તો મા-બાપના કહેવાથી લગ્ન માટે જ આવ્યો હતો. અનિલાબેન ઘણા દેખાવડા અને સુશીલ છે, તે રમણભાઈને ધ્યાનમાં હતું. તેમના થકી અનિલાબેનનાં લગ્ન પણ જીજ્ઞેશભાઈ સાથે થઈ ગયા. અનિલાબેન હાલ અમેરિકા છે. વધતી ઉંમર અને ઘડપણને લીધે મામા અને મામી થોડા-થોડા સમયાન્તરે અવસાન પામ્યાં. તેમની ઘણી ઈચ્છા હતી કે મારા લગ્ન લેવાઈ જાય. ઈશ્વરને કદાચ એ મંજૂર ન હતું. એમની ઈચ્છા પૂર્ણ કરવા જાણે અનિલાબેને બીડુ ઝડપ્યું. એમની નણંદના જેઠની દીકરી, તે વાસંતી. અનિલાબેન ઈન્ડિઆ આવ્યા હતા ત્યારે એમને વાસંતીને જોઈ. વાતચીત ચલાવી અને આજે હું અને વાસંતી દંપતી છીએ. લગ્નની રજત જયન્તી ક્યારની ઊજવી દીધી છે.

મામાની કાપડની દુકાન હું સંભાળતો થઈ ગયો. હું પણ અમેરિકા જઈ આવ્યો હતો. જીજ્ઞેશભાઈના પીઠ બળથી ત્યાં કમ્પ્યૂટરનો કૉર્સ કર્યો. વેબ ડિવેલપ્મન્ટ, ડિઝાઈન વગેરે કૉર્સ કર્યા. અમેરિકાથી આઉટ સૉર્સ સારા પ્રમાણમાં થતું જોયું. એ વખતે મુંબઈ કમ્પ્યૂટર ફીલ્ડમાં આગવા સ્થાને હતું. બેંગલુરુ, હૈદ્રાબાદ, પૂણે પછી વિકસ્યા. અહિ આવીને કાપડની દુકાન એક પરિચિતને ભળાવીને મુંબઈ આવ્યો. નાની ઑફિસથી માંડીને આજે સારી એવી પ્રગતિ કરી છે. ધંધાએ પણ યારી આપી. જોત જોતામાં સારો એવો વિકાસ કરતો ગયો. અહિ રહેવા માટે ફ્લેટ લીધો.  તે વખતે આપણી જૂની ચાલી યાદ આવી. ત્યાં ગયો કે કોઈની પાસેથી તારા અને બીજા મિત્રોના કોઈ સમાચાર મળે છે કે નહિ. ત્યાં હવે ચાલી નથી રહી. ટાવર બની ગયા છે. થોડા દિવસથી મને પણ તારી જેમ બેચેની વરતાતી હતી. કંપનીને ઑર્ડર પણ સારા આવ્યા છે તેથી માણસોની જરૂર લાગી અને જાહેરાતમાં આ તુક્કો મૂક્યો, જે સફળ પણ થયો. હવે તારા હાલ જણાવ.’

પ્રમથેશ, 'તરભા, મારી કહાની બહુ સરલ ને સાદી છે. મેં બી.કોમ, એલ.એલ.બી. કરીને સી.એ. કર્યું. થોડો સમય કૉર્પરટ કંપનીમાં કામ કર્યું. મારી સાથે સી.એ.માં દવે હતો. અમે બન્નેએ હાલ જે કંપની છે, જોષી એન્ડ દવે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એ નામની ઑફિસ કરી. સારું ચાલે છે. અજયને એન્જીનીયર થવું હતું અને તેને કમ્પ્યૂટરનો કૉર્સ કરીને એન્જિનિઅરની ડિગ્રી પ્રાપ્ત કરી. માટુંગામાં કાંચન જંગામાં ફ્લેટ છે. તારી જેમ અમારી પણ લગ્નની રજત જયન્તી થઈ ગઈ છે.'

ત્રિભુવન, 'પમીઆ, દેવશંકરકાકા અને પાર્વતીકાકી ક્યાં છે? કાકાની રોજની પૂજા વિધિ ક્યારે પતે ને પ્રસાદ માટે આપણે સૌ ઊભા રહેતા. કાકીની ગોળ પાપડીનો સ્વાદ હજીય ભૂલાય તેમ નથી.'

પ્રમથેશ, 'તેઓ થોડા વર્ષો પહેલા શિવ શરણ થઈ ગયાં. તરભા, મામીનો ખીચડો યાદ આવે છે? એનો સ્વાદ હજી એ દાઢને વળગેલ છે.'

સુપ્રિયા અને અજય બહાર ફરીને આવી ગયાં. સૌએ લંચ લીધું. કેટ-કેટલી વાતો થઈ. રાતે છૂટાં પડ્યાં.

આમ કેટલાક દિવસો પસાર થઈ ગયા. અજય અને સુપ્રિયાની મિત્રતા ઘનિષ્ટ થતી ગઈ. હૉસ્પિટલમાં પેશન્ટના દિલ તપાસતા - તપાસતા પોતાનુ દિલ અજયને આપી ચૂકી. આ વાતની નોંધ વાસંતીબેને તેમજ વીણાબેને લીધી. તેઓએ પોતાના પતિઓને સૂચિત કર્યા.

એક દિવસ ત્રિભુવનનો ફોન પ્રમથેશના ઘરે આવ્યો. ત્રિભુવન, 'પમીઆ, મારે તારી એક સલાહ જોઈએ છે.'

પ્રમથેશ, 'બોલ.'

ત્રિભુવન, 'તારા ધ્યાનમાં સુપ્રિયા માટે કોઈ યોગ્ય મુરતિયો હોય તો જણાવને. તે ડૉક્ટર જ હોવો જોઈએ એવું નથી. જોને, આ લોકોને અભ્યાસ અને ડૉક્ટરીમાંથી ફુરસદ જ ના મળે. આપણે તો તેનો વિચાર કરવો પડે કે નહિ?' 

પ્રમથેશ વિચારમાં પડી ગયો. વીણા કહેતી હતી તે સાચુ કે તરભો વાત કરે છે તે સાચુ. એને ફોન પર કહ્યું, ' હા, જરૂર ધ્યાનમાં લઈશ.'

ત્રિભુવન,' શું ધ્યાનમાં લઈશ? અલા, તારા ઘર આંગણે મુરતિયો છે ને તું કહે છે કે ધ્યાનમાં લઈશ.'

પ્રમથેશ,' કોણ? હું સમજ્યો નહિ.'

ત્રિભુવન, 'અરે, બુધ્ધુ, આટલા વર્ષે મિત્ર મળ્યો તો જિંદગીના બાકીના વર્ષોમાં વેવાઈ થા એટલે હવેથી છૂટા ન પડાય!'

પ્રમથેશ, 'તરભા, સોરી, ત્રિભુવનજી, છોકરાંઓને મંજૂર છે કે?'

ત્રિભુવન, 'વાસંતીએ મને બધી જ વાત કરી છે. વીણાભાભીએ, સોરી વેવાણે તને પણ જણાવ્યું હશે.'

પ્રમથેશ વિચારતો હતો કે કુદરત પણ કેવા-કેવા ખેલ રચે છે. ભાઈબંધ તરીકે બાળપણ, ત્યાંથી છુટા પડવું, પાછા ભેગા થવું. વાહ! 

પ્રભુ તારી માયા!


Rate this content
Log in