Priyakant Bakshi

Others

0.2  

Priyakant Bakshi

Others

ઋજુતા

ઋજુતા

11 mins
14.1K


દક્ષિણ ગુજરાતની પશ્ચિમમાં આવેલ સમુદ્ર ટે 'મુક્તાનંદ વાનપ્રસ્થાશ્રમ'માં જીવન સંધ્યાએ પહોંચેલ વરિષ્ઠ નાગરિકને કુદરતનું સાન્નિધ્ય અવશ્ય સાંપડે. વૃજનાથ કુદરતની સમીપે ઘણીવાર ફિલસૂફી ભરી વાતો કરતો. કહેતો કે,'સમુદ્રના અવિરત ઊછળતા મોજા કિનારાને ભીંજવીને તથા આપણા પગને ભીંજવતા કહેતા જાય છે કે પગને પાણીની ખારાશ લાગીને? પગ મીઠા પાણીથી ધોશો એટલે ખારાશ જતી રહેશે. આહ્લાદક લાગ્યું ને? અત્યાર સુધીના જીવનના ગત સમયની ખારાશને ધોઈને શેષ જીવનનો મુક્ત આનંદ માણો!'

કંચનલાલ અને કુસુમ દંપતી, વૃજનાથ, કોમલ, મહેશ આ પાંચ જણનો 'મુક્તાનંદ'થી સાંજ પડ્યે સમુદ્ર તટે આવવાનો રોજનો કાર્યક્રમ. બીજા સાથીઓ રોજ ન પણ આવે, તેઓ અવશ્ય આવે જ. 'મુક્તાનંદ વાનપ્રસ્થાશ્રમ'માં વૃજનાથને આવ્યે બે વર્ષ થયા હશે. આશ્રમના લગભગ ૫૦-૬૦ જેટલા વરિષ્ઠોમાં એના આવ્યા બાદ ચેતના આવી ગઈ. એની જીવન પ્રત્યેની દૃષ્ટિ 'હતાશાને દૂર કરો, શેષ જીવનને આનંદથી માણી લો'. સૌ આશ્રમવાસી એના આવા અભિગમથી જીવનને હકારાત્મક રીતે જોતાં થયાં.

વૃજનાથનું કુટુંબ અમેરિકામાં હતું. મહેકતો સંસાર હતો. યુવાનીમાં ભારતથી અમેરિકા ગયો હતો. થોડા સંઘર્ષ પછી નસીબે યારી આપી અને બે પાંદડે થયો. એને એની પત્ની, સમતાનો સાથ પૂરેપૂરો હતો. બે દીકરા અને એક દીકરીને રંગે ચંગે પરણાવ્યા. મોટા દીકરાએ એનો મોટેલનો ધંધો વિકસાવ્યો. નાનો દીકરો કમ્પ્યૂટર ઈજનેર થયો અને મોટી કંપનીમાં ઉંચા હોદ્દા પર હતો. દીકરી અને જમાઈએ ફિઝિકલ થેરપી કરેલ અને તેઓનું કન્સલ્ટીંગ સારી રીતે ચાલે છે. પ્રભુ જ્યારે ખોબલે-ખોબલે સુખ આપે છે ત્યારે કસોટી પણ કરે છે. પાંચ વર્ષ પહેલા તેની પત્ની આ દુનિયા છોડી ગઈ. ઉદાસીનતા અને ગ્લાનીમાંથી હજી બહાર આવ્યો ન હતો ને બન્ને વહુઓના એના પ્રત્યેના વહેવારથી એને પત્નીની ખોટ ડગલે ને પગલે થવા લાગી. શારીરિક વિડંબના કરતા માનસિક આઘાતો માણસને જીવતા જીવ મારી નાખે છે.

સંતાનોની માયાથી ગાડું ચલાવ્યે રાખ્યું. કોઈ જાતનો પ્રતિસાદ ન કર્યો. આમેય વાંચનનો શોખીન હતો. પુસ્તકો વાંચ્યાં. આત્મમંથન કર્યું. એ એક તારતમ્ય પર આવ્યો. ઐહિક સુખ એ સર્વસ્વ નથી. વૈભવ, ભોગ- વિલાસ ગમે તેટલા હોય પણ જ્યાં હૃદયની લાગણી નથી ત્યાં આ બધું શૂન્ય છે. ભારતમાં સાધારણ આવક હતી ત્યારે ભલે સંઘર્ષ કરીને થાક્યો પાક્યો ઘરે આવતો ત્યારે આ જ કુટુંબ કેવું કિલ્લોલ કરતું હતું. વધુ સુખની પાછળ વૈભવ વધારવા કુટુંબ સાથે અમેરિકા ગયો. એ બધું મળ્યું પણ હવે લાગે છે કે અહિ વિશાળ આવાસ છે કિન્તુ એ ઘર નથી, મકાન છે. ભારતમાં નાની ઓરડીમાં હતો પણ તે ઘર હતું. ઘર એને કહેવાય જ્યાં સંતોષથી વિસામો લઈ શકાય.પૌત્રો-પૌત્રીઓ તથા દોહિત્રની માયા ગજબની ખેંચી રહી હતી. તેઓ મને વળગેલા જ રહે છે. ઇન્ડિયાની વાતો કરો, એમ કહીને મારી પાસે વાતો કહેડાવ્યા સિવાય ખસતાં નહિ. હવે મોટા થયાં છે એટલે એમની દુનિયા અલગ થતી જાય છે. દીકરાઓને પોતાના કામથી ફુરસદ નથી મળતી અને બાપ પાસે આખા દિવસમાં બે પળ વાત કરવાનો સમય નથી. સમતાએ કેવી રીતે સાચવ્યું હશે. સદાય હસતી ને હસતી. એના વગર જિંદગીનો મોડ બદલાઈ ગયો છે. વહુઓએ વડીલની માન મર્યાદા કોરાણે મૂકી દીધી છે. તેને લાગ્યું કે હવે તો જિંદગીના સાત દાયકા ઉપર વીતી ગયાં
છે. એનુ મન બોલી ઊઠ્યું, 'વૃજનાથ, ખંખેર આ માયા. શેષ જીવન તારા માટે પસાર કર. હતાશા ત્યજી દે. જે ભૂમિમાં જન્મ લીધો અને જ્યાં તું મોટો થયો છે, એ જન્મભૂમિને વંદન કરી, ત્યાં જા.' અને વૃજનાથ બેએક વર્ષ પહેલા 'મુકતાનંદ વાનપ્રસ્થાશ્રમ'માં આવી ગયો. અહિ રહેતાં બધાં સમ દુઃખિયા હતાં.

જીવનની ઢળતી સાંજે એક બીજાનો સહારો પ્રતીત કર્યો. ભલે દરેકને પોતાના સંસારના કારણો અલગ હોય પણ અહિ તેઓ આપવીતી જણાવી હૃદયનો બોજ હળવો કરતાં. એક સંધ્યા સમયે આ પાંચેની મંડળી પશ્ચિમ દિશાએ રવિને સમુદ્રની સંગે વિદાય કરીને 'મુક્તાનંદ' તરફ આવી રહ્યાં હતાં. પ્રાંગણ વટાવી મકાનના દાદરના પગથિયાં ચડતા વૃજનાથ એક પગથિયું ચૂકી ગયો અને ધડામ કરતો પડ્યો. તેનો જમણો હાથ તેની છાતી તરફ વળેલો હતો. મહેશ અને કંચનલાલે સહારો આપી તેને ઊભો કર્યો.
મહેશ,'વૃજનાથ, વાગ્યું તો નથી ને?' વૃજનાથ,' ના રે ના.' પણ જમણો હાથ સરખો કરવા ગયો તો તેનાથી રાડ પડી ગઈ. 'ઓ...'

કોમલ નજીક આવી અને તેના જમણા હાથને સાચવીને ઉપર નીચે કરવા ગઈ. દર્દના માર્યા વૃજનાથથી ઓરે, ઓરે થઈ ગયું. કોમલ નર્સની નોકરીમાંથી નિવૃતિ બાદ 'મુક્તાનંદ'માં આવી હતી. તે સમજી ગઈ કે વૃજનાથને જમણા હાથમાં ચોટ આવી છે અને કદાચ ફ્રૅક્ચર પણ હોઈ શકે. તાત્કાલિક વૃજનાથ, મહેશ અને કંચનલાલના હાથ રૂમાલ લઈને વૃજનાથના જમણા હાથને તેની છાતી સરસો રાખી તેના ખભા અને ગળાથી લઈને પાટો બાંધી દીધો.

કોમલ,'ડોક્ટરને બતાવવું પડશે. એક્સ રે લેવો પડશે. રાત જશે અને સોજો વધશે તો વધારે ઉપાધિ થશે.' ડોક્ટરે વૃજનાથને તપાસ્યો અને એક્સ રે લીધો. તેને કોણી અને ખભાની જગાએ મલ્ટિપલ ફ્રૅક્ચર હતા. તાત્કાલિક પાટો બાંધી દીધો અને ડોક્ટરે જણાવ્યું કે આવતીકાલે આવી જજો. હાથને પ્લાસ્ટરમાં રાખવો પડશે. તે દરમિયાન આ ગોળી લખી આપું છું . તે લેજો તેથી દુઃખાવો નહિ થાય.

કોમલનો નર્સ તરીકેનો અનુભવ કામ લાગ્યો. આમેય સહવાસીઓને નાની મોટી શારીરિક તકલીફમાં તે લાગણી દર્શાવીને સેવાચાકરી કરતી હતી. વૃજનાથને જમણા હાથે પ્લાસ્ટર દોઢેક મહિનો રહ્યું. પોતાની જાતે કામ કરી શકતો નહિ. નિસ્વાર્થ ભાવે કોમલ તેની સેવા ચાકરી કરતી હતી.

એક દિવસ વૃજનાથે કોમલને કહ્યું, 'કોમલ, તું તારા નામ પ્રમાણે સામી વ્યક્તિની શારીરિક વિડંબનામાં નમ્રતાથી સેવા કરે છે. ધન્ય છે તારી સેવા પરાયણતાને. મારો હાથ તારી સેવાને લીધે જલદી સારો થઈ ગયો. તારામાં હજી એક વિશેષ ગુણ છે. તું કોમલ નહિ પણ તારામાં નિસ્વાર્થનો ગુણ ભળવાથી તું ઋજુતા છે.' ત્યારથી 'મુક્તાનંદ'માં કોમલનું નવું નામ ઋજુતા પડી ગયું અને તે એ નામે જ ઓળખાઈ.

સમય પોતાનું આગળ ધપવાનું કામ નિરંતર કર્યે જાય છે. પણ જીવન સંધ્યાએ ડગ માંડતાં આ વૃધ્ધોના જીવનમાં શાંત પાણીમાં કંઈક ફેંકવાથી જે આંદોલનો, વલયો થાય ત્યારે જ સમયની રફતાર અનુભવાય. નહિતર એમ જ હરરોજની ધટમાળ. વૃજનાથને હવે હાથે સારું છે. આ અરસામાં એક બનાવ બની ગયો. 'મુક્તાનંદ'ના મકાનની પછીતે આવેલ બગીચામાં ઋજુતા કામ કરતાં કરતાં ત્યાંના માટી પૂરાયા વગરના ખાડામાં પડી જવાથી તેના ડાબા પગનું હાડકું ભાંગી ગયું. ચોટ સખત આવી હતી. સહવાસીઓની સેવા કરનારને ખુદને એમની સેવાની જરૂર પડી.

ત્યાંની બહેનોએ એ કામ ઉપાડી લીધું. હવે સારું હતું પરંતુ એને પગમાં કાયમની ખોટ રહી ગઈ. લાકડી વગર શરીરનું સમતોલન ન હતું રહેતું. રોજની જેમ સમુદ્ર તટે ભીની રેતીમાં આ મંડળી લટાર મારતી હતી. ઋજુતાના હાથની લાકડી પડી ગઈ. તે સમતોલન જાળવી ના શકી. પડવા જતી હતી અને બાજુમાં ચાલતા વૃજનાથે તેને ઝીલી લીધી. બધું આકસ્માત બની ગયું. બીજે દિવસે વૃજનાથે ઋજુતાને પ્રસ્તાવ મૂક્યો, 'ઋજુતા, તને વાંધો ન હોય તો તારા પગનો સહારો હું થઈ શકું એમ છું.’

ઋજુતાને ફરીથી કોઈ અકસ્માત ન નડે, એ સંબંધી આ પ્રસ્તાવ એને માન્ય લાગ્યો તથા સાથે આવેલ સહવાસીઓને પણ અયોગ્ય ન લાગ્યું. વૃજનાથને લાગ્યું કે પ્રભુએ સેવા કરવાનો મોકો આપ્યો છે. મારો હાથ ભાંગ્યો ત્યારે તેને મારી કેટલી કાળજી લીધી હતી.

થોડા દિવસ ગયા ને આશ્રમના સંચાલક શ્રી સુબોધભાઈએ વૃજનાથ અને ઋજુતાને તેમના કાર્યાલયમાં બોલાવ્યાં. સુબોધભાઈ,'જુઓ, મને તમારા બન્ને માટે આદર છે. તમારી વર્તણૂક માટે કોઈ શંકા પણ નથી. પરંતુ હાલમાં અમને ફરિયાદ આવી છે કે તમે એક બીજાને ઘણા જ નજીક રહીને હરવા ફરવા જાવ છો. તે તરફ આશ્રમમાં ચણભણ શરૂ થઈ છે. હું જાણું છું કે ઋજુતાને મદદરૂપ થવા તમે એને ટેકો આપો છો. બહારથી આશ્રમ સામે આંગળી ચિંધાય એ વસ્તુ આશ્રમના નીતિ નિયમની વિરુધ છે. આ આશ્રમની પ્રતિષ્ઠાને લાંછન લાગે.'

વૃજનાથે નોંધ્યું કે સુબોધભાઈને જે કહેવું છે, તે ગોળગોળ વાત કરીને કહે છે. સ્પષ્ટ નથી કહેતા. વૃજનાથ, 'સુબોધભાઈ, જે વાત હોય તે સ્પષ્ટ કહો. અમારી કઈ ચાલચલગત અયોગ્ય લાગી કે જેથી આશ્રમને કલંક લાગે એવી નોબત આવી?'

સુબોધભાઈ,'જુઓ, આપણા સમાજનું બંધારણ વ્યક્તિ, કુટુંબ અને સમાજ આ રીતે એક ચિત્રની ફ્રેમને ટીંગાડવા જે કડી એક બીજાથી ગુંથાય છે એ રીતે સમાજનું માળખું ગોઠવાયું છે. એમાં એક અંકોડો નિર્બળ હોય તો ટીંગાડેલી ફ્રેમ પડી જાય. સ્ત્રી-પુરૂષને સમાજ સંબંધથી જોડે છે. સ્ત્રી-પુરૂષની મૈત્રી એક વસ્તુ છે પણ એમની સમીપતા સમાજને માન્ય નથી. એ સંબંધ પતિ પત્નીના રૂપે માન્ય ગણે છે. એની વિરુધ્ધ સમાજ સ્વીકારતો નથી.'

વૃજનાથ,'સુભોધભાઈ, તમે સ્પષ્ટ કહોને કે હું ઋજુતાને ટેકો આપું છું અને હરવા ફરવા જઈએ છીએ તે માન્ય નથી. આજે એના પગની પરિસ્થિતિ એવી છે કે ચાલતાં ચાલતાં ક્યારે સંતુલન ખોઈ બેસે એ કહેવાય નહિ. જે વ્યક્તિએ નિસ્વાર્થપણે પોતાની નર્સિંગની આવડતથી બધાની માવજત કરી છે, એના કપરા સંજોગમાં એને ટેકો આપવો એ આશ્રમ માટે કલંક બને છે? ' વૃજનાથે કંઈક વિચાર્યું પછી ઘૂંટણભર રહીને ઋજુતાનો હાથ ઝાલીને કહ્યું,'ઋજુતા, મારી સાથે લગ્ન કરીશ?'

તે શરમની મારી કશો જવાબ આપી શકી નહિ. તે લજ્જાની મારી ઊંચું જોઈ ન શકી. મોં લાલઘૂમ થઈ ગયું. વૃજનાથ, ' અત્યારે ને અત્યારે ઉત્તર ન આપવો હોય તો કોઈ ઉતાવળ નથી. વિચારીને જણાવજે.' 'સુબોધભાઈ, તમે સોનુ અને પિત્તળ પારખવામાં ઊણા ઊતર્યા છો. જુઓ, તમારી શંકાનો જવાબ જલદી મળી જશે. ઋજુતાને વિચારવાનો સમય આપો.'

તેઓ સુબોધભાઈની રજા લઈને પોતપોતાની રૂમમાં આવ્યાં.

ઋજુતાએ ઊંઘી જવાનો પ્રયત્ન કર્યો પણ નિંદર કેમેય કરીને આવતી નથી. આજના દિવસના બનાવો એનો પીછો ન હતા છોડતા. 'તેને થયું આ ઉંમરે લગ્ન? ભૈરવની રાહ જોઈ જોઈને આ સાત દાયકા કાઢ્યા અને હવે લગ્ન! લોકો શું કહેશે? બન્ને ભાઈઓ અને બહેનને શું મોં બતાવીશ. ભાભીઓ, ભત્રીજાઓ, ભાણાઓ સામે ઊભા રહેવાશે?

એ ભૂતકાળમાં સરી ગઈ. ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી મોટી. એના પછીનો ભાઈ પણ ખાસ્સો આઠ વર્ષ નાનો. એ પછી બીજો ભાઈ અને નાની બહેન. પોતે મેટ્રિક પાસ કરી ત્યારે એક ગમખ્વાર અકસ્માતે કિલ્લોલ કરતા કુટુંબની શાંતિ છીનવી લીધી. પિતાનો ટ્રક સાથે થયેલ અક્સ્માત યાદ આવતા હજી કમકમા આવી જાય છે. અકસ્માતમાં પિતાએ બન્ને પગ ગુમાવ્યા. ઘરની આવક એમના પર નિર્ભર હતી. પિતા જ્યાં કામ કરતા હતા તે શેઠ ઉદાર દિલના હતા. દર મહિને જીવન નિર્વાહમાં તાણ ન પડે એ રીતે આર્થિક મદદ કરતા. એમના ઉપકારના બોજથી ઘણીવાર માતા પિતાની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. પ્રભુનો પાડ માનતાં અને અંતરથી શેઠને દુવા દેતાં. પથારીવશ પિતા તથા માતાએ હિંમત આપી કે મારે આગળ અભ્યાસ કરવો. એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ પણ છોકરીઓ માટે ઘણુ કહેવાય. મેં કોલેજમાં આગળ જવા કરતાં નર્સિંગમાં જવાનું ઉચિત ગણ્યું, જેથી કુટુંબ તથા ભાઈઓ અને બહેનને અભ્યાસમાં આર્થિક રીતે સાથ આપી શકું.

પોતાના રહેઠાણની નજીક રહેતા ભૈરવ અને તે બન્ને એક જ શાળામાં સાથે ભણતા હતાં. બચપણની મૈત્રીએ ઉંમર વધવા સાથે ક્યારે પ્રેમનું સ્વરૂપ લઈ લીધું તે ખબર ન રહી. ભૈરવ પણ તેઓને ત્યાં અવારનવાર આવતો જતો હતો.

પોતે પણ ભૈરવને ત્યાં જતી આવતી. એકવાર ભૈરવે જણાવ્યું,'કોમલ, આજે પાર્કમાં મળીશું. મારે એક ખાસ વાત કરવી છે, તો સાંજે મળીશું.'

મને થયું કે શું વાત હશે કે સાંજ સુધીનો સમય જણાવ્યો. ખેર, એ સાંજે અમે પાર્કમાં મળ્યાં. થોડી પળો એમને એમ વીતી ગઈ. મને થોડી અકળામણ થઈ કે મળવાનું કહ્યું અને મૂંગો બેસી રહે છે. મેં કહ્યું, 'શું મૌન વ્રત લેવા પાર્કમાં આવ્યાં છીએ?' તે થોડો જંખવાયો અને મારા ચેહરા સામે જોવા લાગ્યો. રોજ કરતા આજનો ભૈરવ જુદો લાગતો હતો.

મેં કહ્યું,'ભૈરવ, શું છે?' ભૈરવ,' કોમલ, કોમલ..'
મેં કહ્યું,'બોલ, શું?'

તે બોલ્યો,'થોડા દિવસથી મારા મનમાં એક વાત આવ્યા કરે છે. તને કહું કે ના કહું. તને ખોટું તો નહિ લાગેને?'
મેં કહ્યું, 'આપણે એક બીજાથી ક્યારે અંતર રાખ્યું છે કે મને વાત કરતાં આટલો ક્ષોભ અનુભવે છે. મારી કોઈપણ મુંઝવણમાં મેં તને નથી વાકેફ કર્યો? તે હંમેશ મને હૈયા ધારણ આપી છેં . હવે તો મને પણ મુંઝવણ થાય છે કે જરૂર કોઈ મોટી ગંભીર સમસ્યા હોવી જોઈએ. પ્લીઝ, જલદી કહેને.'

તેને મારો હાથ તેના હાથમાં લીધો અને મારા ચેહરા સામે જોતાં જોતાં બોલ્યો, 'કોમલ, મેં તારો હાથ મારા હાથમાં લીધો તેથી તને કંઈ થાય છે?'
આ સાંભળતાં મારામાં પણ કંઈક પરિવર્તન જેવું લાગ્યું. હું મુગ્ધાવસ્થા છું એની પ્રતીતિ થઈ અને શરમાઈ ગઈ. એના હાથને વધારે મજબૂત પક્ડ્યો. મારા મસ્તિકમાં એક નવો રોમાંચ ઉદ્‍ભવ્યો. મને બહુ ગમ્યું. મને થયું કે આમ જ અમે એકબીજાના હાથ પકડી રાખીએ.

ભૈરવે મને પોતાની નજીક લેતા કાનમાં કહ્યું, 'કોમલ. આઇ લવ યુ.. તું મારી સાથે લગ્ન કરીશ?' હું શરમની મારી કશું બોલી શકી નહિ. પણ મને ગમ્યું. મારા તરફથી પ્રતિકાર ન થતાં તેની હિંમત વધી અને બોલ્યો,'તો હું માનુ છું કે તારી હા છે.' મારું નર્સિંગનું ભણવાનું પૂરું થયું અને મને એક હૉસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ. ભૈરવ પણ ગ્રેજયુએટ થઈ ગયો.

અમે અવારનવાર મળતાં તથા પ્રેમ ગોષ્ઠિ કરતાં અને ભાવિના સોણલા ઘડતાં. ખબર નહિ મારા જીવનમાં પ્રભુને કેમ વાંકું પડ્યું હશે? મા અને બાપુને થોડા કાળાંતરે બોલાવી લીધાં. મારે જ મારા નાના ભાઈઓ અને બહેનના મા અને બાપ બનવું પડ્યું.

એક દિવસ ભૈરવે સમાચાર આપ્યાં કે તેના પિતાને કલકત્તામાં ધંધાની ભાગીદારી મળે છે એટલે એમનું કુટુંબ કલકત્તા જાય છે. તે ત્યાં ગયા બાદ સરનામું મોકલશે અને બને એટલી ત્વરાએ લગ્નનું પાકું કરશે. મેં કહ્યું, 'ભૈરવ, મારા પર મોટી જવાબદારી છે. એટલા જલ્દી લગ્ન કરીને મારાથી ભાઈઓ અને બહેનને મૂકીને કલકત્તા ન અવાય. થોડા વર્ષ ખમી જા. ત્યાં સુધીમાં તું પણ ત્યાં ધંધા કે નોકરીમાં સેટલ થઈ જઈશ.' તેને આ વાત ગળે ઊતરી. આંખો અશ્રુથી છલકાતી હતી અને ભૈરવને ભગ્ન હૃદયે વિદાય આપી. ત્યારબાદ ભૈરવ તરફથી કશા સમાચાર ન આવ્યા. હું મનથી ભાંગી પડી. હવે મને મારા બાંધવો પ્રત્યેની ફરજ સિવાય કશામાં રસ ન રહ્યો.

ઘણીવાર રાતોની રાત આંસુ વહાવી પસાર કરતી. મને સાંત્વના આપવા માટે કોઈ ન હતું.

સમયને જતાં વાર નથી થતી. ભાઈઓ અને બહેનનું ભણતર પૂરૂં થયું અને અનુકૂળ સમયે તેઓના લગ્ન થઈ ગયાં.

તેમને ત્યાં સંતાન થયા અને હું સૌની મા બની રહી. ધીરે ધીરે ભાઈઓ અને ભાભીઓનું વર્તન મારા પ્રત્યે જુદુ જણાવા લાગ્યું. મારા સલાહ સુચનો તેમને કટકટ જેવા લાગ્યાં. તેમની દુનિયા મારી દુનિયાથી અલગ થવા લાગી. મેં મનોમન નોંધ્યું કે હું એમને મન જુનવાણી છું. શરૂમાં હું ગમ ખાઈ જતી પણ જ્યારે ભાભીઓ તરફથી બહુ માનહાની થવા લાગી. છતાં ભાઈઓ એમને વારતા નહિ તેથી નક્કી કર્યું કે મારે મારી અલગ દુનિયા કરવી રહી. તપાસ કરતા 'મુક્તાનંદ વાનપ્રસ્થાશ્રમ' ગમી ગયું. મારે વૃજનાથના પ્રસ્તાવનો શું ઉત્તર આપવો? એ મને મદદ કરે છે પણ ક્યારેય શારીરિક અડપલા નથી કર્યાં. કોઈ મર્યાદા ઓળંગી નથી. પરિસ્થિતિ અનુસાર એનો લગ્નનો પ્રસ્તાવ ખોટો તો નથી.

વૃજનાથને મારો નિર્ણય હકારમાં જણાવ્યો. 'મુક્તાનંદ' પ્રવૃત્તિથી ધમધમી ગયું. કંચનલાલ અને કુસુમ દંપતી કન્યાના માતા પિતા થયાં તો અવિનાશ અને ગૌરી દંપતી વરરાજાના માતા પિતા થયાં. સુબોધભાઈ કન્યાના મામા થયા આશ્રમમાં આવો પહેલો જ પ્રસંગ હતો.. બધી તૈયારી થઈ ગઈ. કંકોત્રી છપાઈ ગઈ. અને શુભ મુરતે વહેંચણી થઈ.

અમેરિકાથી વૃજનાથના દીકરા અને દીકરીનો ગુસ્સાભેર જવાબ આવ્યો કે આ ઘરડે ઘડપણમાં શું ધજાગરો માંડ્યો છે? અમારા છોકરાં મોટા થાય છે અને તમારા આ તમાશાથી એમના લગ્નની વાત આવ્યે તમારું કારસ્તાન નડે છે.

ઋજુતાના ભાઈઓ અને બહેન તરફથી આમંત્રણનો પ્રતિસાદ આવ્યો કે આટલી ઉંમરે શું પરણ્યા વગર રહી ગયા હતા અને સમાજમાં લોકો અમારી તરફ આંગળી ચીંધે છે. ટોણા મારે છે કે ઘરડી ઘોડીને સારું 'પણ' ઊપડ્યું છે. લગ્નની નિયત તારીખે લગ્ન લેવાયા. એ સાંજે સત્કાર સમારંભમાં 'મુક્તાનંદ' સિવાયના બીજા લોકો પણ આવ્યાં.

સ્ટેજ પર બેઠેલાં વૃજનાથ અને ઋજુતાને એક પછી એક મળવા આવતાં હતાં. ફોટાઓ અને વીડિયો લેવાતી હતી. હવે આવતા મહેમાનની ઓળખ આપતા વૃજનાથ બોલ્યો, 'ઋજુતા, આ છે ભૈરવ. મારા ફોઈનો દીકરો થાય. તે કલકત્તા રહે છે. ભૈરવ,'કોણ? કોમલ!’

ઋજુતાને એની દુનિયા ચક્કર લેતી લાગી અને તે ખુરશી પર જ બેભાન થઈને ઢળી પડી.


Rate this content
Log in