Priyakant Bakshi

Others

4  

Priyakant Bakshi

Others

હૃદયપલટો

હૃદયપલટો

9 mins
14.5K


મુંબઈના મેઘરાજાના વરતારાને લીધે સૌ મિત્રો બપોરનુ ભોજન પતાવી, બહાર ન જતાં, ભુવનને ત્યાં ભેગાં થયાં. ઘનઘોર વાદળ છવાયા હતા. વાતાવરણ ઉન્માદમય અને રોમાંચક લાગતું હતું. વાતોનુ અનુસંધાન એને અનુલક્ષીને થયું.

ભુવનની પત્ની ભદ્રિકા, 'દરેક પતિ પોતાની પત્નીનું ખાનગીમાં બીજુ નામ રાખે છે. કોકિલાભાભી (પ્રેરકની પત્ની), તમારું બીજુ નામ શું  છે?' કોકિલા શરમાઈ ગઈ અને કહેવામાં આનાકાની કરી. સુબંધુની પત્ની સુરભિ, 'એમ શરમાવાથી નહિ ચાલે. અહિં ક્યાં તમારા જેઠ કે સસરા છે? બધા મિત્રો છીએ. ચાલો, કહો જોઉં.' એ સાથે બીજા બધાએ ટાપસી પૂરી.

કોકિલા, 'પ્રેરક આમેય સાહિત્યના રસિક. મને કહે, કોકિલા એ તારું નામ, બધા એ નામે બોલાવે તેથી સામાન્ય નામ ગણાય. મારે આપણા વચ્ચે ખાસ નામ આપવું છે. તને હું પરભૃતિકા કહીશ. મને તો એનો અર્થ પણ ન હતો ખબર. મેં કહ્યું કે આવા અટપટા નામનો અર્થ શું થાય? તેઓ કહે, પરભૃતિકા એટલે કોયલ યાને કોકિલા. કવિશ્રી મણિશંકરે (કાન્ત) એમના એક કાવ્યમાં આ પ્રમાણે ઉપયોગ કર્યો છે. "બેસીને કોણ જાણ ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય." ખરેખર હું તો વારી ગઈ. મેં કહ્યું, તો મારે પણ તમારું ખાસ નામ આપવું છે. તેઓ કહે, કોકિલ કંઠ કર્ણ પ્રિય તેથી પ્રિયકર કેવું લાગે છે?' સાચુ કહું, હું એમના રસિકપણાને વારી ગઈ, એમને વળગી પડી અને કાનમાં કહ્યું, વારી જાઉં મારા.. રસિક બલમા..' અને હળવેકથી એમની એ કાનની બૂટને મીઠું બચકું ભર્યું!'

બધા એક સાથે બોલી ઊઠ્યાં, 'વાહ, વાહ. વન્સ મૉર, વન્સ મૉર. અહિ એ ફરીવાર કરી બતાવો.'

પ્રેરક, 'દરેક વસ્તુ એના યોગ્ય સ્થાન અને સમયે શોભે. સામાજિક મર્યાદાની પાળનું ઉલ્લંધન ના કરાય. માને આપણે બાપાની વહુ નથી કહેતા. મા જ કહીએ છીએ.' પછી એ વિષે વાદ ન થયો. ભુવન, 'ભદ્રિકા, નાસ્તા-પાણીની વ્યવસ્થા કરો.'

ભદ્રિકા, 'આ વરસાદમાં ગરમાગરમ ડાકોરના ગોટા સાથે ચટણી ને ગરમાગરમ મસાલેદાર અદ્રકની ચા બનાવીએ છીએ.'

ભુવન, 'સરસ'.

ભદ્રિકા, 'અમે, સુરભિભાભી, વંદનાભાભી (વિકાસની પત્ની), સુલોચનાભાભી (સુધાકરની પત્ની) અને કોકિલાભાભી બધુ તૈયાર કરીએ છીએ, તે દરમિયાન તમે રૂમની બારીઓ બંધ કરી દો. વરસાદ આવતા રૂમમાં પાણી-પાણી થઈ જશે.'

થોડા સમયમાં નાસ્તા-પાણી તૈયાર થઈ ગયાં. એટલામાં વીજળીના ઝબકારે ગડગડાટી સાથે મેઘ તૂટી પડ્યો.

વંદનાભાભી, 'એક ક્ષણ તો એવું લાગ્યું કે વીજળી આપણા પર પડી ન હોય.'

સુધાકર, 'ક્ષણ પરથી કશે વાંચેલું યાદ આવ્યું. જો કોઈ ક્ષણ હૃદયની લાગણીને ઝંકૃત કરે તો હૃદય પરિવર્તન થાય.'

પ્રેરક, 'એવી હૃદયને સ્પર્શતી ક્ષણને તેના ગુણ અનુસાર ત્રણ વિભાગમાં વહેંચી શકાય. ૧. મહાભિનિષ્ક્રમણ ૨. હૃદયપરિવર્તન ૩. હૃદયપલટો.

ભુવન, 'પ્રેરક માંડીને વાત કરતો  જા અને સાથોસાથ બધા નાસ્તા-પાણીને ન્યાય આપતા જઈએ, જેથી એ ઠંડા પડી ન જાય.'

પ્રેરક, ‘૧. મહાભિનિષ્ક્રમણઃ આ હૃદયની ક્ષણ ત્યાગને અતિ ઉત્તમ શિખર પર લઈ જાય છે. દોમદોમ સાહ્યબીમાં જીવન વ્યતીત કરતા સિધ્ધાર્થની પાસે સ્વર્ગથી પણ ચઢી જાય તેવો વૈભવ હતો. રૂપરૂપના અંબાર સમી પત્ની યશોધરા, ફૂલગુલાબથી નાજુક અને મલકતો કુંવર રાહુલ હતો. એ ક્ષણે સિધ્ધાર્થે શું જોયું? એક વૃધ્ધ, લાકડીના સહારે ચાલતો હતો. એક રોગીને. સ્મશાને લઈ જતા શબને. તથા સાધુને કે જેને સંસારના દુઃખો અને મૃત્યુના ભયથી મુક્ત થવા સંસારનો ત્યાગ કર્યો છે. બધું નાશવંત છે, એ સમજાયું. માયાના પડળો તૂટી ગયા. સંસારના હિત કાજે કુટુંબનો ત્યાગ, પોતાની વત્સલ પ્રજાનો ત્યાગ. જ્ઞાન મેળવવા બોધિ વૃક્ષની નીચે બેસી સાધના શરૂ થઈ, ધ્યાનસ્થ અવસ્થામાં સરી પડવું. અને જ્ઞાન પ્રાપ્ત કરવું. એ અવતારી પુરુષે, ગૌતમ બુધ્ધ તરીકે આ ભૂમિને પાવન કરી. આવી હૃદયપલટાની ક્ષણને મહાભિનિષ્ક્રમણ કહે છે, જે અવતારી પુરુષથી શક્ય બને છે.

પ્રેરક અહિ અટક્યો અને નાસ્તો કર્યો. પછી આગળ ચલાવ્યું. ૨. હૃદયપરિવર્તનઃ આને મધ્યમ કક્ષા કહી શકાય. આમાં ત્યાગની ભાવના છે. સંસારને માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે. ઉદાહરણ તરીકે વાલિયામાંથી વાલ્મીકિ થવું અને શ્રી રામાયણનું રસપાન કરાવવું એ સામાન્ય વાત નથી. પોતાની પત્ની રત્નાવલિમાં આસક્ત તુલસીને રત્નાવલિની એક ટકોર કે આટલી આસક્તિ શ્રી રામમાં રાખી હોત તો ભવસાગર પાર કરી જતા. બસ, સંસારને શ્રી રામ ચરિત માનસ અર્પ્યું અને ચિત્રકૂટ પર રામ ભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યુ. સંત તુલસીદાસ તરીકે પ્રસિધ્ધ થયા. બાળક મૂળશંકરે ભગવાન શિવના મંદિરમાં જોયું કે શિવનો ભોગ ઉંદર ખાઈ રહ્યો છે અને એની મૂર્તિ પર રમી રહ્યો છે, તે ક્ષણે લાગ્યું કે જો ભગવાન નાના ઉંદરથી પોતાનુ રક્ષણ નથી કરી શકતા તો જગતનું રક્ષણ કેવી રીતે કરી શકે? ત્યાંથી જ્ઞાનની શોધમાં હિમાલય સુધી જઈ આવ્યા. તેમને આર્ય સમાજની સ્થાપના કરી.

વેદિક સમયને ઉજાગર કર્યું. અને સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે પ્રસિધ્ધ થયા. સંસારને વેદનું સાચું પથ દર્શન કરાવ્યું.

૩. હૃદયપલટોઃ આ સામાન્ય કક્ષાની હૃદય સ્પર્શી ક્ષણ છે.  આમાં  હૃદયની લાગણી ક્ષણિક હોઈ તે પ્રસંગ પૂરતી રહે છે. આવી ક્ષણ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. કોઈ એની નોંધ લે છે, તો કોઈ નથી લેતા. મારા જીવનમાં બનેલ બે પ્રસંગો જણાવું. હું જ્યારે ક્લાર્ક તરીકે ફોર્ટમાં આવેલ અમારી બૅંકની મુખ્ય શાખામાં, આઇ. બી. સી. ડિપાર્ટમન્ટમાં હતો. તે સમયનો પ્રસંગ છે. કલકત્તાથી એક રૂ.૫૦,૦૦૦/- ની ફિક્સડ ડિપૉઝિટ રસીદ આવી. એ રસીદ શ્રી દેબ આશિષ ચેટરજીના નામે હતી. ડ્યૂ ડેટ થઈ ગઈ હતી. ઇન્ડિઅન એક્ષપ્રેસે ઇસ્યૂ કરેલ. સાથે શ્રી દેબ આશિષ ચેટરજીનો હાથે લખેલ પત્ર હતો.

પત્રની વિગતનો સાર એ હતો કે તેઓની આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી. હવે રિટાયર થયા હતા. દીકરીની સગાઈ થઈ ગઈ હતી. વેવાઈ તરફથી લગ્ન માટે ઉતાવળ કરાતી હતી કેમકે વેવાણની તબિયત ઠીક રહેતી નથી. જિંદગી ભરની મૂડી પૈસો-પૈસો બચાવીને, દીકરીના લગ્ન માટે રૂ.૫૦,૦૦૦/- બચાવી વધુ વ્યાજના ચક્કરમાં બૅંકમાં ના મૂકતા અહીં મૂક્યા. હવે તેઓની કલકત્તા ઑફીસ વ્યાજનો ચેક આપવા કહે છે. મુદ્‌દલ અંગે અનિશ્ચિત સમય કહે છે. એ અંગે વધુમાં એમની મુંબઈની ઑફીસનો સંપર્ક કરી શકો છો, એમ જણાવે છે. મારી રસીદ સીધી એમને મોકલું અને ગુમ થઈ જાય તો હું ક્યાંયનો ન રહું, તેથી તમારી બૅંક દ્વારા પાઠવું છું. જો મારી દીકરીની સગાઈ ફોક કરાશે તો મારે છતાં પૈસે ઝેર ખાવાનો વારો આવશે. થોડો ઘણો દાગીનો છે તે દીકરીને લગ્નમાં ચઢાવીશું. રિટાયર હોવાથી આવક નજીવી એટલે કોઈ શાહુકાર પૈસા ધીરે નહિ. વગેરે-વગેરે. પત્રમાં સહી કરવાની અને તેની ઉપરના લખાણની જગાએ થોડાક શબ્દ પર પાણી પડ્યાથી સાહી પસરેલી હતી. અમને સૌને લાગ્યું કે તેઓની આંખના અશ્રુ હશે.

મારા સાહેબને મારા પર પૂરો ભરોશો કે હું જાતે ઇન્ડિઅન એક્ષપ્રેસમાં જઈને આ મામલે પતાવટ કરી શકીશ. હું ત્યાં પહોંચ્યો. આ અંગે જે કારોબાર સંભાળતા હતા એ ઑફિસરને મળ્યો. એમનું નામ શ્રી માંડવિયા હતું. તેઓને રસીદ બતાવી અને જણાવ્યું કે અમારા ખાતેદાર જેઓ કલકત્તમાં છે એમની ડિપૉઝિટ પાકી ગઈ છે તો પૈસા ચૂકવવામાં આવે. તેઓનું એમ કહેવું હતું કે અમુક સંજોગને લીધે, હાલમાં મુદ્‌દલ નથી આપતા. અમે એ મુદ્‌દલ પર વ્યાજના પૈસા આપીએ છીએ.  એ બાબતની જાણકારી કરી દીધી છે.

મેં કહ્યુ, 'જુઓ સાહેબ, તમે અને હું યંગ છીએ એટલે કદાચ દીકરીના બાપનો વલોપાત પૂર્ણ રીતે નહિ સમજાય. ધંધામાં ભાવનાત્મક વલણ ન રખાય, એ સમજી શકાય છે. તમે પણ મારી જેમ કંપનીમાં કર્મચારી છો. તમને અમુક મર્યાદાઓ નડતી હશે. હું તમને આની સાથે આવેલ પત્ર વાંચી જવા વિનંતી કરું છું. મેં એમને પત્ર આપ્યો. એમને વાંચ્યો.  મેં કહ્યું , ‘સાહેબ, માની લો કે એમની દીકરી આપણી બેન હોય તો આપણે શું કરતા? કંપનીના નિયમોને વળગી રહેતા? નિયમોનો ભંગ ન કરવો જોઈએ, એ સમજી શકું છું પણ કોઈ અપવાદ રૂપ ગણીને માનવતાનું કામ ના થઈ શકે? જુઓ, શ્રીમાન ચેટરજીને આ રકમ સમયસર મળશે તો એમની સામે ઊભેલું ધર્મ સંકટ  જતું રહેશે. માણસને છતા પૈસે આવી લાચારી કરવી પડે છે. આપણા દિલમાં એટલી ઉદારતા ન આવી શકે કે એક બાપના મોં પર હરખ લાવીએ. હું એમને ઓળખતો નથી. પણ એમની લાચારીનું સ્વરૂપ મારા મનમાં હું સ્પષ્ટ જોઈ શકું છું. તમને શું લાગે છે? તેઓ થોડા વિચારમાં પડી ગયા. મને કહે, 'આ રસીદ અને એમનો પત્ર મને આપો, મારા ઉપરી અધિકારીને પરિસ્થિતિથી વાકેફ કરી, પૈસા છૂટા કરવાની કોશિશ કરું છું. મેં એમને રસીદ અને પત્ર આપ્યા. થોડીવારે તેઓ આવ્યા અને કહે, 'આ ચેક વ્યાજ સહિત મુદ્‌દલનો છે. શ્રી ચેટરજીનું કામ થઈ ગયું. રસીદ સાથે આ પત્ર અમારા રિકૉર્ડ માટે રાખવો પડશે.'

અમે બન્નેએ એકબીજાના હસ્ત મિલાવ્યા. તેઓ કહે, 'પ્રેરકભાઈ, ધંધામાં ક્યારે લાગણીશીલ બનવું તેનો પાઠ આજે શીખ્યો. તમારો આભાર.' મેં પણ તેમનો આભાર વ્યક્ત કર્યો.

અહીં હૃદય પલટો છે, જે પ્રાસંગિક છે, પણ સારુ પરિણામ લાવે છે.

બીજો પ્રસંગ કહું છું. મારા પ્રમોશન બાદ હું કેટલોક વખત અમારી માટુંગાની શાખામાં હતો. ત્યાંથી ફરીથી બદલી આવી. મારા મેનેજર સાહેબ સ્વભાવના ઘણા સાલસ હતા. સ્ટાફ સાથે ઘરોબો જાળવી રાખે. શાખામાં એક કૌટુંબિક વાતાવરણ લાગે. બદલી બાદ એકવાર હું એમના ઘરે કાંદિવલી ગયો. વાતવાતમાં સેલ્ફ પ્રોફેશનલ લોન સંબંધી વાત નીકળી.  શ્રી સુધાકર રાવ,  જેઓ સી.એ. હતા અને અમારી શાખામાંથી એમને સેલ્ફ પ્રોફેશનલ અંતર્ગત લોન આપેલ પરન્તુ એક-બે હપ્તા ચૂકવ્યા બાદ લોન પેટે પૈસા ચૂકવતા ન હતા. એ અંગે કાગળ પણ લખેલ.  એમની ઑફિસમાં ભાગ્યે જ મળે. મળે ત્યારે વચન આપ્યા કરે કે લોનના પૈસા જરૂર ચૂકવી દેશે. નતીજો કશો નહિ. તેઓએ તેમનું રહેણાક બદલ્યું, એની જાણકારી મેનેજર સાહેબને થોડા સમય પહેલા થઈ. શ્રી રાવનું નવું રહેણાક મારા ઘરથી નજીકમાં હતું. મેં સૂચન કર્યું કે મને તમે ઑથૉરિટિ લેટર આપો. હું રવિવારે એમને ત્યાં મળી આવીશ. તે મુજબ એક રવિવારે સવારે તેમના સરનામાના સ્થલે પહોંચ્યો. ડૉઅર બેલ વગાડ્યો. એક યુવાન વ્યક્તિ બારણે આવી.

મેં કહ્યું, 'શ્રી સુધાકર રાવ છે?'

તેઓ બોલ્યા, 'હા, હું સુધાકર છું. શું કામ છે?'

મેં એમને ટૂંકમાં વિગત જણાવી. તેઓએ કહ્યું કે અત્યારે ટી.વી. પર રામાયણનો ઍપિસોડ આવે છે તો આપણે લોન સંબંધી વાત પછી કરીશું. તમે પણ જુઓ. આ સિરિઅલ તમે પણ જોતા હશો. મેં કહ્યું, 'હાજી' અને હું એમની અને એમના કુટુંબ સાથે ‘રામાયણ’ જોવા બેઠો. મનમાં વિચાર્યું હતું કે આજનો ઍપિસોડ જવાનો એ વાત ભગવાન રામે સાંભળી હશે. એટલે સગવડ કરી આપી. એક ગણતરી એવી હતી કે રામાયણના સમયે જવાથી એ જરૂર મળી શકશે, બધાને આ સિરિઅલે ઘેલું લગાડ્યું હતું.

એ ઍપિસોડમાં શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હતો અને તેની તૈયારી અયોધ્યા નગરીમાં પૂરજોશમાં ચાલતી હતી. પ્રજામાં પણ એટલો ઉત્સાહ હતો. કૈકૈયીમાતાના વચને બંધાયેલ રાજા દશરથ વિવશ થઈ વચન પાલન ખાતર શ્રી રામને રાજ્યાભિષેકથી દૂર કરી, ચૌદ વર્ષ વનવાસ જવાની આજ્ઞા કરે છે. જે શ્રી રામ સસ્મિત વધાવી શિરોમાન્ય ગણે છે. સીતામાતા અને ભાઈ લક્ષ્મણ તેમની સાથે વનવાસમાં જવાં તૈયાર થાય છે. ઍપિસોડ પૂરો થાય છે.

શ્રી રાવ, 'બોલો, હવે આપણે લોન સંબંધી વાત કરીએ.'

મેં કહ્યું, 'હું આવ્યો ત્યારે તમે મને લોન વિષે સિરિઅલના ઍપિસોડ બાદ વાત કરીશું, એમ જણાવેલ. હવે હું કહું છું કે લોન સંબંધી વાત પછી કરીશું. પહેલા ઍપિસોડ વિષે વાત કરવી છે.' તેઓ થોડા અસમંજસમાં પડી ગયા.

મેં કહ્યું, 'શ્રી રામની સિરિઅલે સૌને જકડી દીધાં છે. તેમાં બેમત નથી. મારું કહેવું એમ છે કે માત્ર એક ઍપિસોડ જોઈ હાથ ખંખેરી કાઢવાના? પછી બીજા રવિવારે ટી.વી. સામે ગોઠવાઈ જવું? શ્રી રામના જીવન જેવું ના જીવી શકીએ તો કંઈ નહિ, પણ એમના ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો થોડો પ્રયાસ કરીએ તો આપણુ જીવન સાર્થક થશે. આજે મિલકત માટે ઘરે-ઘરે ભાઈ-ભાઈમાં ઝઘડા, કોર્ટ-કચેરી. એની સામે જુઓ, શ્રી રામને રાજ ગાદી મળતી હતી, એક ઝટકામાં એ વાત પલટાઈ જાય છે. ચૌદ વર્ષનો વનવાસ મળે છે.  કૈકૈયીમાતાને પણ પગે લાગે છે. એમના પ્રત્યે કોઈ ક્રોધ કે ઘૃણા નથી. અત્યારે આ શક્ય છે? શ્રી રામ હસતે મુખે આજ્ઞાનું પાલન કરે છે. આ મૉરલનો અંશ માત્ર આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જીવ્યું સાર્થક થઈ જાય. તમને કેમ લાગે છે?'

તેઓ થોડીવાર વિચારમાં પડ્યા. તેમનો ચહેરો કહેતો હતો કે પોતે કંઈક ખોટુ કર્યું છે, એવી લાગણી એમના મનમાં ઉદ્‌ભવી..

તેઓ બોલ્યા, ' પ્રેરકજી, હું તમને મારો લોન સંબંધી ચેક આપું છું. લોન સમયસર ન ભરવાની મારી વૃત્તિ પર મને પસ્તાવો થાય છે. તમે ઍપિસોડનો મર્મ બરાબર ગ્રહણ કર્યો છે. મને નવી દૃષ્ટિ મળી છે. કુટુંબ સાથે બેસી માત્ર જોવા કરતા, બાળકોને આમાંથી મૉરલ શીખવાડી શકાય. એ ક્યારે કે આપણે ખુદ મૉરલને જીવનમાં વણી લઈએ ત્યારે શક્ય છે. તમારી જોવાની દૃષ્ટિને દાદ આપું છું. હવે લોન સંબંધી વાત પૂરીને?'

મેં કહ્યું, 'સુધાકરજી, લોનની રકમ અને વ્યાજ વગેરેની ગણતરી શાખામાં થશે. તમે સોમવારે એટલે કે આવતીકાલે શાખામાં જજો. તેઓ હિસાબ કરીને ચેક માટેની રકમ જણાવશે. અને હા, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ ફરજ ચૂકશો નહિ. ધન્યવાદ.'

બીજે દિવસે મને મેનેજર સાહેબનો ફોન આવ્યો કે શ્રી રાવ લોનની બધી રકમ વ્યાજ સાથે ભરપાઈ કરી ગયા છે.

મિત્રો, એ એક ક્ષણ હતી કે જેને શ્રી રાવનો હૃદયપલટો કર્યો.

જીવનમાં આવી હૃદયની લાગણીને ઝંકૃત કરે એવી ક્ષણ ઘણી ક્ષણિક હોય છે. તેને ગ્રહણ કરવા, ગંગાસતીએ પાનબાઈને સરસ ઉપદેશ એમના એક ભજનમાં આપ્યો છે. 'વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી.'

વિકાસ, 'વાહ. પ્રેરક,  તે તો આજે આપણા સૌની સાંજ અજવાળી.


Rate this content
Log in