Priyakant Bakshi

Others

1.7  

Priyakant Bakshi

Others

પિતૃઋણ (ઉત્તરાર્ધઃ અભિશાપ)

પિતૃઋણ (ઉત્તરાર્ધઃ અભિશાપ)

13 mins
15.3K


અનુભવે વિચાર્યું કે હજી વ્રજ (અમેરિકાના પેનસિલ્વાન્યા રાજ્યમાં શુલકીલ હેવનમાં આવેલ વૈષ્ણવોની પ્રખ્યાત હવેલી) પહોંચતા ખાસ્સો કલાક-દોઢ કલાક બાકી છે તો લાવને જરા તાજગી અર્થે  આ મેક્ડોનાલ્ડમાં કોફી સાથે થોડોક નાસ્તો કરી લઉં અને તેને કાર મેક્ડોનાલ્ડના પાર્કીન્ગ લૉટમાં લીધી. તે મેકડોનાલ્ડમાં ગયો અને કોફી તથા ફ્રેન્ચ ફ્રાય લીધી. એક સરસ મજાના ખૂણામાં ટેબલ પાસેની ખુરશી પર બેઠો. થોડે દૂર સ્ટોરમાં એક આઘેડ વયનું ભારતીય દંપતી ચકળવકળ થતું, આમથી તેમ આંટા-ફેરા કરતું જોયું.

તેને થયું કે કંઈક અજુગતું લાગે છે. તે પોતાની જગાએથી ઊભો થયો. એ દંપતી નજીક આવ્યો. અને પૃછા કરી.

અનુભવ, 'જય શ્રી કૃષ્ણ, અંકલ-આંટી, કોઈ પ્રોબ્લેમ છે? મારું નામ અનુભવ છે. આમ આંટા-ફેરાથી અનુમાન કરી શકું છું કે કોઈ મુશ્કેલી અનુભવો છો. શું હું આપને મદદ કરી શકું છું?'

દંપતીમાંથી પુરુષે જવાબ આપ્યો, 'હા ભાઈ, અમે અડધા-પોણા કલાકથી અમારા પુત્રને શોધીએ છીએ. રેસ્ટ રૂમમાં જઈને આવું છું કહીને ગયો છે પણ હજી આવ્યો નથી તેમ જ પાર્કીન્ગમાં કાર ન હતી પણ અમારી બન્નેની કૅરિ-ઓન બેગ હતી. એટલે ફિકર થાય છે કે ક્યાં ગયો? અમને કહે કે અહીં કોફી નાસ્તો કરીને વ્રજ જઈએ.'

અનુભવ, 'હું પણ વ્રજ જાઉં છું. આપનુ નામ શું છે?'

પુરુષ, 'મારું નામ અનુરાગ છે તથા આ મારા પત્ની, ગૌતમી છે. અમારો પુત્ર, અનુપમ ક્યાં જતો રહ્યો હશે?'

અનુભવે સ્ટોઅરમાં પૂછતાછ કરી પણ અનુપમ વિષે કોઈ જાણકારી ન મળી.

ગૌતમી, 'મને લાગે છે કે આપણને મૂકીને જતો રહ્યો છે. ગઈકાલથી એના તથા વહુના વર્તનમાં ફેરફાર વરતાતો હતો. મને ત્યારે જ શંકા ગઈ હતી કે દાળમાં કાળું છે, નહિ તો વહુ આટલી સલૂકાઈથી કોઈ દિ' વાત કરતી નથી. સામેથી આગ્રહ કરતી હતી કે માસીને ત્યાં જઈ આવો તે પહેલા વ્રજમાં દર્શન કરતા જજો. હવે શું થશે? આ અહીં અધવચ્ચે ક્યાં જઈશું?'

અનુરાગ, 'ભાઈ, તમે ભલા માણસ લાગો છો. જો તમને વાંધો ન હોય તો અમને ન્યુ જર્સી અમારે ત્યાં લઈ જશો?'

ગૌતમી, 'હવે ત્યાં જઈને શું કરીશું? અહીંથી જાકારો આપ્યો છે, તો સમજી જાવને તેઓએ આપણને બલા સમજી અધવચ્ચે છોડી દીધાં છે.'

અનુરાગ, 'તારી વાત સાચી છે. પણ હવે જઈશું ક્યાં? તારી બેનને ત્યાં જઈએ તો મોટો ધજાગરો થશે. એકલા કેવી રીતે આવ્યાં? શું જવાબ આપીશુ.'

અનુભવ, 'જુઓ, અંકલ અને આંટી, તમે વ્રજ જતાં હતાં ખરુંને? હું પણ ત્યાં જઉં છું. આપને વાંધો ન હોય તો મારી સાથે પહેલા વ્રજ ચાલો. પછી શું કરવું તેનો વિચાર કરી જો જો.'

બન્નેને આ સૂચન માફક આવ્યું કેમકે અધવચ્ચે ક્યાં જઈશું એ મોટો પ્રશ્ન છે. ઠાકોરજીની કૃપા સમજો કે આ ભલો યુવક મળી ગયો. હવે ઠાકોરજી જે સૂઝાડે તેમ. અનુભવની ભલમનસાઈથી બન્ને ગદગદિત થઈ ગયાં. બન્નેની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં.

અનુભવ, 'અંકલ-આંટી, આમ આંસુ વહાવી મને શરમમાં ના નાખો. હું માનીશ કે વ્રજમાં એકલા જવા કરતા આપ વડીલનો સાથ એ મારું સૌભાગ્ય છે.'

તેઓ અનુભવ સાથે કારમાં બેઠાં. અનુભવે કાર ચાલુ કરી અને વાત માંડી. 'મારા મમ્મી-પપ્પા મુંબઈના એક પરામાં રહે છે. હું અહીં એક મોટી કૉર્પરટમાં કમ્પ્યૂટર એન્જિનિઅર છું. થોડા સમય પહેલા મેં ન્યુ જર્સીમાં એડીસન બાજુ સિંગલ ફેમિલી હાઉસ લીધું છે. વિચાર છે કે મમ્મી-પપ્પાને અહીં બોલાવી લઉં. પપ્પા રિટાયર છે. કૉલિજમાં પ્રોફેસર હતા.’

અનુરાગ, 'બેટા અનુભવ, જો મેં તને બેટા કહી દીધું, માઠું ન લગાડતો. અંતરથી આ પ્રમાણે બોલાઈ ગયું.'

અનુભવ, 'ના, ના, વડીલ મને તમારા આ સંબોધનથી વધુ આત્મીયતા લાગી. એમાં માઠું લગાડવાનો સવાલ નથી આવતો.'

ગૌતમી, 'બેટા અનુભવ, ધન્ય છે તારા મા-બાપને. કેટલા સુસંસ્કાર આપ્યા છે.'

અનુરાગ, 'અમારી કથની કહેવામાં મને હવે સંકોચ નથી થતો. કેમકે ડૉક્ટર પાસે જવું અને પેટ છુપાવવાનો કોઈ મતલબ નથી. અમારી પરિસ્થિતિ હાલ એવી છે કે તું જ અમારો સહારો બની શકે. ભાઈ, તને માથે પડ્યા જેવું ન લાગે. અમે અત્યારે રસ્તે રઝળતા થઈ ગયાં છીએ. પંડના છોકરાએ દગો દીધો છે. આના કરતા તો પાણીમાં ઝેર મેળવીને આપ્યું હોત તો અમારો છુટકારો થાત. આમ પારકા પ્રદેશમાં રખડાવી દીધાં. અમે તો ક્યાંયના ના રહ્યાં.'

અનુરાગ, 'જો બેટા, અમે પણ મુંબઈમાં રહેતા હતાં. મારો ત્યાં બિઝ્નિસ હતો. અમારો દીકરો અનુપમ પણ કમ્પ્યૂટર એન્જિનિઅર છે. ગૌતમીની બેને અમને સ્પોન્સર કર્યાં અને અમે અહીં આવ્યાં. ત્યારે અનુપમ હાઈસ્કૂલમાં હતો. કમ્પ્યૂટર એન્જિનિઅર થયો. એના લગ્ન અંગે અમે વિચાર્યું કે અહીંની જન્મેલી અને ઊછરેલી છોકરી સાથે કદાચ મન મેળ ન થાય. કુટુંબ ભાવના ના આવે તેથી ઇન્ડિઆમાં લગ્ન લેવાના નક્કી કર્યું. રંગેચંગે ત્યાં લગ્ન લીધા. છોકરી વળાવતી વખતે તેના મા-બાપ રડતાં હતાં. દરેક મા-બાપને આ પળ ઘણી વસમી હોય છે. ત્યાં અમારામાંથી કોઈ મજાકમાં બોલ્યું, 'અરે ભાઇ, છોકરીવાળા શીદને રડો છો? તે તો અમેરિકા જશે અને પછી રડવાનો વારો છોકરાના મા-બાપનો થશે.' આ મજાક, વાસ્તવિક બનશે તે સ્વપ્નેય ન હતુ સોચ્યું.'

ગૌતમી, 'વહુ અહીં આવી. શરૂશરૂમાં બહુ સરસ વર્તન હતું. બન્ને જણા કામ પર જાય અને અમે એકલા ઘરમાં. એમને પીઠનો સખત દુઃખાવો થયો તેથી કામે જતા હતા, તે મૂકી દીધું. અનુપમની તથા તેની વહુ, રાગિણીની જૉબ સારી હતી તેથી ઘર કેમ ચાલશે, એ પ્રશ્ન ન હતો. મોર્ગનવિલ, ન્યુ જર્સીમાં ચાર બે'ડ રૂમનું હાઉસ લીધું.  રસોઈ, લૉન્ડ્રિ, ડિશ વૉશર, વૅક્યૂમ, ઘરની બીજી સાફસૂફી, આમ ધીરે-ધીરે એકથી એક કામ સોંપાતા ગયા. હું હોંશે-હોંશે ઘરના બધા કામ કરતી ગઈ. કામ કરવામાં વાંધો ન હતો પરન્તુ જો કોઈ કામમાં ઊણપ લાગે કે રાગિણી છંછેડાઈ જતી. મર્યાદાની બહાર બોલવાનુ શરૂ કરી દેતી. પહેલા એમ ન હતી કરતી પણ જ્યારે તે તેના સગાના લગ્ન નિમિત્તે ઇન્ડિઆ જઈ આવી અને ત્યાર બાદ એના મમ્મી-પપ્પાનો અહીં આવવાનો વીઝા રિજૅક્ટ થયો, ત્યારથી એના સ્વભાવમાં ઘણો જ ફેર પડી ગયો. એમને પીઠનો દુઃખાવો છતા લૉન કાપવી, ધોયેલા કપડાની ઈસ્ત્રી કરવી, ઝાપટઝૂપટ કરવું, કારને વૉશ કરવી વગેરે કામો કરાવે. અનુપમ એક શબ્દ ન બોલે. આપણે ય જાણીએ છીએ કે કામ વગરનું નવરું બેસવું કોણે ગમે? જે પ્રેમભાવ જોઈએ તે ન મળે. અમને થતું કે ઇન્ડિઆ જતાં રહીએ. એક વાર અનુપમને અમસ્તો ઇન્ડિઆ જવાનો વિચાર જણાવ્યો. તે અમારી પાસે રડી પડ્યો. એને લાગણી ખૂબ પરન્તુ અમને ખબર છે કે એનુ રાગિણી પાસે ક્શુ ચાલતુ નથી. આ દીકરાની માયાને લીધે, અમે ઇન્ડિઆ જવાનું નામ ન લીધું.'

અનુરાગ, 'હમણા ગયા અઠવાડિયે કોઈ બાબતે બન્ને વચ્ચે બહુ બોલાચાલી થઈ. રાગિણી બધી મર્યાદાનું ઉલ્લંધન કરતા મોટેથી, અમને સંભળાય તેમ બોલી,"જો મારા મા-બાપ અહીં નથી તો તારા મા-બાપની અહીં શું જરૂર છે? કાં તેઓ નહિ અથવા હું નહીં. જે તે તારે ડિસાઇડ કરવાનું છે. મારાથી એમનો ઢસરડો નહિ થાય." અમે સમસમી ગયા. અમને લાગ્યું કે હવે ક્ષણભર રહેવું આકરું થઈ પડશે. મેં કહ્યું, 'અનુપમ, બારણું ખોલ. જો રાગિણીને આ મા-બાપ ભારે પડતા હોય તો અમે ઇન્ડિઆ જઈએ છીએ.'
રાગિણી બોલી, 'તે તમને કોણે બાંધી રાખ્યા છે?'

અનુપમ, 'બસ, બહુ થયું. રાગિણી તું ચૂપ રહીશ કે? બધા કરતા હું જ ક્યાંય જતો રહું છું એટલે આ રોજરોજનો કકળાટ તો નહિ.'

વાતાવરણ ઘણું જ તંગ થઈ ગયું. સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે, રાગિણીએ રડવા માંડ્યું. એ દિવસે રાંધેલુ ખાવા એમને એમ પડી રહ્યું.

અમને શું કરવું તેની સમજ ન પડી. અનુપમ જાણતો હતો કે હું ત્યાં ધંધો-પાણી બંધ કરીને આવ્યો છું. ત્યાં અમારી આજીવિકાનું શું? અહીંથી મદદ મળે એ આવા વાતારણમાં સ્વાભાવિક રીતે શક્ય છે જ નહિ. મનમાં ઘણો પસ્તાવો થયો કે ઇન્ડિઆ-ઇન્ડિઆ કરીને છોકરાને પરણાવ્યો અને હવે આ દિવસો જોવાનો વારો આવ્યો. હે પ્રભુ, આ તે કયા જનમનું વેર વાળે છે?

ત્યારબાદ ગઈકાલે ફોન પર અનુપમ એના માસી-માસા સાથે વાત કરતો સંભળાયો, 'હા, માસી-માસા, મમ્મી-પપ્પાને હું કાલે તમારે ત્યાં મૂકી જાઉં છું. નાયગ્રા વગેરે ફરવામાં તમારી કંપની રહેશે.'

શું? બપોર પછી મળશો? ઓ.કે. અમે તમારે ત્યાં આવતા પહેલા વ્રજ જઈ આવીશું. 'ચાલો ત્યારે, કાલે મળીશું.' 'હા, જય શ્રી કૃષ્ણ.'

પછી અનુપમે અમને કહ્યું, 'મમ્મી-પપ્પા, માસી-માસા નાયગ્રા અને કેનેડામાં બીજે ફરવા જાય છે તો તમે એમની સાથે જાવ એમ જણાવે છે. કાલે સવારે એમને કોઈના બેબીશૉવરમાં જવાનુ છે તો આપણે સવારે વ્રજ થઈને એમને ત્યાં જઈશું. તમારી બેગ વગેરે તૈયાર કરી દેજો. તમારા પાસપોર્ટ અને બીજા ડૉક્યુમન્ટ્સ કાઢી રાખું છું.'

તેઓ વ્રજ પહોંચ્યાં. અનુભવે રાજ ભોગનો મનોરથ કરાવ્યો હતો. દર્શન બાદ મનોરથીને ઉપરણો ઓઢાડાયો, ત્યારે અનુભવે કહ્યું, 'અંકલ-આન્ટી મારું સૌભાગ્ય છે કે મમ્મી-પપ્પા અહિં નથી તો તેમની જગાએ તમે છો. ચાલો, આપણે ત્રણેય ઠાકોરજીનો ઉપરણો અંગીકાર કરીએ. આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે તેથી મનોરથ કરાવ્યો છે.'

અનુરાગ અને ગૌતમીને સુખ અને ખેદના અશ્રુ આવી ગયાં. અનુભવ, વગર ઓળખાણ પીછાણે દીકરાથી વિશેષ ખાતર બરદાસ્ત કરે છે, જ્યારે પંડનો દીકરો અધવચ્ચે મૂકીને જતો રહ્યો.

તેઓએ પ્રસાદ ત્યાં લીધો. અનુભવ બોલ્યો, 'અંકલ, મારુ એક સજેશન છે કે જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપ ખુશીથી મારે ત્યાં રહી શકો છો. તમે જરા પણ સંકોચ ના કરશો. હું પણ તમારો દીકરો છું એમ સમજજો. અત્યારની તમારી પરિસ્થિતિમાં તમે ક્યાં જશો? તમને આમ મૂકીને જતા મારો આત્મા દંખશે. મારા પપ્પાની શીખ છે કે અસહાયને  મદદરૂપ થવું એ માનવતાનો ધર્મ છે.'

અનુરાગ અને ગૌતમી, ' બેટા, અમને તારા ચરણોમાં પડવા દે. ધન્ય છે તારા મા-બાપને કે આવા ઉચ્ચ સંસ્કાર સિંચ્યા છે.'

અનુભવ, ' અંકલ-આંટી, મને ચરણે પડી, શરમમાં ના નાખો. વડીલ પૂજ્ય ગણાય. મારે તમારી ચરણ રજ લેવાની હોય.'

તેઓ અનુભવના ઘરે આવ્યાં. ત્રણ બે'ડ રૂમ હતા. અનુભવે કહ્યું,' એક રૂમ શ્રી ઠાકોરજીની સેવા અર્થે અલાયદો છે. બીજામાં હું સૂઈ જઉં છું. ત્રીજામાં તમને ફાવશે, બરાબરને?'

અનુરાગે હા ભણી. તેઓના મોં પર સંતોષ અને આભારની લાગણી પ્રગટી. મનોમન પ્રભુનો પાડ માન્યો અને અંતરથી અનુભવને આશિષ આપી. અનુરાગે બેગો રૂમમાં મૂકી. એટલામાં અનુભવે બૂમ મારી, ‘અંકલ-આંટી ચાલો, ચા-નાસ્તો તૈયાર છે.'

ગૌતમી, 'દીકરા, તે શા માટે તસ્દી લીધી. હું છું ને, બનાવી આપતી.'

તેઓ નીચે લિવિંગ રૂમની બાજુમાં ડાઈનિંગ હૉલમાં આવ્યાં. ચા-નાસ્તાને ન્યાય આપ્યો.

ગૌતમી, 'અનુભવ, મને જરા કિચનનો ખ્યાલ આપી દે એટલે રાતની રસોઈની તૈયારી કરું.  હવે હું અહીં છું ત્યારે તારે રસોઈની ખટપટ નહિ કરવાની.'

ગૌતમી રસોઈના કામમાં ગૂંથાઈ. અનુભવે અનુરાગને પોતાનું ઘર બતાવ્યું. અનુરાગે નોંધ્યું કે બધી વસ્તુ વ્યવસ્થિત મૂકાએલી હતી.

ઘર સાફસુથરું રાખેલ. આને કહેવાય વેલ ઑર્ગનાઇઝ. અનુરાગ, 'અનુભવ, ઘર ઘણું સ્વચ્છ અને સુઘડ છે. તે બદલ તને શાબાશી.'

અનુભવ, 'આ તાલીમ નાનપણથી મારા પપ્પાએ આપેલ. તેઓ કાયમ કહે કે જેટલા સુઘડ ને સ્વચ્છ હશો તેટલા પ્રભુને વહાલાં લાગશો.'

અનુરાગે જોયું કે અનુભવના દરેક કાર્યમાં તેના પિતાનો પડછાયો હોય છે. તે એના પિતાને ઘણા આદરથી જુએ છે. ધન્ય છે, આ બાપ અને બેટો.

જમવાની વાર હતી. અનુરાગ એની રૂમમાં ગયો તથા પાસપોર્ટવાળુ કવર ખોલ્યું. એમના પાસપોર્ટની સાથે બીજુ કવર નીચે પડ્યું. અનુરાગે એ હાથમાં લીધું અને ખોલીને જોયું તો અંદર ડૉલરની નોટો હતી. ગણી જોઈ તો ૨૫૦૦.૦૦ ડૉલર હતા. સાથે એક ચિઠ્ઠી હતી. તેને ચિઠ્ઠી વાંચવાની તૈયારી કરી.

'પૂજ્ય, મમ્મી અને પપ્પા, તમને મારા પ્રત્યે ઘણુ જ દુઃખ અને માઠું લાગ્યુ હશે. તે સ્વાભાવિક છે. તમારી આવી દશા કરવા બદલ હું માફીને પણ લાયક નથી રહ્યો. સંજોગો એવા આવતા ગયા કે મારે દિલ પર સો મણનો પથ્થર રાખીને આ (કુ)કર્મ કરવું પડે છે. મારે ઑફિસના કામે મહિના માટે આવતી કાલે કેલિફોર્નિયા જવાનુ છે. ઘરના વાતાવરણથી તમે પરિચિત છો. રાગિણીએ મને ત્યાં સુધી કહ્યું છે કે જોઉ છું કે તારા મા-બાપ અહીં કેવા રહે છે. ડોમેસ્ટિક વાયલન્સમાં ફરિયાદ કરીને બન્નેને જેલ ભેગા ન કરું તો મારું નામ રાગિણી નહિ. તે આમેય ઉશ્કેરાયેલી હતી. અને મારી ગેરહાજરીમાં કંઈ ન કરવાનું કરી દેશે એ ડરથી મારે  આ જાતનું નાટક કરવું પડે છે. તમને ઇન્ડિઆ જવા માટેની વ્યવસ્થા મારા મિત્ર થકી કરી દીધી છે. એ મારી સાથે ઑફિસમાં કામ કરે છે. એનું નામ અનુભવ છે. ઘણા સારા સ્વભાવનો છે. એનો ફોન નંબર અને અડ્રેસ પણ આપેલ છે. હું તમારાથી છૂટો પડીશ ત્યારે એક જ આશ છે કે તમે આ કવર ખોલશો તેથી તમે અનુભવનો સંપર્ક કરી શકશો. માસી-માસા સાથે જવાની વાત થઈ જ ન હતી. રાગિણી સામે સેલફોન પર નાટક જ કરેલ. અધવચ્ચે મૂકીને જતાં મને ઘણુ દુઃખ થશે. મને લાગ્યું કે પેલી ઊંધી ખોપડી મારી ગેર હાજરીમાં પોલીસ વગેરેનું કંઈક તૂત ઊભું કરે તેના કરતા આ પગલુ ભરું છું. મને માફ કરજો. જો કે માફીને લાયક હું નથી. તમને દર મહિને રૂ. ૫૦,૦૦૦થી  રૂ.૬૦,૦૦૦ મળે એ વ્યવસ્થા પણ કરી છે. આ વિષે રાગિણીને જરાય ગંધ આવવી ન જોઈએ. તમે અને મમ્મી મનમાં રાખજો. સારું છે કે મુંબઈનો ફ્લેટ રાખ્યો છે. ત્યાં જાવ પછી હું તમારો સંપર્ક કરતો રહીશ. તમે ઘરે કદાપિ મારો સંપર્ક કરવા પ્રયત્ન કરશો નહિ. આ ઉપરાંત પૈસાની જરૂર પડે તો  જણાવશો. એ જ તમારો નાલાયક પુત્ર અનુપમ.'

અનુરાગની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. શું કહેવું આ અનુપમને! અમે કેટ-કેટલો કોસ્યો છે એને. આને તો પેલી કહેવતને ઊલટાવી દીધી. છોરું, કછોરું થાય પણ માવતર, કમાવતર ન થાય. એની જગાએ માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય. એનાથી થોડું મોટેથી બોલાઈ ગયું. 'અનુપમ, ઓ અનુપમ.'

એટલામાં ગૌતમી રૂમમાં આવી. અનુરાગની આંખો ભીની લાગતા બોલી, 'શું થયું?' અનુરાગથી બોલી ન શકાયું. તેને ગૌતમીને અનુપમનો પત્ર આપ્યો. એ વાંચીને એની પણ આંખો ભરાઈ આવી. આ છોકરાને કેવો માન્યો હતો અને કેવો નીકળ્યો. 'દીકરા, માફીને લાયક અમે નથી. તું તો જગ જીતી ગયો. મા-બાપ માટે તે શું-શું નથી કર્યું, એ જ મા-બાપ તને કોસતા રહ્યા.'

અનુભવે એમની રૂમ પર નૉક કર્યું. અનુરાગે સ્વસ્થ થઈ બારણુ ઉઘાડ્યું.

અનુભવ, 'અંકલ-આંટી, મમ્મીને આજે સવારે જ ફોનથી બર્થડેની શુભેચ્છા કરી હતી પણ મને હમણા ઇન્ડિઆથી ફોન આવ્યો હતો. ફોન પર પપ્પાએ જણાવ્યું કે અનુભવ બને એટલો વહેલો આવી જા. મમ્મીની તબિયત વધારે નાદુરસ્ત થતી જાય છે. હા, હું તમને એક વાત કહેવાની વીસરી ગયો હતો. મારી મમ્મીને કેન્સર છે. ઈલાજ ચાલે છે. અહીં ઈલાજ કરવાનો ખર્ચો ઘણો આવે. ત્યાં પણ પપ્પા રિટાયર છે. આવક સામાન્ય અને આ દર્દને પહોંચી વળવા પૈસા નાખો તેટલા ખૂટતા ને ખૂટતા લાગે. મેં વિચાર્યું કે મમ્મીની સેવા અર્થે હું ત્યાં રહું. પરન્તુ પપ્પા એ કહ્યું, 'જો તને અમેરિકાની તક આવી છે તે ના ગુમાવીશ. અહીં તું કમાઈશ પણ તારી મમ્મીના ઈલાજને પહોંચી નહિ વળાય. આ અસાધ્ય રોગ છે, કેટલો વખત થાય તે કહેવાય નહિ. વાસ્તવિકતા સ્વીકારીને આગળ પગલું ભરવું જોઈએ. પરન્તુ હવે બન્નેને અહીં લઈ આવીશ. તેથી તો આ હાઉસ લીધું છે.’

હમણા મેં ફોનથી મારા બૉસ સાથે વાત કરી અને મને ઇન્ડિઆ જવાની રજા આપી છે.  હું તમને એ કહેવા આવ્યો છું કે તમે આ સંજોગોમાં ખરાબ ન માનતા. તમે અહીં જ રહેજો. હું પૈસાની તેમ જ બીજી સગવડ કરું છું. આપણા ઘરથી ગ્રોસરી અને શાક-ભાજી માટે ચાલીને જવાય એવું છે તેથી તમને મુશ્કેલી નહિ પડે. મારે કેટલું રહેવુ પડે તે ખબર નથી. પણ હું તમને ત્યાંથી ફોન કરતો રહીશ.'

અનુરાગ, 'તું અનુપમને ઓળખે છે?  એ તારી સાથે કામ કરે છે અને આવતીકાલે એને મહિના માટે ઑફિસના કામે કેલિફોર્નિયા જવાનું છે.'
અનુભવ, 'તો એ તમે જ એના પેઅરન્ટ છો?'
અનુરાગે અનુભવને પત્ર આપ્યો. વાંચીને તેની આંખો ભરાઈ આવી. અનુરાગે કહ્યું, 'જો ભાઈ, તારી સાથે અમારી પણ ઇન્ડિઆની ટિકિટ બુક કરાવી લે. આપણે ત્રણે સાથે ઇન્ડિઆ જઈએ.'

તેઓ ઇન્ડિઆ પહોંચ્યાં. અનુરાગ અને ગૌતમી અનુભવની સાથે એના ઘરે આવ્યાં. અનુભવ તેના પિતા તથા માતાને પગે પડ્યો.

અનુરાગને થયું અનુભવની માતાને  ક્યાંક જોઈ છે. ઓહ, હવે યાદ આવ્યું. આ તો નિર્ઝરી છે. તે ઝંખવાઈ ગયો. એટલામાં અનુભવે તેઓની ઓળખાણ આપતા કહ્યું, 'મમ્મી- પપ્પા, આ મારી ઑફિસમાં મારી સાથે કામ કરતા મારા મિત્ર અનુપમના પેઅરન્ટ છે. તેઓ ઇન્ડિઆ આવતાં હતાં તેથી મારો સંગાથ થયો. મમ્મીની તબિયત અંગે જાણ્યું એટલે કહે , 'પહેલા તમારે ત્યાં આવીએ છીએ.'

અનુકૂળ, 'અમારે ત્યાં આપનુ સ્વાગત છે. તમે બેસો. નિર્ઝરીને અસુખ જેવું લાગે છે, તેથી અનુભવને તાત્કાલિક બોલાવવો પડ્યો. ગઈકાલે જ નિર્ઝરીની વર્ષ ગાંઠ ગઈ. તમારી ખાતર બરદાસ્તમાં થોડી તકલીફ પડશે તો દરગુજર કરજો. કેમકે નિર્ઝરીથી વધુ સમય ઊભા રહી શકાતુ નથી. અશક્તિ અને દર્દની પીડા એને થકવી નાંખે છે. પણ છે ઘણા મજબૂત મનની. આટલા દર્દમાં ક્યારેય બૂમો નથી મારી.'

કૃશ નિર્ઝરીએ આગંતુક સામે જોયું. તે પામી ગઈ કે આ તો અનુરાગ છે. તે બોલી, 'અનુરાગ, આમ ઝંખવાઈ ના જાવ. નિયતિને જે મંજૂર હોય તે થઈને રહે છે. મને અનુકૂળે ઘણુ આપ્યું છે. એનો પ્યાર અને ત્યાગ આ ભવ તો શું કોઈ ભવમાં ચૂકવી શકાય તેમ નથી. સાથે તારા પત્ની લાગે છે.'

અનુરાગ, 'હા, નિર્ઝરી એ મારા પત્ની, ગૌતમી છે. હું તારો ગુનેગાર છું. મને તારે જે સજા કરવી હોય તે કર, હું શિરોમાન્ય ગણીશ. અને પ્રોફેસ્રર અનુકૂળ, હું જ અનુરાગ, આ નિર્ઝરીનો ગુનેગાર છું.'

નિર્ઝરી, 'અનુરાગ, હવે મને આ સંસારમાં કોઈ પ્રત્યે રાગ, દ્વેષ નથી રહ્યા. આ પુણ્યાત્માના સંગે જીવન કેમ જીવી જવું તે આત્મસાત કર્યું છે. એ તો ત્યાગની મૂર્તિ છે. એને જે કર્યું છે તે આ સંસારમાં કોઈથી થઈ શકશે નહિ. બેટા અનુભવ, આટલા વર્ષોથી એક સત્ય તારાથી છુપાવ્યું છે. એ પણ તારા પપ્પાના કહેવાથી અને તારા ભલા માટે. એની કિંમત તારા પપ્પાએ પોતાની જિંદગી કુરબાન કરીને ચૂકવી છે.'

અનુકૂળ, 'નિર્ઝરી, એ ભૂતકાળની વાતો ઉવેખીને શા માટે સૌને ચોટ પહોચાડે છે? અનુભવ આ જીરવી નહિ શકે.'

નિર્ઝરી, 'ના, અનુકૂળ, મને આજે રોકશો નહિ. હવે હું વિદાયની તૈયારી કરું છું ત્યારે આ હકીકતનો બોજ સાથે નથી લઈ જવો. સત્યને છુપાવવાથી, તે અસત્ય નહિ થઈ જાય. અનુભવ?' તું જેને પિતા માને છે તે તારા જન્મદાતા નથી. તારા ભલા માટે તેઓએ આજીવન બ્રહ્મચર્ય પાળ્યું છે. તારા અસલી જન્મદાતા આ અનુરાગ છે. અમારી જવાનીની ભૂલની સજા અનુકૂળે પોતાના શિરે ચઢાવી છે.’

તે થાકી ગઈ. તેને હાંફ ચઢી. અનુકૂળે પાણી આપ્યું. અનુભવ અસંમજસમાં પડી  ગયો. થોડો વિચાર કરતા એને પપ્પાનુ મહાન સ્વરૂપ દેખાયું. તે બોલ્યો, 'પપ્પા, તમે ભલે મારા જન્મદાતા નથી, પણ મેં તમને ક્યારેય પાલક પિતાના સ્વરૂપે જોયા કે જાણ્યા નથી. આજે આ હકીકત સામે આવતા હવે મારી પાસે તમને નવાજવા માટે શબ્દો નથી. અને અંકલ, તમે મારા અનુરાગ અંકલ જ રહેશો. મારા પપ્પાનું સ્થાન મારી પાસેથી કોઈ છીનવી નહિ શકે.' તે આગળ વધ્યો અને અનુકૂળના ચરણોમાં ઢળી પડ્યો.

નિર્ઝરી, 'ગૌતમીબેન, મારું એક કામ કરશો? પેલી બેગમાંથી પાનેતર, કંકુની ડબી અને લીલી બંગડીઓ આપશો?' ગૌતમીએ નિર્ઝરીના કહેવા મુજબ બધી વસ્તુ લાવી આપી.

નિર્ઝરી, 'અનુકૂળ, આજે તમારી પાસે બીજી કશી અપેક્ષા નથી કરતી. મને હવે આ સંસારનો મોહ પણ નથી. માત્ર-માત્ર તમને દાંપત્ય જીવનનો અન્યાય થયો છે તે દૂર કરવાની લગીર કોશિશ કરૂં છું. પ્લીઝ, મને રોકતા નહિ. બસ એકવાર તમે મને તમારી છાતી સરસે ચાંપી આ કંકુને મારા ભાલે લગાડો. જુઓ, હું નવોઢા બનીને આવી છું. તમને મારા પતિ તરીકેનો ન્યાય આપવા દો.'

તે ઊભી થઈ. અનુકૂળની પાસે આવી. અનુકૂળે તેને બાથમાં લીધી અને છાતી સરસે ચાંપી. કંકુની ડબીમાંથી સુહાગણ કંકુ કાઢી નિર્ઝરીના ભાલે લગાડ્યું.

અનુકૂળ, 'નિર્ઝરી, બસ તારી મનોકામના પૂરી થઈ?' પરન્તુ નિશ્ચેત નિર્ઝરી આ ક્ષણ ભંગુર સંસાર છોડતા-છોડતા જાણે આ સાથ કદીએ ના છૂટે એમ જ વળગી રહી.


Rate this content
Log in