Priyakant Bakshi

Others

1.7  

Priyakant Bakshi

Others

ગફૂર

ગફૂર

6 mins
14.3K


"પ્રાગલ્ભ્યા, આ બે દિવસથી સ્વપ્નામાં ગફૂર મને બોલાવે છે. તો ચાલો, ગામ જઈ આવીએ."
"કોણ ગફૂર? હાં, યાદ આવ્યું. તમે આપણા લગ્નમાં બરાત લઈને આવ્યા હતા ત્યારે ગફૂર પર ઘોડે સવારી કરી હતી અને તે કેટકેટલું નાચ્યો હતો. બધા દંગ થઈ ગયાં હતાં. પણ છોકરાંઓની પરીક્ષા છે તો અમારાથી નહિ અવાય. આમેય તમને ગામ ગયે ઘણો વખત થઈ ગયો છે તો એકલા જઈ આવો." પ્રાગલ્ભ્યા, મારી પત્ની બોલી.

પ્રાગલ્ભ્યાની વાત સાચી હતી. બે દિવસથી ગફૂરનું અચાનક સ્વપનામાં આવવું કંઈક ઇશ્વરી સંકેત હશે. હવે ગામ જવું ઠેલવવું ના  જોઈએ. કેટલાય વર્ષો થઈ ગયા. વિદેશમાં ઈજનેરી અભ્યાસાર્થે ગયા પછી લગ્ન કરવા આવ્યો ત્યારે કાસમચાચાએ ગફૂરને કેવો શણગાર્યો હતો! અને ગફૂર પણ કેવો? જેવી એની સવારી મેં કરી કે ખુશખુશાલ. જાણે એની શાદી ન હોય? મન મૂકીને નાચ્યો પણ મને જરાય પડવા ના દીધો.

કાસમચાચા અને નૂરચાચીને ભલે સંતાન ન હોય પણ ગફૂર એમને મન બેટાથી વિશેષ. ઘોડાગાડીએ જોડીને કાસમચાચા ડચકારા મારે, "બેટા ગફૂર..” સંભાળીને. કાસમચાચાની બધી વાતો ગફૂર સાંભળે. કાસમચાચા સીનો તાણીને કહે, “ગફૂર તો મારો કમાઉ બેટો છે. એ છે તેથી તો ઘરના રોટલા પાણી થઈ રહે છે.“ કાસમચાચાને ગફૂર પહેલા મામદઅબ્બાએ ઘોડાગાડી વારસામાં આપેલ અને ઉંમર થયે ઘોડો અલ્લાહને પ્યારો થઈ ગયો. કાસમચાચાની નજર ગફૂર પર પડી ને પરભવની પ્રીત બંધાઈ! ઘોડાગાડીએ જોતર્યો.

એ જમાનામાં ગામમાં ત્રણેક ઘોડાગાડી. કાસમચાચા, રહીમચાચા અને અનવરચાચાની. ગામથી  સ્ટેશન લગભગ ચારેક માઈલ દૂર. નેરોગેજ રેલ્વે લાઈન. બાર-પંદર માઈલના અંતરે બ્રોડગેજનુ કનેક્શન. કોઈ પણ શહેરમાં જવા-આવવા માટે એજ રસ્તો. બાકીના સમયમાં, ઘોડાઓનો અન્ય પ્રસંગોમાં જેવાં કે લગ્ન વગેરેમાં ઉપયોગ થાય.

કાસમચાચા ગફૂરને સરસ મજાના ચણા અને લીલું ઘાસ નીરે. ગફૂરના આખા શરીરે હાથ પ્રસારવતા જાય ને બોલતા જાય, "ખા, બેટા ગફૂર ખાઈ લે. મેરી કસમ, તારા જેટલા બીજા કેટલું ખાય છે. પાછું સ્ટેશને હડી કાઢવાની છે.” નાના બાળને મા ખવડાવે એમસ્તો.

મને યાદ નથી કે ચાચાએ કોઈ દિવસ ગફૂરને ચાબૂક મારી હોય! ગાડીની લગામ હાથમાં અને બુચકારે એટલે ગફૂર ડાહ્યો ડમરો. ચાચાની બધી વાત માની લે. બીજી કોઈ ઘોડાગાડીની તાકાત નથી કે ગફૂરથી આગળ થઈ જાય!

મોસાળમાં મામા અને કાસમચાચા સારા એવા દોસ્ત. લગભગ સરખી ઉંમરના. બન્નેના લગ્ન પણ સરખી ઉંમરે થયેલ. કાસમચાચા નૂરબીબીને શાદી કરીને લાવ્યા અને મામા મંગળામામીને લગ્ન કરીને લાવ્યા. નૂરચાચી અને મામી પણ સારી સહિયર. મામીના હાથના ઢોકળાં સારા બને. જ્યારે બનાવે ત્યારે ટિફિન ભરીને કાસમચાચાને ત્યાં જાય અને મામી નૂરચાચીને કહે, "નૂરભાભી, આ લો, ગરમ-ગરમ ઢોકળાં છે. કાસમભાઈ અને તમે નાસ્તો કરી લો. ઠંડા પડી જશે તો મજા નહિ આવે."

મારું બચપણ મોસાળમાં વીત્યું છે. મને એકવાર નૂરચાચીએ ખજૂરનો હલવો ચખાડ્યો. મને બહુ ભાવ્યો. નૂરચાચી ડબો ભરીને ખજૂરનો હલવો મામાને ત્યાં લાવે અને કહે, "મંગળાભાભી, આગલા દિવસથી રસોડું ધોઈને  ચોખ્ખું કર્યું છે. પછી આ ખજૂરનો હલવો બનાવ્યો છે. ભાણાભાઈને બહુ ભાવે છે. લો, આપજો  ભાણાભાઈને." મને ખબર છે કે આખા ગામમાં મારી ઓળખ ભાણાભાઈ તરીકેની છે. મારા નામની ઓળખ આપું તો કોઈને કદાચ ખબર પણ ના હોય કે આ કઈ વ્યક્તિ!

મામી કહેતાં કે મોસાળમાં મારી મા સૌથી મોટા. એમના લગ્ન થયાં અને મુંબઈ સાસરું હોવાથી, એ જમાનામાં ગામમાંથી મુંબઈ જવાવાળું જવલ્લે જ હોય અને લોકો ત્યાંની વાતો ચગાવી-ચગાવીને કરતાં, માને મુંબઈ વળાવવાની ઘડી આવી. કાસમચાચાએ ગફૂરને જે શણગાર્યો છે,  જે શણગાર્યો છે સૌ દંગ રહી ગયાં. મા ઘોડાગાડીમાં બેઠાં, પણ ગફૂર પગ ઊપાડવાનું નામ જ ના લે.

કાસમચાચાએ ઘણાં ડચકારાં માર્યા. સાંભળે એ બીજા. ગાડીનો સમય થઈ જશે, એ બીકે પહેલ-વહેલીવાર કાસમચાચા ગફૂર પર ગરમ થયા. ચાબૂક હાથમાં હતી  તે ગફૂર પર વીંઝાઈ. ગફૂરે પગ ઊપાડ્યા પણ ઉમંગ ન મળે. કહે છે કે મા સ્ટેશને જવા ઘોડાગાડીમાંથી ઊતર્યાં ત્યારે ગફૂરની આંખમાં આંસુ હતા! કાસમચાચાથી આ અજાણ્યું ના રહ્યું. ઘરે આવ્યા અને એ ચાબૂક પોતાના શરીર પર બેફામ ઝીંકી. નૂરચાચી કહે, "આ શું કરો છો?"

ચાચા આંખમાં આંસુ સાથે કહે, "બીબીજાન, મારા બેટાને આજે મેં ચાબૂક ફટકારી. એના વાંક વગર. હા, આ ચાબૂક, આ ચાબૂક. ના જોઈએ એ ચાબૂક. ગફૂર, ગફૂર મુઝે માફ કરના. મુઝે માફ કરના." બહાર ઝાડની પાસે બાંધેલ ગફૂરની  આંખમાં પણ આંસુ હતા.

ચાચાએ એ ચાબૂક મૂકી દીધી. ચાચા અને ચાચીએ એ દિવસે ખાધું નહિ. પછી બીજી ચાબૂક નામ પૂરતી બનાવી. એની દાંડીથી ઘોડાગાડીના આગળા ભાગે કે પૈડાને લગાડી જાત-ભાતના અવાજ પૂરતો ઉપયોગ કર્યો. આવો હતો કાસમચાચાનો ગફૂર પ્રત્યેનો પ્યાર.

મામા ગુજરી ગયા ત્યારે હું વિદેશમાં અભ્યસાર્થે હતો. તેથી ગામ જઈ ના શક્યો. મામાએ મામી તથા એમના પુત્ર, પરેશને કહેલું, "જુઓ, હવે સમય પલટાઈ ગયો છે. ઘોડાગાડીની જગાએ રીક્ષાઓ આવી ગઈ છે. કાસમચાચાનું ઘર ચાલે એમ નથી. બીજી-ત્રીજી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. એ મારો ભાઈબંધ નહિ પણ ભાઈ સમાન છે. ગફૂર એમનો ઘોડો નહિ પણ પુત્ર સમાન છે.

બીજાઓએ પોતાના ઘોડા વેચી દીધા છે. પરેશ તું અને તારી બા એમનું અને ગફૂરનું સાચવજો. મારી બીમારીનો કોઈ ભરોસો નથી.

આ શીખ આપી મામાની આંખ થોડા દિવસમાં મીંચાઈ ગઈ. મંગળામામી અને પરેશ ચાચાને ત્યાં અવારનવાર જતાં. ઘરે જે કંઈ બનાવ્યું હોય તે ટિફિનમાં મૂકે ને સરસ મઝાની ચણાની થેલી આપી આવે. થોડા મહિનામાં મામી પણ દેવલોક પામ્યાં. મારી નોકરીને લીધે મારે ઘણું ખરું પરદેશ ભ્રમણ રહેતું. તેથી એવો કોઈ અવસર આવતો નહિ કે હું ગામ જઈ શકું. ગફૂરના સ્વપ્ને મને મારા ભૂતકાળમાં સેરવી દીધો. હવે વગર વિલંબે હું ગામ પ્રતિ નીકળ્યો.

મામાને ત્યાં આવ્યો. પરેશ મળ્યો. તે ઘણો રાજી થયો. તેના પણ લગ્ન થઈ ગયા હતા. પરેશ અને તેની પત્ની, પ્યૂમા તથા બે સંતાનો છે. મેં કહ્યું, "ચાલ પરેશ, આપણે કાસમચાચાને ત્યાં જઈ આવ્યે. ચાચા, ચાચી અને ગફૂર કેમ છે?"

પરેશ કહે, "મોટાભાઈ, (હું એનાથી ઉંમરમાં મોટો છું) ચાચા-ચાચીની તબિયત નરમ-ગરમ રહે છે. બે દિવસ પહેલા ગફૂરનું અવસાન થયું. ચાચાને ઘણો આઘાત લાગ્યો છે. એક જ લવારી કરે છે. શહેરોની ઈમારતોનો પવન ગામને લાગી ગયો છે. રીક્ષાઓ આવી ગઈ છે. ઈમારતો મોટી- મોટી થાય છે પણ મન નાના-નાના થતા જાય છે. ગફૂર જેવાની કાળજી હવે કોણ કરે?

હું અને પરેશ ચાચાના ઘર ભણી ઊપડ્યા. ઘરની અવસ્થા પહેલા કરતાં એ વધારે ભાંગેલ- તૂટેલી  લાગી. ચાચાએ પગલાં સાંભળ્યા અને બોલ્યા, "કૌણ હૈ?"

પરેશ બોલ્યો, "ચાચા, હું અને મોટાભાઈ છીએ."

ચાચા લગભગ દોડતાં-દોડતાં બારણે આવ્યા. કહે, "ઓહ! ભાણાભાઈ, આવો-આવો. ક્યારે આવ્યા?" હું તથા પરેશ ચાચાને પગે લાગ્યા.

મેં કહ્યું, "ચાચા, મને માનપૂર્વક બોલાવો એના કરતાં પહેલાની જેમ ‘તુ’ કારે ભાણાભાઈ કહેશો તો મને ગમશે. મને પરાયું નહિ લાગે.

ચાચા બોલ્યા, "યા ખુદા, આવું કહેવાવાળુ કોણ રહ્યું છે, ભાણાભાઈ?"

મેં કહ્યું, "ચાચા, ગફૂર ગયો એનું મને બહુ દુઃખ થયું છે."

ચાચા કહે, “ચાલ, ભાણાભાઈ અને પરેશ, અહીં મેં ગફૂરની કબર બનાવી છે. તમને ત્યાં લઈ જઉં. મરતી વખતે એનું મોં તમારા ઘર બાજુ હતું.”

મેં કહ્યું, "ચાચા, બે દિવસથી ગફૂર મને સ્વપ્નામાં આવતો હતો. મને બોલાવતો હતો."

ચાચા બોલ્યા, "ભાણાભાઈ, સમય બદલાઈ ગયો છે. સબ ખતમ હો ગયા. રીક્ષાઓ આવી ગઈ, મોટી-મોટી ઈમારતો થઈ ગઈ. બધાએ ઘોડા વેચી દીધા. ઘોડાગાડીનો ધંધો મરી પરવાર્યો.  મારા ગફૂરે મને જિંદગી પાળ્યો અને હવે  હું તેને વેચું? ના મુમકિન, ના મુમકિન. મારાથી બન્યું એ બધુ મેં કર્યું. પરેશ ઔર ભાભીજાનને સબને સાથ ઔર સહારા દે રખા. અબ તો વોહ ખ્વાઈશ હૈ કે મેરી કબર ભી ગફૂરકે બગલમેં હો. એ મારો કમાઉ બેટો હતો. બીબીજાન, ઓ બીબીજાન, દેખ, કૌણ આયા હૈ?"

નૂરચાચી બીજા ઓરડામાંથી બહાર આવ્યાં.અમે નૂરચાચીને પાયલાગન કર્યુ. મને જોઈને ચાચી ખુશ થયાં.

ચાચી બોલ્યાં, "ભાણાભાઈ પહેલેથી અણસાર આપ્યો હોત તો ખજૂરનો હલવો બનાવતી."  અને એમને ડૂમો ભરાઈ ગયો. મેં દુઃખદ ભાવે જોયું જેને અત્યારના ટંકનું ખાવાનું મળશે કે નહિ તેની ઉપાધિ છે ત્યાં રાજાશાહી ખજૂરનો હલવો ક્યાંથી બનાવે? તેમના દરિયાવ દિલ સામે મસ્તક ઝૂકી જાય છે.

ખેર, અમારા સૌની મનોભાવના આંખો કળી ગઈ હોય તેમ સૌની આંખોમાં આંસુ ટપક્યાં. મેં ગળુ ખંખેર્યુ અને ચાચા-ચાચીને કહ્યું, "ચાચા, મારે ધૂપ અને અગરબત્તી ગફૂર માટે કરવી છે. ત્યાં લઈ જશો?"

ચાચા અમને સૌને ગફૂરની કબર પાસે દોરી ગયા.

મને લાગ્યું કે ગફૂર હમણા ઊભો થઈ થનગની રહ્યો છે અને કહે છે, "ભાણાભાઈ, સવારી કર. તારી કેટલી રાહ જોઈ?"


Rate this content
Log in