અભિશાપ
અભિશાપ
આટલી રાત ગયે કૂવામાં આ શાનો ધબાકો થયો? અનુકૂળે કૂવા તરફનું ઘરનુ બારણું ખોલ્યું. રિસ્ટ વૉચમાં સમય જોયો. રાતના બે વાગ્યા હતા. બહારની મોટી બત્તીની સ્વીચ ઓન કરી. પ્રકાશમાં કૂવા પાસે કોઈ સ્ત્રીનો આકાર જણાયો. તે બોલ્યો, 'કોણ છે?' કોઈ કરતા કોઈ ઉત્તર ના મળ્યો. તે કૂવા તરફ વળ્યો. એક ૨૦-૨૨ વર્ષની યુવતી હતી. રંગે હાથ પકડાઈ જવાથી, તે હાંફવા લાગી.
અનુકૂળ તેની પાસે ગયો. અને બોલ્યો, 'તમે કોણ છો? અને અત્યારના આ સમયે અહીં કેમ આવ્યા છો?' તે સ્ત્રી બોલી, 'તરસ સખત લાગી હતી તેથી આ બાલદી કૂવામાં નાખી તો રસ્સી તૂટી જતા, બાલદી કૂવામાં પડી ગઈ.'
અનુકૂળ, 'એમ હતું તો બારણે નૉક કરવું હતું.'
તે સ્ત્રી બોલી, 'અહીં કૂવો જોયો અને પાસે રસ્સી અને બાલદી હતા તેથી થયું કે પાણી પીને જતી રહીશ તેમજ આ મધરાતે કોઈ અજાણ્યાને કેવી રીતે જગાડું?'
અનુકૂળ, 'જો તમને વાંધો ના હોય તો ચાલો ઘરમાં. પાણીની સગવડ થઈ રહેશે.' તે સ્ત્રીએ પીઠ ફેરવી, અનુકૂળને લાગ્યું કે તે ઘર ભણી આવવા તૈયાર છે. અનુકૂળે નોંધ્યું કે તે સ્ત્રી હજી હાંફી રહી છે.
ડાઈનિંગ હૉલમાં ટેબલ-ખુરશી હતા. અનુકૂળે તે સ્ત્રીને ખુરશી પર બેસવા જણાવ્યુ. પોતે રસોડામાં ફ્રીજ હતુ. તેમાંથી પાણીની બૉટલ કાઢી તથા બે પ્યાલા સાથે ત્યાં આવ્યો. એક ખુરશી પર બેસતા-બેસતા, પાણીનો પ્યાલો ધરતા, અનુકૂળ બોલ્યો, 'જરાય ગભરાટ વગર શાંતિથી બેસો. આટલી રાત ગયે આ તરફ આવવાનુ શું પ્રયોજન? ભૂલાં તો નથી પડ્યા ને?'
તે બોલી, 'મારું નામ નિર્ઝરી છે. સર, તમે અનુકૂળ સાહેબ છો ને? કેટીએમ કૉલિજમાં પ્રોફેસર છો.'
અનુકૂળ, 'હા, બરાબર છે, પરન્તુ તમે મને કેવી રીતે જાણો છો?' અનુકૂળે નોંધ્યું કે આ સ્ત્રી સ્વરૂપવાન છે, આટલી રાત ગયે આ બાજુ આવવાનુ કેમ થયું હશે? તથા મારા વિષે જાણકારી પણ છે. કંઈક ગરબડ જેવું લાગે છે. સાવચેત રહેવું સારું. દયા ખાઈને ઘરમાં બોલાવી, કોઈ ઉપાધિમાં ફસાઈ જવાય નહિ.
ઠંડુ પાણી પીને, નિર્ઝરીને હાશકારો થયો. તે બોલી, 'સર, હું તે જ કૉલિજમાં ત્રીજા વર્ષમાં છું. તમારી રીતભાતથી મને સાંત્વના જેવું લાગે છે. હું એક દુઃખિયણ અબલા છું. મારી સાથે ગંદી રમત રમાઈ છે.' અને તેની આંખમાં અશ્રુ વહેવા લાગ્યાં.
અનુકૂળ, 'જો તમને વાંધો ના હોય તો તમારી વિપદા જાણી શકું છું?'
તે થોડી સ્વસ્થ થઈ અને બોલી,' સર, મને તમારુ ઘર અહીં છે તેની ખબર ન હતી. હું અહીં અકસ્માતવસાત આવી ગઈ. મને તમારા પર પૂર્ણ ભરોસો લાગે છે તેથી હવે મારી કહાની કહેવામાં આપદા જેવું નથી લાગતું. એક રીતે, આવા સમયે તમને ઘણી તકલીફ આપવા બદલ આપની ક્ષમા ચાહુ છું.'
અનુકૂળ, 'જો મારાથી તમને કોઈ રીતે મદદરૂપ થવાય એમ હશે તો મને આનંદ થશે.'
નિર્ઝરી,'સર, સાચું કહું તો હું કૂવામાં પડવા આવી હતી.' આ સાંભળીને અનુકૂળને થોડી કંપન આવી ગઈ. તેને લાગ્યું કે વાત હદ બહારની લાગે છે. છતાં તેને પોતાના હાવભાવ છુપાવી, સ્વસ્થ થઈ વાત જાણવાની કોશિશ કરી.
નિર્ઝરી, 'સર, આપણે રાજકીય આઝાદી મેળવી અને થોડા વર્ષ થયા પરન્તુ, ખરેખર સામાજિક બંધનમાંથી, એ જંજીરથી મુક્ત છીએ? એમાં ય એક સ્ત્રીને કેટલી સ્વતંત્રતા છે? સમાજ એને મુક્ત માને છે? મારી અને અનુરાગ વચ્ચે પ્રીત થઈ. બન્ને એક જ ક્લાસમાં છીએ. અમારો પ્રેમ દિવસે-દિવસે પાંગરતો ગયો. તે એટલે સુધી કે અમને લાગ્યું કે અમે એક બીજા વગર રહી નહિ શકીએ. ચઢતી જવાની અને ભાવિના સોનેરી સોનલામાં રાચતાં-રાચતાં અમે દિલની સાથે તન દઈ ચૂક્યાં. અહીં મારી ભૂલ હતી, તે એ વખતે ન સમજાયું. એના પ્રેમનું અંકુર મારી કૂખમાં પાંગરી રહ્યું હતું, અને ત્રણ મહિના જતા હતા. તે વાત મેં અનુરાગને કહી. મેં કહ્યું, 'અનુરાગ, આપણે ત્વરિત લગ્ન કરી દઈએ. હવે લંબાવાશે નહીં. અનુરાગ મને હા-હા કરીને સમય કાઢતો હતો એ મેં નોંધ્યું.
પછી મને ખબર પડી કે એના પિતાના ધંધાના પાર્ટનરની છોકરી સાથે એના લગ્ન નક્કી થયા છે. એ પોતાના પિતાની મરજી વિરુધ્ધ જવા માંગતો ન હતો. જો ના પાડે તો એને ઘરમાંથી તગેડી મૂકે. એ નામર્દને મારી ચિંતા ન હતી. હું ભાંગી પડી. ઘરે પણ મેં આ વાત કરી ન હતી. પરન્તુ એક દિવસ મને ઉબકા આવવા લાગ્યા તથા ઊલટી થવા લાગી. મારી માની અનુભવી આંખો પારખી ગઈ. મને કહે, 'બોલ, કયા કુંડાલામાં પગ પડ્યો છે?' અને રાતે મારી માએ મારા પિતાને આ વાત કરી. તેઓનો પારો સાતમા આસમાને પહોંચ્યો. મા પણ ઘણી ક્રોધિત હતી. હું રાતે સૂતી હતી ત્યાં મારા પિતાએ મને ટાંટિયો ખેંચી ઊભી કરી. એ તાડૂક્યા,'
છિનાળ, 'તે તો અમારું નાક કાપ્યું. તું અમારી દુશ્મન બની. તને જન્મતાભેર ઝેર આપી દીધું હોત તો અમને આ કાળી ટીલી ન લાગત. હવે, તારું મોં કાળુ કર. મારા ઘરમાં તું ન જોઈએ. જા નીકળ. તારા માટે આ ઘરના બારણા કાયમ બંધ છે. જા, જ્યાં જવું હોય ત્યાં, કૂવો-હવાડો કર પણ આ ઘરમાંથી આજ ક્ષણે નીકળ.’ મને પહેરેલે લૂગડે ધક્કો મારીને બહાર કાઢી મૂકી. હું રડતાં-રડતાં માને અને પિતાને ઘણુ-ઘણુ કરગરી. પણ મારી એક વાત સાંભળવામાં ના આવી. મને રાતોરાત ઘરની બહાર ધકેલી અને ઘરનું બારણુ બંધ કરી દીધું. અડધી રાતે હું ક્યાં જાઉં? રડતી, કકળતી હું ત્યાંથી રસ્તો કાપતી-કાપતી આમતેમ ભટકતી રહી. શું કરવું એની સુઝ ન પડી. કોણે આશરે જાઉં? જ્યાં મા-બાપે જ જાકારો આપ્યો છે ત્યાં બીજા કોણ મદદે આવે.
પગ દુઃખતા હતા. આગળ ચાલવાનું નામ ન હતા લેતા. હવે ભૂખ પણ લાગી. બે જીવને ખાવાનું પણ જોઈએને? કાળી રાત્રીએ સૌના ઘરના બારણા બંધ હતા. ત્યાં આશાના કિરણ સમાન એક ઘર આગળ દરવાજો અધખૂલો હતો. અંદરથી દીપકની આછી-આછી રોશની આવતી હતી. હું એ તરફ વળી. ધીરેથી આગળિયો ખટ-ખટાવ્યો. એક આઘેડ વયનો પુરુષ દરવાજે ડોકાયો. મેં હિંમત કરીને પૂછ્યું, 'ભાઈ, ભૂખ ઘણી લાગી છે ને રાત વીતતી જાય છે. કંઈક રાત વાસો મળી શકશે?' એને મારી સામે જોયું. એ ખંધાઈથી હસ્યો અને કહે, 'ઓહો, આવો, આવો. તમારું જ ઘર માનજો.' એમ કહીને મારો હાથ ખેંચવા લાગ્યો. હું એની દાનત સમજી ગઈ. એનો હાથ છોડાવી બીતા-બીતા લગભગ દોડવા લાગી. ક્યાં જાઉં છે, કઈ બાજુ જઉં છું, એવું કશાનું ભાન ના રહ્યું. આ દોડધામમાં મારા પગ મારા કહ્યામાં ન હતા રહેતા. આખરે રસ્તાની એક બાજુએ થાકથી લોથપોથ થતી સૂઈ ગઈ. મને વિચારો આવ્યા કે હવે શું?
સવાર પડશે ને મારી કઠીણાઈમાં ઓર વધારો થશે. સમાજ પણ કેવો છે? બધો અપરાધ સ્ત્રી પર. જે ગુનેગાર છે તે રાજાની જેમ મહાલે છે. પિતાએ કહ્યું હતું તે શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા. કૂવો-હવાડો કર.
હું બેઠી થઈ. મારી સામે ઝાંખો પ્રકાશ દેખાયો. તે તરફ આગળ વધી. મેં જોયું કે ત્યાં કૂવો છે. તેથી એ તરફ પગ માંડ્યાં. ભૂખ અને તરસથી મારું અંગ તૂટતું હતું. હું થોડીવારમાં અહીં આવી પહોંચી. કૂવા પાસે બાલદી અને દોરડું હતાં. મને થયું પાણી પી લઉ. તે પછી પ્રભુ સ્મરણ કરીને કૂવામાં ઝંપ લાવીશ. આ સિવાય મને બીજો માર્ગ ન હતો દેખાતો. સીતામાતાને ધરતીએ સમાવ્યા તો હું નિર્ઝરી, ખળ-ખળ વહેતું પાણી, મને આ પાણી જરૂર સમાવી લેશે. રસ્સી સાથે બાલદી કૂવામાં નાંખી પરતુ રસ્સી તૂટી જતાં બાલદી કૂવામાં પડતાં ધબાકો થયો. પછી શું બન્યું તે તમે જાણો છો.' તે શ્વાસ ખાવા થોભી.
અનુકૂળ, 'નિર્ઝરી, તમે મારામાં વિશ્વાસ મૂક્યો છે. હું તમારી સાથે છળકપટ નહિ કરું. એક વાત જાણી લો કે પ્રભુએ જીવ આપ્યો છે અને એ જીવને લેવાનો અધિકાર એની પાસે છે. તમારી તો બેવડી જવાબદારી છે. બીજા જીવને સંસારમાં પગરણ માંડતા પહેલા એને રહેંસી કાઢવાનો કોઈને હક્ક નથી. આપણા સમાજમાં હજી આ બદલાવ નથી આવ્યો. સ્વતંત્રતા બાદ સમાજની મનોદશામાં પરિવર્તન નથી આવ્યું. સમાજની નાસમજને લીધે એ જીવને પાપ માનવા જેવો સામાજિક ગુનો કોઈ નથી. એ જીવ બિલકુલ નિર્દોષ છે, છતાં ગુનેગાર માની એનો જીવ લેવો, એ અન્યાય નહિ તો શું છે? એ એક અત્યાચાર નહિ તો શું?'
અનુકૂળની વાણીમાં જે ગંભીરતા અને મક્કમતા હતી, તે સાંભળીને નિર્ઝરી મુગ્ધ થઈ ગઈ. તેને ભાન થયું કે પોતે ખોટું કરી રહી છે.
તે બોલી, 'તો સર, આ માટે બીજો રસ્તો શું છે? સવાર પડશે ને લોકો મને પીંખી નાખશે. હું તો પંખ વિહોણું ગભરું પારેવડું છું. મારી પાસે સમાજ સામે બાથ ભીડવાની શક્તિ કે તાકાત નથી. તમારી વિચારધારા હજી સમાજને માન્ય નથી. તેથી તો મારા જેવી કેટલીએ અબલાઓ આવા નરાધમોના કારસ્તાનથી જીવ છાંડી દે છે.'
અનુકૂળ, 'મેં હજી સુધી કોઈની પાસે મારી જિંદગીના પાના ખોલ્યા નથી. તમારી આ દશામાં હું એ પાના ખોલું છું. હું મારી વાત માંડુ એ પહેલા તમે કંઈક ખાઈ લો. તમે ભૂખ્યા છો.' કિચનમાં જઈને અનુકૂળ થાલી પીરસીને લાવ્યો. નિર્ઝરી ક્ષોભ અનુભવતા બોલી,
'સર, ઘરમાં અન્ય કોઈ નથી?'
અનુકૂળ, 'ના, હું તો એકલરામ છું.' અને તેનાથી સ્મિત થઈ ગયું. કિન્તુ મારા પર વિશ્વાસ રાખજો. હું તમારી લાચારીનો ગેરલાભ નહિ લઉં. તમે તમારી જાતને બિલકુલ સુરક્ષિત માનજો.'
જમવાનુ પતી ગયું. અનુકૂળે જાણે પોતાની જીવન ગાથાનો ચોપડો ઉઘાડ્યો. તે બોલ્યો,' મારા મા-બાપ કોણ છે તે હું નથી જાણતો.
જ્યારથી સમજ આવી ત્યારથી મારી અને અન્ય બાળકોની પરવરિશ અનાથાશ્રમમાં થઈ છે. દીવાલ પરના ફોટા સામે નિર્દેશ કરતા આગળ વદ્યો. આ સુપરે મને અનાથાશ્રમમાં મોટો કર્યો છે. એ મારા મા અને બાપ સમાન છે. એમનુ નામ છે, પરમાનંદકાકા. હવે આ દુનિયામાં નથી. એમને મને તથા બીજાને માની મમતા અને પિતાની છાયા આપી છે. મારો અભ્યાસ, કેળવણી, સંસ્કાર વગેરેનું સિંચન એમના હેત, મમતા અને પ્યાર થકી છે. એમને મને જણાવ્યું હતું કે એક રાતે આશ્રમના ઓટલે કપડામાં લપેટીને મને કોઈ મૂકી ગયું હતું. ત્યારે મારી ઉંમર તરતના જન્મેલ બાળક જેટલી હશે.' પરમાનંદકાકાની છબી સામે જોઈ, પ્રણામ કર્યા સાથોસાથ અનુકૂળની આંખો ભરાઈ આવી. નિર્ઝરી પણ થોડીવાર પોતાનુ દુઃખ ભૂલી ગઈ અને અનુકૂળની જિંદગીના ભાવાવેશમાં તણાઈ. તેની આંખો પણ ભરાઈ આવી.
અમે ગામમાં માધુકરી કરવા જતા. સફેદ અડધી બાંયનું શર્ટ અને અડધી ખાકી ચદ્દી, આ અમારો ગણવેશ. હું ફ્લૂટ વગાડતો તથા બીજા સાથીઓ ડ્રમ વગાડતા. ત્રણ-ચારની પાસે માધુકરી અર્થે ઝોલી હતી. તેઓ ઘરે-ઘરે ફરીને અનાજ, લોઠ વગેરે ભેગું કરતા. તે સમયના પ્રખ્યાત સીને ગીતો જેવા કે 'દે દી હમે આઝાદી બીના ખડગ, બીના ઢાલ...' વગાડતા. અમને અભ્યાસ પણ કરાવવામાં આવતો. સંગીતની સાથે હુન્નરની તાલીમ આપવામાં આવતી. સવારે વહેલા ઊઠવાનું અને કસરત પણ કરવાની રહેતી. ટૂંકમાં સ્વાશ્રયના પાઠ શીખવવામાં આવતા. પરમાનંદકાકાનો પ્યાર અમારા સૌ પર ઘણો. મને એમના પ્રત્યે વિશેષ લાગણી. એમનુ કહેલ કામ તુરત જ કરવા તત્પર. બીજાને મદદ કરવા હમેશ તૈયાર. તેથી મારું નામ એમને અનુકૂળ રાખ્યું. તેઓ કહેતા, 'તું બીજાને મદદ કરવા તૈયાર હોય છે. બધાને અનુકૂળ થઈ પડે છે તો હવેથી તું અનુકૂળના નામે ઓળખાઈશ.’
મને એક વાતથી ઘણી ગમગીની થતી. વાર તહેવારે કે કોઈના જન્મ દિવસે આશ્રમમાં મા-બાપ પોતાના પુત્ર-પુત્રી સાથે આવતા અને અમને તેઓના હસ્તક કંઈને કંઈ ભેટ આપતા. તે વખતે મનમાં થઈ આવતું કે મારા પણ મા-બાપ હોત તો આજે હું એમની આંગળીએ વળગતોને? એવા પ્રસંગે મન ભરાઈ આવતું. રાતે સૂતી વખતે રડી પડતો. કોઈ-કોઈવાર ઈશ્વરને પૂછતો કે મેં શું ગુનો કર્યો છે કે મને મા-બાપ નથી. પરમાનંદકાકાની પ્રેરણાથી આગળ અભ્યાસ કર્યો. તેઓ કહેતા, 'અનુકૂળ, તું અભ્યાસમાં તેજ છે. જા મારા આશિર્વાદ છે કે સારુ-સારુ ભણજે.' મેં એમ. એ. કર્યું. યુનિવર્સિટીમાં અવ્વલ નંબરે પાસ થયો. પરન્તુ જેની પ્રેરણા હતી તે પરમાનંદકાકા એ પહેલા આ દુનિયા છોડી જતા રહ્યા. મારા જીવનની એ આનંદની પળ એમને સમર્પિત ના કરી શક્યો. એનો વસવસો કાયમ માટે રહી જશે. મને કેટીએમ કૉલિજમાં નોકરી મળી. આમેય સમાજથી અલિપ્ત જિંદગી ગુજારી હતી તેથી અહીં સગવડ થયે, લોકોથી દૂર લગભગ એકાંતમાં આ ઘર લીધું. બચપણમાં ફૂલ-ઝાડની માવજત શીખેલ, તે અહીં કામ લાગ્યું. આ છે મારી કહાની.'
કેટલોક સમય એમ ને એમ પસાર થયો. બન્ને ભાવાવેશમાં તણાઈ ગયા હતાં. નિર્ઝરીના મનમાં ગડમથલ શરૂ થઈ. અનુકૂળના શબ્દેશબ્દ એના કાનમાં ગુંજતા થયા. 'બીજા જીવને સંસારમાં પગરણ માંડતા પહેલા એને રહેંસી કાઢવાનો કોઈને હક્ક નથી.' મા- બાપ વિનાના અને તરછોડાયેલ અનુકૂળની નિખાલસતા માટે એને અંતરથી માન ઊપજ્યું. એના સુસંસ્કાર પરત્વે વિશેષ માન થયું.
એને વિચાર આવ્યો કે અનુકૂળ મને અપનાવે તો? શું એ શક્ય છે? બીજાનું પાપ એના માથે કેમ લે? મને આવો વિચાર આવ્યો તે પણ એને અન્યાય કરવા જેવો છે. શું કરું? વર્તમાન અનિશ્ચિત છે. ભાવિ અંધકારમય છે. શું કરું?' તે કોઈ નિર્ણય ના લઈ શકી.
અનુકૂળ પણ થોડીવાર પછી સ્વસ્થ થયો. તે બોલ્યો,' નિર્ઝરી, આગળ શું નક્કી કર્યું? અહીં તમે ખુશીથી રહી શકો છો. પરન્તુ સમાજને આંગળી ચીંધવાનું બહાનુ મળશે. એક પુરુષ અને એક સ્ત્રી કોઈ પણ સંબંધ વગર રહે તે સમાજને માન્ય નથી. ભાવિ અંધકારમય છે. વર્તમાન અનિશ્ચિત છે, તો એમાથી કોઈ યોગ્ય લાગે એવો માર્ગ જણાય તે બતાવો.'
નિર્ઝરી, 'તમે... તમે શું....'
અનુકૂળ,' શું? આગળ કહો.'
નિર્ઝરી, 'કહેતા જીભ નથી ઊપડતી પણ પરિસ્થિતિ એવી આવી પડેલ છે કે જો... જો... તમે.. મને... અ...પ..ના..વો.' અને એ એટલું બોલતામાં ખુરશી પર ફસડાઈ પડી.
અનુકૂળને લાગ્યું, એક રીતે આ પરિસ્થિતિમાં આજ માર્ગ છે. તે બોલ્યો,' નિર્ઝરી, બધા પાસા જોતા તમે સૂચન આપ્યું તે બરાબર લાગે છે. કિન્તુ મારી એક શરત છે. એ સ્વીકારશો?'
અનુકૂળ, 'આપણા લગ્ન એક સામાજિક વિધિ માત્ર રહેશે. ગૃહસ્થી અર્થાત દાંપત્ય જીવનની અપેક્ષા નહિ રખાય. એનુ કારણ એ છે કે આવનાર બાળકને અન્યાય થવો ના જોઈએ. આપણા લગ્ન જીવનથી બીજા સંતાનના તમે માતા તો એક હોઈ શકશો પરન્તુ મારાથી આ પહેલા સંતાનને મારું લોહી ન હોવાને કારણે જો એની ઉપેક્ષા થાય, તે એને ઘોર અન્યાય સમાન ગણાય. આ લગ્ન માત્ર સમાજને બતાવવા પૂરતું રહેશે. સાથે રહીને બ્રહ્મચર્ય પાળવું એ માટે તમે તૈયાર છો? અત્યારે તમારા ઉદરમાં પળતા બાલકના ભાવિનો વિચાર કરવાનો છે. એને એમ ન લાગવું જોઈએ કે એના મા-બાપ નથી.'
નિર્ઝરી, 'મને કબૂલ છે. તમે સામાન્ય માનવી નથી. આટલો મોટો ત્યાગ! તે પણ સર્વ હકીકતથી વાકેફ હોવા છતાં! ધન્ય છો, ધન્ય છો.' એટલુ બોલીને તે ખુરશી પરથી ઊભી થઈ અને અનુકૂળને પગમાં પડી.
અનુકૂળ, ' આવતીકાલે મંદિરમાં જઈશું. પૂજારીને લગ્ન વિધિ કરવા કહીશું. તે પહેલા તમારા માટે થોડા કપડાની ખરીદી કરીશું. અત્યારે તમે ઘણા થાકી ગયા છો અને ઊંઘ અને આરામની જરૂર છે. તમે મારા બે'ડ રૂમમાં સૂઈ જજો. હું અહીં લિવિંગ રૂમમાં સૂઈ જઈશ '
નિર્ઝરી, 'એક વિનંતી, મને તમે-તમે સંબોધવાનું ના રાખો. મને 'તુ ' કારથી આત્મીયતા લાગશે.'
અનુકૂળ, 'સારુ, નિર્ઝરી, હવે આરામ ફરમાવશે? તને બે'ડરૂમ સુધી દોરી જઉં?' નિર્ઝરીના ચેહરાપર શરમની લાલી છવાઈ ગઈ, જાણે અત્યારે જ એક નવોઢાના પાત્રમાં ન હોય!
સમયને જતાં વાર નથી લાગતી. અનુકૂળ અને નિર્ઝરીનું બાળક ચાર વર્ષનુ થયું. એનુ નામ અનુભવ રાખ્યું હતું. નિર્ઝરીએ જ આ નામ માટે ભાર મૂક્યો હતો. તેની એ માન્યતા હતી કે આ સંસારમાં આવો ત્યાગ અને બલિદાનનો અનુભવ એકમેવ અને વિરલ જ છે. અનુકૂળની પ્રેરણાથી નિર્ઝરી આ સમય દરમ્યાન ગ્રેજયુએટ પણ થઈ ગઈ. અનુભવ અને અનુકૂળ એક બીજાના પૂરક બની રહ્યા. કોઈ કરતા કોઈને સંદેહ ન આવે કે અનુકૂળ, અનુભવનો પાલક પિતા છે.
વર્ષાની એક કાળી ઘનઘોર મધ્ય રાત્રી હતી. પવન સંગે આકાશમાં વાદળા ઘસડાતા હતા અને ગરજતા હતા. વચ્ચે વીજળી ઝબૂકતી હતી. એક બે'ડમાં અનુકૂળ સૂતો હતો. થોડે દૂર બીજા બે'ડમાં અનુભવ પોતાની માને વળગીને સૂતો હતો. ગડગડાટી સાથે વીજળી ઝબૂકી. નિર્ઝરીની આંખો ખૂલી ગઈ. બારીનો પડદો પવનને લીધે થોડો સરકી ગયો. નિર્ઝરીએ બારી બહાર નજર કરી.
વરસાદ આવવો શરૂ થઈ ગયો હતો. વાતાવરણ માદક બનતું જતું હતું. તેને અનુભવને પોતાથી અળગો કર્યો. તે બારી પાસે આવી.
નજારો વધુને વધુ માદક બનતો જતો હતો. તેને વરન્ડાનુ બારણું ખોલ્યું. વરસાદની એક ઝાપટ સાથે તેના શરીરપરના કપડા ભીંજાયા. તેને આ ગમ્યું. ધીરે-ધીરે આખું શરીર વરસાદના પાણીથી ભીંજાયું. તેને આહ્લાદક લાગ્યું. આજે આ માદકતા તેના દિલોદિમાગમાં છાઈ ગઈ. યૌવનના નજાકત ઘાટીલા અને ઊભરતા સ્તન યુગ્મ ભીંજાયેલ વસ્ત્ર સાથે મસ્તીમાં ઊતર્યા. આટલા વર્ષોની તપશ્ચર્યાના બંધન તૂટવા લાગ્યાં. તેને થયું અનુકૂળને આલિંગન આપું. એનામાં સમાઈ જઉં. તે પાછળ વળી. એટલામાં વીજળી થઈ અને બે'ડ પર સૂતેલા અનુકૂળના ચહેરા પર પ્રકૃતિએ કામણગારો પુરુષ ડોકાતો જોયો. તે મર્યાદા ભૂલી ગઈ. લગભગ દોડતી અનુકૂળના બે'ડ પાસે પહોંચી. સૂતેલા અનુકૂળને એકદમ આલિંગન આપતી એના પર પડી અને બબડતી ગઈ. 'અનુકૂળ હવે નથી રહેવાતું. મને તારામાં સમાવી લે. અનુકૂળ, અનુકૂળ,' અનુકૂળ સફાલો જાગી ગયો. નિર્ઝરીને આ અવસ્થામાં જોતા, તે ઊભો થયો અને નિર્ઝરીને પોતાનાથી અળગી કરવા ખાસ્સુ એવું બળ વાપરવું પડ્યું. પરિણામે નિર્ઝરી હડસેલાઈને વરન્ડા પાસે આવી ગઈ.
અનુકૂળ, 'નિર્ઝરી, આ શું?'
નિર્ઝરી, 'અનુ, બસ મને મન ભરીને તારામાં લઈ લે.' એની વાણી ધીરે-ધીરે માદકતા થકી રોચક બનવા લાગી. તે અનુકૂળને સંબોધન કરવામાં તુકારે આવી ગઈ. તે બોલી, 'પ્યારા અનુ, મને તારી બાહુમાં જકડી લે. હોઠોથી પ્રેમરસનું અમૃત પાન કરીએ. કુદરત પણ આજ મદહોશ થતી જણાય છે. આ પળને માની લઈએ. તે મને ઘણી તડપાવી. હવે હું તારું કશું નહિ સાંભળું. આવ પ્યારા, આ ક્ષણ નકામી ન જાય.'
અનુકૂળ, 'નિર્ઝરી, શું બેહૂદી વાત કરે છે? આમ ક્ષણિક આવેશમાં આવી જવાથી તેનુ પરિણામ ઘણુ જ દુઃખકર બને છે. યાદ કર ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં ભગવાન કહે છેઃ
"विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेङमृतोपमम् વિષયો અને ઈંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्" લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે છે, તેને રાજસ કહ્યું છે. આવી નિર્બળતા કેમ આવી?'
નિર્ઝરી, 'અનુ, તારી એકેય વાત માનવાની નથી. એ બધી આધ્યામિક વાતને છોડ. આજે પ્રેમ રસને માની લઈએ. આમેય આપણે દંપતી છીએ. કંઈ અનૈતિક સંબંધ નથી કરતા. વિશ્વામિત્ર જેવા ઋષિ મેનકાથી તપોભંગ થયા હતા, ત્યાં આપણા જેવાં પામર માનવીની શી વિસાત. હજી એ નથી મન માનતુ? અનુ, તું ન તો પુરુષ છે કે ન તો સ્ત્રી છે. તું નપુંસક છે. તેથી આ માદકતા તને કેમ સમજાય?'
અનુકૂળ, 'નિર્ઝરી, તને ખોટુ ભૂત ભરાયું છે. આ અનુભવનો ખ્યાલ કર. એના ભાવિનો વિચાર કર. આવા ક્ષણિક આવેશમાં તે તારી શરૂઆતની જિંદગી જમીનદોસ્ત કરી હતી. એ જ ભૂલનુ પુનરાવર્તન કરવા બેઠી છે? આજે તારી મદહોશીમાં બકવાસ કરે છે અને ન કહેવાનું બોલીને મારામાં રહેલા પુરુષને જગાવવાની કોશિશ ના કર. હું પૂરેપૂરો હોંશમાં છું. જો, અનુભવ જાગી ગયો લાગે છે.'
અનુભવ,' પપ્પા, મમ્મી મને ધક્કા મારીને બહાર ફેંકે છે. પપ્પા, હું તમારો દીકરો ને? મને લઈ લો.'
અનુકૂળ, 'જો, નિર્ઝરી, અનુભવને કોઈ ખરાબ સ્વપ્નુ આવ્યું લાગે છે. આવ, બેટા.' એમ કહીને અનુકૂળે અનુભવને ઊંચક્યો તથા છાતી સરસો ચાંપ્યો. અનુભવે એના પપ્પાના ખભા પર પોતાનું માથુ ઢાળ્યું. અનુકૂળ તેની પીઠ પ્રસરાવતો રહ્યો. અનુભવ શાંતિથી આંખો મીંચીને અનુકૂળના ખભે સૂઈ ગયો.
હવે નિર્ઝરીની મદહોશી દૂર થઈ. પોતે શું બોલી ગઈ એનો પસ્તાવો થયો. તે બોલી, ' અનુકૂળ, મને માફ કરો. હું ફાવે તેમ ન બોલવાનું બોલી ગઈ. તમે મહાન પુરુષ છો. ઉત્તમ આત્મા ધરાવો છો. દેવવ્રતે માત્ર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનુ પાલન કરવા સંસાર ન હતો માંડ્યો. અને ભીષ્મ કહેવાયા. તમે તો સંસારમાં રહીને આ ભગીરથ સંયમ પાળ્યો છે. પળે-પળે કામ વાસનાના અગ્નિ પથ પર પ્રયાણ કર્યું છે. આ અગ્નિ પરીક્ષામાં પાર ઊતર્યા છો એટલું જ નહિ પરન્તુ મને પણ ઊગારી છે. જેને સમાજ પાપ ગણે છે, અને જેની સાથે તમારે કંઈ લેવા દેવા નથી, એ શિશુ માટે આટલુ મોટુ બલિદાન! આવી ઉત્કૃષ્ટ ભાવના અને તેને જીવનમાં સાંગોપાંગ ઊતારવી. ખરેખર, તમે ધન્ય છો. મારી જિંદગીમાં આવી મને કૃતાર્થ કરી છે. તમે મારા ઉધ્ધારક છો. હું, તમારી ભવોભવની ઋણી છું. અનુકૂળ, તમે કોઈ સામાન્ય માનવી નથી. કોઈ અભિશાપિત દેવતાએ આ પૃથ્વી પર જન્મ લીધો છે.' તે અનુકૂળ પાસે આવી.
તેના ચરણોમાં પડી અને અનુકૂળના ચરણો નિર્ઝરીના પસ્તાવાના અશ્રુથી ભીંજાઈ ગયા.
