Priyakant Bakshi

Others

4  

Priyakant Bakshi

Others

ઉજમ

ઉજમ

11 mins
14.6K


ઉજમે તેની સાસુને બીતાં બીતાં અને આજીજી કરતાં ધીમેથી કહ્યું, 'બા, બળેવને અઠવાડિયું રહ્યું છે, મારા ભાઈને રાખડી બાંધવા મારે ગામ જઉ? એ પછી બે દિવસમાં તો આવી જઈશ.'

ડાહીબા, 'અહિ બે છોકરાંઓ અને તનસુખનો વિચાર કર્યો? દર વખતે રાખડી ટપાલથી મોકલો છો, તો આ વખતે ટપાલમાં નહિ મોકલાય?'

ઉજમની આંખમાંથી માંડ માંડ રોકેલાં આંસુ સરી પડ્યાં. લગ્ન કરીને સાસરે આવ્યાંને પાંચ વર્ષ વીતી ગયાં પણ ક્યારેય પિયર ગઈ નથી. તેનુ મન આળું થઈ ગયું.

ડાહીબા, 'એમ વાત વાતમાં શું રડવાનું? ઘરના કેટલા કામ પડ્યા છે, તે કોણ કરશે? જાવ રસોડામાં.'

નમણી અને ગૌર વર્ણની ઉજમ દેખાવે સુંદર યુવતી હતી. ઉજમને સાસરે શું સુખ મળ્યું હતું? તેના લગ્ન તેનાથી બમણી ઉંમરના ઘરભંગ થયેલ બે સંતાનના પિતા સાથે પોતાની ૧૬ વર્ષની વયે પાંચ વર્ષ પહેલા થયા. ગરીબ ઘરની ઉજમને એ પણ અણસાર આવી ગયો હતો કે તનસુખે લગ્ન સમયે પોતાના પિતાને સામેથી રૂ. ૧૦,૦૦૦/- રોકડા ગણી આપ્યા હતા. બચપણમાં ગૌરી વ્રતમાં મનમાં માનેલ માણીગર અને આ વાસ્તવિકતા! તેને લગ્નની એ રાતની યાદ આવતાં હજી ધ્રુજી ઊઠે છે.

અરસિક, શ્યામ અને કૃશ કાયાના તનસુખના મોંમાં કાયમ પાનનો ડૂચો  હોય અને પીળા પડી ગયેલ દાંતને ખોતરવાથી કદરૂપ લાગતો હતો. બીડી પીવાની આદતથી ખાંસીનો કાયમી સાથ હતો. અને એક જાનવરની જેમ પોતાના દેહને ચૂંથી નાખ્યો હતો. હજીય પોતાની હવશ પૂરી કરવા મારી ઈચ્છા હોય કે ન હોય પણ જાનવરની જેમ તૂટી પડે છે. રાત પડે અને મને ફફડાટ શરૂ થઈ જાય. દિવસે સાસુમાના કામના હુકમો. જો કચાશ રહી ગઈ તો એમની ફરિયાદે  એ મને ધોઇ નાંખે તે નફામાં. હે પ્રભુ, મેં શું પાપ આચર્યાં હશે  કે આ જન્મારામાં બધુ સાટું વાળવા બેઠો છે? હવે તો આંસુ ય ખૂટી ગયા છે. કોણે કહે પોતાની પીડા. એ રસોડામાં ફસડાઈ પડી. એને સાંત્વના આપવા માટે કોઈ ન હતું.

ઉજમનું સાસરું રામપુર ગામમાં હતું.  ગામની એક છેડે તળાવ હતું. ગામની જીવાદોરી આ તળાવ હતું. ગામની સ્ત્રીઓ સવારથી તળાવે જતી. બધા કામ આટોપી ઘરે આવતી. ઉજમને તો આ સમયે જ ગામની બીજી સ્ત્રીઓ સાથે વાતચીત કરવાની તક મળતી. ડાહીબાની જાસુસી અહિ પણ રહેતી. ઉજમની રજેરજ વાત ચાંપલી સ્ત્રીઓ પાસેથી મેળવી લેતાં.

ઉજમનું જમા પાસુ એ હતું કે આટલા કષ્ટ હોવા છતાં તે કોઈની સમક્ષ ઘરની બદબોઈ કરતી નહિ. તે મન મનાવી લેતી કે મારા નસીબમાં આમ લખાયું હશે તો તે ભોગવવું રહ્યું. લાચાર માનવી આવી પરિસ્થિતિમાં પોતાના નસીબને દોષ આપે છે અને મન મનાવે છે. સમાજના આ કલંકથી ઘણી વહુઓને સાસરે બહુ પીડા હોવા છતાં સહન કર્યે જાય છે.

રામપુર ગામનો એક છેલ છબીલો જુવાન તળાવે આંટા ફેરા કરતો હોય. એનુ નામ ગમે તે હશે પણ તે છબીલા તરીકે જ ઓળખાતો. તળાવે આવેલ બહેનોને જરૂરત પ્રમાણે ગામથી દૂર આવેલ શહેરથી તેમની મંગાવેલ ચીજ વસ્તુ લાવી દેતો. તેમની સુખ દુઃખની વાતો સાંભળતો. મોસમ પ્રમાણે ચીજ વસ્તુની દલાલીમાં સારુ કમાઈ લેતો. શહેરની અવર જવરથી ત્યાંની ઓળખાણ પણ ઘણી. પચીશીએ પહોંચેલ ફક્કડ આદમી. ગામની બહેનોનો માનીતો. પિયર જવાની સાસુની ના થતાં ઉજમનું મન ઘણુ જ ઉદાસ થઈ ગયું. બીજે દિવસે તે તળાવે ગઈ ત્યારે ત્યાં આવેલ સાહેલીઓને લાગ્યું કે તેનો ચહેરો ચાડી ખાતો હતો કે  ઉજમના દુઃખનો પાર નથી.  એકે પૂછ્યું, 'અલિ ઉજમ, આજ તારો ચહેરો એકદમ કાં ઊતરી ગયેલ છે?'

ઉજમ બોલી. 'કશું નહિ.' અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બધાએ ઘણુ પૂછ્યું પણ ઉજમે કોઈને પોતે શા કારણે રડી પડી તે જણાવ્યું  નહિ. એટલામાં છબીલો તે તરફ આવ્યો. જે બહેનોને વસ્તુ મંગાવવી હતી તેની નોંધ કાગળ પર કરતો ગયો. ઉજમ એનું બેડું માંજવામાં મશગૂલ હતી. છબીલો તેની સમીપ આવ્યો. તે સમજી ગયો કે ઉજમનું બેડું સૌથી ઉજલું છે. આ કામ બહુ દુઃખિયારી હોય તે જ કરે.  ભીતરમાં દુઃખના આંસુ સરે ને હાથ બેડાં પર ફર્યા કરે. તેને ઉજમને ધીમા અવાજે કહ્યું, ‘બહેના, આજે કંઈ બહુ ઉદાસ લાગે છે ને?'

ઉજમ, 'કશું નહિ.'

છબીલો, 'બહેના, તું ભલે કહે કંઈ નથી પણ રોજ કરતાં તું બહુ જ ઉદાસીન છે. આ તારા ભાઈને નહિ જણાવે કે શું વાત છે?'

સહાનુભૂતિના આ શબ્દોથી એના દિલમાં ધરબાયેલ વેદનાના બંધન તૂટી  ગયાં. બીજું કોઈ સાંભળે નહિ એ રીતે ઘણા જ ધીરા અવાજે આંખોમાં આંસુ સાથે બોલી, ' વીરાજી, ભાઈને રાખડી બાંધવા જવું હતું પણ બાએ ધરાર મના કરી. પાંચ પાંચ વર્ષ થયાં પિયરની વાટ નથી જોઈ.’

છબીલાએ ધીરેથી ઉજમને બીજા સાંભળે નહિ એમ કાંઈક કહ્યું. ઉજમે ડોકુ ધૂણાવી હા પાડી. કામ આટોપી ઉજમ ધરભણી વળી.

તનસુખ પણ આજે સમી સાંજે થાકેલો ઘરે આવ્યો. રાતનું વાળુ કરીને લાગલો જ સૂઈ ગયો. ઉજમની નિંદર વેરણ થઈ ગઈ. શું છબીલાના કહેવા પ્રમાણે ઘર છોડીને તેની સાથે નીકળી જઉં? રોજની પીડામાંથી મુક્ત થવાશે? આમ પિયરમાં આવવાથી જાકારો તો નહિ મળેને? સમાજ શું કહેશે? આ ભવમાં બીજો ભવ કરીને કયા નરકમાં પડું? છબીલો તો બહેન જ કહે છે. એ મનનો ચોખ્ખો છે. પરદુઃખે સહાય કરવા તત્પર હોય છે. પરણ્યો નથી પણ ક્યારેય કોઈ બહેનો પ્રતિ વિકારની નજર કરી નથી. નોખી માટીનો છે. શું કરું? એના કહેવા પ્રમાણે છાનામાના તળાવે જતા રહેવું. મોતના બે કિનારા છે. એક બાજુ વિકરાળ પ્રાણીઓ ફાડી ખાવાં ઊભા છે. બીજી બાજુએ ઊંડી ખાઈ છે. મન કહે છે કે ખાઈમાં ખાબકી જા. પ્રભુએ જે ધાર્યું હશે તે થશે. તેની દૃષ્ટિ દીવાના ઝાંખા પ્રકાશમાં પલંગ પર ભર નિંદ્રામાં સૂતેલ પતિ પર ગઈ. એના નસકોરાંનો અવાજ રાત્રીની શાંતિનો  ભંગ કરતા હતા. 'આ તારો ધણી! અરે તું તો એની ખરીદેલી ગુલામડી છે. તને એને કે સાસુએ શું સુખ આપ્યું છે? લગ્નના સાત ફેરા ફરી લીધાં એટલે સાત જનમનો સાથ! આ આપણા સંસ્કાર? એ જ તારો આ જનમનો નહિ પણ સાત જનમનો ધણી. આ શીખ માત્ર માત્ર સ્ત્રી માટૅ, પુરુષને કંઈ નહિ?' તેને પ્યાસ લાગી. થોડું પાણી પીધું. તે ક્ષણભર ચમકી ગઈ. આવા વિચારો કેમ આવે છે? શું  આજે છબીલાએ આવી જ વાતો કરી હતી એની અસર તો નથી ને? પાછું મન બોલી ઊઠ્યું, 'છબીલાએ શું ખોટું કહ્યું છે. ક્યારેય તને મનેખ તરીકે  જોઈ છે? જાગ જાગ, આજ મોકો છે. છૂટકારો મેળવવાનો.’ આમ વિચારો કરતાં કરતાં એની આંખ ક્યારે મળી ગઈ તે ખબર ના રહી.

ઘરની પછીતે વાડામાં બે ગાય બાંધેલ. વહેલી સવારે નીરણ આપી દૂધ દોહવાનો નિયમ. તે સવારે ચારેક વાગે ઊઠી.

ગઈ રાતના વિચારો ખસ્યા ન હતા. ઘરમાં સૌ સૂતેલાં હતાં. એને કંઈક નિશ્ચય કર્યો. દૂધનું બોઘરણું રસોડામાં મૂક્યું. તે વાડામાં ગઈ. ગાયની સામે નજર કરી. એની આંખમાંથી દડ દડ આંસુ વહ્યાં. લાચાર ગાયોની આંખમાં આંસુ જોયા અને તેઓને પ્રણામ કરીને વાડાનો દરવાજો ખોલી, ગૃહત્યાગ કર્યો.

તે તળાવ પાસે આવી. ત્યાં કોઈ ન હતું. તેને કંઈક વિચાર્યું. ત્યાં ઊભા રહીને બે હાથ જોડી ધીમા સૂરે અંબામાતાની પ્રાર્થના બોલી. પછી જમીન પર માથુ ટેકવ્યું. ઊભી થઈ. આજુબાજુ નજર કરી. ઝાંખા અજવાળામાં કોઈ દેખાયું નહિ. અને પાળ પાસેથી તળાવમાં કૂદી પડી.

'એ.. એ શું કરે છે?' એવો કોઈ પુરુષનો અવાજ આવ્યો અને તે પુરુષે તળાવમાં ઝંપલાવ્યું. થોડીવારમાં એ પુરુષના બંને હાથમાં ઉજમનો દેહ હતો. તેને તળાવની પાળ પર સુવાડી.  થોડીવાર પછી ઉજમ હોંશમાં આવી.

'અરે, બહેના, આ શું માંડ્યું છે? આવા ગાંડાં તે કઢાતાં હશે? ' એ પુરુષનો અવાજ.

'વીરાજી, મને કેમ બચાવી? મારે જીવીને શું કરવું છે?'

એ પુરુષ એટલે છબીલો! નક્કી કર્યાં મુજબ વહેલી સવારે અહિ મળવાનું હતું. અહિથી તેઓ શહેર બાજુએ જતાં રહેતાં. આવી યોજના કરેલ અને તેના બદલે આપઘાત? તે બોલ્યો, ' બહેના, આપઘાત એટલે કંઈ સમજ પડે છે? નરક કરતાં એ ભૂંડી દશા. પ્રેત લોકમાંથી કોણ છુટકારો કરાવશે? પ્રભુએ જીવન આપ્યું છે, એને ટૂંપી દેવાનો આપણો શો અધિકાર?'

'વીરાજી, તે સિવાય શું કરું? હવે સહન નથી થતું.'

'બહેના, આ ભાઈ પર પૂરો ભરોશો રાખજે. તને ઊણી આંચ નહિ આવવા દઉં. આજથી આપણે ભાઈ-બહેન. હવે આ ગામમાં નહિ રહેવાય. ચાલ, આપણે શહેરમાં જતાં રહીએ. ત્યાં બધી વ્યવસ્થા થઈ જશે. અહિની સરહદ પાર કરીશું એટલે રાજની સરહદ શરૂ થશે. ત્યાં આપણી સલામતી છે. ત્યાંથી તેઓ ભીના કપડે ઝડપથી શહેર બાજુએ નીકળી ગયાં. છબીલાએ બીજે વ્યવ્સ્થા થાય ત્યાં સુધી એક ધરમશાળામાં મુકામ કરવાનું નક્કી કર્યું.

'બહેના, આ લે હું રાખડી લાવ્યો છું. મારા હાથે બાંધ. રક્ષા બંધનને ભલે થોડા દિવસની વાર હોય. આજથી આપણો ભાઈ-બહેનનો સંબંધ. તારી રક્ષા કરવી મારી ફરજ.'

ઉજમે રાખડી લીધી અને છબીલાના હાથમાં બાંધતાં બાંધતાં આંસુ સરી પડ્યાં. તે બોલી, ' વીરાજી, મારા માટે તમને આટલું કષ્ટ?' તે એના પગે પડી. ‘ગયા જનમમાં તમે જ મારા ભાઈ હશો તેથી આ જનમે બહેનીના દુઃખ દૂર કરવા આવ્યા છો. તમારો ઉપકાર કેમે કરીને નહિ ભૂલું.'

છબીલો, 'જો બહેના, આપણે બે સાથે રહીશું તે સમાજને આ સંબંધ માન્ય નહિ ગણાય. એવી ઉદાર દૃષ્ટિ નથી. સમાજને માટે દેખાડો કરવાં એક અજબ સંબંધથી આપણે રજૂ થઈશું. તેઓની  નજરે આપણે પતિ પત્ની  છીએ. મને ગલત ના સમજતી. આપણા સાચા સંબંધની લક્ષ્મણ રેખા કદાપિ નહિ લોપું. મેં તને તારા સાસરે ઘણી દુઃખી જોઈ છે. કસાઈ પણ ઢોરને આટલી પીડા નહિ આપતો હોય. આપણે બહારથી સમાજને દેખાઈએ તે નથી. જે તેઓને દેખાતું નથી તે છીએ. આના સિવાય બીજો મારગ નથી.'

ઉજમે છબીલાના મોં  સામું જોયું. એના હાવભાવ નિર્દોષતાની ચાડી ખાતાં હતાં. તે થોડા વિચારમાં પડી ગઈ. આ નવા પ્રકારની પરિસ્થિતિની એને કલ્પના પણ ન હતી. આ રસ્તા સિવાય છૂટકો ન હતો. તેને માતાજીનુ સ્મરણ કર્યું. અત્યંત ધીમા અવાજે બે હાથ જોડી અને બોલી, 'હે અંબેમાવડી, હવે તારા ભરોશે છું. તું રાખે તેમ રહીશ.'

છબીલો, 'બહેના, હવેથી તારું નામ મુક્તા અને મને માવજી કહેજે.' મુક્તા માવજીના પગે પડી અને બોલી, ' વીરાજી, મારે ખાતર તમારી જિંદગીનો ભોગ આપવાનો? હું કયા જનમે તમારું ઋણ ચૂકવીશ. તમે માનવ નથી, એક દેવતા છો.'

થોડા દિવસ બાદ માવજીએ તેઓ માટે ત્યાં આવેલ ક્ષયની ઇસ્પિતાલની નજીક ભાડેથી રહેવાની જગા લીધી. તેને કહ્યું, 'બહેના, શહેર તથા નજીકના ગામ વચ્ચે આ એક જ  ક્ષયની ઇસ્પિતાલ  હોવાથી અહિ ઘણા દર્દીઓ આવે છે. તેમની સાથે તેમના રિશ્તેદાર પણ આવે છે તેથી એમના માટે ટીફિનની વ્યવસ્થા કરીશું એટલે આપણને આવકનું સાધન થઈ રહેશે. તું રસોઈ સંભાળજે અને હું બીજી બધી વ્યવસ્થા સંભાળીશ.'

સમય અવિરત વહ્યે જાય છે. શહેરમાં આવ્યે ઉજમને સાતેક મહિના થઈ ગયાં. જિંદગીની નવી રાહ આત્મસાત્ થવા લાગી. વીરાજી તરફથી કોઈ જાતની તકલીફ ન હતી. તેને કહેલ તે મુજબ ક્યારેય સીમાનું ઉલંઘન કર્યું ન હતું.

એક દિવસ છબીલો એ ઇસ્પિતાલમાં કોઈને મળીને ત્યાંની ઑફિસ બાજુથી પસાર થતો હતો ત્યાં એની નજર બાંકડા પર બેઠેલ કૃશકાય તનસુખ પર પડી. તે તનસુખ તરફ વળ્યો અને બોલ્યો, 'અરે તનસુખભાઈ, તમે અહિ?'

તનસુખ, 'કોણ છબીલા? નાલાયક તું જ્યારથી ગામ છોડીને ગયો છે, તે દિવસથી ઉજમ પણ ગાયબ છે. ઘણી તપાસ કરી પણ ભાળ નથી મળી. તારા જ કારસ્તાન હશે.'

છબીલો, 'તનસુખભાઈ, એ બધું પછી. તમે સાવ નંખાઈ ગયા છો.  લાગે છે કે ક્ષયને લીધે દાખલ થયેલ? શું વાત છે? મને જણાવો.'

તનસુખને તેના પ્રત્યે ગુસ્સો તો ઘણો આવ્યો પણ હાલના સંજોગ એવા હતાં કે ડૂબતા માણસને તરણાનો સહારો મળે તેમ છબીલો છે. એને આજે રજા આપી છે. કોઈ લેવા આવે તેમ નથી. ક્યાં જઈશ? અશક્તિને લીધે લાંબી મુસાફરી થાય તેમ નથી. થોડા વખતે બતાવવા આવવાનું છે તો  કેમ કરીને આવીશ. ક્ષય જેવા રાજરોગથી બચત હતી તે પણ ખૂટી ગઈ. હમણા દુકાને બેસાશે નહીં. ખાંસી તો હજીય ઘણીવાર આવે છે. શરીર બેવડ થઈ જાય છે.

તનસુખ, 'છબીલા, છ મહિનાથી અહિ દાખલ થયો છું. એકબાજુ ઉજમ ક્યાં જતી રહી તેની ખબર નથી. ઉધરસ સાથે ગળામાંથી બલગમ નીકળતા નિદાન થયું કે ક્ષય છે. તાવ પણ રહ્યા કરતો. દુકાનના માણસોની મદદથી અહિ દાખલ થયો. થોડું સારું છે પણ છ મહિનાથી વધારે નથી રાખતા. મને ગામ જવાનો બંદોબસ્ત કરી આપ. મા અને બે છોકરાં શું કરતાં હશે?’

છબીલો, 'હું અહિ ઇસ્પિતાલની નજીક રહું છું. મારે ઘરે રહેજો. તમને દવાખાને બતાવવા જવાનું સુગમ પડશે.'

તનસુખને પરિસ્થિતિ જોતાં એ ઠીક લાગ્યું. છબીલો તનસુખને લઈને ઘરે આવ્યો. ઉજમ અર્થાત્  મુક્તા રસોડામાં હતી. છબીલા એ આગળના ઓરડામાં જ્યાં તેનો ઢોલિયો હતો ત્યાં તનસુખને સુવાડ્યો, પછી બોલ્યો, 'તમે અહિ  સૂઈ રહેજો, આરામ પણ મળશે.'

તનસુખે માથુ ધૂણાવી હા પાડી. એ વિચારમાં પડ્યો. મેં ખરીખોટી સંભળાવી છતાં છબીલો મન દઈને મારી સારવારમાં લાગી ગયો છે.  ના, દિલનો સારો છે. છબીલો રસોઈનો સામાન લાવેલ તે લઈને રસોડામાં ગયો. અને બોલ્યો, 'બહેના, આ સામાન લાવ્યો છું અને અહિ મૂકું છું. બીજો ખૂટતો કરતો  જણાવજે એટલે કાલે લઈ આવીશ. બીજું, ઘરે મહેમાન છે. ચા મૂકજો.'

થોડીવારે રસોડામાંથી ઉજમ બોલી, 'વીરાજી, ચા તૈયાર છે.' છબીલો બંને માટે ચા લઈ આવ્યો.

છબીલો, 'કાલે તમારા માટે થૂંકદાની અને દવા લાવવાની હોય તે લઈ આવીશ. થૂંકદાનીને લીધે  ગળુ સાફ કરવા વારંવાર ઊઠીને જવું ન પડે.’

છબીલો શયનખંડમાંથી પોતાને માટે ચટાઈ અને ઓશિકું લઈ આવ્યો. તનસુખના ઢોલિયાની સામેની દિવાલે પાથરી પોતાના સૂવાની વ્યવસ્થા કરી. તનસુખને લાગ્યું કે મારી સારવાર માટે તે શયનખંડમાં ન સૂઈ જતાં,  તેને અહિ વ્યવસ્થા કરી છે. મેં તેના ઉપર શંકા લાવીને ખોટુ કર્યું છે. ભલી લાગણીથી મારી ચાકરી કરે છે. તનસુખને વિચાર આવ્યો કે છબીલો એ સ્ત્રીને 'બહેના-બહેના' કરે છે. તો શું એ સ્ત્રી એની પત્ની નથી? કોઈ ગડ બેસતી નથી.

છબીલો, 'તનસુખભાઈ, આ સ્ત્રી, મુક્તા મારી દૂરની સગાઈએ મારી બહેન છે. એના ગામ બાજુથી જતો હતો. ત્યાં એક પાસેના કૂવામાં એક  સ્ત્રીને પડતાં જોઈ. મેં તુરત જ એને બચાવવા કૂવામાં ઝંપલાવ્યું. બીજા લોકો ભેગા થઈ ગયાં.

અમને તેઓએ બહાર કાઢ્યાં. તેની કથની ટૂંકમાં એમ છે કે તેને સાસરીમાં ઘણો જ ત્રાસ હતો. ધણી મારપીટ કરે, સાસુ થોડીવાર આરામ ન કરવા દે. પિયરની યાદ આવે પણ પરણ્યા પછી ક્યારેય ત્યાં જવા ન દીધી. હું તેને એના પિયર લઈ ગયો. પિયરના ઘરે જાણવા મળ્યું કે  માતા-પિતાનું મોત થયું છે. ભાઈએ કથની જાણી અને ભાભીના ચડાવ્યે જાકારો આપ્યો. હું આપણા ગામે લાઉં તો લોકો વક્રદૃષ્ટિએ અમારો સંબંધ જુએ તેથી અહિ શહેરમાં ભાઈ બહેનની જેમ રહીએ છીએ. બહાર સમાજ અમને પતિ પત્ની સમજે છે. પરંતુ અમારો નાતો ભાઈ બહેનનો છે. જુઓ, મારા હાથે બહેનાની રાખડી.'

જ્યારે પામર માનવીને પોતાને પીડા થાય છે ત્યારે બીજાના દર્દની અનુભૂતિ થાય છે. તનસુખને લાગ્યું કે છબીલાની કથની ઉજમને મળતી આવે છે. કદાચ એને ત્રાસને લીધે અંતિમ પગલું તો નહિ ભર્યું હોયને?  આમ જોવા જઈએ તો એને મેં કે માએ કયું સુખ આપ્યું છે? તેની આંખમાંથી પસ્તાવાના આંસુ સરી પડ્યા.

મહેમાન સાથેની વીરાજીની વાતચીત ઉજમે રસોડામાં રહ્યે, સ્પષ્ટ રીતે સાંભળી. વીરાજી મારી કથની ઉપજાવીને બીજા કોઈને ન કહે. એ મહેમાન જરૂર મારા ધણી હોવા જોઈએ. તે રસોડામાંથી બહારના ઓરડામાં આવી. ઢોલિયામાં બેઠેલ તદ્દન નબળા શરીરના તનસુખને જોયો. ગમે તેમ પણ મારો ધણી છે. અત્યારે મારી ચાકરીની એમને જરૂર છે. ગૃહ ત્યાગને લીધે મને ન અપનાવે તો કંઈ નહિ પણ મારાથી એમને આમ અધવચ છોડી ના દેવાય.

તે ઢોલિયા પાસે ગઈ. તનસુખને ખાંસી ઊપડી. ઉજમ તનસુખના વાંસાને પોતાનો હાથ ફેરવતી ગઈ. અને બોલી, 'તમારે મને મારવી-પીટવી હોય તો તેમ કરજો પણ અત્યારે તમને સારવારની જરૂર છે. હું સંભાળી લઈશ. માતાજીની કૃપાકે વીરાજીએ મને મરતા બચાવી.'

થોડીવારે તનસુખને કળ વળી. તે આંસુ સાથે બોલ્યો, 'ઉજમ, મને માફ કર. મેં અને માએ તને દુઃખી કરવામાં જરાય પાછી પાની નથી કરી. મારા આ કપરા સમયે મને સાથ આપે છે, તેનુ ઋણ ક્યારે ચૂકવીશ?'

'છબીલા, મેં તને ઘણો જ ધિક્કાર્યો છે. તારા આ નિષ્પાપ કાર્યનો બદલો કેમે કરીને ચૂકવાશે નહિ. મને માફ કર' તે ઊભો થવા જતો હતો. ઉજમે તેમ ન થવા દીધું.

છબીલો, ‘બહેના, ઉજમ એટલે ઉજમણી, તો ચાલો લાપસીના ભોજનથી કરીએ. બરાબરને તનસુખભાઈ?'


Rate this content
Log in