Priyakant Bakshi

Others

2  

Priyakant Bakshi

Others

પરિણયની સ્વર્ણ જયંતી

પરિણયની સ્વર્ણ જયંતી

5 mins
1.7K


આ વાર્તા વાંચતા પહેલા થોડુંક વ્યક્તિગત. અમારી પચાસમી સુવર્ણમય લગ્ન તિથિ એપ્રિલ પચ્ચીસ, બે હજાર સોળના દિવસે ગઈ. અમારા બન્નેના લગ્ન વડિલોની સંમતિથી ગોઠવાયેલ. સંબંધોની જાનપહેચાનથી યોગાનુયોગ આ વસ્તુઓ પ્રત્યે ધ્યાન દોરાયું:

(૧) મારા પિતાશ્રી અને મારા સસરાશ્રી યોગાનુયોગ પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો છે.
(૨) મારા પિતાશ્રી અને મારા સસરાશ્રીને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે. આશ્ચર્યજનક યોગાનુયોગ!
(૩) હું દીકરાઓમાં વચલો તેમ જ કોકિલા (મારી પત્ની) દીકરીઓમાં વચલી. યોગાનુયોગના આશ્ચર્યની ચરમ સીમા!

મોટેભાગે લોકો લગ્ન પરત્વે કુંડલી મેળવે અને લગ્ન નક્કી થાય. આવો સિરસ્તો જોવા મળે છે. અમારા કિસ્સામાં વગર કુંડલી મેળવે આ પ્રમાણેની અનુપમ જોડી બનાવી. તે પરથી પ્રસ્તુત વાર્તા રજૂ કરું છું:

પરિણયની સ્વર્ણ જયંતી.

દરવાજા પર બેલ વાગી અને મેં દરવાજો ખોલ્યો. કુરિઅરવાળાએ એક પાર્સલ મૂક્યું હતું. મોકલનારનું નામ વાંચ્યું. મારા મિત્ર કૌતુક તુકારામ કળશીકરે ભારતથી અહિ અમેરિકામાં મને પાઠવેલ. હજી ગઈકાલે ફોન પર વાતચીત થઈ હતી પરંતુ આ અંગે કશું જણાવેલ નહિ. સરપ્રાઈઝ કરવા ઉલ્લેખ નહિ કર્યો હોય.
રસોડામાંથી મારા પત્ની બહાર આવ્યાં અને બોલ્યાં, 'કોણ છે?' મેં કહ્યું,'કુરિઅરવાળાએ એક પાર્સલ મૂક્યું હતું. મોકલનાર આપણો કૌતુક. ત્યાં બેઠો બેઠો કંઈને કંઈ ધમાલ કરતો રહે છે.'

મારા પત્ની,'ખોલીને જુઓ તો ખરા કે શું મોકલ્યું છે? કૌતુકભાઊ (ભાઈ) નિત નવીન પ્રયોગ કર્યા કરે છે.' મેં કહ્યું,'તું પણ અહિ બેસ. એ ઘનચક્કરે પાછું શું નવું ચક્કર ચલાવ્યું છે?' મારા પત્ની પાર્સલ છોડવા કાતર લેવાં ગયાં. આ કૌતુક અને હું મુંબઈમાં નાનપણથી સાથે ઊછરેલા. તેઓ અમારા પાડોશી હતાં. એમના અને અમારા કુટુંબ વચ્ચે પહેલેથી સારો એવો ઘરોબો. તેઓ મરાઠી અને અમે ગુજરાતી પણ બન્ને કુટુંબ વચ્ચે જરા પણ વૈમનસ્ય નહિ. તેઓ ગુજરાતી સમજે, અમે મરાઠી સમજીએ. કૌતુક પહેલીથી ધૂની. કોઈપણ વિષય અંગે જાણકારી મેળવવી હોય તો પૂરેપૂરો એમાં ઓતપ્રોત થઈ જાય. આ ધૂની સ્વભાવને લીધે એને લગ્ન ન કર્યા. લગ્ન એને મન બેડી લાગતી. સ્વતંત્ર મિજાજનો, તેથી ભાઈસા’બ લગ્નના બંધનમાં ન પડ્યા. એના સ્વભાવને અનુરૂપ એ પત્રકાર બન્યો. કેટકેટલી અનજાન માહિતીઓ લઈ આવતો. મારે અમેરિકા આવ્યે ખાસ્સો સમય થયો. અમારી દોસ્તી કાયમ જ રહી. અમે ભારત જઈએ ત્યારે એને ત્યાં જરૂર જઈએ. તે પણ અમારે ત્યાં અમેરિકા ત્રણ -ચાર વાર આવી ગયો હતો. આજના આધુનિક સંદેશ વહેવારને લીધે અમારો સંપર્ક અતૂટ રહે છે. હવે તે ફ્રી લાન્સ જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.

મારા પત્ની કાતર લઈને આવ્યાં. પાર્સલ છોડ્યું. સરસ મજાની આરસની ત્રણ મૂર્તિઓ હતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એક સૃષ્ટિ કર્તા, બીજા જગતના પાલનહાર અને ત્રીજા રક્ષણ અને સંહાર કરનારા દેવ. મૂર્તિઓની કલાકારીગરી એટલી સુંદર હતી કે આપણે ઘડીભર નિરખ્યા જ કરીએ. અમે બન્નેએ ભક્તિભાવથી મૂર્તિઓને નમન કર્યાં. ખોખામાં જોયું તો એક પરબીડિયું પણ હતું. મારા પત્ની કહે,'વાંચી જુઓ. શું લખે છે?'

મેં પરબીડિયું ખોલ્યું. એમાંથી કાગળો કાઢ્યાં. મારા પત્ની સાંભળે તેમ વાંચવાનું શરૂ કર્યું.

“પ્રિય કાંત અને વહિની (ભાભી)! આજે ૨૫મી એપ્રિલ ૨૦૧૬. આ પાર્સલ બરાબર તમારા હાથમાં આજે જ મળે એ રીતે કુરિઅરવાળાને જણાવ્યું હતું. મારા તરફથી તમને બન્નેને આ પચાસમી સુવર્ણમય લગ્ન તિથિ મુબારક હો. આ સમગ્ર સૃષ્ટિ આ ત્રિદેવતાની જ કમાલ છે. એમને જ જન્મ, લગ્ન અને મરણ મુકરર કરેલ છે. આપણે તેની રંગભૂમિના પ્યાદા છીએ.

મેં નોંધ્યું છે કે તમારા બન્નેના દાંપત્ય જીવનમાં કાયમ પ્રસન્નતા હોય છે. ઘણા દંપતી પચાસ કે પચાસથી વધારે વર્ષ લગ્ન જીવનના પસાર કરે છે. જે સાહજિકતા અને પ્રફુલ્લતા તમારા છે એવું મેં ક્યાંય જોયું નથી. એ રહસ્ય શોધવા મેં નવો માર્ગ લીધો. થોડા સમય પહેલા હું હિમાલય ગયો હતો. ત્યાં ધ્યાનસ્થાવસ્થામાં તપ કરતા કેટલાક ઋષિઓને મળ્યો. તેમની વિનમ્રતાથી સેવા કરી.

એક ઋષિ પ્રસન્ન થયા અને મને કહે,'બચ્ચા, તારી સેવાથી પ્રસન્ન છું. માંગ, તારી શી ઈચ્છા છે?' મેં કહ્યું, 'બાબા, લૌકિક જીવનમાં ધન, કીર્તિ વગેરેની તૃષ્ણા નથી. મને સંસારચક્રનુ એક રહસ્ય સતાવે છે. મારા મિત્રને હવે પ્રભુતામાં પગ માંડ્યે પચાસ વર્ષ થશે. એમની નિજી જિંદગીનો હું સાક્ષી છું. અને મને ઘણી પ્રસન્નતા છે કે તેઓ પ્રફુલ્લિત અને ખુશી આનંદમાં કાયમ હોય છે. હું એ બદલ મારા મિત્ર અને એની પત્ની માટે ગર્વ મહસૂસ કરૂં છું. મને એક સવાલ સતાવે છે કે સંસારમાં આટલા કે આનાથી વધારે વર્ષ લગ્ન ગ્રંથીથી જોડાયેલા દંપતીમાં આમના જેવી પ્રસન્નતા નથી જોઈ. બાબા, આપ આપના અગાધ ધ્યાનને લીધે એ રહસ્યનું સમાધાન કરી શકશો?' બાબા,'બચ્ચા, તું પ્રિયકાન્ત અને કોકિલાની વાત કરે છે?'

પળભર તો હું વિસ્મય સાથે અવાક્ થઈ ગયો. મારા મનની વાત બાબાને કેવી રીતે ખબર પડી? મેં કહ્યું, 'બાબા, આપ ધન્ય છો. મારા મનની વાત જાણી લીધી. કૃપા કરીને આ રહસ્યનો ભેદ બતાવશો?' બાબા, 'બચ્ચા, થોડીવાર અહિ બેસ અને શાંતિ રાખજે. હું ધ્યાનમાં જઉં છું. મને વિક્ષેપ ના જોઈએ.'

મેં કહ્યું,'સારુ. બાબા જેવી આપની આજ્ઞા' બાબાએ ધ્યાન બાદ જે વાત કરી તે તમે કોઈ માની નહિ શકો. આ સ્વાનુભવના પુરાવા રૂપ બાબાએ આપેલ ત્રણ મૂર્તીઓ મેં તમને મોકલી છે. એ સામાન્ય આરસની મૂર્તિ નથી. એની કળાનો જોટો તમને ક્યાંય નહિ મળે. બાબાએ જે વાત કરી તે ટૂંકમાં રજૂ કરૂં છું.

એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભેગા થઈ ગયા. થોડી ઔપચારિક વાત બાદ બ્રહ્માએ કહ્યું,'પૃથ્વી પર આ એકના એક પ્યાદાનું સર્જન કરી જોડીઓ મેળવી પણ થાય છે કે કંઈક નવીન જોડી બનાવું.' વિષ્ણુ,'શું નવીનતા લાવવી છે?'

બ્રહ્માએ ચોપાટ જેવા આસન પર નિર્દેશ કરતા કહ્યું, 'જુઓ, આ બે યુગલ અને સામેની બાજુનું આ યુગલના ફરજંદને ભાવિની જોડી બનાવું, કેમ લાગે છે?'
મહેશ, 'એમાં નવીન શું આવ્યું ?' બ્રહ્મા,'ધ્યાનથી જુઓ તો જણાશે એ બન્ને યુગલમાં જે પુરૂષો છે, તેઓ પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો છે. વિષ્ણુ,'જો નવીનતા લાવવી છે તો હું એક સૂચન કરૂં છું. એ બન્ને યુગલને ત્યાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ મૂકીએ તો?' બ્રહ્મા,'સરસ. એમ જ કરીએ.' મહેશ, 'જો આ નવી જોડીને અસામાન્ય બનાવવી હોય તો એમ કરોને એક યુગલનો વચલો દીકરો અને બીજા યુગલની વચલી દીકરીની જોડી કરી હોય તો?'

બ્રહ્મા અને વિષ્ણુ,'અતિ ઉત્તમ. 'વિષ્ણુ,'આ નવીન જોડી કાયમ પ્રસન્ન રહે એ જવાબદારી મારી.' ત્યારબાદ ત્રણે દેવોએ પ્રસ્થાન કર્યું. કાળચક્ર મુજબ એ જોડીનું પૃથ્વી પર આગમન થયું અને એ જોડી તે પ્રિયકાન્ત અને કોકિલા તરીકે આ ભુવન પર એટલી જ સાહજિકતા અને પ્રસન્નતાથી રહે છે કે લોકો આદર્શ દંપતી તરીકે એમનું દૃષ્ટાંત આપે છે.'


Rate this content
Log in