STORYMIRROR

Priyakant Bakshi

Others

4  

Priyakant Bakshi

Others

આદર્યા અધૂરા… પણ પૂરા !

આદર્યા અધૂરા… પણ પૂરા !

11 mins
28K


તિલોત્તમા, “કહું છું કે આજે વિશાલના ફોનની વાતથી શું નક્કી કર્યું?”
નીલકંઠ, “અમેરિકા જવાની તૈયારી કરો.”
તિલોત્તમા, “તમને હજી નથી લાગતું કે વિશાલ ઘણો બદલાઈ ગયો છે. સગાઈ નક્કી કરીને પછી જણાવ્યું કે મયૂરી પટેલ મારી સાથે હૉસ્પિટલમાં ડૉક્ટર છે. અમારા બન્નેનો મનમેળ સારો છે. એ મયૂરીના પપ્પા, કેશવલાલ હાર્ટની તકલીફ વખતે વિશાલની હૉસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને વિશાલની દેખરેખમાં હતા. મયૂરી ભલે બીજા વિભાગમાં કામ કરતી હોય પરંતુ એના પપ્પાને લીધે વારંવાર ત્યાં આવે-જાય તેથી તેઓ એક બીજાની વધારે નજીક આવ્યાં. નિકટતા વધતા-વધતા એક-બીજાને દિલ દઈ દીધાં. મહોર સ્વરૂપે રીંગ બદલી છે એટલે કે સગાઈ કરી છે. વગેરે, વગેરે. અને પાછો ફોન પર બધી વાતો જણાવતો જાય અને કહેતો જાય કે મયૂરીનો સ્વભાવ સારો છે. વખાણ કરતા થાકે નહિ. મને ત્યારથી લાગતું હતું કે વિશાલનું ચક્કર મયૂરી સાથે છે. એને એટલું ન થયું કે મા-બાપનો અભિપ્રાય પૂછીએ. આજે ફોન પર કહે છે કે લગ્નની તારીખ નક્કી કરી છે. તમે બન્ને અહીં આવવાની તૈયારી શરૂ કરી દો. હું ટિકિટો મોકલું છું. આમ તે ચાલતું હશે?”

નીલકંઠ, “તમે એક વાત સમજો. હવે આપણો સમય નથી રહ્યો. કે બધું મા-બાપને પૂછી-પૂછીને ડગ ભરવા. એને જે કર્યું, એમાંય ખોટું શું છે? એની જિંદગી છે. એને પસંદ છે તે પ્રમાણે કરે. હવે એ નાનો કીકલો નથી કે આંગળીએ વળગે. અને આપણે કહ્યાં કરીએ કે આમ કર, તેમ કર.”

તિલોત્તમા, “હું જાણતી હતી કે તમે એની જ તરફદારી કરવાના. આ તમે જાત ખર્ચીને ડૉક્ટરનું ભણવા માટે અમેરિકાય મોકલ્યો. એને એટલી ખબર નથી કે બાપે એની પાછળ કેટકેટલું કર્યું છે અને જીવનના આવા સરસ પ્રસંગે મા-બાપ જાણે કોઈ નહીં. જાણે સગા સંબંધીને આમંત્રણ આપે એમ ફોનથી જણાવી દીધું કે ફલાણી તારીખે લગ્ન છે જરૂરથી આવી જજો. એકના એક સંતાન પાસે આવી અપેક્ષા નથી રાખી.”

નીલકંઠ, “એને સાથે એમ પણ જણાવ્યું છે કે ત્યારબાદ ઇન્ડિઆમાં રિસૅપ્શનની તારીખ નક્કી કરીને જણાવજો, એ મુજબ આપણે સૌ અમારા લગ્ન પછી ઇન્ડિઆ આવીએ.”

તિલોત્તમા, “આપણી નાગરી ન્યાતથી આ બીજી ન્યાતની એટલે કદાચ ભાઈને થયું હશે કે મા-બાપ વાંધા-વચકા તો નહિ કાઢેને? એના કરતા બધું નક્કી કરીને જ બોલાવીએ તો? આમ આપણને અલગ ગણ્યા તેથી લાગી ન આવે? તમારે શું.....” અને તિલોત્તમા આગળ બોલવા જતાં-જતાં અટકી ગઈ.

નીલકંઠ, “શું? કહો. અટકી કેમ ગયા?”
તિલોત્તમા, “ કંઈ નહિ. તમને ઠીક લાગે તેમ કરો. મને તો ઊંઘ આવે છે.”
તિલોત્તમા પડખું ફરીને સૂઈ ગઈ. પણ ઊંઘ વેરણ થઈ ગઈ. અને તે ભૂતકાળમાં સરી પડી.
“એમની સાથે નક્કી થયું અને લગ્ન લેવાયા. ત્યારથી આજ સુધી કોઈ દિવસ મને ઓછું આવવા નથી દીધું. હું તો નાના શહેરમાં મોટી થઈ છું  પણ મુંબઈ જેવા શહેરમાં એ નાનેથી મોટા થયા. ભણ્યા, નોકરી કરે છે. આ માયા નગરીમાં એક બીજાના સંપર્કમાં આવતા ક્યારે લપસી જવાય એ કહેવાય નહિ. તેઓ મોટા મનના માનવી છે. પરણ્યાના શરૂના દિવસોમાં મને કહે, “એક ખુલાસો કરવો છે. તમને એમ ન થવું જોઈએ કે લગ્નથી દેહ સંબંધ રાખ્યો પણ મન બીજે છે. જુઓ, હું એકરાર કરું છું કે આપણા લગ્ન પહેલા મારે મારી સહાધ્યાયની સાથે ઘણો જ મનમેળ હતો. આપણા સમયમાં નાત-જાતના સંકુચિત વાડાઓ હોવાથી લોકો લગ્ન સંબંધી ટૂંકી દષ્ટિનાં હતા અને જુદી ન્યાતને લીધે અમારા બન્નેનાં મા-બાપને અમારા લગ્ન મંજૂર ન હતા. અમે અમારો ભૂતકાળ ભૂલી જવામાં સમજદારી માની. તે એટલે સુધી કે મેં મારું નામ પણ બદલી કાઢ્યું. આસુતોષના નામોચ્ચારથી એની સ્મૄતિ થઈ આવે  તે મને ઇચ્છનીય ન લાગ્યું. તેથી હું આસુતોષમાંથી નીલકંઠ બન્યો. હવેથી પતિ-પત્ની તરીકેનું આપણુ દાંપત્ય જીવન એક અતૂટ રહેશે એની તમે ખાત્રી રાખજો. જુઓ, તમારે પણ લગ્ન જીવન પૂર્વે કોઈની સાથે મન મળ્યા હોય તો બેફિકરથી, તમને મારા પર પૂર્ણ વિશ્વાસ હોય તો, જણાવજો. હું તમને એ માટે જબર જસ્તી નથી કરતો. આપણા નવા જીવનનો પાયો શંકા-કુશંકાના ચણતરથી નિર્બળ થવો ના જોઈએ. હવેથી એ વાત પર પડદો પડી ગયો છે એમ સમજજો. ક્યારેય એને ઉકેલશો નહિ. અને જુઓ, પ્રેમના એ અંકુરને મનના એવા પેટાલમાં ધરબી દેજો કે એને સ્મરણના સિંચન કરીને બહાર આવવા દેશો નહિ. બન્ને માટે દાંપત્ય જીવનની સુખ-શાંતિ એમાં છે, એમ સમજજો. ખરેખર તેઓ મૂઠી ઊંચા માનવી છે. મને ભલે કોઈ સાથે મુગ્ધાવસ્થામાં પ્રેમ પ્રાંગર્યો ન હતો. કિન્તુ આંતર મનથી ક્યારેક ક્યારેક એવી ઝંખના જરૂર થતી. જ્યારે જ્યારે કોઈ નવ દંપતીને ગુટુર ગ.. કરતા જોઈ જવાય ત્યારે મારી અંદર કોઈ જાતના સ્પષ્ટ ન સમજાય કે ન કોઈને કહેવાય એવા સ્પંદનો જરૂર થતાં. મનોમન કોઈ પુરુષની કલ્પના કરતાં લજ્જા પામતી. અને જો અત્યારે મારાથી કહી દેવાતું કે તમારે શું? તમને ગુજરી છે... ના, એમને જ એ વાત પર પડદો પાડી દીધો છે પછી એ ઉકેલવાનો શો અર્થ. હે હાટકેશ્વર, આપની કૃપા હજો.”

થોડા દિવસ બાદ વિશાલનો ફોન આવ્યો. “મમ્મી, લો, આ મયૂરી સાથે વાત કરો.”

મયૂરી, “મમ્મી, તમને એક ખુશ ખબર આપવા છે. મારા મમ્મી, કેયૂરી લગ્ન નિમિત્તે શૉપિંગ કરવા ઇન્ડિઆ નેક્ટ્સ વીકમાં આવે છે.

પહેલા આત્તરસુંબા જે નડિયાદની નજીક છે, ત્યાં જશે અને ત્યાંથી ૫-૬ દિવસમાં મુંબઈ આવશે. ત્યાં મારા મીરા માસી છે. તમને તેઓ ફોન કરશે એટલે શૉપિંગ કરવા સાથે જજો. મમ્મીએ ખાસ કહ્યું છે કે તિલોત્તમાબેન સાથે શૉપિંગ કરવા જઈશું. એમનો ફોન તમારા પર આવશે અને તેમનો પ્રોગ્રામ જણાવશે.” વગેરે...વગેરે. બોલવામાં ઘણી મીઠડી છે. તો વિશાલ અમથા વખાણ ન હતો કરતો. મૂઈ હું, વિશાલ માટે કેવું-કેવું સમજી બેઠી!

તિલોત્તમાના ઉત્સાહનો પાર ન રહ્યો. ક્યારે વેવાણ, શું નામ કહ્યું? હાં, કેયૂરીબેન, વાહ નામ પણ સરસ છે ને, આવે છે, એની પ્રતીક્ષા કરતી રહી.

જેની પ્રતીક્ષા હતી, તેમનો ફોન તિલોત્તમા પર આવ્યો, “જય શ્રી કૃષ્ણ, તિલોત્તમાબેન, હું કેયૂરી બોલું છું. તમારી અનુકૂળતાએ શૉપિંગ કરવાનું નક્કી કરીએ.”

તિલોત્તમા, “જુઓ, આજે શનિવાર થયો, કાલે રવિવાર છે તો તમે તેમ જ તમારા બેન અને એમના કુટુંબીજનો કાલે અમારે ત્યાં લંચ લેવાનું રાખો. જેથી એ નિમિત્તે અરસ-પરસ ઓળખાણ પણ થશે અને એ પણ રવિવારની રજા હોવાથી ઘરે હશે. બધા મળી શકીશું. કાલે આપણે શૉપિંગનુ નક્કી કરીશું.”

બીજે દિવસે, રવિવારે નીલકંઠના ઘરના દરવાજાનો ડૉઅર બેલ રણક્યો. તિલોત્તમાએ બારણું ખોલ્યું. આવકાર આપતા બોલ્યાં, “આવો-આવો. હું તિલોત્તમા. અડ્રેસ મુજબ ઘર શોધતા મુશ્કેલી તો પડી ન હતી ને?”

કેયૂરી, એમના બેન મીરા, બનેવી, તથા પૌત્ર જે ચારેક વર્ષનો હતો, ઘરમાં પ્રવેશ કર્યો. તિલોત્તમાએ સૌને ડ્રૉઇંગ રૂમમાં સોફા પર બેઠક લેવા કહ્યું. અને બોલ્યાં, “એ હમણા આવતા હશે. જરા બહાર ગયા છે.”

કેયૂરી, “આ મારા બેન એટલે કે મારા મોટા બાપા (કાકા) ની દીકરી થાય, અમે એમને રામીબેન કહેતા. એમના સાસરે એમનુ નામ મીરાં કર્યું છે. આ મારા બનેવી, મનુભાઈ છે. રાહુલ, એમનો પૌત્ર છે.” આમ ઓળખ વિધિની ઔપચારિકતા પૂરી થઈ. અહીંતહીંની ગપસપ શરૂ થઈ.
તિલોત્તમા, “મીરાબેન, તમારા દીકરા-વહુ કેમ ન આવ્યાં?”
મીરાબેન, “એમને આજે લાયન્સ ક્લબની મીટિંગ છે એટલે ત્યાં ગયા છે.” મનુભાઈ, “તિલોત્તમાબેન, નીલકંઠભાઈ શું કરે છે?”
તિલોત્તમા, “એ સિન્ધિયા શિપિંગ કંપનીમાં છે. અહીં રહીએ છીએ તે કંપનીની કૉલોની છે.”

મનુભાઈ, “નીલકંઠભાઈ છાયા કરીને એક ઑફિસરને હું મારા બિઝનેસ અર્થે થોડા સમય પર સિન્ધિયા હાઉસમાં મળ્યો હતો. એ આ જ નીલકંઠભાઈ તો નથી ને? બહુ સાલસ સ્વભાવના અને કો–ઑપરેટિવ છે.”

તિલોત્તમા, “હું જરા રસોડામાં જમવાની તૈયારી કરું છું. એટલી વારમાં એ આવતા જ હશે.”

કેયૂરી, “ચાલો, અમે, હું અને મીરાબેન તમને મદદ કરીએ.”
તિલોત્તમા, “રાહુલ માટે ટી.વી. પર કાર્ટુન પીક્ચર મૂકું છું. મનુભાઈ તમને આજનું આ ન્યુઝ પેપર ફાવશે.”

ત્રણેય સ્ત્રીઓ રસોડામાં ગઈ. મનુભાઈએ  ન્યુઝ પેપરમાં ડોકુ ઘાલ્યું. થોડીવારમાં દરવાજાનો લેચ ચાવીથી ખોલવાનો અવાજ આવ્યો અને બારણું ખોલતામાં નીલકંઠે ઘરમાં પ્રવેશ કર્યો. મનુભાઈએ પેપરમાંથી નજર હટાવી. સામે નીલકંઠને  જોયા. નીલકંઠની નજર પણ મનુભાઈ પર પડી.

નીલકંઠ, તમે... તમે મનુભાઈ, પટેલ એક્ષપોર્ટ હાઉસના માલિક તો નહિ ને?”
મનુભાઈ, “હા, હું જ તે છું. થોડા દિવસ પર તમને ઑફિસમાં મળ્યો હતો. આ કેયૂરીબેન મારા સાળી થાય. આ મારો પૌત્ર, રાહુલ છે. મારા ઘરવાળા-મીરા, કેયૂરી તથા તિલોત્તમાબેન રસોડામાં છે.”

રસોડામાંથી મીરાબેન એમની પાછલ કેયૂરી અને તિલોત્તમા બહાર ડ્રૉઇંગ રૂમમાં આવ્યાં.

નીલકંઠ, “તમે...તમે રામીબેન તો નહિ ને? અને ઓહ, કમુ તમે..તું?!”

હવે આશ્ચર્ય પામવાનો વારો તિલોત્તમા અને મનુભાઈનો હતો. આ ત્રણેય એક-બીજાના પરિચિત લાગે છે.

મીરાબેન, “જુઓ, બધા શાંતિથી બેસો. હું તમને સમજાવું છું. પહેલા તો મીરા એટલે રામી હું છું. કમુ એટલે કૌમુદી અર્થાત કમુ એ જ કેયૂરી છે. કેશવલાલને એમ થયું કે કૌમુદી એ નામ ત્યાંના લોકોને બોલતા નહિ ફાવે તેથી કેયૂરી કર્યું. અમે ત્રણેય એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતાં. એક જ કૉલિજમાં પણ સાથે પ્રવેશ કર્યો. નીલકંઠભાઈ તરીકે અત્યારે ભલે ઓળખતા હશો, પરન્તુ તેઓ આસુતોષભાઈ છે. એમનો બન્નેનો સ્કૂલથી લઈને કૉલિજમાં ડિબેટમાં ડંકો વાગતો. બન્ને ભણવામાં પણ હોશિયાર. તેઓ એક-બીજાની નજીક આવતાં ગયાં અને પ્રેમના અંકુર સહજ રીતે વવાઈ ગયા. મારા કાકા એટલે કમુના પિતા, અમુલભાઈ અમારા પટેલ સમાજના મોભી હતા. તેઓ અમારા સમાજના પ્રમુખ હતા. કૉલિજના અભ્યાસ બાદ,આસુતોષભાઈ એક દિવસ અમારે ઘરે આવ્યા. મારા પપ્પા ને કાકા ઘરે જ હતા.

કાકા, “કોણ છો?” આમેય અમુલકાકાનો અવાજ વજનદાર અને કમાંડીંગ હતો. આસુતોષભાઈએ નમ્રતાથી પણ મક્કમતાથી કહ્યું, “હું આસુતોષ છાયા છું. જાતે નાગર છું. હું, રામીબેન અને કૌમુદી સ્કૂલથી કૉલિજ સાથે અભ્યાસ કરતા આવ્યાં છીએ. કૌમુદી અને હું, એક-બીજાની એટલા નિકટ આવ્યા છીએ કે અમારો વિચાર એકમેકના જીવન સાથી બનવાનો છે. વડીલ આપની રજામંદી અને આશિર્વાદ અમારા પર રહો એ અપેક્ષા છે.”

કાકા અને મારા પિતા, બન્નેનો પિત્તો સાતમા આસમાને પહોંચ્યો.

કાકા લગભગ ત્રાડ પાડતા હોય તેમ ગરજ્યા, “છોકરા, તને ભાન છે કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? તું આ અમુલની છોકરીનું માંગુ કરવા આવ્યો છે? અલા, અમે પટેલ અને તું ભામટો. આવ્યો છે એવો ચાલતી પકડ. જો આ બાજુએ જોયું છે તો જોવા જેવી કરી દઈશ. એય, કમુડી, તને આવા નખરા કરવા સારુ ભણવા મોકલી હતી? ખબરદાર, હવે ઘરની બહાર રજા વગર ટાંટિયો મૂક્યો છે તો.”

એ પછી આસુતોષભાઈએ કહ્યું, “વડીલ, નાના મોંએ મોટી વાત લાગશે પણ આ રીતે ગુમાન અને અહંકારથી વાત કરવામાં સારાપણુ નથી લાગતુ. આજે આપણા દેશની આઝાદીનુ પ્રભાત ઊગ્યું તે તો રાજકીય છે. ખરી આઝાદી જ્ઞાતિના સંકુચિત વાડાઓથી મુક્ત સમાજ થશે ત્યારે સમાજની પ્રગતિ સમજાશે. સમય પરિવર્તનશીલ છે. સંકુચિતતાની મર્યાદામાં એને બાંધી ન શકાય. હું જ્ઞાતિનો વિરોધી નથી પરન્તુ સમયની કૂચ આગળ એ પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે. એ વખતના સંજોગો પ્રમાણે જે રીતરિવાજ હતા તે કાયમ રહી ના શકે. સતી થવાનો રિવાજ અત્યારના સંજોગમાં કોઈને માન્ય ના હોય. સર્જનહારે સૌની રચના કરી છે. એ પ્રાણ આપે છે અને એ જ પ્રાણ હરે છે. મને મોતનો ભય નથી. જે નિર્માણ થયું હશે, તે થઈને રહેશે. હું આવી ધાક-ધમકીથી ડરતો નથી. લગ્નનું બંધન એ ભલે બે સ્ત્રી-પુરુષ વચ્ચે હોય. આપણી સામાજિક વ્યવસ્થા એ થકી બે કુટુંબને જોડે છે. એમા સ્નેહનો આવિર્ભાવ હોય છે. અમે તમારા આશિર્વાદની પરવાહ કર્યા વગર ભાગી જઈને લગ્ન કર્યા હોત તો? આપણા બન્ને કુટુંબ વચ્ચે મીઠાશની જગાએ કડવાશ ને કડવાશ હોત.” ત્યારબાદ થોડીવાર શ્વાસ ખાવા થોભ્યા. મારા પિતા થોડા નરમ પડ્યા. કાકામાં હજી ફેર ન હતો લાગતો. આસુતોષભાઈ બોલ્યા, “વડીલ, અમારા લગ્ન વિષે તમારી  ઈચ્છા નથી તો એ હું શિરોમાન્ય ગણુ છું. મારી ફક્ત એક વિનંતી છે કે મને એકવાર કમુની સાથે વાત કરવા દો. એ પછી હું ક્યારે ય આ બાજુ તો શું એના જીવનની બહાર થઈ જઈશ.”

કાકાની ઈચ્છા ન હતી. મારા પિતાએ કહ્યું, “અમુલ, આની વાતમાં સચ્ચાઈનો રણકો લાગે છે. વાત કરી લેવા દે.”
કાકા, “જે વાત કરવી હોય તે ટૂંકમા અને અમારી હાજરીમાં કરી લે.” આસુતોષભાઈની વાત એ જ્યારે ડિબેટમાં કોઈ વિષય પર વરસતા, એવો જુસ્સો ફરી તે દિવસે અનુભવ્યો.

કમુ રૂમની બહાર આવી. જો કે અમે સૌ ધરના આ લોકોની વાત સાંભળતા હતાં.

આસુતોષભાઈ, “કમુ, વિધિએ આ નિર્માણ કર્યું હશે. આપણા ભૂતકાળને એટલે કે પ્રેમાંકુરને મનના કોઈ ખૂણામાં એવા તો ભંડારી દે. જેથી આવતા સમયમાં એની ભણક પણ ન લાગે. તારા લગ્નની શુભ કામના આપું છું. સાથોસાથ એક વિનંતી છે કે જેની સાથે સંબંધ થાય તેને તન, મન, અને ધનથી વફાદાર રહેજે. “સમાજના વાંકે એ નિર્દોષ વ્યક્તિને વગર ગુનાએ સજા શા કામની? એ તો અન્યાય જ કહેવાય. આપણે ક્યારેય મળ્યાં હતાં તે મનથી કાયમ માટે કાઢી નાંખજે. તારું કલ્યાણ થાય એ ઈશ્વરને પ્રાર્થના.” અને આસુતોષભાઈ વડીલોને પ્રણામ કરીને ત્યાંથી  નીકળી ગયા. કમુની આંખોમાં અશ્રુની ધારાઓ વહ્યે જતી હતી. તે મને વળગી પડી.

તે પછી ક્યારેય આસુતોષભાઈ આ તરફ નથી આવ્યા કે ક્યાંય બીજે મળવાનો પ્રયત્ન કર્યો.

કમુના તથા મારા લગ્ન સત્વરે લેવાયાં. કમુનું સાસરું આત્તરસુંબા જે નડિયાદની નજીક છે, ત્યાં હતું પરન્તુ તેના સાસરીના મોટા ભાગના અમેરિકા કે લંડન હતાં. કમુ ત્યાંથી કોઈ દિવસ ફોન પર કાકા સાથે વાત કરતી નહિ. અમારા સૌની સાથે વાતો કરતી. એક દિવસ કાકી અને મારી મા સાથેની વાતચીત કાકા સાંભળી ગયા. “ગૌરી, કમુ ભલે ત્યાં સુખી હોય પણ બાપથી તો કાયમ માટે અલગ થઈ ગઈ. જો ને, તેમની સાથે ફોન પર ક્યારેય વાત કરે છે? મને તો લાગે છે કે એમને હઠમાં ને હઠમાં એક રતનને ધૂલમાં રગડોળ્યું અને સાથો સાથ દીકરી પણ ખોઈ.”

કોણ જાણે કેમ પણ કાકાને આ વાતની એવી ચોટ લાગી કે થોડા વખતમાં એકદમ ભયંકર માંદગીમાં પટકાયા. કાકીને કહેતા કે મને એકવાર કમુ સાથે વાત કરવા દો, બસ એકવાર. મેં એને બહુ દુ:ખી કરી છે. કાકીએ ફોન પર ઘણી કાકલુદી કરી પણ કમુ વિચલિત ના થઈ. કાકાની તબિયત બગડતી ચાલી. વારે-વારે કમુ, કમુ બોલતા જાય. કમુ, મેં તને બહુ દુઃખી કરી. બેટા, તારા બાપને એકવાર બસ એકવાર માફ કરી દે એટલે શાંતિથી મોતને ભેટું. કાકીએ મને મારા સાસરેથી બોલાવી.

બધી વાત કરી અને કહ્યું, “રામી, કમુને ફોન પર વાત કરીને તું જ સમજાવી શકીશ કે એકવાર તારા કાકાને મોં ભેટો કરે. હવે એ વધુ નહિ કાઢે. તારું માનશે.”

મેં ફોન પર બહુ સમજાવી તેથી તે ઇન્ડિઆ આવવા તૈયાર થઈ. હું જ તેને કાકાના બિછાના પાસે દોરી ગઈ. હજીએ કમુના ચેહરા પર કોઈ જાતના ભાવ ન હતાં, સાવ શૂન્યમનસ્ક. કાકાએ તેના તરફ નજર કરી. કાકાનું શરીર સાવ નંખાઈ ગયું હતું. સૂતા-સૂતા બે હાથ જોડીને બોલ્યા, “કમુ, બેટા હું તારો ગુનેગાર છું. મને જે સજા કરવી હોય તે કર પણ મને , બેટા માફ કર. મેં બારણે આવેલ રતનને ધૂલમાં રગડોળ્યું. બેટા, હું તારો હત્યારો છું. માત્ર એકવાર-એકવાર આ તારા બાપની સામે નજર મેળવ.” અને કાકાની આંખોમાંથી અશ્રુધાર વહેતી અમે પહેલીવાર જોઈ. કમુ હવે ભાંગી પડી. કાકાને વળગી પડી. બાપ-દીકરીના અશ્રુથી તકિયો ભીંજાઈ ગયો.

થોડીવારે કમુ બોલી, “પપ્પા, પપ્પા હું તમારી કમુ. કમુ. પપ્પા બોલોને.” મેં તથા કમુએ કાકાને ઘણા હલબલાવ્યા પણ નશ્વર દેહ નિશ્ચેત પડી રહ્યો હતો. અમારા બન્નેની પોકથી ઘરના બધા ભેગાં થઈ ગયાં. આમ પ્રેમના અંકુરની દાસ્તાન આદર્યા બાદ અધૂરી રહી.”

મનુભાઈ, “ના, ના, પ્રીતના એ પ્રેમાંકુર આદર્યા અધૂરા નથી, પણ હવે નવપલ્લવિત થતાં, વિશાલ અને મયૂરી પૂરા કરશે.”


Rate this content
Log in