Priyakant Bakshi

Others

3  

Priyakant Bakshi

Others

ભા. ર. ત.

ભા. ર. ત.

10 mins
7.1K


ન્યુ જર્સી, અમેરિકામાં આવેલ ઘણા ઍડલ્ટ ડે કેઅર પૈકી અમરગૃહ ઍડલ્ટ ડે કેઅરમાં જ્યારથી ઉર્વીશ મનહરલાલ દાણી આવ્યા છે ત્યારથી ત્યાંનો માહોલ બદલાઈ ગયો છે. હવે સમય પસાર કરવા પત્તા કે એકબીજાની કૂથલીની જગાએ અનુભવ, જ્ઞાન વિજ્ઞાનની વાતો થાય છે. આમેય બધા જીવન સંધ્યાની સમીપ પહોંચી ગયા છે એટલે પ્રત્યેક પાસે અનુભવનું ભાથું તો હોય જ. ઉર્વીશે વહી ગયેલા વર્ષોના બૂઝાતા આતશને ખંખોરીને નવું જોમ ભર્યું. ઉર્વીશ ભલે સિદ્ધહસ્ત લેખક ન હોય પણ એની કલમનો પરચો વિભિન્ન માસિકોમાં અવશ્ય જોવા મળતો. એની બોલવાની છટા, વિષયને ઊંડાણથી અવલોકન કરવાની પરખ બધાને રુચિ જતી. બધાનું કહેવું એવું હતું કે ઉર્વીશ કંઈકને કંઈક નવુ લાવશે. એજ અપેક્ષાએ સૌએ તેને આગ્રહ કર્યો કે આજે તે નવી વાત જણાવે.
 
ઉર્વીશે શરૂઆત કરી. 'વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલની કેલિફોર્નિયાની યાત્રામાં ત્યાં ઠરીઠામ થયેલ મૂળ ભારતીયોને હમ વતનમાં વાપસી માટે જણાવ્યું. ત્યારે મને તેનાથી વિપરીત એક વાત યાદ આવે છે. ડૉ.પ્રણવ તન્નાના માતા-પિતા, પ્રભા અને ભાવિને એમને આગળ અભ્યાસ કરાવી અમેરિકામાં ઠરીઠામ થવા માટે ઘણું જ પ્રોત્સાહન આપેલ. તેઓ આપણા સેન્ટરના ભાઈ-બેનોની ઘણીવાર સારવાર કરે છે અને મને અંકલ તરીકે સંબોધે છે. એમને ભારતમાં સ્થાપેલ 'નાનિહાલ ફાઉન્ડેશન'ની યાદ આવે છે. ત્યાં એમના માતા-પિતા, પ્રભા અને ભાવિન તન્ના દેખરેખ રાખે છે. ડૉક્ટર પ્રણવના પિતા મુંબઈ, ભારતમાં મારી સાથે કાપડની મિલમાં કામ કરતા હતા. અમારી મિલના માલિકોની એક વિચિત્ર પ્રથા હતી. ઑફિસમાં કામ કરતા પ્રત્યેક વ્યક્તિના ટેબલ પર એના પૂરા નામની પ્લેટ હોદ્દા સહિત રાખવામાં આવતી. જેનરલ મેનેજર શ્રી બાનાજી વાલજી જીજીભોય હતા. તેઓ ટેકનીકલ બાબતમાં વિશેષ ધ્યાન આપતા. મેનેજર શ્રી લાખનપાલ યશપાલ કમલમણી, મિલના કામકાજનો વહિવટ કરતા. તેઓ બન્ને એક મોટી કૅબિનમાં બેસતા, જ્યાં મિલ માલિકો અવારનવાર આવતા હતા. એની બાજુની કૅબિનમાં આસિસ્ટંટ મેનેજર શ્રી કાન્તિલાલ બેચરદાસ લખમશી બેસતા હતા. એમની કૅબિનને અડીને ડિસ્પોઝલ ઑફિસર શ્રી યુસુફ સુલેમાન
ખાનાણીની કૅબિન હતી. અમે બધા, હેડ ક્લાર્ક શ્રી ગૌરાંગ રઘુવીર વહાણવટિયલ, કૅશિઅર શ્રી કરસન માધવજી ઉદેશી, ક્લાર્ક, શ્રી ભાવિન રજનીકાન્ત તન્ના તથા હું, ઉર્વીશ મનહરલાલ દાણી, આ બધી કૅબિનોની સાથે આવેલ એક હૉલમાં બેસતા હતા.
 
અખબારમાં અમારી મિલની ક્લાર્ક માટેની ભરતીની જાહેરાત અન્વયે ભાવિન અમારી મિલમાં જોડાયો. તે મિલનસાર અને આનંદી સ્વભાવનો હતો. તે કામ ઘણી કુશળતાથી પાર પાડતો. તેણે થોડા સમયમાં અમારા બધાના દિલ જીતી લીધાં. એના નામના ટૂંકાક્ષર ભારત થાય તેથી અમે સૌ એને ભાવિન ન કહેતા ભારત કહેતા. થોડા સમયમાં અમારા વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ. અમે એકબીજાને બધી વાતો જણાવતા. મિલ ત્રણ પાળીમાં ચાલતી હોવાથી મિલના એક છેડાના રસ્તા પાર ગોડાઉન હતું, એમાં રૂની ગાંસડીઓનો પૂરતો સ્ટોક રખાતો તથા જરૂરત પ્રમાણે મિલના બ્લો રૂમમાં એ રૂની ગાંસડીઓ લવાતી. એ ગોડાઉનમાં રાખેલ રૂની ગાંસડીઓનો આગ તથા ચોરી વગેરેનો વીમો લેવામાં આવતો. સમયાંતરે વીમા કંપની તરફથી એ ગોડાઉનમાં રાખેલ રૂની ગાંસડીઓનું ઇન્સ્પેક્શન થતું.
 
એકવાર વીમા કંપનીના ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન માટે આવ્યા. આસિસ્ટંટ મેનેજર શ્રી લખમશી સાહેબે ભારતને ગોડાઉન બતાવવા ઇન્સ્પેક્ટરની સાથે મોકલ્યો. વીમા ઇન્સ્પેક્ટરે રૂની ગાંસડીના કંતાન અને પટ્ટીના કવરિજ ન હોવાનો વાંધો ઉઠાવ્યો. તેઓ ગોડાઉનથી ઑફિસ બાજુ આવતા હતા.
 
ભારત,'સાહેબ, એક વાત કહું. નારાજ ના થતા.' વીમા ઇન્સ્પેક્ટર,'કહો.'
ભારત,'આ મિલની પશ્ચિમે મહાલક્ષ્મી ઘોડા રેસ કોર્સ આવેલ છે. રેસના ઘોડાઓને રેસ વખતે ટ્રેનમાં લાવવામાં આવે છે. ઘોડાઓનો વીમો પણ લેવાતો હશે. ટ્રેનમાં એક સ્થળથી બીજા સ્થળનું અંતર કાપતાં સારો એવો સમય પણ લાગતો હશે. તે દરમિયાન ઘોડાઓની કુદરતી હાજત એટલે લાદ પણ હશે, જે ત્યાં જ હોવાથી ઘોડાના સ્વાસ્થ્યને હાનિકારક ગણાય. શું એ લાદ સંબંધી વીમાનું કવરિજ હોય છે? રૂની ગાંસડીઓ જિન પ્રેસથી આવે છે. એને કંતાન અને લોખંડની પટ્ટીથી બાંધવામાં આવે છે. એક રૂની ગાંસડીનું રૂ આ રીતે ન બાંધવામાં આવે તો આટલી બધી ગાંસડીઓ માટે આવા કેટલાએ ગોડાઉનો જોઈએ. કંતાન અને પટ્ટી રૂની ગાંસડી સાથે આવે, એ સર્વ માન્ય છે. જેવી રીતે ઘોડો અને એની લાદ છે.'
 
આ સાંભળી વીમા ઇન્સ્પેક્ટરને એટલું હસવું આવ્યું કે ઑફિસમાં પહોંચ્યા ત્યારે ય હસવું બંધ ના થયું. તેઓ આસિસ્ટંટ મેનેજરની કૅબિનમાં ગયા. ભારત તેની જગાએ આવ્યો. થોડીવારમાં પ્યૂને ભારતને કહ્યું કે લખમશી સાહેબ બોલાવે છે. ભારત આસિસ્ટંટ મેનેજરની કૅબિનમાં ગયો. લખમશી સાહેબ,'ભાવિન, તે આ સાહેબને શું ગુલ ખવડાવ્યું કે એમનું હસવું બંધ નથી રહેતું અને મને કહે છે કે મેં જતાવેલ વાંધાને કાઢી નાખું છું. '
 
ભારતે બન્ને વચ્ચે થયેલ વાતચીત કહી. લખમશી સાહેબ પણ હસવું રોકી ન શક્યા.
 
આવા ઘણા પ્રસંગો આવતા અને ભારત પોતાની આગવી રીતથી પરિસ્થિતિને સૂલટાવતો. લખમશી સાહેબનો એ માનીતો થઈ ગયો. એક પ્રસંગ મને બરાબર યાદ છે. અમારા ડિસ્પોઝલ ઑફિસર શ્રી યુસુફ સુલેમાન ખાનાણીની સાથેનો છે. કૅશિઅર શ્રી કરસન માધવજી ઉદેશીનો મિલમાં આવવાનો સમય મોડો હતો અને સાંજે મોડેથી છૂટતા. ખાનાણી સાહેબ નાના મોટા વેપારીઓને મિલનો ડિસ્પોઝલ કરવાના માલનો સોદો કરતા. એ સોદાના પૈસા એમની કૅબિનમાં રાખેલ કબાટમાં મૂકતા અને કૅશિઅર આવે ત્યારે એની પાસે જમા કરાવતા.પણ એમની એક ટેવ એવી કે ક્લાર્કમાંથી મને એમની કૅબિનમાં બોલાવે અને વેપારીએ આપેલ પૈસા મારે ગણીને કબાટમાં મૂકવાના. પછી કબાટને ચાવીથી બંધ કરીને ચાવી એમને સોંપવાની. ત્યારે પાછા પૂછે કે કેટલા પૈસા મૂક્યા? બીજા વેપારીને માલ બતાવવા કૅબિનની બહાર જાય અને ઘણીવાર કબાટની ચાવી પોતાના ટેબલ પર ભૂલી જાય. કોઈ કોઈવાર બીજા વેપારી એમની કૅબિનમાં બેઠેલા પણ હોય. એમની હાજરીમાં કૅશ કબાટમાં મૂક્યા હોય અને કાલે ઊઠીને એની મતિ ફરે અને પૈસા કબાટમાંથી કાઢી લે તો શકની સોય આપણા ભણી, કેમકે આપણે જ પૈસા ગણીને મૂક્યા હોય. આપણને સાક્ષી તરીકે લાવીને પોતે વેપારી પાસેથી આવેલ રકમમાં ઘાલમેલ કરી નથી, એવી એમની ચાલાકી. મારે ભારતની સાથે આ સંબંધી વાત થઈ. એનુ કહેવું હતું કે આપણે કહી દેવું જોઈએ કે ચાવી તમારી પાસે છે તેથી કેટલી રકમ છે તેનાથી તમે વાકેફ છો. હવે મને ખબર નથી. સાહેબને આ રીતે કહેતા મને બીક લાગતી. આવા જવાબથી ક્યાંક તેઓ મારી વિરુધ્ધ ફરિયાદ કરે તો?
 
એકવાર હું રજા પર હતો અને ભારતને ખાનાણી સાહેબે બોલાવ્યો. એની પાસે વેપારી પાસેથી આવેલ પૈસા ગણાવ્યા. કબાટમાં મૂકાવ્યા. કબાટને ચાવીથી બંધ કરાવ્યું અને ચાવી પોતાની પાસે લેતા કહ્યું,'કેટલા પૈસા છે?' ભારતે કહ્યું,'કબાટની ચાવી તમારી પાસે છે. કબાટમાં શું છે કે શું નથી, તે હું નથી જાણતો.'
 
સાહેબ તો ગુસ્સામાં આવીને સીધા ગયા મેનેજર સાહેબ પાસે તથા ભારતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે એવી ફરિયાદ કરી. થોડીવારમાં જેનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટંટ મેનેજર, ડિસ્પોઝલ ઑફિસર સૌ મેનેજર સાહેબની કૅબિનમાં ભેગા થયા. ભારતને બોલાવવામાં આવ્યો.
 
મેનેજર સાહેબ,'શ્રી ખાનાણી સાહેબની ફરિયાદ છે કે તમે તેમને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો.'
 
ભારતે જે પ્રસંગ બન્યો હતો તેનુ બયાન કર્યું અને કહ્યું,‘શ્રી ખાનાણી સાહેબ ઘણીવાર કબાટની ચાવી ટેબલ પર ભૂલી જઈ બીજા વેપારીને માલ બતાવવા કૅબિનમાંથી બહાર જાય છે. ત્યાં કૅબિનમાં ત્રીજો વેપારી બેઠો હોય, જો એની મતિ ફરી અને કબાટમાંથી પૈસા લઈ લે તો એ પૈસા ગુમાયાનો આરોપ તો મારી ઉપર જ આવે ને? સાહેબ, હું ભલે નાના હોદ્દાએ હોઉં પણ મેં મારી નિયત બગાડી નથી. આ કલંક મને લાગે તો મારા મા-બાપને શું મોં બતાવું? આમાં મારું વર્તન ઉદ્ધતાઈ ભરેલ ક્યાં લાગ્યું એ મારી સમજની બહાર છે. એ સાહેબ અમારી પાસે પૈસા ગણાવીને પોતાની બાજુ ઉજલી રાખે છે. જેથી કોઈ કહી ના શકે કે માલની લે-વેચમાં એમને ગોલમાલ કરી છે. પૈસા ગણવામાં વાંધો નથી પણ આવી મર્યાદા બહારની જવાબદારી વગર વાંકે અમારા પર લાદવામાં આવે છે, તેની સામે મેં એમને આ પ્રમાણે કહ્યું હતું.'
 
આ બનાવના બે-ત્રણ દિવસે આસિસ્ટંટ મેનેજરે ભારતને એમની કૅબિનમાં બોલાવ્યો અને જણાવ્યું કે હવેથી કૅશની લેવડ-દેવડ નહિ થાય. વેપારીએ માલની સામે ચેક આપવો પડશે. ગઈકાલે શેઠિયા આવ્યા હતા અને એમની પાસે મેનેજર સાહેબે એ પ્રસંગની રજૂઆત કરી હતી. શેઠનું કહેવું એમ હતું કે એ છોકરાની વાત બરાબર છે. કૅશિઅરની અનુપસ્થિતિમાં વહેવાર ચેકથી કરવો.
 
અમને પગારનો વધારો સામન્ય રીતે દર વર્ષે મળતો. આ ઉપરાંત દર વર્ષે ખાસ પગાર વધારાની યાદી શેઠ પાસે રજૂ થતી. એમાં શેઠની જ્ઞાતિના કર્મચારીઓને વિશેષ પગાર વધારો મળતો. અન્ય કર્મચારીઓને તેમનું કામ જોઈને આસિસ્ટંટ મેનેજર તથા મેનેજર સાહેબની ભલામણ પર વિશેષ પગાર વધારો મળતો. મને એક વિશેષ પગાર વધારો મળ્યો. ભારતને વિશેષ પગાર વધારો ન હતો. તે થોડો ઉદાસ થઈ ગયો. અમને સૌને પણ લાગી આવ્યું કે એનુ કામ જોતા એ વિશેષ પગાર વધારાને લાયક હતો.
 
ભારતે બીજે દિવસે મને જણાવ્યું કે એને આસિસ્ટંટ મેનેજરે ખાસ પોતાની પાસે બોલાવીને કહ્યું,'ભાવિન, તને વિશેષ પગાર વધારો ન મળ્યો તે બદલ હું દિલગીર છું. મેં તારા માટે બે વિશેષ પગાર વધારાની ભલામણ કરેલ પરન્તુ મેનેજર સાહેબનું કહેવું એમ હતું કે તું અહિ પેપરની જાહેરાતથી આવ્યો છે, કોઈની લાગવગથી નથી આવ્યો. તો હજી એક-બે વર્ષ પછી આ અંગે વિચારીશું. મને એમ કે બેની જગાએ છેવટે એક વિશેષ પગાર વધારો તેઓ માન્ય રાખશે. તું હજી યુવાન છે. સ્નાતક થયેલ છે. કામમાં હોશિયાર છે. અહિ વધારે વર્ષો કાઢવાથી તારી પ્રગતિ રૂંધાઈ જશે. બીજે સારી જગાએ અરજી કરીને ત્યાં જોડાઈ જા. મારા નાના ભાઈ તરીકે તને આ સૂચન કરૂં છું.  આઇ એમ સોરી અબાઉટ યોર સ્પેશ્યલ ઇંક્રીમેંટ.'
 
થોડા વખતમાં ભારતને આસિસ્ટંટ મેનેજરની ઓળખાણથી એક બેંકમાં નોકરી મળી ગઈ. અમારો પારિવારિક સંબંધ અકબંધ હતો. થોડા વખતમાં ત્યાં ક્લાર્કમાંથી મેનેજર થયો. એના લગ્ન વિષે એના માતા-પિતાએ એમની જ્ઞાતિમાં તપાસ કરી પણ ક્યાંય મેળ ન હતો ખાતો. એનુ કારણ અમને ત્યારે જણાયું કે જ્યારે અંકલ અને આંટીએ એક ઘટસ્ફોટ કર્યો. ભાવિન એમનો દત્તક પુત્ર હતો. તેઓએ એક અનાથાશ્રમમાંથી એ જ્યારે એકાદ વર્ષનો હશે ત્યારે એને દત્તક લીધેલ. એ સમયમાં જ્ઞાતિવાદ એટલો ચુસ્ત હતો કે અનાથાશ્રમનો સિક્કો લગ્નની આડે આવતો. ભાવિન હતોત્સાહ થયો પણ સાથોસાથ કોઈ અકલ્પિત આભા સાથે અંકલ -આંટીને પગે પડ્યો અને બોલ્યો,'મા-બાપુ, તમે સંતાપ ન કરો. ભલે, તમે મારા જન્મદાતા નથી પણ તમે મને નાનેથી મોટો જે રીતે કર્યો છે, એ કદાચ સગા મા-બાપ પણ ન કરી શકત અને મારા દાખલામાં તો મને ખબર નથી કોણ મારી જનેતા છે કે જેને મને ફંગોળી દીધો હતો. તમે મને આ સ્થાને લાવ્યા હું એ બદલ તમારો ભવોભવનો ઋણી છું. તમે તમારા જીવનો વલોપાત ન કરો. ઈશ્વરે જે નિર્માણ કર્યું હશે તે મુજબ થશે. હવે મારે ઈશ્વરને શોધવાની જરૂર નથી. મારી પાસે તમે એ સ્વરૂપે સાક્ષાત છો. મા તમે તો આમેય નામે આરતી છો અને બાપુ તમે રજનીકાંત એટલે સર્વત્ર રહેલ જ્ઞાતિના વાડાના અંધકારને દૂર કરનાર સ્વામી કે જેની આરતી મા કરે છે. હવેથી મારું મિશન (જીવનધ્યેય) આવા અનાથાશ્રમને ઉપયોગી થઈ કાર્યરત રહેવાનું હશે. મને આ માટે તમે આશિર્વાદ આપો.'
 
અમારા સૌની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. અંકલ-આંટીને લગ્ન બાદ ઘણા વર્ષે સંતાન પ્રાપ્તિ ન થવાથી તેઓએ અનાથાશ્રમમાંથી બાળકને ગોદ લેવાનું નક્કી કર્યું. બન્નેને અનાથાશ્રમ પ્રત્યે અનુકંપાની લાગણી પહેલેથી હતી. તેઓ માનતા કે એ નિર્દોષ બાળકોનો શો દોષ છે કે આમ સંસારમાં લોકોની દૃષ્ટિએ એમનો અનાદાર કરાય છે.
 
ખરેખર જાણે ઈશ્વર નિર્મિત હશે એટલે અંકલ-આંટીએ જ્ઞાતિ બહાર તપાસ કરતાં પ્રભા નામની કન્યા સાથે ભાવિનના લગ્નનો મેળ થયો. પ્રભા એના મા-બાપની એકની એક પુત્રી હતી. અંકલે પ્રામાણિકતાથી તેઓને જણાવ્યું કે ભાવિન એમનો અનાથાશ્રમમાંથી લીધેલ દત્તક પુત્ર છે. તો પ્રભાના માતા-પિતાએ જણાવ્યું કે અમારી પ્રભા પણ અનાથાશ્રમમાંથી લીધેલ દત્તક પુત્રી છે. પ્રભાની માને પુત્રીની ઘણી ઈચ્છા હતી તેથી સંતાન ન હોવાથી તેઓએ પુત્રીને દત્તક લીધી.
 
ભાવિન અને પ્રભાના લગ્ન બાદ એમને ત્યાં મહાશિવરાત્રીએ પુત્રનો જન્મ થયો તેથી એનુ નામ તેઓએ પ્રણવ રાખ્યું. પૌત્રના જન્મ પછી થોડા-થોડા સમયે દાદા રજનીકાંત અને દાદી આરતીની સંતોષ સહ અમીભરી આંખો કાયમને માટે મીંચાઈ ગઈ.
 
ભાવિન એના મિશનમાં ઉત્સાહભેર કાર્યરત થયો. પ્રભાએ પણ તેને સાથ આપ્યો. તેઓએ અનુભવ્યું કે અનાથાશ્રમમાં બાળકોની માવજત જે પ્રેમભાવથી થવી જોઈએ તે રીતે નથી થતી. મોટાભાગનો સ્ટાફ પગાર પર દૃષ્ટિ રાખી કામમાં વેઠ ઊતારતો હતો. માનવ લાગણીનો અભાવ હતો. સાધનો પણ ટાંચા હતાં. એ માટે ભંડોળ જોઈએ તે અપૂરતું હતું. પોતાની પાસે એટલું ભંડોળ ન હતું કે પર્યાપ્ત મદદ કરી શકે. બહારથી ભંડોળ એકઠું કરવામાં જેને જેને મળ્યાં તેઓએ ખાસ રસ ધરાવ્યો નહિ. સમાજની ઉદાસીનતા તેઓના ઉત્સાહને બાધારૂપ ન ગણતા, બન્નેએ પુત્ર પ્રણવને ભાવિની કેડી કંડારવા ડૉક્ટર બનાવવાનો સંકલ્પ કર્યો. તથા પ્રણવને એ માટે તૈયાર કરવા કૃતનિશ્ચય કર્યો. એમને એ પણ નોંધ્યું કે આ મિશનને બની શકે તેટલું પાર પાડવા પુત્રને પરદેશમાં સ્થાયી કરવાથી, અહિ કરતા ધનરાશિ વધુ પ્રમાણમાં મળી શકશે.
 
પ્રણવ ડૉક્ટર બન્યો તથા અમેરિકાના ન્યુ જર્સીમાં એક હૉસ્પિટલમાં જોડાયો. પ્રભા અને ભાવિને બાળપણથી એનો સુસંસ્કારી ટેવોથી ઉછેર કર્યો હતો. અનાથ બાળકો પ્રતિ પ્રણવની લાગણી ઊભરાઈ આવતી. તેના લગ્ન તેની સાથે કામ કરતી ડૉક્ટર સુકન્યા પટેલ સાથે થયા. ડૉક્ટર સુકન્યા પણ સૌમ્ય અને કરુણાની મૂર્તિ હતી. બન્નેએ મળીને 'નાનિહાલ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી તથા ભાવિન અને પ્રભાને એના ટ્રસ્ટી બનાવ્યાં.
 
આજે આ ફાઉન્ડેશન ભારતમાં ઘણું જ કાર્યરત છે. સંસારમાં જન્મ આપનારી માતાઓથી ત્યજી દેવાએલાં બાળકોના ભાવિન અને પ્રભા નાના-નાની બની એ બાળકોનો ઉછેર સારી રીતે કરે છે. ફાઉન્ડેશનના ફંડનો સ્રોત અમેરિકાથી ડૉક્ટર દંપતી દ્વારા વહે છે. ડૉ. સુકન્યાની ખ્યાતિ એના પાટીદાર સમાજમાં સારી હોવાથી જ્ઞાતિ બંધુઓ તરફથી પણ અવિરત દાન આવતું રહે છે.
 
સમાજે જેની ઉપેક્ષા કરી છે. એ બાળકોને વગર વાંકે બદતર જીવનની ચપેટમાં ધકેલી દીધાં છે. તેઓ માટે ભાવિન અને પ્રભા દંપતી એ કરેલ કાર્ય પ્રશંસાથી પણ અધિક છે. ધન્ય છે આ દંપતી અને પુત્ર અને પુત્રવધૂ, ડૉકટર દંપતી. આજે જો ડૉક્ટર પ્રણવ ભારતમાં જ સ્થાયી હોત તો મને લાગે છે કે આ મિશન આટલું સફળ થતું નહિ.’


Rate this content
Log in