Priyakant Bakshi

Others

4  

Priyakant Bakshi

Others

પી. એમ.

પી. એમ.

8 mins
14K


એક રવિવારે, બપોર પછી ભુવનને ત્યાં મિત્રો એકત્ર થયા. ગપસપ કરતા માનસિક અસ્થિરતા વિષે વાત નીકળી.
સુધાકર, 'ઘણીવાર આવી વ્યક્તિ બે જાતની વર્તણૂક કરતી જણાય છે, જે સંબંધી એ પોતે અજ્ઞાત હોય છે. હમણા થોડા દિવસ પર એવી વ્યક્તિ વિષેની વાત વાંચી હતી.’

પ્રેરક, 'એને માનસિક રીતે ભિન્ન વ્યક્તિત્વ કહેવાય. અંગ્રેજીમાં એને સ્પ્લિટ પર્સનાલિટિ કહે છે. આ એક જાતનો માનસિક રોગ છે. સાદો-સરલ લાગતો માણસ જ્યારે આનો હુમલો થાય ત્યારે જનુની કે ભિન્ન પ્રકારની વર્તણૂક કરે છે. આપણે ત્યાં અજ્ઞાનતાને લીધે, લોકો એને વળગાડ સમજી દોરા ધાગા કે ભુવાને હવાલે કરે છે. શહેર કરતા ગામમાં આવું  વિશેષ જોવા મળે છે. માનસિક રોગ ચિકિત્સક એને વિઘટનશીલ માનસિક વિકારવાળી વ્યક્તિ કહે છે. અંગ્રેજીમાં એને ડિસોશિએટિવ આઇડેન્ટિટિ ડિસૉર્ડર કહે છે.'
સુબંધુ, 'પ્રેરક કહેવું પડે, સાહિત્ય અને ઈતર વાંચનના શોખને લીધે તું તો અમારા માટે જ્ઞાન નિધિ છે.’
વિકાસ, 'આવી કોઈ વાર્તા વાંચી હોય તો જણાવ.'

પ્રેરક, ‘સ્કૉટિશ લેખક, રૉબર્ટ લૂઈસ સ્ટીવન્સનની નવલ કથા 'ડૉ. જેકીલ અને શ્રીમાન હાઈડ'  ૧૮૮૬માં પ્રસિધ્ધ થઈ હતી અને ઘણી જાણીતી છે. અંગ્રેજીમાં મૂવિ પણ આવ્યા છે. એમાં ડૉક્ટર જેકીલ ઘણા સારા સ્વભાવના છે. એમની પ્રયોગશાળામાં પ્રયોગ કરતા કોઈ પ્રવાહી પીએ છે અને એમાંથી એમનું પરિવર્તન થાય છે. એ કનિષ્ઠ પ્રકારનું પાત્ર  તે શ્રીમાન હાઈડ બને છે. ખૂન પણ કરે છે.’
ભુવન, 'એ નવલ કથા કરતા એ કે એના જેવો કોઈ બનાવ બન્યો હોય તો જણાવ.'
પ્રેરક, 'હા, બન્યો છે પણ તદ્દન નવલકથા જેવો નથી. એમાં માનસિક વિકૃતિ જરૂર જણાય છે.'
બધાએ પ્રેરકને આગ્રહ કર્યો કે એ બનાવ વિષે જણાવે.
પ્રેરક, ‘અમારી સાથે બેંકમાં કામ કરતો સહ કર્મચારી પ્રતિક મેહતા. આમ જોઈએ તો નૉર્મલ પણ કોઈ કોઈવાર એવી વર્તણૂક કરે કે એને ગાંડો ગણો તો ડાહ્યો લાગે અને ડાહ્યો ગણો તો ગાંડા કાઢે. એને બેંકનું આંતરિક કામ સોંપાયું. એના વિચિત્ર સ્વભાવને લીધે તેને ગ્રાહકથી દૂર રાખવામાં આવ્યો. બેંકના રોજબરોજના હિસાબ માટે રોજની જર્નલ બનાવવામાં આવે  છે. એને એ કામ સોંપવામાં આવ્યું હતું. તેને લીધે તે લગભગ બધા ડિપાર્ટમન્ટમાં જતો. બધા તેને ઓળખે. એના વિચિત્ર સ્વભાવને લીધે, એને પીએમ એટલે કે પ્રાથમિક માનવ- આદિ માનવ (પ્રિમિટિવ મેન) એમ ટૂંકાક્ષરમાં કહેતાં. પ્રતિક મેહતા આ રીતે પી.એમ. તરીકે ઓળખાતો. તે ગર્વભેર કહેતો કે મને તો તમે પી.એમ. એટલે વડા પ્રધાન (પ્રાઇમ મિનિસ્ટર) બનાવી દીધો, આભાર.’

અમારા એક સહ કર્મચારી, અખિલેશ અને પી.એમ. બન્ને પાડોશી હતા. અખિલેશના પિતા પણ અમારી બેંકમાં હતા. તેઓની પિછાણથી બન્નેને બેંકમાં નોકરી મળી હતી. એકવાર પી.એમ. રોજ કરતા બહુ ખરાબ મૂડમાં જણાયો. કોઈ ચિંતામાં હોય તેમ લાગ્યું.

અખિલેશે કહ્યું કે ગઈ રાતે પ્રતિકના પપ્પા, યશવંતરાય અને ગરિમાભાભી વચ્ચે ઉગ્રતા વધી ગઈ. ગરિમાભાભી બહુ રડતાં હતાં.

બીજે દિવસે અખિલેશે વાત કરી. 'મારા પપ્પા એમની એ ટપાટપીમાં છોડાવવા ગયા. એ પહેલા પણ એમને ત્યાં બહુ ગરમાગરમી થાય ત્યારે પપ્પા એમની વચ્ચે સમાધાન કરાવતા હતા. અમારે પાડોશી કરતા કુટુંબ જેવો વર્ષો જૂનો સંબંધ. પ્રતિકના પપ્પા, યશવંતરાય વકીલ છે અને અમે સૌ તેમને વકીલકાકા કહીએ. પ્રતિક લગભગ ૪-૫ વર્ષનો હશે, તે સમયે એક બનાવ બની ગયો.

એના પપ્પાએ કેસ સંબંધી કાગળો આગળની રાતે વર્ક ટેબલ પર મૂક્યા હતા. બીજે દિવસે સવારે તેઓ નહાવા ગયા. પ્રતિકની મમ્મી રસોડામા હતાં. એને રમત સૂઝી અને બધા કાગળ લઈને ફાડવા બેઠો. મોટા ભાગના કાગળ ફાડી નાખ્યા હતા. એના પપ્પા નાહીને જુએ છે તો એ કાગળોનો ડૂચો. તેઓ ઘણા ગુસ્સામાં આવી ગયા અને એમના હાથમાં ધોકો આવ્યો. તેનાથી પ્રતિકને એવો ઢીબ્યો કે પ્રતિક મોટે મોટેથી રડવા લાગ્યો. એની મમ્મી વચ્ચે પડી તો એને પણ ઢીબી કાઢી. વકીલ કાકાનો ગુસ્સો હજી શમ્યો ન હતો. તેઓ કહે, 'ખબરદાર, મારા ટેબલને હાથ લગાડ્યો છે તો, ચામડી ઊતરડી કાઢીશ. આ ઢોર મારથી મા-દીકરો બીમાર પડ્યાં. ઇસ્પિતાલમાં લઈ ગયાં. વકીલકાકાને ઘણો પસ્તાવો થયો. પ્રતિકની મમ્મીએ થોડા દિવસમાં દમ છોડી દીધો. મરતા પહેલા એમને પ્રતિકના પપ્પાને આરજૂ કરી કે પ્રતિકને સારી રીતે રાખજો. આ બનાવથી વકીલકાકા અને બાળક પ્રતિક પર ઘણી અસર થઈ. વકીલ કાકાએ બીજા લગ્ન ન કર્યા. પ્રતિકના માતા-પિતા બની રહ્યા. નાના પ્રતિકની દેખરેખ માટે સવારથી સાંજ એક બેનને રાખ્યાં. પોતાના કામેથી આવીને વકીલકાકા પ્રતિકમય બની જતા. સારી રીતે ખવડાવે-પીવડાવે અને રાતે સૂતી વખતે વાર્તાઓ કહે. પોતાના ખોળામાં ઊંઘી જાય ત્યાં સુધી લે, વહાલથી એનો બરડો પંપાળે અને પછી પલંગ પર સુવડાવે. રજા કે રવિવારે કાયમ વકીલકાકા, પ્રતિકને લઈને બાગ-બગીચા કે સારી ફિલ્મ જોવા લઈ જતા. મુંબઈના એકેય ઉદ્યાન એવા નહિ હોય કે પ્રતિક ત્યાં ગયો ન હોય. રાણીબાગ, મ્યૂઝિઅમ, એમ બધે લઈ જાય. પ્રતિક મોટો થતો ગયો. આગળ ભણતો ગયો.

પપ્પા કહેતા કે હવે વકીલકાકાના અજ્ઞાત મન પર પ્રતિક માટે એક જાતની માલિકી  ભાવના દ્રઢ થઈ ગઈ. અને પ્રતિક તેના પપ્પાનો ઘણો જ આજ્ઞાંકિત થઈ ગયો. એકવાર વકીલકાકાએ એમના વર્ક ટેબલ પરથી કશુંક લઈ આવવા તેને કહ્યું. તે ટેબલ પાસે ગયો અને કોણ જાણે કેમ ધ્રૂજવા લાગ્યો. વકીલકાકા અને પપ્પા વચ્ચે આ બનાવની વાતચીત થઈ. પપ્પાનુ કહેવું એમ હતું કે પ્રતિકના અજ્ઞાત મન પર એ બનાવ ભૂલાતો નથી. એક રીતે જોઈએ તો પ્રતિકના નામના ટૂંકાક્ષરો 'પ્રયમે' જાણે જીવનમાં પણ ઊલટપૂલટ થઈ ગયા. અર્થાત્‌ 'પ્રમેય' થઈ ગયા. એક કોયડા રૂપ!

આ બાજુ પ્રતિક મોટો થતો ગયો પરંતુ વકીલકાકા ઘણીવાર રાતે પ્રતિકને પોતાના ખોળામાં સુવડાવે અને વાર્તાઓ કહે. પ્રતિક કોઈ વાતમાં પ્રતિકાર કરતો નહિ. થોડા  સમય પહેલા પ્રતિકના લગ્ન લેવાયા.

મારા પપ્પા કહેતા કે લગ્નના થોડા દિવસ પછી વકીલકાકા રાતે પ્રતિક અને ગરિમાભાભી જે રૂમમાં ઊંઘતાં હોય તેનુ બારણું ખખડાવે અને કહે, 'પ્રતિક, ચાલ બેટા, તને સુવડાવું. વાર્તા કહું. મારો ડાહ્યો દીકરો. કેમને?' પ્રતિક પણ આજ્ઞાંકિત પુત્રની માફક રૂમની બહાર આવતો.

ગરિમાભાભી હેબતાઈ જરૂર ગયા પણ મર્યાદાને લીધે પ્રતિકાર ન કર્યો. આમ વારંવાર રાતે બનવા માંડ્યું.

ગઈ રાતે ગરિમાભાભીએ સસરાને ખરી ખોટી સંભળાવી. એમાંથી વાત વધી ગઈ. પપ્પાએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો.

બીજે દિવસે સવારે વકીલકાકા પપ્પા પાસે આવ્યા અને કહે, 'મારી ભૂલ છે. પણ કોણ જાણે કેમ રાતે પ્રતિક મારાથી દૂર હોય તે સહન નથી થતું. એને ખોળામાં લઈને વાર્તા કરીને સુવડાવ્યા પછી ચેન પડે છે. કોઈ મારા પ્રતિકને મારી પાસેથી છીનવી લે છે, એમ લાગે છે. કોઈ કોઈવાર તો રાત્રીના એવું થાય કે ગરિમાને અહીંથી કાઢી મૂકું. એ મારા પ્રતિકને છીનવી ગઈ છે.’

પછી પપ્પા એમને માનસિક રોગ ચિકિત્સક પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, 'એમની બધી વાત પરથી એમ લાગે છે કે તેઓ નોર્મલ છે. માત્ર એમનુ અજ્ઞાત મન માલિકી ભાવના માટે જનુની બને છે. જો આમ વધારે વખત ચાલશે તો એમના દીકરાની પત્નીની જિંદગીને ખતરો છે. ઉન્માદમાં અને ઈર્ષાને લીધે ન કરવાનું કરી બેસશે.'

મારા પપ્પા, 'એનો કંઈ ઉપાય ખરો કે?'

ડૉક્ટર, 'જુઓ, હું દવા તો લખી આપું છું પણ એમને કઠણ મન રાખીને દીકરા-વહુને પોતાનાથી જુદા કરવાં પડશે. એમને આ જાતના  હુમલા ક્યારે આવે એ કહી ન શકાય. એમનુ એક બીજું  સ્વરૂપ માલિકીની ભાવના પાછળ જનુની બને છે. આમેય હવે સમાજમાં પરિણીત દીકરા-વહુ, માતા-પિતાથી જુદા રહેતાં થઈ ગયાં છે. લાગણી અને ભાવાવેશમાં તણાવા કરતા, આમના કેસમાં આ જ રસ્તો છે.'

પપ્પાનુ માનવું એમ હતું કે ડૉક્ટરે નોંધ્યું તે મુજબ યશવંતરાય બે પ્રકારનુ વ્યક્તિત્વ ધરાવતા હતા. એમને એ વાતનો અણસાર હતો પરંતુ પોતાને કાબૂમા રાખી શકતા નહિ.’

ત્યારબાદ પ્રતિકે સ્ટાફની હાઉઝિંગ લોન માટે અરજી કરી. અમારે ત્યાં આ લોન માટે નિયમો ઘણા કડક હતા. એક તો બજારમાં ૧૦૦%ની રકમના અગ્રીમન્ટથી ફ્લૅટ ન મળે. ૬૦%ની રકમનો કરાર થાય. ૪૦% કૅશ આપવા પડે. બેંક અગ્રીમન્ટના ૮૦%ની રકમની લોન આપે. લોનની રકમ જેટલી જીવન વીમાની પૉલીસી લેવી પડે. ટૂંકમાં ૫૨% કૅશની જોગવાઈ અને દર મહિને જીવન વીમાનું પ્રીમિઅમ અને લોનનો હપ્તો પગારમાંથી કપાય. તદ્‌ઉપરાંત લોનની રકમ માટે બે શ્યોરિટી જોઈએ. આમ કહેવાય મકાન માટે સ્ટાફને સગવડ કરવામાં આવે છે પરંતુ એનો લાભ ઘણા ઓછા લોકો લઈ શકતા . એ સંબંધી યુનિયનની બેંક સાથે વાટાઘાટો ચાલતી હતી.

હવે બન્યું એવું કે પ્રતિકના બે શ્યોરિટીમાંથી એકને બેંક સાથે વાંધો પડ્યો. વાત એમ બની કે શ્યોરિટીની સાખ સંબંધી બેંકે ઘણી પૂછતાછ કરી. એ શ્યોરિટીનુ એવું મંતવ્ય હતું કે આટલુ તો આવકવેરાવાળા ચોલીને ચીકણું નથી કરતા. મારે શ્યોરિટી તરીકે નથી રહેવું.

બે શ્યોરિટી વગર લોન મળે નહિ. પી.એમ. મૂંઝવણમાં પડી ગયો. પી.એમ. અમારા એ.જી.એમ. (અસિસટન્ટ જેનરલ મેનેજર) પાસે ગયો. કહે, 'સાહેબ, લોન સંબંધી એક વાત કરવી છે.'

એ.જી.એમ., 'બોલો, શું વાત છે?'

પી.એમ., 'સાહેબ, એક ૨૬ વર્ષના અપરિણીત યુવક માટે ૨૪ વર્ષની કન્યાનું માંગુ યોગ્ય કહેવાય કે ૧૨-૧૨ વર્ષની બે કન્યાઓ જોઈએ?'

એ.જી.એમ., 'શું બકવાશ કરે છે?'

પી.એમ., 'હા સાહેબ, વાત એના જેવી છે. મારી હાઉઝિંગ લોન માટે એક શ્યોરિટીની સાખ લોનની રકમ કરતા કંઈ વધારે છે.

બીજાને બેંક તરફથી ખણખોદ કરતા નીકળી જવું પડ્યું. બેંક કહે છે બે શ્યોરિટી વગર લોન ના મળે. સાહેબ, મને બીજે ઘર નહિ મળે તો હું અને મારી પત્ની ફૂટપાથ પર આવી જઈશું.'

યુનિયન પણ પ્રતિકની પરિસ્થિતિથી વાકેફ હતું. એમની રજૂઆત અને એ.જી.એમ.ની ભલામણથી પ્રતિકની લોન પાસ થઈ ગઈ.

પ્રેરક, 'પી.એમ.ના આવા ઘણા પ્રસંગો  પૈકી  એક-બે પ્રસંગો જણાવું છું. તમને એના શાણપણ(?) વિષે પ્રમાણ મળશે.

એકવાર વૉશ રૂમમાં પી.એમ.ને એની રિસ્ટવૉચ નળ નીચે પાણીની ધારામાં ધોતા જોયો. મેં કહ્યું, ' પી.એમ. આ શું કરે છે? તારી રિસ્ટવૉચ બગડી નહિ જાય?'

તે કહે, 'જો, એની પાછળ લખેલ છે કે સ્ટેનલેસ સ્ટીલ અને વૉટર પ્રૂફ. કાટ નથી લાગ્યો એટલે સ્ટેનલેસ સ્ટીલ બરાબર. હવે વૉટર પ્રૂફ છે, એની ખાતરી કરું છું.'

મેં કહ્યું, 'અને તારી ઘડિયાળ બગડી ગઈ તો?'

તે કહે, 'તો હું કંપનીને લખીશ કે આમ ઘરાકને ઠગવાનું બંધ કરો.'

મેં કહ્યું, 'મારા ધ્યાનમાં હજી સુધી એવું આવ્યું નથી.'

તે કહે, 'ત્યાં જ તમે ભૂલો છો. જો ઘડિયાળ બગડી તો હું છેક સુધી લડીશ.'

બીજો પ્રસંગ જણાવું.

ઑફિસ છૂટવાના પીક અવર વખતે મુંબઈની સબર્બન ગાડીઓમાં ભીડ કેવી હોય છે, તેનાથી તમે સુવિદિત છો. વીરાર ફાસ્ટમાં બોરીવલી સુધીના મુસાફરોને બોરીવલીથી દૂર રહેતા મુસાફરો આવવા ના દે. બોરીવલી સુધીની ઘણી ગાડીઓ હોવાથી, તેઓ માને છે કે બોરીવલીથી દૂર જેઓ આવનજાવન કરે છે તેમને બેસવા નથી મળતું. જો સંજોગવસાત્‌ તમે એમાં મુસાફરી કરો તો તમને ધક્કે ચઢાવી વસઈ કે બીજા દૂરના સ્ટેશને ખેંચી જાય. આ એમનો વણલખ્યો  કાનૂન.

પી.એમ. હવે માલાડ રહે છે. અમારો એક સહ કર્મચારી  મૃદુલ વસઈથી આવે છે. એકવાર તેને પી.એમ.ને મજાકમાં કહ્યું, 'બોલ, વીરાર ફાસ્ટમાં આવવું છે?'’ પી.એમ.ને શું સૂઝ્યું કે હા કહી. બીજે દિવસે બેંકમાં મૃદુલે વીરાર ગાડીનો વૃત્તાંત કહ્યો.

મૃદુલ, 'અમે વીરાર ફાસ્ટમાં ચઢી ગયા. મને જગા મળી એટલે હું બેસી ગયો. પી.એમ. દરવાજા આગળ ઊભો રહ્યો. મેં મનમાં વિચાર્યું હતું કે પી.એમ.ને બોરીવલી ઊતરવા નહિ મળે તો હું વચ્ચે પડીને એને ઊતરવામાં મદદ કરીશ. લગભગ મોટાભાગના અમે કાયમ એ ડબ્બામાં ચઢીએ છીએ. એટલે એકબીજાથી પરિચિત છીએ. બોરીવલી આવ્યું અને પી.એમ. ઊતરવા ગયો. ૫-૬ જણા ઘેરી વળ્યા અને કહે, 'વીરાર ફાસ્ટમાં શું કામ આવ્યો? હવે વસઈ ચાલ. તને મજા ચખાડીએ છીએ.'

પી.એમ. કહે, 'જેટલી મજા ચખાડવી એટલી ચખાડો. આમેય ઘરે  જઈશ એટલે બૈરીના હાથનો માર તો ખાવાનો છે ને. એ તો રોજનો નિયમ છે. તેને કહીશ કે તારું કામ તારા ભાઈઓએ કરી દીધું છે. તો  આજ તો મુક્તિ આપ.'  પેલા લોકો હસતા-હસતા કહે, 'જવા દો આને, આપણી બેનના હાથની પ્રસાદી ચાખવા દો.' અને એને સહીસલામત બોરીવલી સ્ટેશને ઊતારી દીધો. મને એના બચાવમાં આવવાનો મોકો ન મળ્યો.'

પ્રેરક, 'બોલો, છે ને, આને ગાંડો ગણો તો ડાહ્યો લાગે અને ડાહ્યો ગણો તો ગાંડા કાઢે.'


Rate this content
Log in